BMC તથા મુંબઈની આસપાસની મહાનગરપાલિકાઓની ચૂંટણી ક્યારે થશે એનું સસ્પેન્સ નથી ખૂલ્યું, પણ ૨૪૬ નગરપરિષદ અને ૪૨ નગરપંચાયતો માટે બીજી ડિસેમ્બરે થશે મતદાન : EVM વપરાશે, પરિણામ ત્રીજી ડિસેમ્બરે
નરીમાન પૉઇન્ટ પર આવેલા સચિવાલય જિમખાનામાં ગઈ કાલે ચૂંટણીની તારીખો જાહેર કરતા રાજ્ય ચૂંટણી પંચના ચીફ દિનેશ ટી. વાઘમારે અને તેમની ટીમ. તસવીર : સતેજ શિંદે.
સ્ટેટ ઇલેક્શન કમિશનર દિનેશ વાઘમારેએ ગઈ કાલે સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના પહેલા તબક્કામાં રાજ્યની ૨૪૬ નગરપરિષદ અને ૪૨ નગરપંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. બીજી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને ૩ ડિસેમ્બરે એનું પરિણામ જાહેર કરાશે. આ ચૂંટણી ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર યોજાશે. ગઈ કાલથી જ આ માટેની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
રાજ્યની ૨૯ મહાનગરપાલિકા, ૩૨ જિલ્લાપરિષદ, ૪૨ નગરપંચાયત અને ૨૪૬ નગરપરિષદની મુદત પૂરી થઈ ગઈ હોવાથી હવે એમની ચૂંટણીઓ લેવામાં આવી રહી છે. એના પહેલા તબક્કામાં ૨૪૬ નગરપરિષદ અને ૪૨ નગરપંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે.
ADVERTISEMENT
રાજ્યની ૨૪૬ નગરપરિષદ અને ૪૨ નગરપંચાયતની આ ચૂંટણી દ્વારા ૬૮૪૯ સભ્ય અને ૨૮૮ અધ્યક્ષોને ચૂંટી કાઢવામાં આવશે. આ વખતે ૧૦ નવી નગરપરિષદો સામેલ કરવામાં આવી છે. ૨૩૬ નગરપરિષદોની મુદત પૂરી થઈ ગઈ છે તેમ જ રાજ્યની ૪૭માંથી પાંચ નગરપંચાયતની મુદત પૂરી ન થઈ હોવાથી હાલ ૪૨ નગરપંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. એમાં ૨૭ નગરપંચાયતની મુદત પૂરી થઈ ગઈ છે અને ૧૫ નવી નગરપંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચૂંટણીનું ટાઇમટેબલ
ઉમેદવારી નોંધાવવાની શરૂઆત – ૧૦ નવેમ્બર
ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ – ૧૭ નવેમ્બર
સ્ક્રુટિની- ૧૮ નવેમ્બર
ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ - ૨૧ નવેમ્બર
ચૂંટણીચિહ્નની ફાળવણી – ૨૬ નવેમ્બર
મતદાન – ૨ ડિસેમ્બર
પરિણામ – ૩ ડિસેમ્બર
કુલ મતદાર - ૧,૦૭,૦૩,૫૭૬
પુરુષ મતદાર - ૫૩,૮૦,૭૦૬
મહિલા મતદાર – ૫૩,૨૨,૮૭૦
ઇલેક્શનની જાહેરાત પહેલાં કૅબિનેટે એકસાથે ૨૧ નિર્ણયો લીધા
મહારાષ્ટ્ર કૅબિનેટે મંગળવારે એક જ બેઠકમાં ૨૧ મુદ્દાઓ પર નિર્ણય લીધા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલાં કૅબિનેટે પેન્ડિંગ નિર્ણયો ઉતાવળે લેવાનું નક્કી કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકના મહત્ત્વના નિર્ણયમાં સરકારની ઍસેટ રીકન્સ્ટ્રક્શન કંપની MAHA ARC લિમિટેડને રિઝર્વ બૅન્કનું લાઇસન્સ ન મળતાં કંપની બંધ કરવાના નાણાવિભાગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
ઉપરાંત સરકારે બાંદરામાં ભાડે આપેલા સરકારી પ્લૉટની બાજુમાં ૩૯૫ ચોરસ મીટરના પ્લૉટ પર સુવિધાઓ પૂરી પાડવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી તેમ જ વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ કૉરિડોર પ્રોજેક્ટ માટે લોન મેળવવાની પ્રક્રિયા હેઠળ સ્ટેટ ગૅરન્ટીને મંજૂરી આપવા સહિતના રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોને લગતા નિર્ણયો લેવામાં આવ્યા હતાં.


