ફોર્સ મોટર્સ નવા શિખરે જઈને પ્રૉફિટ બુકિંગમાં ૧૪૧૩ રૂપિયા તૂટ્યો : DCX સિસ્ટમ્સ, આઇડિયા ફોર્જ, ઝેન ટેક્નૉલૉજીઝ જેવા ડિફેન્સ શૅર ડિમાન્ડમાં : ટબૅકો કંપની એલિટકૉન ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક સાથે નવી ટોચે, NTC ઇન્ડસ્ટ્રીઝ છ ટકા મજબૂત
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- વીમા સેક્ટરના ૧૧માંથી ૧૦ શૅર ડાઉન, સ્ટાર હેલ્થ અડધા ટકા જેવો સુધર્યો
- એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થતાં બિમકો હાયડ્રોલિક્સ ઉપલી સર્કિટે નવા શિખરે
- રિલીફ પૅકેજના આશાવાદમાં વોડાફોન સવાસાત ટકા રણક્યો, પેટીએમ નવા બેસ્ટ લેવલે
બજારની સળંગ છ દિવસની રૅલીનો શુક્રવારે ૭૦૦ પૉઇન્ટ, ચોક્કસ કહીએ તો ૬૯૪ પૉઇન્ટના ઘટાડા સાથે અંત આવ્યો છે. માર્કેટ આરંભથી અંત સુધી રેડઝોનમાં હતું. સેન્સેક્સ આગલા બંધથી ૪૯ પૉઇન્ટ જેવો ઢીલો ૮૧,૯૫૧ ખૂલી ઉપરમાં ૮૧,૯૯૩ થયા બાદ લપસણીની ચાલમાં ઘસાતો ગયો હતો. બજાર નીચામાં ૮૧,૨૯૨ની અંદર જઈને છેવટે ૮૧,૩૦૭ પૉઇન્ટ બંધ થયું છે. નિફ્ટી ૨૧૪ પૉઇન્ટ બગડી ૨૪,૮૭૦ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ૦.૯ ટકાની નબળાઈ સામે રોકડું બ્રૉડરમાર્કેટ પ્રમાણમાં ઓછં ઘટ્યું હતું, પરંતુ બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ માઇનસમાં હતાં. એમાં મેટલ ઇન્ડેક્સ સવા ટકો, બૅન્કેક્સ એક ટકો, FMCG એક ટકો, બૅન્ક નિફ્ટી ૬૦૬ પૉઇન્ટ કે ૧.૧ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૨ ટકા કટ થયા હતા. નિફ્ટી મીડિયા પોણો ટકો, નિફ્ટી ફાર્મા ૦.૪ ટકા, ટેલિકૉમ બેન્ચમાર્ક ૦.૭ ટકા, કૅપિટલ ગુડ્સ અને હેલ્થકૅર ઇન્ડેક્સ નજીવા પ્લસ હતા. આઇટી ઇન્ડેક્સ, ઑઇલ-ગૅસ, રિયલ્ટી પોણા ટકાથી વધુ ડાઉન હતા. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૧૭૮ શૅરની સામે ૧૭૬૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૬૧ લાખ કરોડ રૂપિયાના ઘટાડે ૪૫૩.૬૬ લાખ કરોડ નજીક જોવાયું છે.
રોકડામાં આઇટી ઇનેબલ્ડ સર્વિસિસ કંપની ઇઝમો સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૮૫ વટાવી ગઈ છે, વૉલ્યુમ ૧૦ ગણું હતું. આ ઉપરાંત કેમબૉન્ડ કેમિકલ્સ, કાર્ગો સોલ લૉજિસ્ટિક્સ, રિસોર્સફુલ ઑટો મોબાઇલમાં પણ ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગેલી હતી. એલકેપી ફાઇનૅન્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૮૪ થઈ છે. શર્મા ઇસ્ટ ઇન્ડિયા હૉસ્પિટલ્સ તેજીની ચાલમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭૪ ઉપર નવી ટોચે બંધ થયો છે. ૧૮ ઑગસ્ટે ભાવ ૧૦૫ હતો. યાત્રા ઑનલાઇન તાજેતરની તેજી બાદ ગઈ કાલે પોણાચાર ટકા ઘટી ૧૫૨ થયો છે શૅરદીઠ ૧૦૦૦ની ફેસવૅલ્યુવાળો કૌશલ્યા ઇન્ફ્રાસ્ટ્રકચર ૧૦૭૪ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડીને ૯૭૨ થઈને સાડાછ ટકાની ખરાબીમાં ૯૮૦ નીચે હતો.
ADVERTISEMENT
આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૭૦૯ પૉઇન્ટ કે ૦.૯ ટકા તથા નિફ્ટી ૨૩૯ પૉઇન્ટ કે એકાદ ટકો વધીને બંધ થયો છે. સપ્તાહમાં ઑટો ઇન્ડેક્સ ૨૭૩૨ પૉઇન્ટ કે પાંચ ટકા વધ્યો છે. અપોલો હૉસ્પિટલ્સ ૭૯૮૧ની ઑલટાઇમ હાઈ બનાવી સવાબે રૂપિયાના પરચૂરણ ઘટાડે ૭૯૨૩ થયો છે. કંપનીમાં પ્રમોટર સુનીતા રેડ્ડીએ બ્લૉકડીલ મારફત સવા ટકા કે ૧૮ લાખ શૅર વેચ્યા હતા. ફ્લોર પ્રાઇસ ૭૭૪૭ રૂપિયા હતી. HDFC ઍસેટ મૅનેજમેન્ટ ૫૮૬૮ની નવી ટૉપ બનાવી અડધો ટકો વધી ૫૮૨૭ હતો. શ્રીરામ ઍસેટ મૅનેજમેન્ટ ચાર ટકા ગગડ્યો છે. નિપ્પૉન લાઇફ ઇન્ડિયા ઍસેટ મૅનેજમેન્ટ ૮૮૭ના બેસ્ટ લેવલે જઈને નહીંવત્ સુધારે ૮૬૪ હતો. મહિન્દ્ર તરફથી જેને ટેકઓવર કરાઈ છે એ SML ઇસુઝુ ૪૬૨૮ની ઑલટાઇમ હાઈ દેખાડી ત્રણ ટકા કે ૧૨૯ રૂપિયા વધી ૪૫૩૭ બંધ આવ્યો છે.
બોનસ મીટિંગ પહેલાં અપસર્જ સીડ્સ નવા શિખરે
વેદાંતા તરફથી શૅરદીઠ ૧૬ રૂપિયાના સેકંડ ઇન્ટરિમ માટે ૨૭ ઑગસ્ટની રેકૉર્ડ ડેટ જાહેર થઈ છે. શૅર ઉપરમાં ૪૫૪ થઈ અડધો ટકો ઘટી ૪૪૪ રહ્યો છે. બિમકો હાયડ્રૉલિક્સ શૅરદીઠ એક બોનસ અને ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ બોનસ અને એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૭૯ના નવા શિખરે બંધ રહ્યો છે. TVS મોટર તરફથી એક શૅરદીઠ ચારના પ્રમાણમાં કમ્યુલેટિવ નૉન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્સ શૅર બોનસ તરીકે આપવાનું જાહેર થયેલું છે. એની રેકૉર્ડ ડેટ ૨૫ ઑગસ્ટ છે. TVS મોટરનો શૅર ગઈ કાલે ઉપરમાં ૩૩૦૫ થઈ અડધો ટકો વધી ૩૨૯૮ બંધ થયો છે. સોમવારે અરુણ ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થશે. ભાવ ગઈ કાલે અઢી ટકા ઘટી ૪૩૦ હતો. સર્વેશ્વર ફૂડ્સ ૪૭ શૅરદીઠ ૧૨ના પ્રમાણમાં એક રૂપિયાના શૅરદીઠ ૬ના ભાવથી રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ રાઇટ થતાં અઢી ટકા ઘટી ૭.૭૮ હતો.
અપસર્જ સીડ્સ બોનસ મીટિંગ પહેલાં ૭.૯ ટકા વધી ૩૧૧ થયો છે. ભાવ ઉપરમાં ૩૧૨ના બેસ્ટ લેવલે ગયો હતો. દેવાગ્રસ્ત વોડાફોન માટે રાહતના પગલા વિશે PMO ટૂંકમાં નિર્ણય લેશે એવા અહેવાલ પાછળ શૅર ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં સવાસાત વટાવી ૭.૮ ટકા વધીને ૭ ઉપર બંધ રહ્યો છે. નજારા ટેક્નૉલૉજીઝનું જેમાં ૮૦૦ કરોડથી વધુનું રોકાણ થયેલું છે એ મનીશાઇન દ્વારા પોકરબાજીના નામે ઑનલાઇન રિયલમની ગેઇમ બંધ કરી દેવાઈ છે. નજરા ટેક્નૉ.નો શૅર ચાર ટકા તૂટી ૧૧૫૬ બંધ થયો છે.
પેટીએમ સુધારાની ચાલમાં ૧૨૭૮ની ૪૫ માસની ટૉપ બનાવી સવા ટકો વધીને ૧૨૬૨ થયો છે. ઓલા ઇલેક્ટ્રિક ગુરુવારની ખરાબી આગળ વધારતાં પોણાચાર ટકા ગગડી ૪૭ હતો. હ્યુન્દાઇ મોટર સવાત્રણ ટકા ડૂલ થઈ ૨૩૬૭ બંધ આવ્યો છે. ડાઇવેસ્ટમેન્ટની થીમમાં આગલા દિવસે જોરમાં આવેલી IDBI બૅન્ક ગઈ કાલે પોણાત્રણ ટકા ઘટીને ૯૫ની અંદર રહોય છે. આગલા દિવસના ધોવાણ બાદ BSE લિમિટેડ ગઈ કાલે નીચામાં ૨૨૯૨ બતાવી ૨૩૩૩ નજીકના આગલા લેવલે ફ્લૅટ હતો. NSDL તેજીની આગેકૂચમાં સવાબે ટકા વધીને ૧૨૭૫ વટાવી ગયો છે. MCX નીચામાં ૭૯૨૫ થયા બાદ તગડા બાઉન્સ બૅકમાં ૮૦૮૦ બતાવી અડધો ટકો સુધરી ૭૯૬૩ બંધ રહ્યો છે. એન્જલ વન ગુરુવારની ખરાબી બાદ ગઈ કાલે પોણો ટકો ઘટીને ૨૫૧૮ થયો છે.
મંગલ ઇલેક્ટ્રિકલમાં ઇશ્યુ પૂરો થતાં પ્રીમિયમ ડાઉન
ગઈ કાલે મેઇન બોર્ડમાં જયપુરની મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૫૬૧ની અપર બૅન્ડ સાથે ૪૦૦ કરોડનો ઇશ્યુ કુલ દસ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટી હાલ ૧૨ રૂપિયા બોલાય છે. SME સેગમેન્ટમાં ARC ઇન્સ્યુલેશન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૫ના ભાવનો ૪૧૧૯ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩.૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૧૭ ચાલે છે. આ ઉપરાંત શુક્રવારે ત્રણ નવા SME IPO ખૂલ્યા છે. એમા આનોન્દિતા મેડીકૅરનો ૧૦ના શૅરદીઠ ૧૪૫ના ભાવનો ૬૯૫૦ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૩ ગણો, શિવાશ્રિત ફૂડ્સનો શૅરદીઠ ૧૪૨ના ભાવનો ૭૦૦૩ લાખનો ઇશ્યુ ૨૧ ટકા અને ક્લાસિક ઇલેક્ટ્રોડસ શૅરદીઠ ૮૭ના ભાવનો ૪૧૫૧ લાખનો ઇશ્યુ કુલ ૧.૯ ગણો ભરાયો છે.
હાલની તારીખે આગામી સપ્તાહે કુલ ૧૦ ભરણાં નક્કી છે. એમાંથી સોમવારે બે SME ઇશ્યુ ખૂલશે. પશ્ચિમ બંગાળની NIS મૅનેજમેન્ટ ૧૦ના શૅરદીઠ ૧૧૧ની અપરબૅન્ડ સાથે કુલ ૬૦૦૧ લાખનો BSE SME IPO કરવાની છે, ૧૯૮૫માં સ્થપાયેલી આ કંપની સિક્યૉરિટી અને ફૅસિલિટી મૅનેજમેન્ટ ક્ષેત્રે પ્રવૃત્ત છે. કંપનીએ ગયા વર્ષે ૭ ટકાના વધારામાં ૪૦૫ કરોડની આવક ઉપર બે ટકા વૃદ્ધિદરથી ૧૮૬૭ લાખ નફો કર્યો છે. દેવું ૯૧૧૧ લાખથી ઘટીને ૮૩૭૮ લાખ જોવાયું છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ સાત રૂપિયાનું છે.
બીજી કંપની નોએડા ખાતેની ગ્લોબટિયર ઇન્ફોટેક ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવથી કુલ ૩૧૦૫ લાખનો BSE SME IPO કરશે. એમાંથી ૩૬૧ લાખ રૂપિયા OFS પેટે પ્રમોટરના ઘરમાં જશે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૭ ટકાના વધારામાં ૯૪૮૧ લાખની આવક ઉપર ૪૭ ટકાના વૃદ્ધિદરથી ૫૫૦ લાખ નફો બતાવ્યો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ નથી.
આવતા મંગળવારે ૨૬ ઑગસ્ટના રોજ SME સેગમેન્ટમાં સત્વ એન્જિનિયરિંગ અને કરન્ટ ઇન્ફ્રા પ્રોજેક્ટનાં ભરણાં છે. ઉપરાંત મેઇન બોર્ડમાં વિક્રમ એન્જિનિયરિંગ તેમ જ એનલૉન હેલ્થકૅરનો IPOઓ આવશે. સોમવારે SME કંપની સ્ટુડિયો એલએસડીનું લિસ્ટિંગ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઝીરો છે.
ગ્રેમાર્કેટમાં અત્યારે આનોન્દિતામાં પ્રીમિયમ વધીને ૬૫ રૂપિયા, ક્લાસિક ઇલેક્ટ્રોડસમાં ૨૦ રૂપિયા તથા શિવાશ્રિતમાં પાંચ રૂપિયા બોલાય છે.
મારુતિ સુઝુકી સતત પાંચમા દિવસે બેસ્ટ લેવલે બંધ
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૬ અને નિફ્ટીના ૫૦માંથી ૭ વધેલા શૅરમાં મહિન્દ્ર પોણો ટકો વધી ૩૪૦૦ના બંધમાં મોખરે હતો. મારુતિ સુઝુકી સતત પાંચમા દિવસે વિક્રમી સપાટી બનાવતાં ૦.૭ ટકા વધી ૧૪૩૭૫ના બેસ્ટ લેવલે બંધ થતાં એનું માર્કેટકૅપ ૪.૫૨ લાખ કરોડ રૂપિયા નજીક આવી ગયું છે. ડૉ. રેડ્ડીઝ લૅબ, સનફાર્મા, ટાઇટન, ભારત ઇલે, ભારતી ઍરટેલ નહીંવતથી મામૂલી સુધર્યો છે.
એશિયન પેઇન્ટસ અઢી ટકા ફેડ થઈને બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. HDFC બૅન્ક સવા ટકો ખરડાઈને ૧૯૬૫ નીચેના બંધમાં બજારને ૧૬૪ પૉઇન્ટ તથા રિલાયન્સ એક ટકાની નબળાઈમાં ૧૪૦૯ બંધ આપી ૮૯ પૉઇન્ટ નડ્યો છે. જિયો ફાઇનૅન્સ પણ એક ટકો ઘટી ૩૨૧ નીચે ગયો છે. ICICI બૅન્ક ૦.૭ ટકા, કોટક બૅન્ક પોણા બે ટકા નજીક, સ્ટેટ બૅન્ક એક ટકાથી વધુ માઇનસ હતા. ઉક્ત ૪ બૅન્કિંગ શૅર બજારને ૨૯૬ પૉઇન્ટ ભારે પડ્યા છે. એક્સિસ બૅન્કની પોણા ટકાની નરમાઈ ઉમેરો તો આંકડો ૩૧૭ પૉઇન્ટ વટાવી જાય છે. ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકો ડાઉન હતો.
ઘટેલી અન્ય જાતોમાં અલ્ટ્રાટેક બે ટકા નજીક, આઇટીસી પોણાબે ટકાથી વધુ, તાતા સ્ટીલ તથા TCS દોઢ ટકો, ટેક મહિન્દ્ર સવા ટકો, ગ્રાસીમ સવા બે ટકાથી વધુ, અદાણી એન્ટર. સવા બે ટકા નજીક, હીરો મોટોકૉર્પ બે ટકા, JSW સ્ટીલ દોઢ ટકાથી વધુ, નેસ્લે ૧.૪ ટકા, કોલ ઇન્ડિયા એક ટકો ઘટ્યા છે.
અપોલો માઇક્રો પોણા પંદર ટકાના ઉછાળે એ-ગ્રુપમાં મોખરે હતો. નેટવેબ સવાબાર ટકા કે ૨૫૪ રૂપિયાના જમ્પમાં ૨૩૨૧ વટાવી ગયો છે. કામકાજ ૧૯ ગણું હતું. ધાની સર્વિસિસ સવા સાત ટકાથી વધુ તો આદિત્ય બિરલા ફૅશન્સ ૭.૩ ટકા મજબૂત થયો છે. ફોર્સ મોટર્સ પોણાબે ગણા કામકાજે ૨૨,૦૦૦ નજીક નવી સર્વોચ્ચ સપાટી નોંધાવીને પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં નીચામાં ૧૯,૯૮૧ બતાવી સાડાછ ટકા કે ૧૪૧૩ રૂપિયા ખરડાઈ ૨૦,૪૮૦ બંધ આપી એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. તો ગોકળદાસ એક્સપોર્ટસ સાડાચાર ટકા, સ્ટાર સિમેન્ટ્સ ૪.૪ ટકા, જેકે સિમેન્ટ્સ ચાર ટકા કે ૨૯૨ રૂપિયા, કૉફી ડે એન્ટર ૩.૯ ટકા બગડ્યા છે. ઍબોટ ઇન્ડિયા અઢી ટકા કે ૭૯૮ રૂપિયા પટકાઈ ૩૧૮૧૧ હતો. ભારતી હેક્સાકૉમ સાડાત્રણ ટકા ઊંચકાયો છે.
૨૬ કરોડ રૂપિયાનો ડિફેન્સ ઑર્ડર મળવાની આશામાં અપોલો માઇક્રો પોણાપંદર ટકા વધ્યો
એકંદર નરમ બજારમાં ગઈ કાલે ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૯ શૅરના સથવારે સામાન્ય સુધર્યો છે. DCX સિસ્ટમ્સ ૩૪ ગણા જંગી વૉલ્યુમે ૨૮૬ નજીક જઈ ૭.૩ ટકાની તેજીમાં ૨૬૭ થયો છે. તો અપોલો માઇક્રો સિસ્ટમ્સ આશરે ૨૬ કરોડના ડિફેન્સ ઑર્ડરમાં લોઅર બીડર બન્યો હોવાના અહેવાલે ભાવ ૧૪ ગણા કામકાજે ૨૪૦ ઉપર નવી ટોચે જઈને ૧૪.૮ ટકાના ઉછાળે ૨૩૫ બંધ રહ્યો છે. પ્રીમિયર એક્સ્પ્લોઝિવ્સ ઉપરમાં ૫૪૮ વટાવી છ ટકા ઊંચકાઈને ૫૩૮ હતો. ઝેન ટેક્નૉલૉજીઝ પાંચ ટકા, એક્સિસ કેડસ અઢી ટકા, રસેલ ટૅક્સિસ ૧.૭ ટકા, અવાન્ટેલ ૫.૨ ટકા, એસ્ટ્રામાઇક્રો ૨.૨ ટકા, તનેજા ઍરોસ્પેસ ૪.૨ ટકા, આઇડિયા ફોર્જ ૭.૯ ટકા મજબૂત બન્યા છે. સામે માઝગાવ ડૉક ૨.૩ ટકા, ગાર્ડન રિચ એક ટકા, કોચિન શિપયાર્ડ ૦.૨ ટકા નરમ હતા.
અગ્રણી સિગારેટ અને ટબૅકો શૅર બે દિવસની મજબૂતી બાદ પ્રૉફિટ-બુકિંગનો ભોગ બન્યા છે. ગૉડફ્રે ફિલિપ્સ પાંચ ટકા કે ૫૬૬ રૂપિયા ગગડી ૧૦,૫૬૫ હતો. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ બે ટકા ઘટ્યો છે. આઇટીસી દોઢા કામકાજે ૧.૮ ટકા બગડી ૩૯૮ બંધમાં બજારને ૫૮ પૉઇન્ટ નડ્યો છે. જ્યારે એલિટકૉન ઇન્ટરપ્રાઇઝ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં પાંચ ટકા ઊછળી ૪૦૨નું નવું શિખર બનાવી ત્યાં રહ્યો છે. NTC ઇન્ડસ્ટ્રીઝ ૪ ગણા કામકાજે ૨૨૪ નજીક જઈને ૫.૯ ટકા વધી ૨૨૧ હતો. રઘુનાથ ટબૅકો એક ટકો પ્લસ હતો. ખતર ઉદ્યોગમાં ઍરિસ ઍગ્રો ૮ ગણા કામકાજે ૪૫૬ની ટૉપ બનાવી તેર ટકાના જમ્પમાં ૪૩૦ થયો છે. ૪ માર્ચના રોજ શૅર ૨૧૫ના તળિયે હતો. તિસ્તા ઍગ્રો ૧૩૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૬ ટકાની મજબૂતીમાં ૧૨૮ હતો. GSTમાં રાહતનો ઊભરો વીમા શૅરમાં શમી ગયો હોય એમ ગઈ કાલે ICICI લોમ્બાર્ડ અઢી ટકા, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ દોઢ ટકા, ગોડીજીટ ૧.૪ ટકા, મેક્સ ફાઇનૅન્સ સવા ટકા, SBI લાઇફ એક ટકા, એલઆઇસી ૦.૭ ટકા, HDFC લાઇફ ૦.૯ ટકા ડાઉન હતા. સ્ટાર હેલ્થનો ૦.૭ ટકાનો સુધારો બાદ કરતાં વીમા ક્ષેત્રે બાકીના ૧૦ શૅર ઘટ્યા છે.

