Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > લૉજિકની બહાર વિવિધ ઍસેટ્સના ભાવો ચાલી રહ્યા છે? સમજવું અને સંભાળવું જરૂરી

લૉજિકની બહાર વિવિધ ઍસેટ્સના ભાવો ચાલી રહ્યા છે? સમજવું અને સંભાળવું જરૂરી

Published : 03 November, 2025 08:38 AM | Modified : 03 November, 2025 08:43 AM | IST | Mumbai
Jayesh Chitalia

ગ્લોબલ અનિ​શ્ચિતતા-નકારાત્મકતા સે​ન્ટિમેન્ટ નબળું પાડનાર પરિબળ, ટ્રમ્પ પણ ચિંતાનું કારણ, શૅરબજારમાં FII ફરી વાર નેટ સેલર્સ બન્યા છે, અમેરિકા અને વૈશ્વિક નબળાઈઓ ચિંતા વધારી રહ્યાં છે. કરેક્શન સહજ છે. બાકી ભારતના બહેતર આર્થિક સંજોગો વચ્ચે સાવચેતી જરૂરી

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


ભારતીય સ્ટૉક માર્કેટે સબળી દિવાળી બાદ નબળી ચાલ જોવાનો સમય આવ્યો, અમેરિકા અને ગ્લોબલ અનિ​શ્ચિતતા FIIને નેટ સેલર્સ બનાવીને માર્કેટ સે​ન્ટિમેન્ટ બગાડી રહ્યાં છે. બીજી બાજુ ભારતીય IPO માર્કેટમાં લાગેલી કતાર નાણાં-ભંડોળ ઊભું કરતી જાય છે જેમાં ચિંતાની બાબત એ છે કે લોકો સમજ્યા વિના રોકાણ કરવાનું જોખમ લઈ રહ્યા છે. વિશ્વમાં વિવિધ ઍસેટ્સના ભાવ તર્કહીન વધી રહ્યા છે કે વૉલેટાઇલ થઈ રહ્યા છે. ભાવો વધે તો એને જ​​સ્ટિફાય કરતાં કારણો જાહેર થાય છે અને ઘટે તો એને પણ જ​સ્ટિફાય કરવામાં આવે છે, બાકી ઘણુંબધું લૉજિકની બહાર ચાલી રહ્યું છે. તેજીમાં તણાઈ જવામાં આપણા રોકાણકારો માહેર છે, તેમને ભાન ભૂલતાં વાર લાગતી નથી, અનેક અનુભવો બાદ પણ રોકાણકારો એકસરખી ભૂલ કરતા રહે છે. હાલનો માહોલ નાણાંની રેલમછેલનો હોવાથી ખ્યાલ આવતો નથી, પરંતુ અચાનક મોટાં કરેક્શન આંચકા આપી શકે છે. ઉપર-ઉપરથી સઘળું સારું લાગી શકે, પણ ક્યાંક સારામાં પણ સંદેહ કરવો જરૂરી બને છે. સાવચેતી વિના આડેધડ બજારના પ્રવાહમાં તણાવામાં જોખમ વધી શકે, કેમ કે ભારતીય અર્થવ્યવસ્થામાં સારી કામગીરી હોવા છતાં ગ્લોબલ અસરો એના પર પાણી ફેરવી શકે છે.

ફેડના સંકેતોની નેગેટિવ અસર



શૅરબજારે એની ઊંચી સપાટી હાંસલ કરી લીધા બાદ ઘટનાઓ અને સમાચારો આધારિત ચાલ શરૂ કરી છે, ઘટના અને અહેવાલો આવ્યા કરે છે, ભાવોમાં અને માર્કેટમાં વધઘટ થયા કરે છે, ફેડરલ રિઝર્વ પાસે રાખવામાં આવેલી રેટ-કટની આશા ફળી ખરી. એણે પચીસ બેસિસ (પા ટકો) વ્યાજદરનો કાપ મૂક્યો, પરંતુ આ સાથે આગામી સમયમાં એની મૉનેટરી પૉલિસી હળવી કરવા બાબતે સખત વલણ દર્શાવવા સાથે અમેરિકામાં શટડાઉનને કારણે ડેટા નહીં મળવા પર અનિ​શ્ચિતા પણ વ્યક્ત કરી. ઇન શૉર્ટ, અમેરિકામાં કંઈક નબળું રંધાઈ રહ્યું છે, એની અસર વૈશ્વિક થઈ શકે એવી છે. પરિણામે રેટ-કટ છતાં માર્કેટ કરેક્શનના માર્ગે ગયું. ફેડરલ ચીફ જેરોમ પૉવેલે સાવચેતીના સંકેત આપ્યા છે જેમાં માર્કેટે વધુ નિરાશા ફીલ કરી હતી. હાલ તો અમેરિકન ઇકૉનૉમીની દશા ગ્લોબલ સ્તરે નેગેટિવ અસર દર્શાવી રહી છે. ફેડના સંકેત અને પગલાંએ જોખમ તેમ જ વૉલેટિલિટીની શક્યતા બતાવતાં FII ફરી વાર નેટ સેલર્સ બન્યા છે.


બીજી બાજુ અમેરિકન ટૅરિફ મામલે હજી સ્થિતિ અધ્ધર છે, પણ ટૂંકમાં પરિણામની અપેક્ષા  રખાય છે. ટ્રમ્પે ચીન પરની ટૅરિફના ચોક્કસ નિર્ણય લીધા છે. જોકે એમાં હજી સંપૂર્ણ સ્પષ્ટતા નથી. બીજી બાજુ ટ્રમ્પ સામે અમેરિકામાં ટૅરિફના નિર્ણયોના વિષયમાં વિરોધ અને નારાજગી વ્યક્ત થઈ રહ્યાં હોવાના અહેવાલ છે. આ તરફ ભારત સાથેના વેપાર-કરાર વિશે દિવસો ગણાય છે. બજારની લાંબા ગાળાની ચાલ એ પછી નક્કી થશે, સમજુ રોકાણકારો સમયની રાહ જોઈ રહ્યા છે અને નીચા ભાવે સારા સ્ટૉક્સ જમા કરતા જાય છે.

IPOની કતારથી સાવધાન


IPOની લાઇન મોટી થતી જાય છે, બજારના બુલિશ ટ્રેન્ડનો લાભ લેવા સબળીની સાથે-સાથે નબળી કંપનીઓ પણ મૂડી ઊભી કરવા નીકળી પડી છે અને હજી આવશે. એથી રોકાણકારોએ વધુ સાવચેત રહેવું પડશે. આ વર્ષે ૧૧૧ ઇશ્યુઝ આવ્યા અને એમની મારફત બજારમાંથી ૨.૨ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે. નાની-મધ્યમ કદની કંપનીઓ તરીકે જાણીતી SME કંપનીઓની પણ કતાર જોરમાં રહી છે. એમાં પણ રોકાણપ્રવાહ સતત વહી રહ્યો છે. નવેમ્બરમાં પણ વિવિધ IPO પાઇપલાઇનમાં છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓમાં નાણાં-પ્રવાહ ચાલુ છે, સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) જોશમાં ચાલી રહ્યા છે. આમ માર્કેટમાં લોકોની પ્રવાહિતાનું બળ સતત વધી રહ્યું હોવાથી રોકાણનું કદ બધી જ રીતે મોટું થતું જાય છે.

અર્થતંત્ર બહેતર સંજોગોમાં

દરમ્યાન સ્થાનિક અર્થતંત્રમાં સંજોગો બહેતર હોવા સાથે વધુ વાઇબ્રન્ટ બનવાનાં એંધાણ છે. કૉમર્સ મંત્રાલયના અભ્યાસ મુજબ ૨૦૨૬માં GST દરના કાપની અસર રૂપે દેશમાં વપરાશ વધી રહ્યો છે. રોકાણ પણ વૃ​દ્ધિ પામશે, નિકાસ ડાઇવર્સિફાય થશે અને એને પરિણામે ઉત્પાદનને પણ વેગ મળશે તેમ જ રોજગાર-સર્જનને પણ. આની અસરે લોકોના હાથમાં નાણાં વધશે જે આખરે રોકાણ-સાધનોમાં વળશે. હાલ સોના-ચાંદીમાં થયેલું રોકાણ એનો પુરાવો છે. આ બન્ને કીમતી ધાતુઓએ આ વર્ષે અસાધારણ ઊંચું વળતર આપ્યું છે. એના ભાવમાં કરેક્શન આવતાં નવો રોકાણપ્રવાહ આવવાની આશા ઊંચી છે. સોનામાં તો પાછો નવો કરન્ટ પણ જોવાયો છે. દરમ્યાન કન્ઝ્યુમર માર્કેટમાં હાલ તો વપરાશ સાથે માગ વધી રહી છે, નીચો ફુગાવો એમાં સહયોગી બની રહ્યો છે. આ પરિબળો ગ્રોથ જાળવી રાખવામાં ભૂમિકા ભજવશે. સર્વિસ-ઉદ્યોગ પણ પૉઝિટિવ રહ્યો છે, સીધા વિદેશી રોકાણનો પ્રવાહ મજબૂતી સાથે આવી રહ્યો છે અને હજી વધવાના સંકેત બહાર આવતા રહે છે. સરકાર જાહેર ક્ષેત્રની બૅન્કોમાં ડાયરેકટ ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ (FDI)ની મર્યાદા હાલની ૨૦ ટકાથી વધારીને ૪૯ ટકા કરવાનું વિચારે છે, આના પરિણામે જાહેર ક્ષેત્રની ચોક્કસ બૅન્કોના ભાવોમાં કરન્ટ આવી શકે છે. 

FIIનું નેટ સેલ ચિંતાનું કારણ

ગુરુવારે અને શુક્રવારે બજારે કરેક્શનનાં દર્શન કરાવ્યાં, કારણ કે અમેરિકાના અહેવાલ નબળા રહ્યા. આમ તો વિવિધ ઍસેટ્સમાં આડેધડ ભાવ વધતા હોવાની લાગણી પણ બજારમાં વ્યક્ત થઈ રહી છે. ગ્લોબલ સ્તરે અત્યારે અનિ​શ્ચિતતાને કારણે સે​ન્ટિમેન્ટ નબળું પડી રહ્યું છે. FIIનું નેટ વેચાણ એનો એક સક્ષમ પુરાવો ગણાય. એ ખરું કે સ્થાનિક સંસ્થાઓ અને ફન્ડ્સ FIIના વેચાણ સામે પોતાની મજબૂત ખરીદીથી બજારને ઝાઝું તૂટવા દેતાં નથી, પરંતુ FIIના ભારે વેચાણથી ભારતીય માર્કેટ-ઇન્વેસ્ટર્સના માનસને નેગેટિવ અસર ચોક્કસ પહોંચે છે અને માર્કેટ નીચે જવાના સંકેત વધે છે, પરિણામે વધુ ખરીદીથી લોકો દૂર રહે છે. ટ્રમ્પનું પરિબળ સતત અનિ​શ્ચિતતા અને ચિંતા ફેલાવતું રહે છે. સેન્સેક્સ ૮૬,૦૦૦થી અને નિફ્ટી ૨૬,૦૦૦થી ગણતરીના દિવસોમાં જ પાછા ફરી ગયા છે. આ બાબત સમજવામાં સાર રહેશે. માર્કેટ જેટલું ઝડપથી વધે છે એટલું ઝડપથી ઘટી પણ જાય છે. 

વિશેષ ટિપ

શૅર-ટ્રેડિંગ એ ફિશિંગ સમાન હોય છે. લોકો એ ખોટી રીતે કરતા હોય છે. ખરો ફિશરમૅન માછલીઓની પાછળ પડતો નથી, તે જ્યાં માછલીઓ હોય છે ત્યાં જાળ નાખીને રાહ જુએ છે. 

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2025 08:43 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK