Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દિવાળી પહેલાં જ દિવાળી ઊજવાઈ ગઈ: બજારના બૂરા દિન પૂરા? અચ્છે દિન શરૂ?

દિવાળી પહેલાં જ દિવાળી ઊજવાઈ ગઈ: બજારના બૂરા દિન પૂરા? અચ્છે દિન શરૂ?

Published : 09 November, 2026 01:02 PM | IST | Mumbai
Jayesh Chitalia

હજી થોડીઘણી અનિશ્ચિતતા વચ્ચે નવા વર્ષના સુધારાનો આશાવાદ વધી રહ્યો છે, જેનો સંકેત સમજવામાં શાણપણ રહેશે

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


યુએસના મિડ-ટર્મ ઇલેક્શનના પરિણામને પગલે યુએસ-ઈરાન યુદ્ધનું ટેન્શન ઘટવાની આશા, હળવા થતા ક્રૂડનાં ભાવ-સપ્લાય, ભારતમાં ટૅક્સ-કટની વધતી આશા, વૈશ્વિક સ્તરે AI બબલ ફૂટવાનાં એંધાણ, ભારતમાં વધતી ડિમાંડ અને ખરીદશક્તિ, ફૉરેન ઇન્વેસ્ટર્સની વધી રહેલી નેટ ખરીદી, મ્યુચ્યુઅલ ફંડ‍્સનો મજબૂત ટેકો, બદલાયેલું સેન્ટિમેન્ટ જેવાં પરિબળો શૅરબજારમાં શુભલાભના સંકેત આપે છે. હજી થોડીઘણી અનિશ્ચિતતા વચ્ચે નવા વર્ષના સુધારાનો આશાવાદ વધી રહ્યો છે, જેનો સંકેત સમજવામાં શાણપણ રહેશે

ગયા સોમવારે ભારતીય શૅરબજારમાં ધારણા મુજબ ઉછાળો આવ્યો. યસ, દિવાળી સારી જવાનાં એંધાણ છે કે શું એવો સવાલ પણ ચર્ચામાં આવી ગયો, કેમ કે ઉછાળા અને કડાકા અહીં છેલ્લા કેટલાક મહિનાઓથી ગમે ત્યારે આવ-જા કર્યા કરે છે. આપણે ગયા વખતે કરેલી ચર્ચા અનુસાર જિયોની ભવ્ય સફળતા અને ટૅક્સ-કટના સંકેતોએ બજારનું સેન્ટિમેન્ટ સુધારવામાં મોટો ફાળો આપ્યો છે. બીજી બાજુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) બબલ ફૂટવાના સમાચારો પ્રસરતાં AIથી હજી દૂર રહેનાર ભારતીય માર્કેટ તરફ ગ્લોબલ અને લોકલ ઇન્વેસ્ટર્સનું ધ્યાન ખેંચાયું હોવાનું કહેવાતું હતું, જેની પહેલી ઝલક ગયા સોમવારે સેન્સેક્સમાં ૧૨૦૦ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૩૫૦ પૉઇન્ટના જોરદાર જમ્પ સાથે જોવા મળી હતી.



યુએસ મિડ-ટર્મ ઇલેક્શન ઇફેક્ટ


આ બધા વચ્ચે યુએસના મિડ-ટર્મ ઇલેક્શનના પરિણામમાં ટ્રમ્પસાહેબની પીછેહઠ થઈ, તેમના પક્ષ (રિપબ્લિકન) કરતાં સામેના પક્ષ (ડેમોક્રૅટ‍્સ)ને બહુમતી મળી એટલે હવે ટ્રમ્પના નિર્ણયોનું જોર ઘટશે, ટ્રેડ-ટૅરિફથી લઈ ઈરાન-યુદ્ધનો મામલો પણ ઠંડો પડવાની આશા છે. અહીં એ નોંધવું રહ્યું કે ટ્રમ્પ પ્રેસિડન્ટ તરીકે ચાલુ રહેશે, પણ તેમના પક્ષની બહુમતી ગઈ હોવાથી ડેમોક્રૅટ‍્સના સાથ વિના તેમની બેફામ દાદાગીરી ચાલવી કઠિન બની છે. આની અસરે ભારતીય માર્કેટને રાહત થવાની આશા વધી છે. જોકે ભારતનો ટૅરિફનો મામલો લંબાઈ જશે કે કેમ એ સવાલ ઊભો થયો છે. અલબત્ત, યુદ્ધનો તનાવ દૂર થવાથી વિશ્વમાં પણ એકંદરે માહોલ હળવો બની રહ્યો છે, ક્રૂડની ભાવવૃદ્ધિની (હાલ ઑક્ટોબર બાદ પહેલી વાર ૧૦૦ ડૉલરની નીચે આવ્યા) અને સપ્લાય-ચેઇનની સમસ્યા દૂર થઈ શકે છે. આ સંદર્ભમાં જાહેરાત થવાની શરૂ થઈ ચૂકી છે. ઇન શૉર્ટ, ભારતીય ઇકૉનૉમી અને માર્કેટ માટે આને પણ અચ્છે દિન કહેવાય, જેને પગલે બુધવારે બજારની રિકવરી આગળ વધી હતી.

ટ્રમ્પની મોટી હાર, બજારની મોટી જીત


લોકો તેજીના સતત પાંચ દિવસ ઊજવતા હતા ત્યાં ગુરુવારે તો માર્કેટે ગજબ જ કરી નાખ્યું હતું. ટ્રમ્પની મોટી હારને જાણે પોતાની મોટી જીત ગણાવતું હોય એમ સેન્સેક્સે ૨૦૦૦ પૉઇન્ટ અને નિફ્ટીએ ૫૭૫ પૉઇન્ટનો ઊંચો કૂદકો માર્યો હતો. એક જ દિવસમાં આવો જમ્પ રૅર ઘટના હોય છે. FIIએ એક દિવસમાં ઊંચી નેટ ખરીદી કરી હતી. શુક્રવારે પ્રૉફિટ-બુકિંગની શક્યતા વચ્ચે બજારે વધુ સરપ્રાઇઝ આપીને દિવાળી પહેલાં જ દિવાળી બમ્પર જેવો માહોલ રચીને સેન્સેક્સનો ૧૭૦૦ પૉઇન્ટનો અને નિફ્ટીનો ૫૦૦ પૉઇન્ટનો ઉછાળો દર્શાવીને સળંગ અને અસાધારણ તેજીનું સપ્તાહ પૂરું કર્યુ હતું. સેન્સેક્સ ૮૧ હજારને પાર અને નિફ્ટી ૨૫ હજારને પાર બંધ રહ્યા હતા. ભારતીય રોકાણકારોએ આ હકીકતને સમજી લેવામાં હજી પણ સાર છે. યાદ રહે, આ દિવસોમાં સોના-ચાંદીના ભાવોમાં કડાકા બોલાયા છે, જેથી મહત્તમ ધ્યાન ઇક્વિટીઝ તરફ મંડાઈ ગયું છે. હવે ૨૦૨૭માં નવા હાઈ લેવલની આશા ઊછળી રહી છે. ઉતાવળ કે ખોટા ઉત્સાહમાં આવીને આડેધડ ખરીદી કરવાને બદલે શિસ્તબદ્ધ સિલેક્ટિવ સ્ટૉક્સ લૉન્ગ ટર્મ માટે જમા કરવામાં શાણપણ છે. યેસ સિક્યૉરિટીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમર અંબાણીના મતે હાલ ભારતના સંજોગો ખરીદીની તકોનો સ્પષ્ટ સંકેત આપે છે તેમ જ ફંડામેન્ટલ્સની દૃષ્ટિએ પણ અર્થતંત્ર મજબૂત રહ્યું છે, સ્થાનિક ડિમાંડ અને પ્રવાહિતા બહુ મોટો ટેકો છે. શૅરબજારમાં હવે પછીના સમયમાં લાર્જકૅપ સ્ટૉક્સની માગ વધશે અને નવું વર્ષ સ્ટૉક્સની ડિમાંડનું રહેશે એવી ધારણા છે.

નાણાપ્રધાનનું આશ્વાસન અને આશા

દરમ્યાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફરી વાર શૅરબજારના સોદાઓ પરના ટૅક્સ વિશે પુનઃવિચારણા કરવાની ખાતરી ઉચ્ચારી છે. તેમણે કહ્યું હતું કે નાણાખાતું રોકાણકારોની આ ટૅક્સ-ચિંતા વિશે ગંભીરપણે વિચાર કરીને નિર્ણય લેશે. આ અહેવાલ પણ માર્કેટ માટે બૂસ્ટર બન્યો છે. નોંધનીય વાત એ છે કે તેમણે ફૉરેન ઇન્વેસ્ટર્સના સતત વેચાણના દબાણની વાત કરતાં કહ્યું હતું કે મૂડીબજારના વિકાસ સાથે-સાથે ઇકૉનૉમીના ગ્રોથ માટે મૂડીની જરૂર રહે છે. તેમણે ફૉરેન ઇન્વેસ્ટર્સનો રોકાણપ્રવાહ ભારતીય બજારમાં પાછો ફરી રહ્યો હોવાની પણ નોંધ લીધી હતી. સરકાર લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સના માળખા વિશે લોકલ અને ફૉરેન બન્ને પ્રકારના રોકાણકારોને ધ્યાનમાં લેશે. મજાની વાત એ છે કે ફાઇનૅન્સ મિનિસ્ટરે આ નિર્ણય બજેટ પહેલાં લેવાઈ શકે એવો પણ ઇશારો કર્યો હતો. સંભવતઃ આ કરરાહતની ભેટ નવા વર્ષ નિમિત્તે દિવાળી બાદ અથવા ડિસેમ્બર પૂર્વે મળી જાય એવું પણ બની શકે.

પૉઝિટિવ અહેવાલો અને સંકેતો

બજાર માટે અચ્છે દિન આ રહે હૈં... જેવા સમાચારમાં યુએસમાં ટ્રમ્પની હાર સાથે જ યુએસ-ઈરાન યુદ્ધના સમાધાનના સંકેતો મજબૂત બન્યા છે, જેને પરિણામે ક્રૂડ ઑઇલનો ઘટાડો અને રૂપિયાનો સુધારો શરૂ થયો છે. અમેરિકામાં ડો જોન્સ ઇન્ડેક્સ પણ ઊછળ્યો અને વૉલસ્ટ્રીટમાં નોંધનીય રિકવરી થઈ. મજાની વાત એ છે કે ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ બાયર્સ બની રહ્યા છે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નેટ સેલર્સ બનીને પ્રૉફિટ બુક કરવા લાગ્યા, જેમણે કરેક્શન દરમ્યાન સતત ખરીદી કરી હતી. અહીં એ વિચારવા જેવું ખરું કે જો વ્યક્તિગત રોકાણકારો પણ કરેક્શનમાં ખરીદી કરતા રહ્યા હોત તો તેમને કેવો લાભ થઈ શકત. જોકે આવા વિપરીત અને નેગેટિવ સમયમાં રોકાણકારો માટે પણ ખરીદીનું જોમ લાવવું એ કસોટી અને પડકાર સમાન હોય છે. નોંધવા જેવી વાત એ પણ ખરી કે સ્મૉલ અને મિડકૅપ ફંડ‍્સ બહેતર કામગીરી દર્શાવી રહ્યાં હતાં. જોકે એની સામે લાર્જકૅપ ફંડ‍્સ નબળાં રહ્યાં, આ ચિત્ર પણ હવે બદલાયું છે અને હજી બદલાશે. અર્થતંત્ર માટે કેટલાક સકારાત્મક સમાચારોમાં GSTનું કલેક્શન ગયા મહિને ફરી ઊંચું રહ્યું હતું, જે બિઝનેસ-ખરીદશક્તિના વ્યાપને સમર્થન આપે છે. દિવાળીમાં ભલે મોંઘવારીની ચિંતા થતી હોય, પણ લોકોની ખરીદીમાં બહુ મોટી ઓટ આવી જણાતી નથી. ઇન્ડેક્સમાં હેવીવેઇટ ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરે દિવાળી પહેલાં એક જ દિવસમાં ૬ વર્ષનો મોટો ઉછાળો દર્શાવ્યો છે. જિયોને પગલે આ શૅરમાં નવો કરન્ટ આવ્યો હોવાનું કહેવાય છે. પૉઝિટિવ ડેવલપમેન્ટના અહેવાલમાં મ્યુચ્યુઅલ ફંડ‍્સમાં રીટેલ રોકાણકારોનો હિસ્સો બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, સપ્ટેમ્બરમાં આ હિસ્સો ૬૪ ટકા જેટલો થયો છે.

મંદીનો સામનો કરનાર રોકાણકાર તેજીને સાચા અર્થમાં માણી શકેઃ દિવાળી-નવા વર્ષની નીલેશ શાહની અનોખી શુભેચ્છા
‘युद्ध नहीं जिनके जीवन में, वे भी बहुत अभागे होंगे। या तो प्रण को तोड़ा होगा, या फिर रण से भागे होंगे।’ - रामधारी सिंह ‘दिनकर’ 
હિન્દી ભાષાના સુવિખ્યાત કવિ-લેખક રામધારી સિંહ ‘દિનકર’ના આ શબ્દો ટાંકીને કોટક મહિન્દ્ર મ્યુચ્યુઅલ ફંડ-અૅસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર નીલેશ શાહે પોતાના શુભેચ્છા-સંદેશમાં કહ્યું છે કે આ વાત શૅરબજારને પણ લાગુ પડે છે. જો તમે મંદીનો સામનો કર્યો ન હોય તો તમે તેજીને જાણવાનો દાવો કરી શકો નહીં. શિસ્તબદ્ધ રોકાણકાર જ્યારે બજારમાં ગભરાટ બહુ હોય ત્યારે તેના પ્લાન પડતા મૂકી દેતો નથી, વૉલેટિલિટીના યુદ્ધમેદાનને છોડીને ભાગી જતો નથી. જે રોકાણકાર અૅસેટ-અલોકેશનનું પાલન કરવાના ધર્મમાં વિશ્વાસ રાખે છે તે જ તેજીની સાચી ખુશી માણી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 01:02 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK