જો સમીર વાનખેડે સામે લાંચ લેવાનો આરોપ છે તો લાંચ આપનાર સેલિબ્રિટીઝ સામે પણ કાર્યવાહી કરવાની અરજી પર આજે સુનાવણી
આર્યન ખાન, સમીર વાનખેડે
૨૦૨૧માં એક ક્રૂઝ પર ડ્રગ્સકેસમાં ઝડપાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને બચાવવા ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીને પચીસ કરોડ રૂપિયાની લાંચ આપવાના કેસમાં સંડોવાયેલા શાહરુખ ખાન અને અન્ય સેલિબ્રિટિઝ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાની માગણી કરવામાં આવી હતી. સોમવારે લાંચકેસ માટે કરવામાં આવેલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL)ની બૉમ્બે હાઈ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે.
PIL-અરજદારે શાહરુખ ખાન, આર્યન ખાન, પૂજા દાદલાણી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) તથા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના કેટલાક અધિકારીઓ સામે FIR નોંધવા માટે આદેશ આપવાની માગણી કરી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે લાંચના આરોપોને કારણે ભૂતપૂર્વ NCB ઑફિસર સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ લાંચ આપનારાઓને આરોપી બનાવવામાં આવ્યા નથી. જોકે લાંચ આપવી એ પણ ઍન્ટિ કરપ્શન લૉ હેઠળ ગુનો હોવાથી લાંચ આપનાર સેલિબ્રિટી પર પણ કાર્યવાહીની માગણી થઈ રહી છે.
આ કેસમાં શાહરુખ ખાને કોઈ લાંચ આપવામાં આવી ન હોવાનો દાવો કર્યો છે, જ્યારે અરજદારના કહેવા મુજબ જો લાંચ આપવામાં આવી ન હોય તો સમીર વાનખેડે સામે લાંચ સ્વીકારવા બદલ કેસ કઈ રીતે નોંધાય. આવતી કાલે અરજીની સુનાવણીમાં કાયદાને ધ્યાનમાં રાખીને તટસ્થ તપાસ થાય એવી માગણી કરવામાં આવી છે.
