મામેરા માટે લાવેલા ૨૦ હજાર રૂપિયા અને ડેબિટ કાર્ડ ગુમાવ્યાં : એકેય રૂપિયો ન બચ્યો એટલે સંબંધી પાસેથી ઉછીના રૂપિયા લઈને મામેરું કર્યું
પ્રતીકાત્મક તસવીર
સુરતમાં રહેતા ૫૧ વર્ષના વિપુલ મોદીનું મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશને પાકીટમારે ખિસ્સામાંથી પર્સ તફડાવી લેતાં તેમની હાલત કફોડી થઈ હતી. એ પછી મુંબઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. વિપુલભાઈ સોમવારે નજીકના સંબંધીનાં લગ્ન માટે મુંબઈ આવ્યા હતા અને મામેરા માટે લાવ્યા હતા એ ૨૦,૦૦૦ રૂપિયા અને બૅન્કનાં ડેબિટ કાર્ડ ચોરાઈ ગયાં હતાં. એ પછી તેમણે મુંબઈમાં રહેતા એક સંબંધી પાસેથી પૈસાની વ્યવસ્થા કરીને મામેરું કર્યું હતું.
વિપુલ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે મારા એક નજીકના સંબંધીનાં લગ્નમાં આવવા સવારે ૮ વાગ્યે સુરતથી કર્ણાવતી ટ્રેન પકડી હતી. ટ્રેન ૧૨ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી ત્યારે ટ્રેનમાંથી ઊતરીને બહાર નીકળતી વખતે પાછળના ખિસ્સામાંથી મારું પાકીટ ચોરાઈ ગયું હતું. એક બાજુ લગ્નમાં ભુલેશ્વર પહોંચવું જરૂરી હતું અને મામેરું કરવું જરૂરી હતું, પણ મારી પાસે એકેય રૂપિયો હતો નહીં. પાકીટમાં મામેરું કરવા માટે ૨૦,૦૦૦ લાવ્યો હતો એ અને બૅન્કનું ડેબિટ કાર્ડ ચોરાઈ ગયાં હતાં. આખરે મારે મારા સંબંધી પાસેથી પૈસાની વ્યવસ્થા કરવી પડી હતી.


