BMCએ ગેરકાયદે બાંધકામ તોડી પાડીને મહાવીરનગરનો રસ્તો અને ફુટપાથ સાફ કરવા માટે એને ખાલી કરાવવાની ઝુંબેશ શરૂ કરી છે
BMCના અતિક્રમણ-વિભાગે શુક્રવારે સાંજે કરેલી કાર્યવાહી હેઠળ ગેરકાયદે સ્ટૉલ્સ અને દુકાનોએ ગેરકાયદે રીતે વધારેલાં બાંધકામને તોડી પાડ્યાં હતાં.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના R-સાઉથ વૉર્ડે શુક્રવારે રાત્રે ભારે મશીનરી અને પોલીસ-ટીમ સાથે કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં ગેરકાયદે બાંધકામોનો સફાયો કર્યો હતો. મેયર રિતુ તાવડે દ્વારા મુંબઈમાં ગેરકાયદે ફેરિયાઓ પર કાર્યવાહી કરવાના આહ્વાનને પગલે કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
BMCના અધિકારીએ આ અતિક્રમણવિરોધી ડ્રાઇવ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કાંદિવલીના મહાવીરનગરમાં ઘણા ગેરકાયદે ફેરિયાઓ અને ગેરકાયદે બાંધકામો ઊભાં કરી દેવાયાં છે. આ ગેરકાયદે ફેરિયાઓ, સ્ટૉલ્સ અને દુકાનો સામેનાં ગેરકાયદે અતિક્રમણોને કારણે વાહનોમાં મુસાફરી કરતા લોકો તેમ જ રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એથી BMCએ ગેરકાયદે બાંધકામ તોડી પાડીને મહાવીરનગરનો રસ્તો અને ફુટપાથ સાફ કરવા માટે એને ખાલી કરાવવાની ઝુંબેશ શરૂ કરી છે. ઓછામાં ઓછાં ૬૫ ગેરકાયદે બાંધકામો અને ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
રોડ અને ફુટપાથ ખાલી કરાવવાની અને અતિક્રમણ-મુક્ત કરવાની ઝુંબેશને સરળ બનાવવા માટે BMCએ ૩ JCB, ૭ ડમ્પર તેમ જ અન્ય સાધનો તહેનાત કર્યાં હતાં. પૂરતા પોલીસ-બંદોબસ્ત સાથે BMCના ૪૭ કર્મચારીઓએ આ ઝુંબેશને અમલમાં મૂકી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ નાગરિકો માટે સ્વચ્છ, સલામત અને મુશ્કેલીમુક્ત જાહેર વાતાવરણ પૂરું પાડવાનો છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ઘણા લોકોએ આ કાર્યવાહીના વિડિયો-ફોટો લઈને સોશ્યલ મીડિયામાં સર્ક્યુલેટ કર્યા હતા.
છેલ્લા અઠવાડિયાથી BMC દાદર, મુલુંડ, વિદ્યાવિહાર સહિત અન્ય વિસ્તારોમાં ગેરકાયદે ફેરિયાઓ પર કડક કાર્યવાહી કરી રહી છે અને તેમને હટાવવાની ઝુંબેશ શરૂ કરી રહી છે.
