Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ છેવટે ૧૦૦ ડૉલરની પાર થયું, બજાર ૮૧૩ પૉઇન્ટ લપસ્યું

ક્રૂડ છેવટે ૧૦૦ ડૉલરની પાર થયું, બજાર ૮૧૩ પૉઇન્ટ લપસ્યું

Published : 10 September, 2026 10:55 AM | IST | Mumbai
Anil Patel

ITમાં સળંગ છઠ્ઠા દિવસે નરમાઈ, IT ઇન્ડેક્સ સવાત્રણ ટકા ડૂલ, HCL ટેક્નો તથા ઇન્ફી બજારોમાં વર્સ્ટ પર્ફોર્મર

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ITમાં સળંગ છઠ્ઠા દિવસે નરમાઈ, IT ઇન્ડેક્સ સવાત્રણ ટકા ડૂલ, HCL ટેક્નો તથા ઇન્ફી બજારોમાં વર્સ્ટ પર્ફોર્મર : ખરાબ બજારમાં અદાણીના શૅર ગેલમાં, અદાણી એન્ટરપ્રાઇઝીસ નિફ્ટીમાં તો અદાણી પોર્ટ્‍સ સેન્સેક્સમાં ઝળકી : HDFC બૅન્કમાં ૭૧ માસનું અને હિન્દુસ્તાન યુનિલીવરમાં પોણાસાત વર્ષનું બૉટમ : ચેન્નઈ પેટ્રોમાં ૧૦ ટકાની તેજી, MRPL સાડાછ ટકા મજબૂત, રેમન્ડમાં તેજીને બ્રેક લાગી 

ઈરાન-અમેરિકા વચ્ચેનો ટકરાવ થાળે પડે અેવી કોઈ શક્યતા હમણાં દેખાતી નથી. સરવાળે બ્રેન્ડ ક્રૂડ ૧૦૦ ડૉલર પાર કરી ગયું છે. અેની સીધી અસરમાં બુધવારે બહુમત એશિયન બજાર ઘટ્યાં છે. યુરોપ ઑપનિંગની નરમાઈ પછી સાર્વત્રિક રનિંગમાં વધુ ખરડાયું છે. એશિયા ખાતે સાઉથ કોરિયા રનિંગમાં વધુ ખરડાયું છે. એશિયા ખાતે સાઉથ કોરિયા ૧.૪ ટકા તથા ચાઇના અને તાઇવાન નહીંવતથી સામાન્ય પ્લસ હતાં. અન્યત્ર નરમાઈ હતી, પરંતુ ઘટાડો ઘણો સીમિત હતો. સિંગાપોર અડધો ટકો તો હૉન્ગકૉન્ગ ૦.૩ ટકા માઇનસ થઈ મોખરે હતું. યુરોપ રનિંગમાં સવાથી સવાબે ટકા ડૂલ થયું છે. ડૉલર સામે રૂપિયો ઘટાડાની આગેકૂચમાં ૯૫.૨૪ થઈ ૯૫.૧૩ દેખાયો છે. સ્થાનિક શૅરબજાર વધુ ડહોળાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૬૧ પૉઇન્ટ નીચે, ૭૫,૨૧૬ ખૂલી છેવટે ૮૧૩ પૉઇન્ટની તાણમાં ૭૪,૭૬૪ તો નિફ્ટી ૨૦૪ પૉઇન્ટ બગડી ૨૩,૪૩૧ બંધ આવ્યો છે. શૅરઆંક ઉપરમાં ૭૫,૨૫૧ થતાં નીચામાં ૭૪,૭૬૪ થયો હતો. કસીનો સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૪,૮૯૫ તથા નિફ્ટી ૨૩,૪૫૫ નજીક હતા, નબળી માર્કેટબ્રેડ્થમાં NSEમાં ૧૪૮૧ શૅર વધ્યા હતા સામે ૨૦૯૨ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૦૧ લાખ કરોડ ઘટી ૪૮૪.૨૦ લાખ કરોડ રહ્યું છે. સેન્સેક્સના એક ટકા અને નિફ્ટીના પોણા ટકા પ્લસના ઘટાડા સામે IT ઇન્ડેક્સ સવાત્રણ ટકા કે ૯૨૩ પૉઇન્ટ કપાયો છે. રિયલ્ટી બે ટકા, નિફ્ટી ફાઇનૅન્સ સવા ટકો, નિફ્ટી FMCG એક ટકો ડાઉન હતાં. બૅન્ક નિફ્ટી નરમાઈ આગળ વધારતાં ૦.૯ ટકા ડૂલ થયો છે. સામે મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા, પાવર અને યુટિલિટીઝ એકાદ ટકો પ્લસ હતા. 
નિફ્ટી ખાતે અદાણી અેન્ટરપ્રાઇઝીસ ૧૫૨ રૂપિયા કે પાંચ ટકાથી વધુ ઊંચકાઈ ૩૧૦૫ અને સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સ ૩.૭ ટકા વધી ૧૭૭૧ના બંધમાં ટૉપ ગેઇનર બની છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર ૩ ટકા, અદાણી ગ્રીન બે ટકા, અદાણી એનર્જી એક ટકો, NDTV એક ટકો, અદાણી ટોટલ અડધો ટકો વધ્યો છે. HDFC બૅન્ક ૬૮૭ની ઑક્ટોબર ૨૦૨૦ પછીની બૉટમ બનાવી સવાબે ટકા ખરડાઈ ૬૮૭ના બંધમાં બજારને ૨૦૧ પૉઇન્ટ ભારે પડી છે. ઇન્ફોસિસ ૪.૪ ટકા તૂટી ૧૦૩૫ના બંધમાં ૧૪૧ પૉઇન્ટ તથા રિલાયન્સ એક ટકો ઘટી ૧૨૮૧ના ક્લોઝિંગમાં ૭૬ પૉઇન્ટ નડી છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧૯૩૪ની ડિસેમ્બર ૨૦૧૯ પછીનું વર્સ્ટ લેવલ દર્શાવી ૧.૯ ટકા ખરડાઈ ૬૮૭ના બંધમાં બજારને ૨૦૧ પૉઇન્ટ ભારે પડી છે. નિફ્ટી ખાતે ઇન્ફી ૪.૩ ટકા ગગડી ૧૦૩૫ના બંધમાં તો સેન્સેક્સમાં HCL ટેક્નૉલૉજીઝ સાડાચાર ટકા ખરડાઈ ૧૨૨૬ના બંધમાં ટૉપ લૂઝર બની છે. અન્યમાં TCS સવા બે ટકા, ટેક મહિન્દ્ર ૩.૯ ટકા, વિપ્રો ૨.૩ ટકા, HDFC લાઇફ પોણાચાર ટકા, સિપ્લા દોઢ ટકો, બજાજ ફાઇનૅન્સ ૧.૪ ટકા, અલ્ટ્રાટેક સવા ટકો, તાતા કન્ઝ્યુમર ૧.૩ ટકા, નિફટીમાં ભારતી અૅરટેલ ૧.૬ ટકા ડૂલ થઈ છે. સેન્સેક્સમાં તાતા સ્ટીલ ૨.૪ ટકા, ટ્રેન્ટ ૧.૧ ટકા, નિફ્ટીમાં મેક્સ હેલ્થકૅર સાડાચાર ટકા, કોલ ઇન્ડિયા અઢી ટકા, હિન્દાલ્કો પોણાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ દોઢ ટકો મજબૂત હતી. ગ્રેફાઇટ ઇન્ડિયા ૨૧ ગણા કામકાજે ૮૭૪ના શિખરે જઈ ૧૫ ટકાની તેજીમાં ૮૪૫ થઈ છે. ચેન્નઈ પેટ્રોલિયમ ૧૦ ટકા તો MRPL સાડાછ ટકા ઊંચકાઈ છે. રેમન્ડ તાજેતરની તેજી બાદ પોણાછ ટકા લથડી ૮૦૯ હતી. PVR આઇનૉક્સ સાડાચાર ટકા બ્લર થઈ ૧૧૭૧ રહી છે. 



V-ગાર્ડ અને વૉન્ડરલાના ધરાનાની વિગાલૅન્ડનો ઇશ્યુ આજે


પ્રાઇમરી માર્કેટમાં ગજબની ધમાલ છે. ચાલુ સપ્તાહે કુલ મળીને બાવીસ IPO છે. ગઈ કાલે એક સાથે ૯ ભરણાં ખૂલી ગયાં પછી આજે, ગુરુવારે વધુ પાંચ ઇશ્યુ ખૂલવાનાં છે. અેમાંથી ૪ SME IPO છે. મેઇન બોર્ડમાં કેરલના અર્નાકુલમ ખાતેની વિગાલૅન્ડ ડેવલપર્સ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપરબેન્ડમાં કુલ ૨૧૦ કરોડનું ભરણું આજે લાવશે ૨૦૦૭માં સ્થપાયેલી આ રિયલ્ટી કંપનીએ ગત વર્ષે ૩૦ ટકાના વધારામાં ૨૫૪ કરોડની આવક ઉપર ૩૦ ટકા વૃદ્ધિદરમાં ૨૬૬૧ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૧૭૭ કરોડથી ઘટીને ૮૫ કરોડ રહ્યું છે. ઇશ્યુનું ભંડોળ હાથ ઉપરના તેમ જ નવા પ્રોજેક્ટસ પૂરા કરવા વપરાશે. કંપની રિજનલ પ્લેયર છે, ભરણું ઘણું નાનું છે, પરંતુ આ કંપની વૉન્ડરલા તેમ જ V-ગાર્ડના પ્રમોટર્સના ઘરાનાની છે એટલે ઇશ્યુને કશું જોખમ દેખાતું નથી. ગ્રેમાર્કેટમાં ૧૮થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી ૩૦ થયા બાદ અત્યારે ૨૦ છે. 
૪ SEM ઇશ્યુમાંથી એક નવી દિલ્હીની રેક્સન ટ્રાન્સફૉર્મર્સ ૧૦ના શૅરદીઠ ૨૭૩ની અપરબેન્ડમાં ૩૦ કરોડની OFS સહિત કુલ ૧૫૦ કરોડનો BSE SME IPO આજે લાવી રહી છે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝ છે. ઇશ્યુમાં QIB ૨૧.૩ ટકા તથા રીટેલ પોર્શન માત્ર ૧૪.૯ ટકા છે. ૧૯૯૫માં સ્થપાયેલી વિવિધ પ્રકારના ટ્રાન્સફૉર્મર્સ બનાવતી આ કંપની ગત વર્ષે ૧૨ ટકા વધારામાં ૩૬૪ કરોડ જેવી આવક ઉપર ૬૫ ટકા વધારામાં ૩૩૬૦ લાખ નફો દેખાડી દીધો છે. દેવું ૨૧ કરોડ નજીક છે. પ્રીમિયમ ૨૫ ખૂલી ત્યાં જ છે. બીજી કંપની થાણેના વસઈ ખાતેની ઓમ ગૅલૅક્સી પાંચના શૅરદીઠ ૯૦ની અપરબેન્ડમાં કુલ ૧૦૫ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપની ક્લિનિંગ પ્રોડક્ટ્સ, ઑટોમોટિવ મૉલ્ડ્સ, પાઇપ ‌ફિ‌ટિંગ્સ, હોટ રનર સિસ્ટમ્સ વગેરે બનાવીને વેચે છે. ગત વર્ષે ૧૦ ટકા વધારામાં ૧૨૫ કરોડ નજીક આવક ઉપર પાંચ ટકા વધારામાં ૧૬૬૪ લાખ નફો કર્યો છે. દેવું ૩૮ કરોડ જેવું છે. પ્રીમિયમ શરૂ થયું નથી. ત્રીજી કંપની નવી દિલ્હીની મહારાજા બૅન્ડ સ્પીડેક્સ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૮૬ની અપરબેન્ડમાં ૧૬ કરોડની ઑફર ફૉર સેલ સાથે કુલ ૮૦ કરોડનો BSE SME ઇશ્યુ આજે લાવશે. ૨૦૦૬માં સ્થપાયેલી આ કંપની સ્ટેઇનલેસ સ્ટીલની બૉટલ્સ તેમ જ અન્ય ડ્રિન્કવેર પ્રોડક્ટ્સ બનાવે છે, વેચે છે. ગત વર્ષે ૩૧ ટકા વધારામાં ૧૨૩ કરોડ જેવી આવક ઉપર ૧૭૬ ટકા વધારામાં ૧૫૩૪ લાખ નફો બનાવી દીધો છે. દેવું ૨૬૬૬ લાખ છે. બે વર્ષ પૂર્વે આવક ૬૧ કરોડ અને નફો ફક્ત ૧૦૮ લાખ હતો. પ્રીમિયમ ૧૫થી શરૂ થયા બાદ ખેંચી ૩૦ રૂપિયે લઈ જવાયું છે. હાલ ૩૦ ચાલે છે. ચોથી કંપની પણ નવી દિલ્હીની છે. પંચતત્ત્વ ભારત લિમિટેડ જેવું આસ્થાવર્ધક અેનું નામ છે. ૨૦૨૪માં સ્થપાયેલી આ કંપની ટેક્સટાઇલ્સ ક્ષેત્રે છે જે થર્ડ પાર્ટી મારફત ડેનિમ ફૅબ્રિક્સ બનાવી વેચાણ કરે છે. ઇશ્યુમાં QIB પોર્શન નથી એટલે રીટેલ પોર્શન ૫૦ ટકા છે. કંપની ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ફિક્સ્ડ ભાવથી કુલ ૨૧ કરોડનો BSE SME IPO ગુરુવારે કરવાની છે. કંપનીએ ૨૦૨૪-૨૫ના વર્ષે ૨૪.૬ ટકા વધારામાં ૪૯ કરોડ આવક ઉપર ૪૦ ટકા વધારામાં ૨૮૩ લાખ નફો બતાવ્યા પછી ગત વર્ષે ઑક્ટોબર ૨૦૨૫ સુધીના ૭ માસમાં ૩૦ કરોડની આવક ઉપર ૨૦૧ લાખ નફો દેખાડ્યો છે. દેવું વધતું રહી ૧૨ કરોડ નજીક થયું છે. પ્રીમિયમ હાલ નથી. 

નવાં ખૂલેલાં ૯ ભરણાંમાં પ્રથમ દિવસે વિનોદ નબળા રિસ્પૉન્સમાં


ગઈ કાલે એકસાથે ૯ ભરણાં ખુલ્યાં છે. અેમાં મેઇન બોર્ડના ૬ ઇશ્યુ છે. પ્રથમ દિવસે અેમાંથી રેન્ટોમોજો લિમિટેડનો એકના શૅરદીઠ ૪૦૪ની અપરબેન્ડમાં ૧૨૫૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં દોઢ ગણા સહિત કુલ ૧.૩ ગણો ભરાયો છે. પ્રીમિયમ હાલ ૧૪૦ છે. બીજી કંપની મુંબઈની એસેટ રિકન્સ્ટ્રક્શન કે આર્સિલનો ૧૦ના શૅરદીઠ ૧૩૯ની અપરબેન્ડમાં ૭૩૩ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૫૫ ટકા સહિત કુલ ૩૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ હાલ ૨૮ ચાલે છે. ત્રીજી કંપની મનીપાલ પેમેન્ટનો બેના શૅરદીઠ ૩૩૯ની અપરબેન્ડમાં ૮૦૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬૫ ટકા સહિત કુલ ૧૭ ટકા ભરાયો છે. હાલમાં પ્રીમિયમ ઘટીને ૨૭ થયું છે. ગુજરાતના સુરત ખાતેની સ્ટીમ હાઉસ ઇન્ડિયાનો બેના શૅરદીઠ ૮૧ના ભાવનો ૪૧૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬૫ ટકા સહિત કુલ ૪૦ ટકા પ્રથમ દિવસે ભરાયો છે. પ્રીમિયમ હાલમાં ૨૦ બોલાય છે. પાંચમી કંપની અમદાવાદી LCC પ્રોજેક્ટ્સનો પાંચના શૅરદીઠ ૧૪૬ની અપરબેન્ડમાં ૪૨૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં સવા ગણા સહિત કુલ ૧.૩ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૪૦ ચાલે છે. છઠ્ઠી કંપની મુંબઈના અંધેરીની કરમતારા એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૨૫૪ની અપરબેન્ડમાં ૮૭૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૧ ગણા સહિત કુલ ૧.૩ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધીને ૬૯ ચાલે છે. 
SME સેગમેન્ટમાં પ્રથમ દિવસે એમટેક એસ્ટર્સનો ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવનો ૧૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૭ ટકા સહિત કુલ ૧.૨ ગણો, વિનોદ ટેક્સવર્લ્ડનો ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવનો ૪૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૯ ટકા સહિત કુલ પાંચ ટકા તથા ઇનફ્રેક્સ રિન્યુએબલનો ૧૦ના શૅરદીઠ ૧૦૪ના ભાવનો ૪૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૫ ટકા સહિત કુલ ૯ ટકા ભરાયો છે. હાલમાં એમટેકમાં ૧૧ રૂપિયા, વિનોદમાં ૧૫ રૂપિયા અને ઇનફ્રેક્સમાં ઝીરો પ્રીમિયમ છે. 
ચાલુ અન્ય ભરણાંમાં મેઇન બોર્ડ ખાતે બીજા દિવસના અંતે ગ્લાસવૉલ સિસ્ટમ્સનો બેના શૅરદીઠ ૧૮૨ના ભાવનો ૪૨૮ કરોડનો ઇશ્યુ કુલ ૮ ગણો, કાનોહર ઇલેક્ટ્રિકલ્સનો બેના શૅરદીઠ ૬૩૨ના ભાવનો ૧૫૫૬ કરોડનો ઇશ્યુ કુલ સાડાઆઠ ગણો તથા પ્રસોલ કેમિકલ્સનો બેના શૅરદીઠ ૬૭૬ના ભાવનો ૫૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૭૫ ટકા ભરાયો છે. અત્યારે કાનોહરમાં ૨૨૩નું, પ્રસોલમાં ઝીરો અને ગ્લાસવૉલમાં ૬૦નું પ્રીમિયમ બોલાય છે. પ્રણવ કન્સ્ટ્રકશન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ના ભાવનો ૩૫૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪૫ ગણા સહિત કુલ ૧૨૭ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ ૪૩ ચાલે છે. SME કંપની અપના લૉજિસ્ટિકસનો ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવનો ૩૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં સવાબે ગણા સહિત કુલ ૧.૩ ગણો આખરી દિવસે ભરાયો છે. પ્રીમિયમ ગગડી ઝીરો થયું છે. 

નાશિકની ESDS સૉફ્ટવેર ઉપલી સર્કિટ સાથે એક વધુ નવા શિખરે 

આગલા દિવસે માંડ દસેક ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૯૪ બંધ થયેલી દીપા જ્વેલર્સ ગઈ કાલે ઉપરમાં ૨૦૩ બનાવી ૩.૭ ટકા વધી ૨૦૧ તથા સાડાચાર ટકાની લિસ્ટિંગ લૉસમાં ૨૨૮ બંધ થયેલી રેઝ ઑફ બિલિફ લિમિટેડ ગઈ કાલે નીચામાં ૨૧૭ દેખાડી અઢી ટકા વધી ૨૩૪ રહી છે. જ્યારે SME સેગમેન્ટમાં ૮૦ ટકા પ્લસના લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૬ બંધ આવેલી ફાર્મ પીસ લિમિટેડ ગઈ કાલે ૧૦૧ની નવી બૉટમ દેખાડી પાંચ ટકા તૂટી ૧૦૧ અને ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ સાથે ૭૮ નીચે બંધ રહેલી ફ્લાય-હાઈ મૅરિટાઇમ ગઈ કાલે ૭૪ નીચેનું તળિયું બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ હતી. ૧૦૮ ટકાના લિસ્ટિંગ ગેઇન પછી મારફાડ તેજીમાં બૅક-ટુ-બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી ૧૨૮૯ ઉપરના બેસ્ટ લેવલે બંધ થયેલી નાશિકની ESDS સૉફ્ટવેર ગઈ કાલે ૧૪૧૮ની નવી ટૉપ નોંધાવી ૧૦ ટકા ઉપલી સર્કિટમાં ૧૪૧૮ થઈ છે. આશુતોષ ફાઇબર ૧૫૭ની ટૉપ બનાવી પોણાબે ટકા ઘટી ૧૫૧ હતી. શાંતિ ઇનઑર્ગેનિક્સ ૧૬૮ના શિખરે જઈ પાંચ ટકા ઊછળી ૧૬૧, ફીકેમ ટેક્નૉલૉજીઝ ૫૩ની બૉટમ બનાવી પાંચ ટકા તૂટી ૫૩ રહી છે. પર્પલ સ્ટાઇલ બેલ્સ નીચે ૫૩૮ નોંધાવી એક ટકો વધી ૫૬૨ હતી. 
TVS હોલ્ડિંગ્સ તરફથી પ્રત્યેક શૅરદીઠ ૧૦નો એક એવા ૪૬ કમ્યુલેટિવ નૉન-કન્વર્ટિબલ રીડીમેબલ પ્રેફરન્સ શૅર બોનસમાં અપાયા છે જે વાર્ષિક ૬ ટકાનું વ્યાજ ઑફર કરે છે. TVS હોલ્ડિંગ્સ આ ઇશ્યુમેન્ટ્સના બોનસમાં મંગળવારે એક્સ બોનસ થયા પછી પોણાત્રણ ટકા કે ૩૭૯ રૂપિયા ઘટી ૧૩,૩૭૬ બંધ થઈ હતી. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૩,૩૬૫ થઈ દોઢ ટકો ઘટી ૧૩,૧૬૭ બંધ રહ્યો છે. TVS હોલ્ડિંગ્સના શૅરની ફેસવૅલ્યુ પાંચની છે. બુકવૅલ્યુ ૩૭૮૩ છે. પ્રમોટર્સ હોલ્ડિંગ્સ ૭૪.૫ ટકાનું છે. TBZ લિમિટેડ એક વધુ ઉપલી સર્કિટમાં ૫૭૩ નજીક નવી વિક્રમી સપાટી બતાવી ૪ ટકા ગગડી ૫૨૪ નીચે બંધ આવી છે. અન્ય જ્વેલરી શૅરમાં પ્રાયોરિટી જ્વેલ્સ ૨૧૦ની નવી વર્સ્ટ સપાટી બનાવી ઉપલી સર્કિટે પાંચ ટકા વધીને ૨૨૯ થઈ છે. AJC જ્વેલ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૨૪૫ના નવા શિખરે બંધ હતી. AET જ્વેલર્સ પોણાઆઠ ટકા, PNGS રેવા પાંચ ટકા, થંગમયિલ પોણાપાંચ ટકા કે ૨૨૫ રૂપિયા, મનોજ જ્વેલર્સ પોણાચાર ટકા, RBZ જ્વેલર્સ પાંચ ટકા, એશિયન સ્ટાર ૫.૨ ટકા, કલ્યાણ જ્વેલર્સ પોણો ટકો, સેન્કોગોલ્ડ પોણાબે ટકા ઝંખવાઈ છે. 
ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સ આગલા દિવસની ખરાબી બાદ નજીવા સુધારામાં ૨૦૬ તો IFCI વધુ ૩.૮ ટકા બગડી ૮૯ થઈ છે. સ્ટેટ બૅન્ક તથા બૅન્ક ઑફ બરોડા અડધો ટકો નરમ થઈ છે. દરમ્યાન ગ્રેમાર્કેટમાં NSEનું પ્રીમિયમ ઉપર ૨૫૭ થયા પછી ઘટી ૨૨૧ બોલાય છે. BSE લિમિટેડ ૩ ટકા ખરડાઈ ૩૨૯૦ તો MCX ૩૩૪૦ના લેવલે ફ્લૅટ રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 10:55 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK