Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સના ધબડકા સામે શૅરબજારને ઇન્ફોસિસ અને ટીસીએસનાં રખોપાં મળ્યાં

રિલાયન્સના ધબડકા સામે શૅરબજારને ઇન્ફોસિસ અને ટીસીએસનાં રખોપાં મળ્યાં

25 June, 2021 10:38 AM IST | Mumbai
Anil Patel

અનિલ ગ્રુપના શૅર તેજીની સર્કિટ મારીને નીચલી સર્કિટે બંધ રહ્યા, રિલાયન્સ હોમ અપવાદ બન્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીની ત્રણ વર્ષમાં ૭૫,૦૦૦ કરોડના રોકાણની જાહેરાત બજારને માફક ન આવી, શૅર અઢી ટકા નજીક ડાઉન થતાં માર્કેટ કૅપમાં ૩૨,૮૦૦ કરોડ ડૂલ : અનિલ ગ્રુપના શૅર તેજીની સર્કિટ મારીને નીચલી સર્કિટે બંધ રહ્યા, રિલાયન્સ હોમ અપવાદ બન્યો : ગૌતમ અદાણીને બજારની બર્થ-ડે ગિફ્ટ - માર્કેટ કૅપમાં ૨૦,૯૭૫ કરોડનું ધોવાણ : શ્યામ અને સોનાના લિસ્ટિંગમાં ગ્રે બજારના ગણિત કાચા પુરવાર થયા : હેવી વેઇટ્સના સહારે બૅન્ક નિફ્ટી સુધારામાં બંધ

શૅરબજાર માટે ગુરુવાર મહત્ત્વનો દિવસ હતો. બજાર ૨૦૦ પૉઇન્ટ કરતાં વધુના ગૅપમાં ઉપર ખૂલી આરંભથી અંત સુધી ક્રમશઃ સુધરતું રહીને ૩૯૩ પૉઇન્ટ વધી ૫૨૬૯૯ બંધ રહ્યું છે. સેન્સેક્સ ઉપરમાં ૫૨૮૩૦ થયો હતો. નિફ્ટી ૧૫૮૨૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૦૩ પૉઇન્ટની મજબૂતીમાં ૧૫૭૯૦ થયો છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૦ કાઉન્ટર પ્લસ હતાં. ઇન્ફી અને ટીસીએસ બંને મેઇન બેન્ચમાર્ક ખાતે તગડા વધારા સાથે ટૉપ ગેઇનર બન્યા છે, જેના કારણે સેન્સેક્સને ૨૯૨ પૉઇન્ટનો લાભ થયો છે. સામે રિલાયન્સ અઢી ટકા જેવી ખરાબીમાં ટૉપ લૂઝર રહી છે અને બજારને ૧૪૨ પૉઇન્ટની હાનિ કરી છે. આ સાથે એજીએમના દિવસે બહુધા ખરાબ થવાનો સિલસિલો પણ તેણે જાળવ્યો છે. એજીએમની શરૂઆત પહેલાં રિલાયન્સ પોણા ટકાની આસપાસ નરમ હતી એ મુકેશ અંબાણીના શૅરધારકોને સંબોધન દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ૩ ટકા ઘટી ૨૧૪૦ થઈ ગઈ હતી. બીએસઈ ખાતે શૅર ૨.૪ ટકા ઘટી ૨૧૫૩ ઉપર તો એનએસઈમાં ૨.૬ ટકાની ખરાબીમાં ૨૧૪૮ની અંદર બંધ રહ્યો છે. બંને બજાર ખાતે કુલ મળીને ૪૩૨ લાખ શૅરથી વધુનું વૉલ્યુમ જોવાયું હતું. મુકેશ અંબાણીએ ત્રણ વર્ષમાં ન્યુ એનર્જી ઇકોસિસ્ટમ્સના કોમ્પોનન્ટ્સ બનાવવા માટે ૭૫૦૦૦ કરોડના રોકાણથી ૪ મહાકાય ફૅક્ટરી નાખવાની વાત કરી. સાઉદીની આરમેકોના ચૅરમૅનને બોર્ડમાં સ્થાન આપવાની તથા રિલાયન્સ રીટેલનું કદ ૩થી ૫ વર્ષમાં કમસે કમ ત્રણ ગણું કરવાની સાથે બીજી ઘણી વાતો કરી, પણ બજારને જે જોઈતું હતું એ મળ્યું નથી. સરવાળે કંપનીનું માર્કેટ કૅપ ૩૨૮૦૬ કરોડ રૂપિયા ઘટી ૧૩.૬૫ લાખ કરોડે આવી ગયું છે. અનિલ અંબાણી ગ્રુપના શૅર પણ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં બહુધા ઉપરની સર્કિટ મારીને સીધા નીચે પાંચ ટકાની મંદીની સર્કિટે પટકાયા છે. એક માત્ર રિલાયન્સ હોમ ૩.૭ ટકા વધેલી હતી.



૨૪ જૂન ગૌતમ અદાણીનો જન્મ દિવસ પણ હતો. ગઈ કાલે અદાણી એન્ટરપ્રાઇસ ચારેક રૂપિયા જેવો પરચૂરણ સુધર્યો હતો. બાકીના પાંચેક શૅર ડાઉન હતા. અદાણી પાવર તથા અદાણી ટોટલમાં તો પાંચ ટકાની નીચલી સર્કિટ લાગેલી હતી. અદાણી ટ્રાન્સમિશન સાડાત્રણ ટકાથી વધુ અને અદાણી ગ્રીન અઢી ટકાથી વધુ ઢીલા હતા. સરવાળે ગઈ કાલે અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં નેટ ૨૦૯૭૫ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બજારની આ બર્થ-ડે ગિફટ ગૌતમ અદાણીને મનેકમને સ્વીકારવી રહી. ગુરુવારે બૅન્ક નિફ્ટી બારમાંથી સાત શૅરની નબળાઈ વચ્ચે પોણો ટકો કે ૨૫૩ પૉઇન્ટ વધીને ૩૪૯૨૭ બંધ હતો, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી બૅન્ક ઑફ મહારાષ્ટ્રના નામકે વાસ્તે પાંચ પૈસાના સુધારાને બાદ કરતાં બાકીના ડઝન શૅરના ઘટાડે ૧.૪ ટકા કટ થયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી આઠ શૅર પ્લસ હતા. સીએસબી બૅન્ક સાડાત્રણ ટકા અને સિટી યુનિયન બૅન્ક ૨.૮ ટકા અપ હતી. આઇસીઆઇસીઆઇ બૅન્ક તથા ઍક્સિસ બૅન્ક દોઢેક ટકાની આસપાસ સુધર્યો હતો. સામે બૅન્ક ઑફ બરોડા, ઉજજીવન, યુકો બૅન્ક, આઇઓબી, કૅનેરા બૅન્ક, જેકે બૅન્ક, યુનિયન બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક પોણાબેથી સવાત્રણ ટકા ડાઉન હતા.


સાટિયા ઇન્ડ.માં તેજીતરફી બ્રેક આઉટથી બુલિશ-વ્યૂ

સાટિયા ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે એનએસઈ ખાતે ૧૩.૮૨ લાખ શૅરના કામકાજમાં ઉપરમાં ૯૮ નજીક જઈ છેલ્લે સાડાત્રણ ટકા વધી ૯૩ રૂપિયા ઉપર બંધ આવ્યો છે. આ સાથે બંધની રીતે શૅર હવે ૫૦, ૧૦૦ અને ૨૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજની ઉપર બંધ આવતાં તેજીતરફી બ્રેક આઉટ આવ્યું છે. ચાર્ટની રીતે હવે વધઘટે ૧૨૦ સુધીનું લેવલ નજીકમાં આવી શકે. જે વટાવાય તો પછી ૧૫૦નું ટાર્ગેટ અપાય છે. પેપર શૅરો તેજીમાં છે. પિઅર ગ્રુપની તુલનામાં સાટિયા ઇન્ડ. પ્રમાણમાં ઘણો સસ્તો છે. રિઝલ્ટ સારા આવ્યા છે. મહત્ત્વાકાંક્ષી વિસ્તરણ યોજના હાથ ધરાઈ છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ બાવન ટકા જેવું છે અને એક પણ શૅર ગિરવે મુકાયેલો નથી, એ મોટું જમા પાસું કહી શકાય. કંપનીની ન્યુ પેપર લાઇન કાર્યરત થવામાં છે. ઝૂમ સાથે થયેલો વ્યૂહાત્મક સહયોગ કરાર ટૉપ લાઇન અને બૉટમ લાઇનમાં નોંધપાત્ર વૃદ્ધિ આણશે. ગુરુવારે પેપર-પેપર પ્રોડક્ટસ સેગમેન્ટ સિલેક્ટિવ પ્રૉફિટ બુકિંગમાં હતું. ઉદ્યોગના ૪૬ શૅરમાંથી ૧૯ જાતો વધી હતી. જે. કે. પેપર, સ્ટાર પેપર, એસ્ટ્રોન, એનઆર અગરવાલ, રુચિશ, આંધ્ર પેપર, મેટ્રો ગ્લોબલ, માલુ પેપર, ઓરિએન્ટ પેપર, શ્રેયા ઇન્ડ. જેવા પેપર શૅર દોઢ ટકાથી લઈને સાડાચાર ટકા સુધી ડાઉન હતા. સેંગલ પેપર પાંચ ટકા વધીને ૮૯ બંધ હતો.


શ્યામ અને સોનાના લિસ્ટિંગમાં ગ્રે માર્કેટના ગણિત સાવ ખોટા પડ્યા...

શૅરદીઠ ૩૦૬ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ વાળો શ્યામ મેટલિક્સ ગુરુવારે લિસ્ટિંગમાં બીએસઈ ખાતે ૩૦૨ ખુલ્યા બાદ ઉપરમાં ૩૯૯ અને નીચામાં ૩૬૭ થઈ છેલ્લે ૩૭૬ રૂપિયા બંધ આવ્યો છે. એનએસઈ ખાતે ભાવ ૩૮૦ ખૂલી ઉપરમાં ૩૯૯ અને નીચામાં ૩૭૦ બતાવી ૩૭૫ રૂપિયા બંધ હતો. બંને બજાર ખાતે કુલ ૨૯૦ લાખ શૅરના કામકાજ થયા હતા. ૯૦૯ કરોડ રૂપિયાનું આ ભરણું ૧૨૧ ગણાથી વધુ ભરાયું હતું અને ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૩૫-૧૪૦ આસપાસના ભાવે થવું જોઈતું હતું. બીજી તરફ જેના પ્રીમિયમ માંડ ૪-૫ રૂપિયા ચાલતા હતા એ સોના બીએલડબ્લ્યુ કે સોના કોમસ્ટાર ૨૯૧ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૦૨માં લિસ્ટેડ થયો. ત્યાર બાદ ભાવ એકધારો વધતો ગયો ને લિસ્ટિંગના સવા કલાકમાં જ શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૬૩ નજીક પહોંચી છેવટે ત્યાં જ બંધ રહ્યો. ભાવ નીચામાં ૨૯૫ થયો હતો. બંને બજાર ખાતે ૪૬૮ લાખ શૅરના કામકાજ હતા. ૫૫૦૦ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ (જેમાં ૫૨૫૦ કરોડ ઑફર ફૉર સેલ સ્વરૂપના છે) ફક્ત દોઢેક ગણો જ ભરાયો હતો. જાણકારોના મતે સોનામાં ગ્રે માર્કેટના પ્રીમિયમ સાવ નિરસ બનાવી લિસ્ટિંગ સાધારણ ભાવે કરાવી ગામનો માલ પડાવી લેવાની રમત થઈ ગઈ છે. હવે આ કાઉન્ટર અવનવા ન્યુઝ ફેરવી ખેંચવામાં આવશે. ગામ લેવા દોડશે!

ઇન્ફી, ટીસીએસ તેમ જ આઇટી ઇન્ડેક્સ લાઇફટાઇમ હાઈ થયા

ઇન્ફોસિસમાં શૅરદીઠ મહત્તમ ૧૭૫૦ રૂપિયાના ભાવની ૯૨૦૦ કરોડ રૂપિયાની બાયબૅક ઑફર શુક્રવારથી ખૂલી રહી છે. કંપનીએ કમસેકમ ૫૦ ટકા રકમ ઉપયોગમાં લેવાની ખાતરી આપી છે. મતલબ કે આશરે ૨૬૩ લાખ શૅરની ખરીદી પાછળ બાયબૅક સાઇઝના ૫૦ ટકા એટલે કે ૪૬૦૦ કરોડ રૂપિયા અવશ્ય વાપરવામાં આવશે. ભંડોળ પૂરું થાય ત્યાં સુધી અગર તો ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી બાયબૅક ઑફર ચાલુ રહેવાની છે. બાયબૅકના કરન્ટમાં ઇન્ફીનો શૅર ગઈ કાલે ૧૫૧૬ ખૂલી ૧૫૬૮ની સર્વોચ્ચ સપાટી બતાવી ૩.૮ ટકાની મજબૂતીમાં ૧૫૫૯ બંધ રહ્યો છે. ઇન્ફીની હૂંફમાં ટીસીએસ ૩૩૮૨ની વિક્રમી સપાટી બનાવી ૩.૪ ટકાના ઉછાળે ૩૩૭૩ રૂપિયા બંધ રહ્યો છે. આ બંને હેવી વેઇટ્સના જોરમાં આઇટી ઇન્ડેક્સ પણ ૨૯૯૫૪ની લાઇફટાઇમ હાઈ બનાવી ૮૪૬ પૉઇન્ટ કે ૨.૯ ટકાની તેજીમાં ૨૯૮૭૫ જોવાયો છે. વિપ્રો દોઢ ટકો વધ્યો છે. એચસીએલ ટેકનો ૧.૯ ટકા તથા ટેક મહિન્દ્રા ૨.૨ ટકા અપ હતા. સમગ્ર આઇટી ઇન્ડેક્સમાંના ૫૦માંથી ૨૫ શૅર ગુરુવારે પ્લસ હતા. તાતા પાવરના ૪૮.૬ ટકા સહિત જેમાં તાતા ગ્રુપ ૫૦.૧ ટકા હોલ્ડિંગ ધરાવે છે એ નેલ્કો ૨૮૦નું બેસ્ટ લેવલ બનાવી ૬.૯ ટકાના જમ્પમાં ૨૬૯ બંધ આપી અત્રે ટૉપ ગેઇનર હતી. આ ઉપરાંત ઇન્ફીબીમ, માઇન્ડ ટ્રી, માસ્ટેક, રોલ્ટા જેવી જાતોમાં પણ નવા શિખર દેખાયા છે. આઇટીની હૂંફમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પણ ૧૩૨૦૦નું બેસ્ટ લેવલ હાંસલ કરીને અઢી ટકા વધી ૧૩૧૬૬ બંધ રહ્યો છે. અત્રે ૨૮માંથી ૧૩ શૅર ડાઉન હતા. વોડાફોન ૩.૬ ટકાની નબળાઈમાં ટૉપ લૂઝર હતો.

ઓર્ચિડ ફાર્મા ૭૨ ટકા ડિસ્કાઉન્ટમાં ઑફર ફૉર સેલ પાછળ મંદીની સર્કિટમાં

લિસ્ટિંગ સંબંધી ધારાધોરણોનું પાલન કરવાના હેતુથી ઓર્ચિડ ફાર્મામાં પ્રમોટર ધાનુકા લૅબોરેટરીઝ તરફથી આઠેક ટકા કે ૩૨.૮૦ લાખ શૅરની બે દિવસની ઑફર ફૉર સેલ ગુરુવારથી શરૂ થઈ છે જેમાં ફ્લોર પ્રાઇસ શૅરદીઠ ૩૭૫ રૂપિયા રખાઈ છે. ૧૩૨૦ રૂપિયા નજીકના આગલા બંધ ભાવની તુલનામાં આ રેટ ૭૨ ટકાનું ડિસ્કાઉન્ટ સૂચવે છે. આની અસરમાં શૅર સીધો ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૧૧૮૮ નજીક ખૂલી છેવટે ત્યાં જ બંધ રહ્યો છે. પ્રમોટર ધાનુકા લૅબનું હોલ્ડિંગ ૯૮.૦૪ ટકાનું છે બૅન્કરપ્ટ થયેલી આ કંપનીને ધાનુકા દ્વારા હસ્તગત કરવામાં આવી ત્યાર પછી ૩ નવેમ્બર ૨૦૨૦માં શૅરનું રિલિસ્ટિંગ થયું. ભાવ એ વખતે ફક્ત ૧૮ રૂપિયા હતો જે એકધારી ઉપલી સર્કિટમાં વધતો રહી આ વર્ષે એપ્રિલના પ્રારંભે ૨૬૮૦ રૂપિયાની અભૂતપૂર્વ સપાટીએ ગયો હતો. એના સંદર્ભમાં ઑફર ફૉર સેલની ફ્લોર પ્રાઇસ ૧૪ ટકા પણ નથી બેસતી. આ ફ્લોર પ્રાઇસ પછી શૅર બેશક નીચલી સર્કિટની ચાલમાં વધુ ઘટતો જશે. હવે સવાલ એ છે કે ૧૮ રૂપિયામાં રિલિસ્ટ થયેલી કંપની એકધારી તેજીની સર્કિટ મારીને માત્ર પાંચ માસથીય ઓછા સમયમાં ૧૪૭૯૦ ટકા વધી ગઈ ત્યાં સુધી સેબીના સાહેબો અને બજારના સત્તાવાળા શું કરતા હતા? અને હવે જ્યારે ઑફર ફૉર સેલ ૭૨ ટકા ડિસ્કાઉન્ટમાં આવી છે એટલે એ વાત સ્પષ્ટ છે કે શૅરના હાલના બજારભાવ તદ્દન ખોટા છે. આ સમગ્ર મામલાની તપાસ કોણ કરશે? કૃત્રિમ તેજીના ખેલમાં જે રોકાણકારો લઈને ભરાઈ ગયા તેમનું નુકસાન કોણ ભરપાઈ કરશે?

દરમિયાન જેટ ઍરવેઝ સતત ત્રીજા દિવસે પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૧૦ નજીક બંધ રહ્યો છે. પીએનબી હાઉસિંગ પાંચ ટકાની મંદીની સર્કિટ નજીક ૬૬૮ રૂપિયા જોવાયો છે. ઓએનજીસીના પરિણામ બજાર બંધ થયા પછી આવવાના હતા. ભાવ સવાયા કામકાજમાં એક ટકાથી વધુની નરમાઈમાં ૧૨૨ રૂપિયા બંધ થયો છે. ટાઇડ વૉટર ઑઇલ દોઢ ટકાથી વધુની પીછેહઠ સાથે ૧૨૨૧૦ રૂપિયા બંધ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 10:38 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK