Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઈરાન-ઇઝરાયલ વચ્ચેના ઘર્ષણમાં શૅરબજારો ઘસાયાં : સેન્સેક્સ ૮૪૫ પૉઇન્ટ ડાઉન, ક્રૂડ પર બજારની ખાસ નજર

ઈરાન-ઇઝરાયલ વચ્ચેના ઘર્ષણમાં શૅરબજારો ઘસાયાં : સેન્સેક્સ ૮૪૫ પૉઇન્ટ ડાઉન, ક્રૂડ પર બજારની ખાસ નજર

16 April, 2024 07:05 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ આગલા બંધથી ૯૩૦ પૉઇન્ટની ખરાબીમાં ૭૩,૩૧૫ ખૂલી ત્યાંથી ૫૮૧ પૉઇન્ટના સુધારે ઉપરમાં ૭૩,૯૦૬ બતાવી અંતે ૮૪૫ પૉઇન્ટના ધોવાણમાં ૭૩,૪૦૦ નજીક તથા નિફ્ટી ૨૪૭ પૉઇન્ટ બગડી ૨૨,૨૭૨ બંધ આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


જેફરીઝ દ્વારા ૩૯૦ની તગડી ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયના રેટિંગમાં ઓએનજીસી ઝમકમાં :  રિલાયન્સ પાવરે મંદીની સર્કિટ આગળ ધપાવી, રિલાયન્સ ઇન્ફ્રામાં ખુવારી અટકી : રિલાયન્સની લોટસ ચૉકલેટ પરિણામની પૂર્વસંધ્યાએ ૧૪ ટકાના ઉછાળે નવી ટોચે : બૅન્કિંગના ૪૧માંથી ૩૯ શૅર ડાઉન, ગ્લોબલ વેક્ટ્રાને ઇલેક્શન ખરેખર ફળ્યું : આજે તીર્થ ગોપીકૉન અને ડીસીજી કેબલ્સનું લિસ્ટિંગ થશે, ગ્રે માર્કેટમાં પ્રીમિયમમાં કડાકો : બ્રોકરેજ હાઉસના બુલિશ વ્યુનો કરન્ટ જાળવી રાખતાં પૂર્વન્કારા નવી ટોચે : એક્સાઇડ ઇન્ડ.માં નવાં શિખર જારી, હિન્દુ. ઝિન્ક પ્રૉફિટ બુકિંગમાં આવ્યો 

યુદ્ધમાં જ્યારે પ્રથમ ગોળી છૂટે છે ત્યારે એનો પહેલો શિકાર શૅરબજારો બને છે. ગાઝાનું ટેન્શન પત્યું નથી, ત્યાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જંગની સ્થિતિ આવી ગઈ છે. મામલો હજી સીમિત છે, યુદ્ધની હદે વકર્યો નથી, પરંતુ ભય પ્રસરી ગયો છે, જેમાં સોમવારે લગભગ તમામ એશિયન બજાર માઇનસ થયાં છે. ચાઇના સવા ટકાના સુધારામાં અપવાદ રહ્યો છે. ક્રૂડ ૧૦૦ ડૉલરે જવાની નવી ભીતિ વચ્ચે ૯૧ ડૉલર વટાવી રનિંગમાં ૮૯.૫૦ ડૉલર આસપાસ હતું. હાજર ચાંદી વિશ્વસ્તરે સવા દોઢ ટકો વધી છે, સોનુ નહીંવત્ સુધારામાં ૨૩૪૮ ડૉલર જોવાયું છે. કૉપર, ઍલ્યુમિનિયમ, ઝિન્ક, નિકલ વાયદા સવાથી અઢી ટકા ઉપર ગયા છે. ઈરાનના ડ્રોન અટૅકના અહેવાલ પછી બિટકૉઇન આઠેક ટકા તૂટી ૬૧,૮૪૨ ડૉલર થયા બાદ બાઉન્સ બૅકમાં રનિંગમાં ૬૬,૬૭૩ ડૉલર દેખાયો છે. 

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૯૩૦ પૉઇન્ટની ખરાબીમાં ૭૩,૩૧૫ ખૂલી ત્યાંથી ૫૮૧ પૉઇન્ટના સુધારે ઉપરમાં ૭૩,૯૦૬ બતાવી અંતે ૮૪૫ પૉઇન્ટના ધોવાણમાં ૭૩,૪૦૦ નજીક તથા નિફ્ટી ૨૪૭ પૉઇન્ટ બગડી ૨૨,૨૭૨ બંધ આવ્યો છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડઝોનમાં ગયાં છે. જેફરીઝના બુલિશ વ્યુની આડમાં ઓએનજીસી ૫.૩ ટકા ઊંચકાઈ ૨૮૦ની મલ્ટિયર ટોચે બંધ થતાં ઑઇલ ગૅસ તથા એનર્જી ઇન્ડેક્સની લાજ રહી ગઈ હતી. બૅન્ક નિફ્ટી ૧.૬ ટકા કે ૭૯૧ પૉઇન્ટ, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૧ ટકા, નિફ્ટી મીડિયા ૨.૩ ટકા, આઇટી દોઢ ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક પોણાબે ટકા, કૅપિટલ ગુડ્સ ૮૫૧ પૉઇન્ટ કે ૧.૬ ટકા, પાવર-યુટિલિટીઝ દોઢેક ટકા ડૂલ થયા છે. રોકડું અને બ્રૉડર માર્કેટ વ્યાપક નબળાઈમાં રહેતાં માર્કેટ બ્રેડ્થ ખાસ્સી બગડી છે. NSEમાં ૩૯૫ શૅર પ્લસ તો સામે ૧૮૫૮ જાતો માઇનસ થઈ છે. બજારનું માર્કેટ કૅપ ૫.૧૯ લાખ કરોડના ઘટાડામાં ૩૯૪.૪૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. 

ઘરઆંગણે ચૂંટણીનો તહેવાર છે. કંપની-પરિણામની સીઝન શરૂ થઈ છે. સ્કાયમેટ તરફથી નૉર્મલ મૉન્સૂનની આગાહી પછી હવે દેશના હવામાન ખાતાએ ચોમાસું નૉર્મલ કરતાં સારું રહેવાની ભવિષ્યવાણી કરી દીધી છે. આમ પણ અત્યારે વાયદા-વચનો, વરતારા અને વિકાસની યશગાથાની વાતો માંડવાની મૌસમ ચાલે છે. મગજ બંધ થઈ જાય એવો વાણીવિલાસ પુરજોશમાં છે. ફન્ડામેન્ટલ્સ બજારની તેજી સાથે મેળ ખાતાં નથી. વૅલ્યુએશન ફાટીને ધુમાડે ચડ્યું છે. શૅરના ભાવ અને કૉર્પોરેટ કમાણી વચ્ચેનો ગૅપ ૧૯૯૦ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આમ છતાં કરેક્શન હાંસિયામાં હડસેલાયું છે. ચૂંટણી પતે નહીં ત્યાં સુધી મિનિંગ ફુલ કરેક્શન નહીં આવે કે નહીં આવવા દેવાય એ નક્કી છે. 

ટીસીએસમાં બહેતર પરિણામનો સુધારો ખરાબ બજારે ધોવાયો 
જેફરીઝ તરફથી ૩૯૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયની ભલામણ આવતાં ઓએનજીસી ૫.૩ ટકાની તેજીમાં ૨૮૦ નજીક બંધ આપી નિફ્ટી ખાતે વધેલા ૬ શૅરમાં ટૉપ ગેઇનર બન્યો છે. સેન્સેક્સમાં નેસ્લે સવા ટકાના સુધારે વધેલી ૩ જાતોમાં મોખરે હતો. બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે વધેલા અન્ય શૅરમાં હિન્દાલ્કો સવાબે ટકા અને મારુતિ સુઝુકી સવા ટકા આસપાસ મુખ્ય હતા. ટીસીએસ ધારણા કરતાં બહેતર પરિણામમાં પ્રારંભિક મજબૂતી દાખવી ૪૦૬૩ બતાવ્યા બાદ નબળા બજારને લઈ પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ૩૯૨૦ થઈ દોઢ ટકો ઘટી ૩૯૪૨ રહ્યા છે. ઇન્ફીનાં રિઝલ્ટ ૧૮મીએ છે, ભાવ સવા ટકો ઘટીને ૧૪૬૭ હતો. વિપ્રો પોણાત્રણ ટકા ખરડાઈ ૪૫૮ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ICICI બૅન્ક ૨.૪ ટકા ખરડાઈ ૧૦૭૮ બંધ આપી બજારને ૧૬૦ પૉઇન્ટ તો HDFC બૅન્ક પોણાબે ટકા બગડી ૧૪૯૩ના બંધમાં ૧૫૯ પૉઇન્ટ નડી છે. ગલ્ફમાં ટેન્શન વધતાં લાર્સન બે ટકા તૂટી ૩૬૦૬ હતો. રિલાયન્સ દોઢા કામકાજે નીચામાં ૨૮૯૩ થઈ નામપૂરતા ઘટાડે ૨૯૩૨ રહ્યો છે. અલ્ટ્રાટેક, હિન્દુ. યુનિલીવર, ઍ​ક્સિસ બૅન્ક, ટેક મહિન્દ્ર, તાતા મોટર્સ, બજાજ ટ્વિન્સ, અદાણી પોર્ટ્સ, ભારત પેટ્રો, આઇશર, SBI લાઇફ, ડિવીઝ લૅબ, તાતા કન્ઝ્યુ, તાતા સ્ટીલ, અપોલો હૉસ્પિટલ્સ જેવી જાતો દોઢથી અઢી ટકા કપાઈ છે. 

ક્રૂડમાં તેજીની નવી ભીતિ પાછળ ટાયર, એવિયેશન, પેઇન્ટ્સ શૅરોમાં ખરાબી
ઈરાનના ડ્રોન અટૅકથી મધ્ય પૂર્વ ખાતે યુદ્ધની સ્થિતિ પેદા થઈ છે. સનફાર્મા અને અદાણી પોર્ટ્સ ઇઝરાયલ ખાતે નોંધપાત્ર બિઝનેસ ઇન્ટરેસ્ટ ધરાવે છે. સનફાર્મા નીચામાં ૧૫૦૩ થઈ સાધારણ ઘટાડે ૧૫૩૪ તથા એની ગ્રુપ કંપની સ્પાર્ક પાંચ ટકાની એક વધુ મંદીની સર્કિટે ૩૯૯ બંધ આવી છે. અદાણી પોર્ટ્સ બે ટકા ગગડી ૧૩૧૭ રહી છે. ગલ્ફનું ટેન્શન લાર્સન માટે પણ ખરાબ સમાચાર છે. શૅર નીચામાં ૩૫૮૭ બતાવી ૨.૧ ટકા ખરડાઈ ૩૬૦૧ નીચે બંધ હતો. ક્રૂડ વધીને ૧૦૦ ડૉલરે જવાની નવી દહેશત ટાયર, પેઇન્ટસ, એવિયેશન, સરકારી તેલ કંપનીઓ પર ભીંસ લાવશે. ગઈ કાલે ઇ​ન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન સવા બે ટકા અને સ્પાઇસ જેટ પોણા છ ટકા ખરડાઈ છે. સામે ઇલેક્શનમાં હેલિકૉપ્ટરમાં નેતાઓની ઉડાઉડ વધી જતાં ગ્લોબલ વેક્ટ્રા પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૬૬ની ટોચે બંધ થયો છે. પેઇન્ટ્સ ઉદ્યોગના તમામ ૯ શૅર ઘટ્યા છે. બર્ગર પેઇન્ટ્સ પોણા બે ટકા, કન્સાઇ નેરોલેક બે ટકા, શાલિમાર પેઇન્ટ ત્રણેક ટકા, રેટિના પેઇન્ટ્સ પોણાચાર ટકા, કામધેનુ વેન્ચર્સ પોણાચાર ટકા, સિરકા પેઇન્ટ્સ સાડાચાર ટકા ઝંખવાઈ છે. એશિયન પેઇન્ટ્સ અડધો ટકો નરમ હતી. ટાયર્સમાં એમઆરએફ ૨૩૪૨ રૂપિયા કે પોણાબે ટકા, જેકે ટાયર્સ ત્રણ ટકા, ટીવીએસ શ્રીચક્ર ૨.૧ ટકા, અપોલો ટાયર્સ દોઢ ટકા, ગુડયર દોઢ ટકો, મોદી રબર પાંચ ટકા, સીએટ સાધારણ માઇનસ હતી. ક્રૂડનો કકળાટ લુબ્રિકન્ટ્સ કંપનીઓને નડ્યો છે. કેસ્ટ્રોલ પોણાપાંચ ટકા, ગલ્ફ ઑઇલ ૫.૧ ટકા, જીપી પેટ્રોલિયમ સાડાત્રણ ટકા, પનામાં પેટ્રો અઢી ટકા, ગોધાર ઑઇલ બે ટકા માઇનસ હતી. 

ઍસ્ટર ડીએમ ૧૧૮૦ ટકાના સ્પેશ્યલ ડિવિડન્ડ પાછળ ઊછળી નવા શિખરે 
ઍસ્ટર ડીએમ દ્વારા ૧૦ના શૅરદીઠ ૧૧૮ રૂપિયાનું સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર થતાં ભાવ બાર ગણા કામકાજે ૫૫૮ની વિક્રમી સપાટી બનાવી સાડાસાત ટકા ઊંચકાઈ ૫૨૫ થયો છે. ન્યુલૅન્ડ લૅબમાં ગોલ્ડમૅન સાક્સ દ્વારા ૯૧૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થતાં ભાવ વૉલ્યુમ સાથે વધુ સાત ટકા કે ૪૬૬ના ઉછાળે ૭૧૨૭ નોંધાયો છે. ઇલે. વેહિકલ્સની બૅટરીઝ માટે કીઆ મોટર સાથે સંયુક્ત સાહસની સ્થાપના પછીના કરન્ટમાં એક્સાઇડ ઇન્ડ. ૪૨૪ના બેસ્ટ લેવલે જઈ પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૪૦૮ વટાવી ગઈ છે. આજે આ શૅર ૪૦ નજીકના પીઈ ઉપર પહોંચી ગયો છે. જ્યારે કે આખી દુનિયામાં તમામ બૅટરીઝ કંપનીઓના શૅર માંડ ૧૪ના પીઈમાં મળે છે. અગાઉના છ વર્ષમાં ૪૩.૭ ટકા વધેલો અને એની સામે છેલ્લા નવ દિવસમાં જ ૪૮ ટકા ઊછળી ૪૩૨ના શિખરે ગયેલો હિન્દુસ્તાન ઝિન્ક ગઈ કાલે પ્રૉફિટ બુકિંગમાં પોણાછ ટકા ગગડી ૪૦૭ થયો છે. વેદાન્તા ૩૮૪ની મ​લ્ટિયર ટૉપ બનાવી અઢી ગણા કામકાજે નહીંતર ઘટાડામાં ૩૭૨ રહી છે. અંબુજા સિમેન્ટ દ્વારા માય હોમ ગ્રુપનું ગ્રાઇ​ન્ડિંગ યુનિટ ૪૧૪ કરોડમાં હસ્તગત કરાયું છે. જોકે શૅર અડધો ટકો ઘટી ૬૦૭ બંધ હતો. રિલાયન્સ ઇન્ફ્રા બે દિવસના ભારે કડાકા પછી સવા ટકો સુધરીને ૨૦૦ રહ્યો છે, પરંતુ રિલાયન્સ પાવર સતત ત્રીજી નીચલી સર્કિટે ૫ ટકા તૂટી ૨૬ થયો છે. 

જ્વેલરી શૅરોમાં ઘટતી ચમક વચ્ચે સેન્કો ગોલ્ડ ૧૪૯ રૂપિયા ઝળક્યો
ગોલ્ડમાં આસમાને ગયેલા ભાવને ડિમાન્ડ ઠપ્પ પડવાની ગણતરી છે. આમ છતાં સેન્કો ગોલ્ડ સ્ટ્રૉન્ગ બિઝનેસ આઉટલુકની થીમમાં ૯૬૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૮.૬ ટકા કે ૧૪૯ રૂપિયા ઊંચકાઈ ૯૫૧ બંધ રહી છે. આ શૅર ૨૦૨૪ના વર્ષના સાડાચાર માસમાં ૩૬.૬ ટકા વધી ચૂક્યો છે. આશાપુરી ગોલ્ડ સવાત્રણ ટકા, ખજાનચી જ્વેલર્સ દોઢ ટકા, થંગમયિલ અને ટીબીઝેડ અડધો ટકો પ્લસ હતી. સામે કલ્યાણ જ્વેલર્સ પોણાબે ટકા, પીસી જ્વેલર્સ પોણાચાર ટકા, ગોલ્ડિયમ સવાચાર ટકા, મોતીસન્સ સાડાત્રણ ટકા, સ્કાય ગોલ્ડ અઢી ટકા, રેનેસાં ગ્લોબલ પાંચ ટકા, રાધિકા જ્વેલ્સ ૨.૩ ટકા, આરબીઝેડ જ્વેલર્સ ૫ ટકા, સ્વર્ણસરિતા ૧૪.૭ ટકા, ઉદમ જ્વેલરી સાડાત્રણ ટકા, એસએમ ગોલ્ડ અઢી ટકા જંખવાઈ છે.  ગઈ કાલે બૅ​ન્કિંગના ૪૧માંથી બે શૅર પ્લસ હતા. સીએસબી બૅન્ક ૬.૯ ટકા તો સૂર્યોદય બૅન્ક બે ટકા વધી છે. તમામ બારેબાર સરકારી બૅન્કો બગડી હતી. યુકો બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, બંધન બૅન્ક, જેકે બૅન્ક, ઉજજીવન બૅન્ક પોણાચારથી ચાર ટકા કટ થઈ હતી. ફાઇનૅન્સમાં ૧૫૦માંથી ૧૭ શૅર પ્લસ હતા. કેપ્રિ ગ્લોબલ ૧૨ ટકાની તેજીમાં ૨૪૫ થઈ છે. 

સંકલ્પ પત્રની થીમ વહેતી થતાં ૬૩ મૂન્સ આઇટીમાં ઝળક્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંકલ્પ પત્રમાં સાઇબર સિક્યૉરિટી પર ભાર મુકાયો હોવાની થીમમાં ૬૩ મૂન્સ ૪.૭ ટકા ઊંચકાઈ ૪૧૮ બંધ રહ્યો છે. રામ્કો સિસ્ટમ્સ બે ટકા અને ઇન્ટલેક્ટ ડિઝાઇન સવાબે ટકા પ્લસ હતી. અન્યથા આઇટીના ૬૦માંથી ૫૫ શૅર રેડઝોનમાં બંધ થયા છે. ટેલિકૉમમાં ઇન્ડ્સ ટાવર બે ટકાની આગેકૂચમાં ૩૩૪ની ટોચે ગયો છે. વોડાફોન દોઢ ટકો વધ્યો હતો, ભારતી ૧૨૨૫ના લેવલે ફ્લૅટ હતો. ભારતી હેક્સાકૉમ એક ટકો ઘટી ૮૦૬ રહી છે. દરમ્યાન મંગળવારે તીર્થ ગોપીકૉન અને ડીસીજી કેબલ્સનું લિ​સ્ટિંગ છે, બન્ને અમદાવાદી કંપની છે. તીર્થમાં ૨૦વાળું પ્રીમિયમ તૂટી હાલ ૮ રૂપિયે આવી ગયું છે. ડીસીજી કેબલ્સમાં પ્રીમિયમ ૧૦ ચાલતું હતુ, હાલ કોઈ સોદા નથી. ટીવી-૧૮ અઢી ટકા, તાતા એલેક્સી ત્રણેક ટકા, ઝી એન્ટર સવાત્રણ ટકા, નેટવર્ક-૧૮ સાડાત્રણ ટકા, કોફૉર્જ ચાર ટકા, એચએફસીએલ સાડાચાર ટકા ગગડી છે. લોટસ ચૉકલેટ રિઝલ્ટની પૂર્વસંધ્યાએ ૪૨૪ના શિખરે જઈ ૧૪ ટકાના ઉછાળે ૪૦૩ વટાવી ગઈ છે. કંપનીમાં રિલાયન્સ ૫૧ ટકા હિસ્સો ધરાવે છે. પૂર્વાન્કારા ૪૫૨ની ટાર્ગેટ પ્રાઇસ સાથે યસ સિક્યૉ. દ્વારા બાયના રેટિંગ પછી વધતો રહી સાડાનવ ટકાનો જમ્પ મારી ૩૫૫ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 07:05 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK