Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઔદ્યોગિક વિકાસમાં નબળાઈ અને ગગડતા રૂપિયાનો શૅરબજાર પર ભાર વર્તાયો

ઔદ્યોગિક વિકાસમાં નબળાઈ અને ગગડતા રૂપિયાનો શૅરબજાર પર ભાર વર્તાયો

Published : 03 December, 2025 09:12 AM | IST | Mumbai
Anil Patel

સનફાર્માની સ્પાર્ક વૉલ્યુમ સાથે ૨૦ ટકાની તેજીમાં : ઇઝી ટ્રિપ પ્લાનર્સ સાડાચાર વર્ષના તળિયે જઈને ૨૦ ટકાના ઉછાળે બંધ : એક શૅરદીઠ ૨૪ બોનસ શૅરની રેકૉર્ડ ડેટ નજીક આવતાં એપિસ ઇન્ડિયા ૧૦૫૩ના સર્વોચ્ચ શિખરે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. બજાજ હાઉસિંગે બે ટકા માલ વેચીને ૧૭૪૦ની રોકડી કરતાં બજાજ હાઉસિંગ ઑલટાઇમ તળિયે ગયો
  2. સતત ખોટ કરતી મિશો લિમિટેડ તથા એક્સ લિમિટેડ આજે મૂડીબજારમાં, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ વધ્યાં
  3. એક્સાટો ટેક્નો ૧૪૦ના ભાવનો SME IPO ૯૪૫ ગણો છલકાયો, પ્રીમિયમ ઊછળીને ૧૬૦ થયું

એશિયન બજારોનો સુધારો મંગળવારે આગળ વધ્યો છે. સાઉથ કોરિયન કૉસ્પી ઇન્ડેક્સ ૧.૯ ટકા, તાઇવાન પોણો ટકો, ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ પ્લસ હતું. ચાઇના સાધારણ અને થાઇલૅન્ડ નજીવું ઘટ્યું છે. અન્યત્ર સુધારો સીમિત હતો. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા આસપાસ ઉપર દેખાયું છે. બિટકૉઇન સાંકડી રેન્જમાં અથડાતો રહી ૮૬,૬૨૯ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ નહીંવત્ ઘટાડે ૬૩ ડૉલર ઉપર હતું. પાકિસ્તાની શૅરબજાર સુધારાની ચાલમાં ગઈ કાલે ઉપરમાં ૧,૬૯,૨૮૯ થઈને ૭૦ પૉઇન્ટ વધી રનિંગમાં ૧,૬૮,૦૯૫ જોવાયું છે. ૩ ઑક્ટોબરે અહીં ૧,૬૯,૯૮૮ની ઑલટાઇમ હાઈ બની હતી.

સપ્ટેમ્બર ક્વૉર્ટરનો આર્થિક વિકાસદર ૮.૨ ટકા આવ્યાનો આનંદ ઘરઆંગણે બહુ ટક્યો નથી. ડૉલર સામે રૂપિયો ગગડતો રહીને ૯૦ નજીકના બદતર લેવલે પહોંચી ગયો છે. તો ઑક્ટોબર મહિના માટેનો ઔદ્યોગિક વિકાસદર ૦.૪ ટકાના ૧૪ મહિનાના તળિયે નોંધાયો છે જે આર્થિક પંડિતોની ૩.૧ ટકાની એકંદર ધારણા કરતાં ઘણો બધો ખરાબ છે. નવેમ્બરમાં GSTની સરકારની આવક માત્ર ૦.૭ ટકા વધીને ૧.૬૯ લાખ કરોડ રૂપિયા થઈ છે. એમાંય ડોમેસ્ટિક રેવન્યુ કલેકશન સવાબે ટકા ઘટીને ૧.૨૪ લાખ કરોડ થયું છે. ઇમ્પોર્ટેડ ગુડ્સ પરની રેવન્યુ સવાદસ ટકા વધીને ૪૫,૯૭૬ કરોડ રૂપિયા રહી છે. GST કલેક્શનના નબળા આંકડા ૩૭૫ આઇટમો ઉપરની GSTમાં ઘટાડાનું પરિણામ છે. સરવાળે શૅરબજારનો ઘટાડો આગળ વધ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૧૭ પૉઇન્ટ નરમ, ૮૫,૩૨૫ ખૂલી છેવટે ૫૦૪ પૉઇન્ટ ઘટીને ૮૫,૧૩૮ તથા નિફ્ટી ૧૪૩ પૉઇન્ટની નબળાઈમાં ૨૬,૦૩૨ ગઈ કાલે બંધ થયો છે. માર્કેટ આરંભથી અંત સુધી રેડ ઝોનમાં હતું. સેન્સેક્સ નરમ ખૂલ્યા બાદ ઉપરમાં ૮૫,૫૫૩ અને નીચામાં ૮૫,૦૫૩ થયો હતો. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૮૪ શૅરની સામે ૨૦૦૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૯૬ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૭૨.૫૧ લાખ કરોડ રહ્યું છે.



સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકા જેવી નરમાઈ સામે ફાઇનૅન્સ ઇન્ડેક્સ પોણો ટકા, બૅન્ક નિફ્ટી ૦.૭ ટકા કે ૪૦૭ પૉઇન્ટ, નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક ૦.૮ ટકા, નિફ્ટી મીડિયા ૦.૭ ટકા ડાઉન હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ ૦.૭ ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ બેન્ચમાર્ક અડધો ટકો સુધર્યો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ, IT ઇન્ડેક્સ, મેટલ ઇન્ડેક્સ, હેલ્થકૅર બેન્ચમાર્ક નહીંવત્થી સાધારણ માઇનસ હતા. 
બાયબૅક માટે બોર્ટ મીટિંગની પૂર્વસંધ્યાએ નેકટર લાઇફ સાયન્સ ૩ ગણા વૉલ્યુમે ૧૯ નજીક જઈને સાડાપાંચ ટકાની આગેકૂચમાં ૧૮.૩૬ થઈ છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ તરફથી ૬૩૦ શૅરદીઠ ૨૭૭ના પ્રમાણમાં શૅરદીઠ સાડાબાર રૂપિયાના ભાવે ૧૦૦૦ કરોડનો રાઇટ કરવાનું નક્કી થયું છે. રાઇટની રેકૉર્ડ ડેટ પાંચ ડિસેમ્બર ઠરાવાઈ છે જેમાં શૅર ૧૯ ગણા કામકાજે ઉપરમાં ૨૭.૪૫ બતાવી દસેક ટકા ઊછળીને ૨૬.૪૫ થયો છે. રોકડામાં ટિપ્સ ફિલ્મ્સ ૧૮ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૪૩૮ વટાવી ગઈ છે. અદાણી એન્ટર. એક ટકો ઘટી ૨૨૩૯ તો અદાણી એન્ટરનો RE સાડાત્રણ ટકા ગગડી ૪૧૪ બંધ થયો છે, લેન્સકાર્ટ સવા ટકો ઘટી ૪૨૫ હતી. 


SEBIના સપાટે ચડતાં દ્રોણાચાર્ય વધુ ૨૦ ટકા તૂટીને ઑલટાઇમ તળિયે

નવી દિલ્હી ખાતેની એપિસ ઇન્ડિયા એક શૅરદીઠ ૨૪ બોનસ શૅરમાં પાંચમીએ એક્સ બોનસ થશે. શૅર ૧૧૫૩ની નવી ટૉપ બતાવી પાંચ ટકા ઊછળી ત્યાં બંધ થયો છે. ૧૧ એપ્રિલના રોજ શૅરમાં ૨૮૦નો નીચો ભાવ હતો. કંપની હની એટલે કે મધ, ખાસ કરીને ઑર્ગેનિક હનીના મામલે દેશ અને દુનિયામાં અગ્રણી ખેલાડી છે. વિવિધ ફ્લેવર્સ અને વિવિધ પ્રકારના હની બનાવીને વેચતી આ કંપનીની હાલની ઇક્વિટી ૫૫૧ લાખ છે જે બોનસ બાદ ૧૩,૨૨૪ લાખ રૂપિયા થઈ જશે. પ્રમોટર્સ બોનસ બાદ ૧૩,૨૨૪ લાખ રૂપિયા થઈ જશે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪.૭ ટકા કે લગભગ ડેટ ફ્રી આ કંપનીએ અગાઉ ડિસેમ્બર ૨૦૧૦માં ૧૦૦ શૅરદીઠ ૩૨૩ શૅરનું બોનસ આવ્યું હતું. બજાજ હાઉસિંગમાં પ્રમોટર્સ બજાજ ફાઇનૅન્સ તરફથી શૅરદીઠ ૯૫ની ફ્લોર પ્રાઇસથી બે ટકા હિસ્સો બ્લૉકડીલ મારફત વેચી ૧૭૪૦ કરોડ ઊભા કરવામાં આવતાં બજાજ હાઉસિંગ ૯૫ની અંદર વર્સ્ટ બૉટમ બતાવી સવાસાત ટકા તૂટી ૯૭ બંધ થયો છે.


હ્યુન્દાઇ મોટરનું ગયા મહિનાનું વેચાણ ૯ ટકા વધ્યું છે. શૅર એક ટકો ઘટી ૨૩૭૧ થયો છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં ૭૯.૫ ટકા હો​લ્ડિંગ ધરાવતી સરકાર શૅરદીઠ ૫૪ની બેઝપ્રાઇસથી ૬ ટકા હિસ્સો વેચીને ૨૫૦૦ કરોડ ઊભા કરવા સક્રિય બનતાં ભાવ ગઈ કાલે નીચામાં ૫૬ થઈ નહીંવત્ ઘટી ૫૭.૬૧ બંધ આવ્યો છે. ભારત ડાયનેમિક્સને ઇન્ડિયન આર્મી તરફથી ૨૪૬૨ કરોડનો ડિફેન્સ ઑર્ડર મળતાં ભાવ ઉપરમાં ૧૫૬૨ થઈ સાધારણ ઘટીને ૧૫૨૫ રહ્યો છે. હીરો મોટોકૉર્પનું નવેમ્બર મહિનાનું કુલ વાહનોનું વેચાણ ૩૧.૫ ટકા વધ્યું છે. શૅર ૬૩૩૫ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી ૦.૪ ટકા ઘટીને ૬૨૭૦ થયો છે. દ્રોણાચાર્ય એરિયલના IPOના ભંડોળનો દુરુપયોગ કરવા સહિત અન્ય ગેરરીતિ બદલ પ્રમોટર્સને SEBIએ બે વર્ષ માટે બજારમાં કામકાજ માટે ગેરલાયક જાહેર કર્યા છે. શૅર બૅક ટુ બૅક ૨૦ ટકાની નીચલી સર્કિટમાં ૩૬ના વર્સ્ટ લેવલે જઈને ત્યાં જ બંધ થયો છે. ૨૦૨૩ની ૯ જાન્યુઆરીએ ભાવ ૨૪૩ની ટોચે હતો.

SSMD ઍગ્રોટેકના લિ​સ્ટિંગમાં પ્રથમ દિવસે ૩૭ ટકા મૂડી સાફ

ગઈ કાલે ખૂલેલાં બે SME ભરણાંમાં અમદાવાદી નિયોકેમ બાયો સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબૅન્ડ સાથે ૪૪૯૭ લાખનો NSE SME IPO પ્રથમ દિવસે કુલ ૬૦ ટકા તથા નવી દિલ્હીની હેલ્લોજી હૉલિડેઝનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપરબૅન્ડ સાથે ૧૦૯૬ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૬૫ ટકા ભરાયો છે. નિયોકેમમાં પ્રીમિયમ પાંચ હતું. હાલ ઝીરો તથા હેલ્લોજીમાં પ્રીમિયમ ૮ હતું એ ઝીરો ચાલે છે. સોમવારે જે પાંચ SME IPO ખૂલ્યા હતા એમાં મુંબઈના મલાડની રાવલકૅર લિમિટેડનો શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૨૪૧૦ લાખનો ઇશ્યુ ૭૯ ગણો, મુંબઈના સાયનની ​ક્લિયર સિક્યૉર્ડ સર્વિસિસનો શૅરદીઠ ૧૩૨ના ભાવનો ૮૫૬૦ લાખનો ઇશ્યુ બે ગણો, પનવેલની સ્પેબ એધેસિવ્સનો શૅરદીઠ ૫૬ના ભાવનો ૩૩૭૩ લાખનો ઇશ્યુ ૫૦ ટકા, મુંબઈના ડિલાઇલ રોડની ઇન્વિકટા ડાયગ્નૉસ્ટિક્સનો શૅરદીઠ ૮૫ના ભાવનો ૩૩૭૩ લાખનો ઇશ્યુ ૫૦ ટકા, મુંબઈના ડિલાઇલ રોડની ઇન્વિકટા ડાયગ્નૉસ્ટિક્સનો શૅરદીઠ ૮૫ના ભાવનો ૨૮૧૨ લાખનો ઇશ્યુ એકાદ ગણો તથા ગુજરાતના ગોંડલની એસ્ટોન મલ્ટિગ્રેઇનનો શૅરદીઠ ૬૩ના ભાવનો ૧૮૪૦ લાખનો ઇશ્યુ ૯૦ ટકા ભરાઈ ચૂક્યો છે. અત્યારે રાવલકૅપમાં ૬૫ રૂપિયા તથા ક્લિયર સિક્યૉર્ડમાં ૧૧ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. આ પાંચેય SME ભરણાં આજે બંધ થવાનાં છે.

વધુમાં ગઈ કાલે ૩ SME ભરણાં પૂરાં થયાં છે. એમાંથી પર્પલવેવનો શૅરદીઠ ૧૨૬ના ભાવનો ૩૧૪૫ લાખનો ઇશ્યુ કુલ ૬.૮ ગણો, લૉજિશિયલ સૉલ્યુશન્સનો શૅરદીઠ ૧૯૩ના ભાવનો ૩૯૯૦ લાખનો ઇશ્યુ બે ગણો તથા એક્સાટો ટેક્નૉલૉજીઝનો ૧૪૦ના ભાવનો ૩૭૪૫ લાખનો ઇશ્યુ કુલ ૯૪૫ ગણો છલકાઈ પૂરો થયો છે. હાલ એક્સાટોમાં ગ્રેમાર્કેટ ખાતે ૧૬૦ પ્રીમિયમ બોલાય છે.

નવી દિલ્હીની SSMD ઍગ્રોટેક ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૨૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં એક જ દિવસ માટે બોલાયેલા પાંચના પ્રીમિયમ બાદ ઝીરો થઈ ગયેલા રેટ સામે ૭૩ ખૂલી પાંચ ટકા વધીને ૭૬.૬૫ બંધ થતાં એમાં ૩૬.૭ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. આજે કે. કે. સિલ્કમિલ્સ તથા મધર ન્યુટ્રી ફૂડ્સનું લિ​સ્ટિંગ થવાનું છે. ગ્રેમાર્કેટમાં કામકાજ નથી.

એશિયન પેઇન્ટ્સ મહિનામાં ૧૭ ટકા ઊંચકાઈને ૧૩ મહિનાની ટોચે

એશિયન પેઇન્ટ્સ સુધારાની ચાલમાં ૨૯૬૨ની ૧૩ મહિનાની ટોચે જઈને ૩ ટકા વધીને ૨૯૫૪ બંધમાં બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની છે. શૅર મહિનામાં ૧૭ ટકા વધી ગયો છે. અન્યમાં ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકો, ભારતી ઍરટેલ ૦.૬ ટકા, મારુતિ પોણો ટકો પ્લસ હતી. રિલાયન્સ સરેરાશ કરતાં ૨૦ ટકા કામકાજે નીચામાં ૧૫૪૨ બતાવી સવા ટકાની નરમાઈમાં ૧૫૪૫ બંધ થતાં બજારને ૧૧૨ પૉઇન્ટનો માર પડ્યો છે. HDFC બૅન્ક સવા ટકો ઘટતાં એમાં બીજા ૧૬૨ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. ICICI બૅન્ક સવા ટકો અને ઍ​ક્સિસ બૅન્ક સવા ટકો ઘટી છે. ૩ અગ્રણી બૅન્કોની નબળાઈ બજારને કુલ ૩૦૭ પૉઇન્ટ નડી છે. ભારત ઇલે. એક ટકો ઘટીને ૪૧૩ રહી છે. ઇન્ડિગો વધુ ૧.૭ ટકાના ઘટાડે નિફ્ટીમાં ૫૬૯૭ બંધ આવી છે. શ્રીરામ ફાઇનૅન્સ એક ટકો ડાઉન થઈ છે. અદાણી પોર્ટ્સ એકાદ ટકા, લાર્સન એક ટકો, બજાજ ફિનસર્વ ૦.૯ ટકા, આઇટીસી પોણો ટકો, મહિન્દ્ર અડધો ટકો માઇનસ હતી.

એક કેસમાં અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી ફેવરેબલ જજમેન્ટ આવતાં સનફાર્મા ગ્રુપની સ્પાર્ક ૬૬ ગણા ભારે વૉલ્યુમમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૬૧ વટાવી ત્યાં જ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. તો આગલા દિવસે પાંચ વર્ષના મોટા ઉછાળામાં ૧૯.૨ ટકાની તેજી દાખવનાર વૉકહાર્ટ ૨૦ ગણા કામકાજે ઉપરમાં ૧૫૬૭ દેખાડી દોઢ ટકાની આગેકૂચમાં ૧૪૯૫ હતી. ઇઝી ટ્રિપ પ્લાનર્સ ૭ રૂપિયાની મે ૨૦૨૧ પછીની નવી વર્સ્ટ બૉટમ બનાવી ૩૮ ગણા વૉલ્યુમે શાર્પ બાઉન્સ બૅકમાં ૨૦ ટકા ઊછળીને સાડાઆઠ રૂપિયા વટાવી છેવટે ત્યાં જ બંધ આવી છે. પેઇન્ટ કંપની એક્ઝોનોબલ ૬૮ ગણા વૉલ્યુમે ૩૭૪૮ નજીક જઈ ૫.૯ ટકા કે ૧૯૩ રૂપિયાના જમ્પમાં ૩૪૯૨ થઈ છે. થંગમચિલ જ્વેલરી ૩૪૦૦ની ઇન્ટ્રા-ડે હાઈથી પ્રૉફિટ બુકિંગમાં ૩૧૧૦ થઈ ૬.૨ ટકા કે ૨૦૭ રૂપિયા તૂટી ૩૧૫૪ રહી છે. ગાર્ડન રિચ નીચામાં ૨૫૯૫ બનાવી ૪.૬ ટકા કે ૧૨૫ રૂપિયા બગડી ૨૬૦૮ હતી. 

ગુજરાતની વિદ્યા વાયર્સ સહિત આજે કુલ ૪ ભરણાં ખૂલશે

આજે મેઇન બોર્ડમાં ૩ સહિત કુલ નવાં ભરણાં છે. સતત ખોટ કરતી ઈ-કૉમર્સ કંપની મિશો લિમિટેડ એકના શૅરદીઠ ૧૧૧ના ભાવથી ૧૧૭૧ કરોડની OFS સહિત ૫૪૨૧ કરોડ પ્લસનો IPO આજે કરશે. ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા, રીટેલ પોર્શન ૧૦ ટકા છે. કંપનીએ ગયા વર્ષે ૨૬ ટકાના વધારામાં ૯૯૦૧ કરોડની આવક કરી છે. ચોખ્ખી ખોટ ૧૧૦૩ ટકા વધી ૩૯૪૨ કરોડ નજીક પહોંચી છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૫૮૫૮ કરોડ નજીક તથા નેટ લૉસ ૭૦૧ કરોડ રહી છે. કામકાજનાં છેલ્લાં ૩ વર્ષમાં કુલ નેટ લૉસ ૫૯૪૦ કરોડ વટાવી ગઈ છે. ગ્રેમાર્કેટમાં ૩૩થી શરૂ થયેલું પ્રીમિયમ અત્યારે વધીને ૪૮ બોલાય છે. બીજી કંપની પણ બેન્ગલુરુની છે અને સતત ખોટમાં છે એ એક્સ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપરબૅન્ડમાં લગભગ ૨૫૨ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૯૨૨ કરોડનો ઇશ્યુ બુધવારે લાવી રહી છે. QIB પોર્શન ૭૫ ટકા છે. ઍરોસ્પેસ સેગમેન્ટમાં ફુલ્લી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ મૅન્યુફૅક્ચરિંગ કૅપેસિટી ધરાવતી હોવાનો દાવો કરતી ૨૦૦૦માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૩ ટકા ઘટાડામાં ૯૫૯ કરોડની આવક ઉપર ૬૧૯ ટકાના વધારામાં ૧૦૨ કરોડથી વધુ નેટ લૉસ કરી છે. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં આવક ૫૬૫ કરોડ તથા નેટ લૉસ ૧૭ કરોડ થઈ છે. દેવું ૫૩૩ કરોડથીય વધુ છે. ગ્રેમાર્કેટમાં ૧૮થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૪૪ બોલાય છે. ત્રીજી કંપની ગુજરાતના આણંદની વિદ્યાવાયર્સ એકના શૅરદીઠ પરની અપર બૅન્ડમાં ૨૬ કરોડની OFS સહિત કુલ ૩૦૦ કરોડનો ઇશ્યુ આજે કરશે. કૉપર ઍલ્યુ.ના વાયર્સ બનાવતી ૧૯૮૧માં સ્થપાયલી આ કંપનીએ ગયા વર્ષે પચીસ ટકા વધારામાં ૧૪૯૧ કરોડની આવક ઉપર ૫૯ ટકા વધારામાં ૪૦૮૭ લાખ ચોખ્ખો નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ મહિનામાં આવક ૪૧૩ કરોડ અને નેટ નફો ૧૨ કરોડ થયો છે. દેવું ૧૬૩ કરોડ નજીક છે. ઑફર ફોર સેલના ૨૬ કરોડ પ્રમોટર્સ રાઠી ફૅમિલીના ઘરમાં જશે. તેમની શૅરદીઠ પડતર ૧૧થી ૨૫ પૈસા છે. ગ્રેમાર્કેટમાં ૮થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૬ છે.

જયપુરની શ્રી કાન્હા સ્ટેનલેસ ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવથી ૪૬૨૮ લાખનો NSE SME ઇશ્યુ આજે કરશે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૨ ટકા વધારામાં ૧૪૬ કરોડ આવક ઉપર ૧૨૨ ટકા વૃદ્ધિદરથી ૫૭૯ લાખ નેટ પ્રૉફિટ ૪૨૬ લાખ થયો છે. દેવું ૫૬ કરોડ છે. પ્રીમિયમ નથી. 

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2025 09:12 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK