આ મામલે ૧૦ લાખ રૂપિયાની માલમતા તેમની પાસેથી રિકવર કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
દિવસે રિક્ષા ચોરતી અને એ જ રિક્ષાનો ઉપયોગ કરીને રાતે ખાલી ઘરોને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી ગૅન્ગના ત્રણ સભ્યોની રવિવારે ગોરેગામની વનરાઈ પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સચિન ગવસ, યોગેશ રાઠોડ અને તૌફિક ખાન તરીકે થઈ હતી. વિરારથી ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીઓ રીઢા ગુનેગાર છે. તેઓ ત્રણ રિક્ષા ચોરવામાં અને બે ઘરફોડચોરીમાં સંડોવાયેલા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ત્રણે આરોપીઓ દિવસ દરમ્યાન રિક્ષા ચોરી મુંબઈ અને આસપાસના વિસ્તારો વૉચ કરતા અને રાતે ચોરી કરતા હતા. આરોપીઓ પાસેથી ૧૦ લાખની માલમતા જપ્ત કરવામાં આવી છે.
વનરાઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૮ નવેમ્બરે ગોરેગામ-ઈસ્ટમાં પ્રતીક મહેતાની દુકાનમાંથી ૧૩૦ કિલો લોખંડના સળિયા ચોરાઈ ગયા હોવાની ફરિયાદ આવ્યા બાદ આરોપીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે એ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસતી વખતે આરોપીઓ ગુનો કર્યા પછી રિક્ષામાં ભાગી જતા જોવા મળ્યા હતા. રવિવારે તેમણે રિક્ષાનો રૂટ અનુસર્યો અને ટેક્નિકલ માહિતીના આધારે ત્રણ આરોપીઓને વિરારમાંથી શોધી કાઢ્યા હતા. રિક્ષા ચોરીને ખાલી ઘરોને ટાર્ગેટ કરી ચોરી કરતા હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે. આ મામલે ૧૦ લાખ રૂપિયાની માલમતા તેમની પાસેથી રિકવર કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.’


