Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના ખેલમાં બજાર ૫૨૬ પૉઇન્ટ ઊંચકાઈ ૭૩,૦૦૦ નજીક બંધ, રિલાયન્સ રાજાપાઠમાં

ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના ખેલમાં બજાર ૫૨૬ પૉઇન્ટ ઊંચકાઈ ૭૩,૦૦૦ નજીક બંધ, રિલાયન્સ રાજાપાઠમાં

28 March, 2024 06:53 AM IST | Mumbai
Anil Patel

અંતે સેન્સેક્સ ૫૨૬ પૉઇન્ટ વધી ૭૨,૯૯૬ અને નિફ્ટી ૧૧૯ પૉઇન્ટ ઊંચકાઈ ૨૨,૧૨૪ બંધ આવ્યા છે.

ઇલસ્ટ્રેશન

માર્કેટ મૂડ

ઇલસ્ટ્રેશન


રિલાયન્સ ૧૦૪ રૂપિયા ઊછળતાં બજારને ૩૧૨ પૉઇન્ટ અને રોકાણકારોને ૭૦,૧૮૦ કરોડ રૂપિયાનો ફાયદો : મારુતિ ૨૯૪ અને બજાજ ઑટો ૧૯૭ રૂપિયાની તેજીમાં નવી વિક્રમી સપાટીએ : તાતા સન્સનો ઇશ્યુ લાવવાની અનિચ્છાથી ખરડાયેલા માનસને થાળે પાડવા તાતા ગ્રુપ સક્રિય, તાતા કૅપિટલનું ભરણું કરવાની વિચારણા : તાતા કૅપિટલ અન-લિસ્ટેડ માર્કેટમાં ૮૫૫ની નવી ટોચે ગયો : કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ, એબીબી બુલિશ-વ્યુમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી નવા બેસ્ટ લેવલે બંધ 

ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટની પૂર્વસંધ્યાએ ધારણા મુજબ શૅરબજાર નોંધપાત્ર સુધારા સાથે ૭૩,૦૦૦ની પાર થયું હતું. અંતે સેન્સેક્સ ૫૨૬ પૉઇન્ટ વધી ૭૨,૯૯૬ અને નિફ્ટી ૧૧૯ પૉઇન્ટ ઊંચકાઈ ૨૨,૧૨૪ બંધ આવ્યા છે. આરંભથી અંત સુધી મજબૂત વલણમાં રહેલા બજારમાં શૅર આંક નીચામાં ૭૨,૬૦૧ અને ઉપરમાં ૭૩,૧૩૯ થયો હતો. બજારની બુધવારની તેજીની આગેવાની રિલાયન્સની હતી. ભાવ ૩.૬ ટકા કે ૧૦૪ રૂપિયા ઊછળતાં રોકાણકારોને ૭૦,૧૮૦ કરોડ રૂપિયાનો અને સેન્સેક્સને ૩૧૨ પૉઇન્ટનો ફાયદો થયો છે. આ ઉછાળો ગોલ્ડમૅન સાક્સના બુલિશ વ્યુ કરતાં ડેરિવેટિવ્ઝમાં માર્ચ વલણની પતાવટને લઈ નિફ્ટી ખેંચવાની રાબેતા મુજબની રમતને વધુ આભારી છે. શુક્રવારે ગુડ ફ્રાઇડે નિમિત્તે રજા હોવાથી બજાર માટે ગુરુવાર ચાલુ સપ્તાહનો અને ચાલુ નાણાકીય વર્ષનો કામકાજનો આખરી દિવસ બની રહેશે. સુધારો આગળ વધશે એમ લાગે છે. રિલાયન્સની મજબૂતી સેન્સેક્સ નિફ્ટીની સાથે-સાથે એનર્જી ઇન્ડેક્સ તથા ઑઇલ-ગૅસ બેન્ચમાર્કને પણ ફળી હતી. એબીબી, સિમેન્સ અને સુઝલોન ૩.૫થી ૫.૭ ટકા ઊછળતાં પાવર બેન્ચમાર્ક પોણો ટકો ઝળક્યો છે. ટૉરન્ટ પાવર આગલા દિવસનો ઉછાળો પચાવી ૧૫૧૫ની નવી ટૉપ બનાવી પોણો ટકો વધી ૧૪૧૮ રહ્યો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૬૦,૪૧૪ની ઑલટાઇમ હાઈ બનાવી એક ટકા કે ૫૯૩ પૉઇન્ટ વધી ૬૦,૦૧૮ થયો છે, જેમાં લાર્સન એક ટકો વધી ૩૭૦૬ બંધ થતાં ૨૫૩ પૉઇન્ટ ફળ્યો હતો. 



ફાઇનૅન્સ સેગમેન્ટમાં નુવામા વેલ્થ મૅનેજમેન્ટ ૪૮૨૫ની વિક્રમી સપાટી બાદ ૧૫.૪ ટકા કે ૬૩૦ રૂપિયાના ઉછાળે ૪૭૩૮ તો આઇઆઇએફએલ ૩૧૩ની લગભગ બે વર્ષની બૉટમ બનાવી શાર્પ બાઉન્સબૅકમાં સાડાનવ ટકાની તેજીમાં ૩૫૨ થઈ છે. ગ્રુપ કંપની આઇઆઇએફએલ સિક્યૉ. પણ ૬.૩ ટકા વધી છે. એન્જલવન નવ ટકા, સ્પંદન સ્ફૂર્તિ આઠ ટકા, જેએમ ફાઇ. ૯.૪ ટકા મજબૂત હતી. સારા બજારમાંય આઇટી ઇન્ડેક્સ અડધા ટકા જેવો નરમ રહ્યો છે. ઇન્ફી, ટીસીએસ, વિપ્રો, લાટિમ, ટેક મહિન્દ્ર જેવી ફ્રન્ટલાઇન જાતો માઇનસમાં ગઈ છે. ઑરેકલ ૮૮૯૧ની ટૉપ બનાવી અડધો ટકો વધી ૮૮૧૫ હતો. 


બૅન્કિંગના ૪૧માંથી ૨૬ શૅર ઘટ્યા છે. ૧૨ સરકારી બૅન્કોમાંથી માત્ર બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને યુનિયન બૅન્ક વધી હતી. એચડીએફસી બૅન્ક, કોટક બૅન્ક, ઍક્સિસ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક જેવા હેવી વેઇટ્સ અડધાથી સવા ટકો વધીને બંધ થતાં બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૫ શૅર ઘટવા છતાં ૧૮૬ પૉઇન્ટ સુધર્યો છે. આઇસીઆઇસીઆઇ સિક્યૉ.ના ડીલિસ્ટિંગને સફળ બનાવવા પેરન્ટ્સ આઇસીઆઇસીઆઇ બૅન્ક તેના કર્મચારીઓ મારફત આઇ-સેકના શૅરહોલ્ડર્સને ફોન કરીને મનાવવા-સમજાવવા-ધમકાવવા જેવી અનુચિત પ્રયુક્તિઓ આચરી રહી હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક આવા ધંધા છોડી એના મૂળ કામકાજ પર ક્યારે ધ્યાન આપશે? આઇસીઆઇસીઆઇ બૅન્ક ગઈ કાલે દોઢા વૉલ્યુમે ૧૦૮૪ના લેવલે જૈસે-થે બંધ થયો છે. 

રિલાયન્સમાં ગોલ્ડમૅન બુલિશ બની, આજથી ૨૫ શૅર T+0 સેટલમેન્ટમાં 
ગોલ્ડમૅન સાક્સ દ્વારા રિલાયન્સમાં બુલરનના કિસ્સામાં ૪૪૯૫ રૂપિયા અન્યથા ૩૪૦૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ જાળવી રખાયું છે. આ ટાર્ગેટ પ્રાઇસ ૨૦૨૫-’૨૬ના વર્ષ સુધીના સમયગાળા માટેની છે. આની અસરમાં શૅર બુધવારે ૩૦૦૦ થઈ ૩.૬ ટકા વધી ૨૯૮૮ બંધ થયો છે. એના પગલે બજારને ૩૧૨ પૉઇન્ટ મળી ગયા હતા. તો મારુતિ સુઝુકી ૧૨,૭૨૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૨.૪ ટકા કે ૨૯૪ રૂપિયા વધી ૧૨,૫૫૦ બંધ થતાં એમાં વધુ ૩૫ પૉઇન્ટનો ઉમેરો થયો છે. ગોપાલપુર પોર્ટ્સ હસ્તગત કરવાની જાહેરાતનો કરન્ટ આગળ ધપાવતાં અદાણી પોર્ટ્સ ઉપરમાં ૧૩૪૩ થઈને દોઢ ટકાની આગેકૂચમાં નિફ્ટી ખાતે ૧૩૨૪ બંધ આવ્યો છે. બજાજ ઑટો બુલરનમાં ૯૨૮૮ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૨ ટકા કે ૧૯૭ રૂપિયા વધી ૯૧૫૮ બંધ રહ્યો છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૨૨ શૅર ગઈ કાલે પ્લસ હતા. અત્રે અન્યમાં ઇન્ડ્સઇન્ડ બૅન્ક એક ટકા, મહિન્દ્ર સવા ટકો, ઍક્સિસ બૅન્ક એકાદ ટકો, લાર્સન એક ટકો, બજાજ ફાઇ. ૧.૬ ટકા, કોટક બૅન્ક ૧.૧ ટકા, ટાઇટન દોઢ ટકા વધ્યા છે. એચડીએફસી બૅન્ક એક ટકો વધતાં બજારને ૯૨ પૉઇન્ટ મળી ગયા હતા. ટીસીએસ, નેસ્લે, એચસીએલ ટેક્નૉ, વિપ્રો, કોલ ઇન્ડિયા, ડૉ. રેડ્ડીઝ લૅબ, ગ્રાસિમ, ડિવીઝ લૅબ, લાટિમ, બ્રિટાનિયા, અપોલો હૉસ્પિટલ્સ, તાતા કન્ઝ્યુમર, તાતા મોટર પોણાથી દોઢ ટકા અને હીરો મોટોકૉર્પ ૨.૩ ટકા કે ૧૦૯ રૂપિયા ડાઉન હતી. દરમ્યાન બીએસઈ તરફથી ગુરુવારથી ૨૫ શૅરોને T+0ની સેટલમેન્ટ સાઇકલમાં મૂકવામાં આવ્યા છે, એમાં અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલૅન્ડ, બજાજ ઑટો, બૅન્ક ઑફ બરોડા, ભારત પેટ્રો, બિરલા સૉફ્ટ, સિપ્લા, કોફોર્જ, ડિવીઝ લૅબ, એમઆરએફ, હિન્દાલ્કો, ઇન્ડિયન હોટેલ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, લાટિમ, એલઆઇસી હાઉસિંગ, નેસ્લે, ઓએનજીસી, એનએમડીસી, પેટ્રોનેટ, સ્ટેટ બૅન્ક, તાતા કમ્યુ, ટ્રેન્ટ, વેદાન્તા, યુનિયન બૅન્ક સામેલ છે. 


તાતા ઇન્વે. ૧૧ દિવસની ખરાબી બાદ ઉપલી સર્કિટમાં, ઝોમાટો નવી ટોચથી નરમ 
ઝોમાટો ૧૮૯ની વિક્રમી સપાટી બનાવી ૧.૭ ટકા ઘટીને ૧૭૯ રહ્યો છે. ભાવ વર્ષ પૂર્વે, ૨૮ માર્ચ ૨૦૨૩ના રોજ ૪૯ના તળિયે હતો. જાણકારો માને છે કે શૅરમાં ૧૭૫નું લેવલ ભેદાતાં તેજીતરફી બ્રેકઆઉટ આવ્યું છે. હવે ૨૦૪ વટાવે તો વધ-ઘટે ૨૪૭નો ભાવ જોવાશે. ક્યુપિડ ઉપરમાં ૨૩૫૫ થઈ ૪.૯ ટકાની આગેકૂચમાં ૨૩૫૪ હતો. ટૂરિઝમ ફાઇ. કૉર્પો. મંદીની સર્કિટે ૧૫૬ થઈ ૩.૯ ટકા વધી ૧૭૧ થયો છે. સળંગ ૧૧ દિવસની ખરાબીમાં ૪૦૮૨ રૂપિયાના કડાકા પછી તાતા ઇન્વેસ્ટમેન્ટ ગઈ કાલે નીચામાં ૫૪૦૦ થયા બાદ પાંચેક ટકાના બાઉન્સબૅકમાં ઉપલી સર્કિટે ૫૯૪૫ થઈ ત્યાં જ બંધ થયો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૩૮૬૮ રૂપિયા છે અને હોલ્ડિંગ કંપનીનો શૅર બહુધા એની નાવ (એનએવી) કરતાં નીચો જ રહે છે એ જોતાં ભાવ વધઘટે ઘટે તો નવાઈ નહીં. દરમ્યાન, તાતા ગ્રુપ તાતા સન્સના બદલે તાતા કૅપિટલનો પબ્લિક ઇશ્યુ લાવવા વિચારી રહ્યું હોવાના અહેવાલ છે. એની અસરમાં અન-લિસ્ટેડ માર્કેટમાં તાતા કૅપિટલનો ભાવ ૭૯૦ રૂપિયાથી વધી ગઈ કાલે ૮૫૫ની વિક્રમી સપાટીએ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ભાવે એનું માર્કેટ કૅપ ત્રણ લાખ કરોડને વટાવી ગયું છે. દરમ્યાન તાતા કૅપિટલ ઉપરાંત તાતા ઑટોકોમ્પ, બિગ બાસ્કેટ, તાતા ઇલેક્ટ્રૉનિક્સ, તાતા બેટરીઝ, તાતા હાઉસિંગ, તાતા ડિજિટલ, તાતા પૅસેન્જર, ઇલે. મોબિલિટી જેવી અન્ય સાત કંપનીઓને પણ આઇપીઓ લાવીને લિસ્ટેડ કરાવવાની તાતા ગ્રુપની યોજના હોવાના અહેવાલ ફરવા માંડ્યા છે. જોકે આ બધામાં બે-ત્રણ વર્ષ લાગી જશે. મતલબ કે તાતા સન્સનો પબ્લિક ઇશ્યુ લાવવાની અનિચ્છા જાહેર કર્યા પછી તાતા ગ્રુપના શૅરોમાં માનસ વત્તે-ઓછે અંશે ખરડાયું હતું. તેને થાળે પાડવાના વ્યવસ્થિત પ્રયાસ શરૂ થઈ ગયો હોય એમ અમને લાગે છે. 

ઍસ્ટર અને સીડીએસએલ બ્લૉક ડીલમાં ગગડ્યા, બીએસઈમાં ૭ ટકાની તેજી થઈ 
બ્રોકરેજ હાઉસ યુબીએસ દ્વારા એબીબી ઇન્ડિયામાં ૭૫૫૦ ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થતાં શૅર ચાર ગણા વૉલ્યુમે ૬૩૪૧ની વિક્રમી સપાટી બનાવી ૫.૭ ટકા કે ૩૩૮ રૂપિયાની તેજીમાં ૬૨૭૦ બંધ રહ્યો છે. ઍસ્ટર ડીએમ હેલ્થકૅરમાં ૧૯ ટકા જેવો હિસ્સો ધરાવતી ઑલિમ્પસ કૅપિટલે ૯.૮ ટકા હિસ્સો બ્લૉક-ડીલ મારફત વેચી ૨૦૭૦ કરોડની રોકડી કરતાં શૅર બુધવારે જંગી વૉલ્યુમે નીચામાં ૪૦૨ થઈ ૭.૩ ટકા ખરડાઈ ૪૦૫ બંધ થયો છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ અર્થાત સીડીએસએલમાં સ્ટાન્ચાર્ટ બૅન્ક દ્વારા ૭૫ લાખ શૅર કે ૭.૨ ટકા હોલ્ડિંગ શૅરદીઠ ૧૬૭૨ની ફ્લોર પ્રાઇસથી બ્લૉક ડીલ મારફત વેચવામાં આવતાં ભાવ નીચામાં ૧૬૭૫ થઈ ૫.૬ ટકાની નરમાઈમાં ૧૬૬૯ બંધ આવ્યો છે. એની પેરન્ટ્સ બીએસઈ લિમિટેડ ૨૪૭૫ની ઇન્દ્રા ડે હાઈ બાદ ૭ ટકા વધી ૨૪૭૩ રહી છે. ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયામાં શૅરખાને ૧૦૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી લેવાલીની ભલામણ કરી છે. શૅર ઉપરમાં ૮૪૪ થઈ ત્રણ ટકા ગગડી ૭૯૯ હતો. 

સિમેન્સ અને થર્મેક્સ નવા શિખરે, ભારતી હેક્સાકોનમાં પ્રીમિયમ સુધર્યું 
નવી દિલ્હીની લોરેનઝીની અપેરલ્સ ૧૧ શૅરદીઠ ૬ના પ્રમાણમાં બોનસ તથા ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં ગુરુવારે એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે બે ટકા ઘટી ૪૦૮ બંધ હતો. કંપની ફેબ્રુ. ૨૦૧૮ના પ્રથમ સપ્તાહે ૧૦ના શૅરદીઠ ભાવોભાવ ૪૪૭ લાખનો એસએમઈ આઇપીઓ લાવી હતી. ઇશ્યુ માંડ પોણાબે ગણો ભરાયો હતો અને ૧૫ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ લિસ્ટિંગમાં બિલો પાર, સવાનવ રૂપિયા બંધ થયો હતો. એની સામે ૨૩ ફેબ્રુ. ૨૦૨૪ના રોજ ભાવ ૫૦૮ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ સાધારણ વધી ૮૦૯૩ રહ્યો છે. માર્કોબેન્ઝ વેન્ચર્સ એક શૅરદીઠ ત્રણ રાઇટસમાં શૅરદીઠ ૧૦ના ભાવે એક્સ-રાઇટ્સ થતાં બે ટકા ઘટીને ૪૫ની અંદર તથા સ્પેક્ટ્રમ ફૂડ્સ શૅરદીઠ ૨૦ના ભાવે એક શૅરદીઠ ચારના ધોરણે રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ્સ થતાં ૫.૫ ટકા ગગડીને ૨૯ નીચે બંધ થયો છે. પંજાબના જલંધરની ચાટા ફૂડ્સ ૧૦ના શૅરદીઠ ૫૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૦ના પ્રીમિયમ સામે ૭૩ ખૂલી ઉપરમાં ૭૬ અને નીચામાં ૭૩ થઈ ૭૭ નજીક બંધ થતાં એમાં ૩૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈના કાંદિવલી-ઈસ્ટની ઓમફર્ન ઇન્ડિયામાં ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવનો ૨૭ કરોડના ફૉલોઑન ઇશ્યુના શૅર ગુરુવારે લિસ્ટિંગમાં જવાના છે. ભાવ ગઈ કાલે પાંચ ટકા તૂટી ૭૯ રહ્યો છે. આજે પણ વધુ ખરાબીની ધારણા છે. ભારતી હેક્સાકોનમાં ૩૦વાળું પ્રીમિયમ સુધરી હાલ ૪૪ આસપાસ બોલાય છે. ભારતી ઍરટેલ સારા બજારમાંય અડધો ટકો વધી ૧૨૨૩ બંધ રહ્યો છે. સિમેન્સ મજબૂતી આગળ ધપાવતાં ૫૩૬૧ની વિક્રમી સપાટી નોંધાવી ૩.૬ ટકા કે ૧૮૪ રૂપિયાના જમ્પમાં ૫૨૮૫ બંધ આવ્યો છે. થર્મેક્સ ૪૨૦૦ના બેસ્ટ લેવલ બાદ ૨.૨ ટકા વધીને ૪૧૮૭ હતો.  

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 06:53 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK