Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટનાટન ગ્રોથ-રેટની તાકાત કામ ન આવી બજાર નવા શિખરે જઈને નરમ પડ્યું

ટનાટન ગ્રોથ-રેટની તાકાત કામ ન આવી બજાર નવા શિખરે જઈને નરમ પડ્યું

Published : 02 December, 2025 08:41 AM | IST | Mumbai
Anil Patel

વૉકહાર્ટ પાંચેક વર્ષનો લાર્જેસ્ટ સિંગલ-ડે જમ્પ મારીને એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બની : વાહનોના વેચાણના કરન્ટમાં ઑટો ઇન્ડેક્સ સવા વર્ષની ટોચે જઈને સર્વાધિક સુધારામાં: પેટીએમમાં ૪ વર્ષની ઊંચી સપાટી, અનિલ અંબાણીના શૅર ફરી ઘટાડાના માર્ગે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. એક શૅરદીઠ ૪ના બોનસની જાહેરાત છતાં ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ અઢી ટકા ગગડી
  2. એક્સાટોના SME IPOમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ વધતું રહીને ૧૫૦ બોલાયું
  3. ચાલુ સપ્તાહે ૧૫ ભરણાં

સપ્ટેમ્બર ક્વૉર્ટરનો આર્થિક વિકાસદર સરકારી આંકડા પ્રમાણે ૮.૨ ટકાની દોઢ વર્ષની ઊંચી સપાટીએ આવ્યો છે. એની હૂંફમાં બજાર સોમવારે ઇન્ટ્રા-ડેમાં નવી સર્વોચ્ચ સપાટીએ ગયું છે જેમાં સેન્સેક્સ આગલા બંધથી ૩૬૦ પૉઇન્ટ જેવો મજબૂત ૮૬,૦૬૬ ખૂલી ઉપરમાં ૮૬,૧૫૯ તથા નિફ્ટીએ ૨૬,૩૨૬ નજીક ખૂલી એને જ બેસ્ટ લેવલ બનાવ્યું હતું. સવાઆઠ ટકા જેવા ટનાટન GDP ગ્રોથનો કેફ જોકે બહુ ટક્યો નહોતો. માર્કેટ ઑલટાઇમ હાઈ બનાવી હાંફી ગયું હતું. ધીમી રાહે ઘસાવા માંડ્યું હતું. એમાં સેન્સેક્સ ઉપલા મથાળેથી ૬૬૯ પૉઇન્ટ બગડી નીચામાં ૮૫,૪૯૦ની અંદર જઈ છેવટે ૬૫ પૉઇન્ટ ઘટી ૮૫,૬૪૨ બંધ થયો છે. નિફ્ટી ૨૬,૧૨૪ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૨૭ પૉઇન્ટની કમજોરીમાં ૨૬,૧૭૬ રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે આર્થિક વિકાસદર ઘણો બહેતર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) તરફથી ભારતીય ડેટા એટલે કે સરકારી આંકડાને સી. કૅટેગરીમાં મૂકી એની વિશ્વસનીયતા શંકાસ્પદ હોવાનું સ્પષ્ટ પ્રમાણપત્ર અપાયું છે. એને લઈને બજારમાં સાવચેતીનો માહોલ જોવાયો છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૩૮૪ શૅરની સામે ૧૭૨૮ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૧૧,૦૦૦ કરોડ વધીને ૪૭૪.૪૭ લાખ કરોડ રૂપિયા થયું છે.

વાહનોના વેચાણના સારા આંકડા પાછળ ઑટો ઇન્ડેક્સ ૬૨,૪૧૪ની સવા વર્ષની ટૉપ બનાવી પોણો ટકો કે ૪૯૬ પૉઇન્ટ વધી ૬૨,૨૪૬ રહ્યો છે. બૅન્ક નિફ્ટી ૬૦,૧૧૪ની ઑલટાઇમ હાઈ બતાવી ૭૧ પૉઇન્ટની પીછેહઠમાં ૫૯,૬૮૧ હતો. મેટલ બેન્ચમાર્ક અડધો ટકો સુધર્યો છે. સામે રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકા, હેલ્થકૅર અડધા ટકાથી વધુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અડધા ટકા જેવો નરમ હતો. 
અમેરિકન FDA તરફથી નવા ડ્રગને મંજૂરીના જોરમાં વૉકહાર્ટ ૧૯.૨ ટકા કે ૨૩૭ની તેજીમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની છે. ઝેડ.એફ. કમર્શિયલ વ્હીકલ કન્ટ્રોલ સવાબાર ટકા કે ૧૬૧૬ રૂપિયાની છલાંગ મારી ઉપરમાં ૧૫,૩૦૦ના બેસ્ટ લેવલે જઈને ૧૪,૮૧૭ બંધ થઈ છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ સવાપાંચ ટકા ઊંચકાઈ ૧૪૭ હતી. વ્હર્લપૂલ નીચામાં ૯૮૨ થઈ આઠેક ટકા તૂટીને ૯૯૨ રહી છે. ડિશ ટીવી સાડાપાંચ ટકા ખરડાઈને ૪ રૂપિયાની ઉપર, વેલસ્પન લિવિંગ સાડાચાર ટકા ગગડી ૧૪૨, ન્યુલૅન્ડ લૅબ સવાચાર ટકા કે ૭૨૫ રૂપિયા બગડીને ૧૬,૬૧૫ બંધ આવી છે. ૬૩ મૂન્સ આગલા તગડા ઉછાળા બાદ ગઈ કાલે પાંચેક ટકા ખરડાઈ ૮૬૨ થઈ છે.



બહુમતી એશિયન બજારોએ નવા સપ્તાહની શરૂઆત પૉઝિટિવ કરી છે. થાઇલૅન્ડ દોઢ ટકા તો હૉન્ગકૉન્ગ, ચાઇના અને ઇન્ડોનેશિયા અડધા ટકા જેવા પ્લસ હતા. સામે જપાન બે ટકા તથા તાઇવાન એક ટકો ઘટ્યું છે. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં ફ્લૅટ તો અન્ય બજાર અડધાથી સવા ટકો માઇનસ હતા. બિટકૉઇન ફરી એક વાર લાખ ડૉલર થવાની આશા જગાવી એના ઉપર પાણી ફેરવી નાંખતાં સવાચાર ટકા ખરડાઈ ૮૬,૬૪૦ ડૉલર થઈ ગયો છે. પાકિસ્તાની શૅરબજાર ૧૩૭૪ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૬૮,૦૫૨ ચાલતું હતું.


મલાડની રાવલકૅરનો SME IPO પ્રથમ દિવસે જ ૧૪ ગણો છલકાયો

ગઈ કાલે પાંચ SME ભરણાં ખૂલ્યાં છે એમાં પ્રથમ દિવસે મુંબઈના મલાડની રાવલકૅર લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ની અપરબૅન્ડમાં ૨૪૧૦ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૧૪.૪ ગણો, મુંબઈના સાયન ખાતેની ક્લિયર સિક્યૉર્ડ સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૧૩૨ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૮૫૬૦ લાખનો NSE SME ઇશ્યુ ૬૨ ટકા, પનવેલ ખાતેની સ્પેબ એધેસિવ્સનો ૧૦ના શૅરદીઠ ૫૬ના ભાવનો ૩૩૭૩ લાખનો NSE SME ઇશ્યુ ૨૫ ટકા, મુંબઈના ડિલાઇલ રોડની ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૮૫ના ભાવનો ૨૮૧૨ લાખનો NSE SME IPO ૫૫ ટકા તથા ગુજરાતના ગોંડલની એસ્ટ્રોન મલ્ટિગ્રેઇનનો ૧૦ના શૅરદીઠ ૬૩ના ભાવનો ૧૮૪૦ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૬૨ ટકા ભરાયો છે. હાલ રાવલકૅરમાં ૫૨ રૂપિયા, ક્લિયર સિક્યૉર્ડ ૧૧ રૂપિયા અને એસ્ટ્રોનમાં ૧૨ રૂપિયા પ્રિમિયમ બોલાય છે.


શુક્રવારે જે ત્રણ ભરણાં ખૂલ્યાં હતાં જેમાં બીજા દિવસના અંતે નવી દિલ્હીની પર્પલ વેવ ઇન્ફોકૉમનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૩૧૪૫ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૧.૪ ગણો, લુધિયાણાની લૉજિશિયલ સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૧૯૩ના ભાવનો ૩૯૯૦ લાખનો BSE SME IPO દોઢ ગણો અને યુપીના નોએડાની એક્સાટો ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૩૭૪૫ લાખનો BSE SME ઇશ્યુ ટનાટન ડિમાન્ડમાં ૨૯૨ ગણો ભરાઈ ચૂક્યો છે. એક્સાટોમાં ગ્રેમાર્કેટ ખાતે ૮૦થી શરૂ થયેલું પ્રીમિયમ ફૅન્સી પકડતાં હાલમાં ૧૫૦ બોલાય છે. 

અમદાવાદી નિયોકેમ સહિત આજે બે SME IPO ખૂલશે

ચાલુ સપ્તાહે કુલ ૧૫ ભરણાં છે જેમાંથી પાંચ ગઈ કાલે ખૂલી ગયાં, બે આજે ખૂલશે. અમદાવાદી નિયોકેમ બાયો સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબૅન્ડમાં ૪૪૯૭ લાખનો NSE SME IPO આજે કરવાની છે. ૨૦૦૬માં સ્થપાયેલી આ કંપની સ્પેશ્યલિટી પર્ફોર્મન્સ કેમિકલ્સ બનાવે છે. જે ટેક્સ્ટાઇલ્સ, ગાર્મેન્ટ્સ, રબર, ડાઇઝ ઍન્ડ પીગમેન્ટસ, પેપર ઍન્ડ પલ્પ, કન્સ્ટ્રકશન્સ, મેઇન્ટેનન્સ તથા કોટીંગ્સ, વૉટર ટ્રીટમેન્ટમાં વપરાય છે. કંપનીએ ગયા વર્ષે ૩૯ ટકા વધારામાં ૮૬૧૫ લાખની આવક ઉપર ૩૩૦ ટકા વૃદ્ધિદરથી ૭૭૫ લાખ નેટનફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં આવક ૪૭૧૮ લાખ તથા નેટ પ્રૉફિટ ૫૪૮ લાખ થયો છે. દેવું ૩૮૫૪ લાખ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર અઢીથી છ રૂપિયાની છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૧૭૧૨ લાખ થશે. છેલ્લાં ૩ વર્ષની ઍવરેજ EPS સવાચાર રૂપિયા પ્લસની છે. પ્રથમ છ મહિનાની કમાણી ઍન્યુલાઇઝડ કરતાં ઇશ્યુ પ્રાઇસ ૨૧.૬નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ નીચામાં ૬ થઈને હાલ ૯ આસપાસ બોલાય છે.

બીજી કંપની નવી દિલ્હીની ટ્રાવેલ ટૂરિઝમ કંપની હેલ્લોજી હૉલિડેઝ ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપર બૅન્ડમાં ૧૦૯૬ લાખનો BSE SME ઇશ્યુ આજે લાવશે. કંપનીએ ૮ ટકા વધારામાં ૨૮૧૮ લાખની આવક ઉપર ૧૬ ટકા વધારામાં ૨૧૦ લાખ નેટ પ્રૉફિટ ગયા વર્ષે કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં ૧૨૭૪ લાખની આવક તથા ૯૧ લાખ નેટ નફો થયો છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૩૪૩ લાખ થશે. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનાની કમાણી વાર્ષિક ધોરણે ફેરવતાં ઇશ્યુ પ્રાઇસ ૨૨.૩નો PE બતાવે છે. ગ્રેમાર્કેટમાં ૮થી શરૂ થયેલું પ્રીમિયમ ૧૧ થઈને હાલમાં ૧૪ જેવું ચાલે છે. 

અદાણી પોર્ટ્‍સ નવા શિખરે, મહિન્દ્ર બેસ્ટલેવલ બાદ નરમ

ગયા મહિને મારુતિ સુઝુકીનું વેચાણ ૨૧ ટકા વધ્યું છે. શૅર ઉપરમાં ૧૬,૧૬૮ વટાવી ૧.૪ ટકા કે ૨૧૮ રૂપિયા વધીને ૧૬,૧૧૨ થયો છે. આઇશર ૩૭ ટકાની વેચાણવૃદ્ધિ વચ્ચે ૭૨૫૨ વટાવી એક ટકો વધી ૭૧૨૫ હતી. TVS મોટર્સ ૩૦ ટકાના વેચાણવધારા પાછળ ઉપરમાં ૩૬૬૮ થઈને પાંચ ગણા કામકાજે ૩.૭ ટકા વધી ૩૬૬૨ રહી છે. અશોક લેલૅન્ડનું વેચાણ ૨૯ ટકા વધ્યું છે. શૅર સવા ટકો વધી ૧૬૦ હતો. મહિન્દ્રનું કુલ વેચાણ ૧૯ ટકા વધ્યું છે. ભાવ ૩૭૯૭ના બેસ્ટ લેવલ બાદ અડદો ટકો ઘટી ૩૭૪૦ રહ્યાં છે. બજાજ ઑટોએ ગયા મહિને ૮ ટકાની વેચાણવૃદ્ધિ મેળવી છે. શૅર ઉપરમાં ૯૧૮૯ થયા બાદ નહીંવત્ સુધરી ૯૦૯૨ હતો. તાતા મોટર્સ પૅસેન્જર કુલ પચીસ ટકા પ્લસના વેચાણ વધારામાં બમણા કામકાજે બે ટકા વધીને ૩૬૪ થઈ છે. હીરોમોટોકૉર્પ વેચાણના આંકડાના ઇન્તેજાર વચ્ચે બુલરનમાં ૬૩૩૦ની ઑલટાઇમ હાઈ બનાવી બે ટકાની આગેકૂચમાં ૬૨૯૫ થઈ છે.

સેન્સેક્સ નિફ્ટી ખાતે ખાસ વધેલા શૅરમાં ગઈ કાલે ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૧.૪ ટકા, કોટક બૅન્ક ૧.૧ ટકા, HCL ટેક્નો ૦.૯ ટકા, ટેક મહિન્દ્ર અડધો ટકો પ્લસ હતા. અદાણી પોર્ટ્‍સ ૧૫૪૮ની સર્વોચ્ચ સપાટી બાદ ૦.૯ ટકા વધી ૧૫૩૦ રહી છે. રિલાયન્સ ૧૫૬૬ના લેવલે ટકેલી હતી. નિફ્ટી ખાતે મેક્સ હેલ્થકૅર ૩.૨ ટકા ગગડી ૧૧૨૫ રહી છે. ઇન્ડિગો પણ ૧.૮ ટકા બગડી ૫૭૯૪ હતી. સેન્સેક્સમાં બજાજ ફાઇનૅન્સ ૧.૭ ટકા, સનફાર્મા સવા ટકો, સ્ટેટ બૅન્ક ૦.૭ ટકા ડાઉન હતી. અન્યમાં તાતા કન્ઝ્યુમર પોણો ટકો, અદાણી એન્ટર પોણો ટકો, અપોલો હૉસ્પિટલ્સ ૦.૭ ટકા, ટ્રૅન્ટ પોણો ટકો, બજાજ ફિનસર્વ અડધો ટકો, ભારતી અડધો ટકો માઇનસ થઈ છે. તાતા મોટર્સ કમર્શિયલ અર્થાત્ તાતા મોટર્સ મજબૂત વલણ જાળવી રાખતાં ૩૬૫ની નવી વિક્રમી સપાટી નોંધાવી બે ટકા વધી ૩૫૯ રહી છે.

સારાં પરિણામ પાછળ લેન્સકાર્ટ નવી સર્વોચ્ચ સપાટીએ

ફોર્ટની ડેકોરેટિવ પ્રોડક્ટ્સ અને ડેકોરેશન બિઝનેસમાં પ્રવૃત ઇ​ન્ટિરિયર્સ ઍન્ડ મોર લિમિટેડ શૅરદીઠ એક બોનસમાં પાંચમીએ એક્સ બોનસ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૫૬૦ થઈ નજીવા ઘટાડે ૫૫૫ બંધ થયો છે. આ કંપની ૨૦૨૪ના મિડ ફેબ્રુઆરીમાં ૧૦ના શૅરદીઠ ૨૨૭ના ભાવથી ૪૨ કરોડનો NSE SME ઇશ્યુ લાવી હતી. ૨૦૨૫ની ૨૩ ઑક્ટોબરે ભાવ ૬૮૯ની ટોચે ગયો હતો. રિઝર્વ બૅન્ક તરફથી પેમેન્ટ ઍગ્રિગેટર્સ તરીકે કામકાજ કરવાની આખરી મંજૂરી મળી જવાના પગલે પેટીએમમાં નવું જોમ આવ્યું છે. ભાવ ૧૩૭૧ની ચારેક વર્ષની નવી ટૉપ બનાવી સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૧૩૬૭ થયો છે. ૧૧મી માર્ચના રોજ ભાવ ૬૫૨ના તળિયે હતો.

અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા ૩ દિવસની મજબૂતીમાં ૧૪ ટકા વધી ગયા બાદ ગઈ કાલે ઉપરમાં ૧૭૬ થઈ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૬૩ થઈ ૪.૪ ટકા ગગડી ૧૬૪ તો રિલાયન્સ પાવર અઢી ટકા ઘટી ૩૯ રહી છે. અમેરિકન FDA તરફથી ઍન્ટિ બાયોટિક ડ્રગ ઝાયનીશને મંજૂરી મળતાં વૉકહાર્ટ પાંચ વર્ષના લાર્જેસ્ટ સિંગલ-ડે જમ્પમાં ૧૪૮૦ થઈ ૧૯.૨ ટકા કે ૨૩૭ રૂપિયાની તેજીમાં ૧૪૭૧ બંધ આવ્યો છે. વૉલ્યુમ ૨૭ ગણું હતું. વૅલ્યુએશન ગૅપની થીમ ચાલતા જે.એમ. ફાઇનૅ​ન્શિયલ ૧૭ ગણા અસાધારણ વૉલ્યુમ સાથે ૧૬૦ નજીક જઈ સાડાછ ટકાના ઉછાળે ૧૫૫ થયો છે. ૭ એપ્રિલે ભાવ ૭૮ હતો.

લેન્સકાર્ટ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૦.૮ ટકાના વધારામાં ૨૦૯૬ કરોડની આવક ઉપર ૧૯.૭ ટકા વૃદ્ધિદરથી ૧૦૨ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. જેફરીઝ દ્વારા ૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસ અપાઇ છે. ભાવ ૧૩ ગણા કામકાજે ૪૪૮ની ઑલટાઇમ હાઈ બનાવી ૪.૭ ટકા ઊંચકાઈને ૪૩૧ રહ્યા છે. ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટે એક શૅરદીઠ ચારનું બોનસ જાહેર કર્યું છે, પણ શૅર બમણા વૉલ્યુમે ઉપરમાં ૨૭૫૧ થયા બાદ અઢી ટકા ગગડી ૨૬૪૨ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2025 08:41 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK