Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બે રેટકટ અને અમેરિકા-ભારત વેપાર કરારના આખરી નિર્ણય પર હવે નજર

બે રેટકટ અને અમેરિકા-ભારત વેપાર કરારના આખરી નિર્ણય પર હવે નજર

Published : 15 September, 2025 08:03 AM | IST | Mumbai
Jayesh Chitalia

શૅરબજારની બુલેટ ટ્રેન સ્પીડ પકડે એ પહેલાં બેઠક લઈ લેવામાં શાણપણ : શૅરબજારને બે પરિબળ ઝડપી તેજીથી હાલ દૂર રાખતાં હોવાનું જણાય છે. એક, અમેરિકા સાથેના વેપાર-કરાર હજી અધ્ધરતાલ હોવાથી અને બીજું ગ્લોબલ ઇન્વેસ્ટર્સ-FII-FPI હજી મહદંશે નેટ સેલર્સ રહ્યા હોવાથી

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


ગયા સોમવારે બજાર વધઘટ સાથે પ્લસ બંધ રહ્યું. મંગળવારે રિકવરી અને બુધવારે ટ્રમ્પ-મોદી વચ્ચેના સંવાદોની પૉઝિટિવ અસરે માર્કેટ નવા મૂડમાં આવીને ઉછાળા સાથે આગળ વધ્યું હતું, નિફ્ટી પચીસ હજાર પાર બાદ પ્રૉફિટ-બુકિંગનું કરેક્શન આવ્યું. જોકે માર્કેટ પ્લસ જ બંધ રહ્યું હતું. ગુરુવારે ફરી ધીમી રિકવરી ચાલુ રહી, નિફ્ટી પુનઃ પચીસ હજાર પાર બંધ રહ્યો. શુક્રવારે પણ માર્કેટે સુધારાનો દોર ચાલુ રાખ્યો હતો, કેમ કે અમેરિકા ફેડરલ ૧૭ સપ્ટેમ્બરે પા ટકો રેટકટ કરશે એવા અહેવાલ-સંકેત ફરતા થવાથી ગ્લોબલ માર્કેટને નવો કરન્ટ પ્રાપ્ત થયો હતો. રેટકટથી પ્રવાહિતા વધવાની આશાએ તેમ જ ક્રૂડ ઑઇલના ભાવ હળવા થવાથી અને એશિયન માર્કેટમાં પણ સે​ન્ટિમેન્ટ સુધરવાથી બજારને ગતિ મળી હતી.


સ્પીડ પકડે એ પહેલાં સ્માર્ટ બનો



આમ એકંદરે બજારમાં સુધારાનો દોર ચાલુ છે પણ ગતિ ધીમી છે, કારણ કે બજાર ચોક્કસ બાબતે હજી ચિંતામાં હોવાનું સમજાય છે. એ અમેરિકા-ભારત વચ્ચે વેપાર-કરાર ફાઇનલ થઈ જવાની રાહ જુએ છે. હાલ તો બજાર વધ્યા બાદ તરત પ્રૉફિટ-બુકિંગ આવી જાય છે. નિફ્ટી ભલે પચીસ હજારની ઉપર હરતોફરતો રહે, પરંતુ એમાં હજી ઠોસ દમ દેખાતો નથી. GSTની પૉઝિટિવ અસર, ટૅરિફનાં પૉઝિટિવ પરિણામ અને કૉર્પોરેટ અર્નિંગ્સના સુધારાની માર્કેટ રાહ જોઈ રહ્યું હોવાથી એની ચાલ ચોક્કસ મર્યાદામાં જ વધઘટ કર્યા કરશે એવું માનીને ચાલવું પડે. અલબત્ત, લાંબા ગાળાનો રોકાણવ્યૂહ ધરાવતો વર્ગ આ સમયને ખરીદીની તક બનાવી સિલેક્ટિવ સ્ટૉક્સ જમા કરતો રહે એમાં શાણપણ છે. આ સિલેક્શન ભારતીય અર્થતંત્રની સાથે ગ્લોબલ પરિબળોને ધ્યાનમાં લઈને થવું જોઈએ. દરમ્યાન ગયા શુક્રવારે નિયમનસંસ્થા SEBIએ પણ ચોક્કસ કૅપિટલ માર્કેટ રિફૉર્મ્સ કહી શકાય એવાં કદમ જાહેર કર્યાં હતાં જેમાં IPO બાબત તેમ જ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ વિશે નિયમો હળવા અને સરળ બનાવવાની જાહેરાત હતી. આ પગલાં પણ માર્કેટને પ્રોત્સાહન આપવામાં સહાયરૂપ થશે. જોકે આની અસર થોડો સમય લેશે.


નવાં રિફૉર્મ્સ પર કામ શરૂ

કેન્દ્ર સરકાર હવે મોટા-વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઝડપી ક્લિયરન્સ માટે સક્રિય બની છે. મૂડીખર્ચ વધારવાના ઉદ્દેશ સાથે સરકારે વિશાળ પ્રકલ્પો માટે ૨૦૩૦ સુધીનો ગાળો નિર્ધારિત કર્યો છે. આ સૂચિત મેગા પ્રોજેક્ટ્સમાં બુલેટ ટ્રેન કૉરિડોર, શિપ-બિલ્ડિંગ યાર્ડ્‍સ, મલ્ટિપલ પોર્ટ્‍લ અને હાઇવેઝનો સમાવેશ થાય છે જે ૨૦૪૭ના વિકસિત ભારતના વિઝનમાં સમાયેલું છે. સરકારે ૨૦૨૬માં ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે ૧૧.૨૧ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આની પાછળનું સરકારનું લક્ષ્ય વિકાસને વેગ આપવાનું રહ્યું છે. દરમ્યાન નિષ્ણાતો સરકારને ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માટે વિવિધ પ્રોસેસને સરળ બનાવવાની ભલામણ કરી રહ્યા છે. અર્થાત્, હવે પછી પ્રોસેસ રિફૉર્મ્સ હાથ ધરાશે. આ સાથે સરકાર સેમિકન્ડક્ટર મિશન ૨.૦ માટે ફાસ્ટ ટ્રૅક અપ્રૂવલ યંત્રણા લાવવાનો પ્લાન ઘડી રહી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર હાલ વિવિધ રિફૉર્મ્સનાં પગલાં વિચારી રહી છે, જેમાં જમીન અને કામદાર ધારાના સુધારા (લૅન્ડ અને લેબર રિફૉર્મ્સ)નો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં સરકારનું ફોકસ બિઝનેસ કરવાનું સરળ બનાવવા ઉપરાંત ઈઝ ઑફ લિવિંગ કરવાનું પણ છે.


ગ્લોબલ આઉટલુક અને ધારણા

દરમ્યાન ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે GST રિફૉર્મ્સની સરાહના કરતાં કહ્યું છે કે આને પગલે ભારતમાં ખાનગી વપરાશ વધશે અને ઇકૉનૉમીને બૂસ્ટ કરશે. જોકે આને કારણે સરકારની રેવન્યુને અસર થવા છતાં ઓવરઑલ ફાઇનૅન્શિયલ કન્ડિશનને નેગેટિવ અસર થશે નહીં, જે કોઈ અસર હશે એ ટૂંકા ગાળાની હશે. બીજી બાજુ ફિચ રેટિંગ્સે ભારતના નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ગ્રોથ આઉટલુકને અપગ્રેડ કર્યો હતો જે અગાઉ ૬.૫ ટકા હતો એ હવે ૬.૯ ટકા કરાયો છે. મજબૂત સ્થાનિક માગની તેમ જ સપોર્ટિવ નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ અપગ્રેડેશન કરાયું હોવાનું એજન્સીએ કહ્યું છે. તાજેતરમાં જ્યારે ટૅરિફ-અનિશ્ચિતતા અને ગ્લોબલ સમસ્યાઓ ચાલી રહી છે ત્યારે આવું પૉઝિટિવ અનુમાન પ્રોત્સાહક ગણાય. ભારતનું સર્વિસ-આઉટપુટ પણ વધ્યું છે, જ્યારે કે ખાનગી અને જાહેર વપરાશ ખર્ચ ડિમાન્ડનાં મુખ્ય ચાલકબળ રહ્યાં છે. એપ્રિલથી જૂન ક્વૉર્ટરમાં ખાનગી વપરાશદર વધીને ૭ ટકા થયો છે. અલબત્ત, ફિચે અમેરિકા ટૅરિફ વિશે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ સાથે-સાથે આ પ્રશ્ન વાટાઘાટથી ઉકેલાઈ જવાની આશા પણ દર્શાવી છે. આ જ સમયે કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે કરેલા નિવેદન મુજબ ભારત-અમેરિકા વેપાર વાટાઘાટ ચાલુ છે અને એનો વિન-વિન સિચુએશન સાથે ઉપાય થવાની ધારણા જણાવી છે.

ગ્લોબલ ફન્ડ્સને હવે પછીના ક્વૉર્ટરમાં કૉર્પોરેટ કમાણી વધવાની આશા છે, ભારતની ગ્રોથ-સ્ટોરી સારી છે અને બહેતર રહેશે એમ જણાવતાં આ વર્ગ માને છે કે હજી વૅલ્યુએશન બાબતે એ ઊંચા હોવાની ચિંતા છે. જોકે સ્મૉલકૅપમાં આવી ચિંતા વધુ છે. આ સેગમેન્ટમાં કરેક્શન ઝડપી આવી શકે છે. અલબત્ત, કન્ઝ્યુમર સેક્ટર માટે ઊંચો આશાવાદ છે. અત્યારના સંજોગોમાં ગ્લોબલ ટ્રેડ અનિશ્ચિતતાની અસરે માર્કેટ વૉલેટાઇલ રહેવાની શક્યતા વધુ છે. પરિણામે માર્કેટ રેન્જબાઉન્ડ રહેશે, પણ અર્નિંગ્સના સુધારા બાદ એમાં રિકવરી જોવા મળશે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

GST સુધારાને પગલે હવે વપરાશ અને ડિમાન્ડ વધવાની ધારણા સાથે ધિરાણ માટેની માગ પણ વધવાની શક્યતા જણાય છે.

તાતા ગ્રુપની કંપની તાતા કૅપિટલ આગામી મહિનામાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવા એના IPO સાથે બજારમાં પ્રવેશનાર છે. આ ઇશ્યુ પર વિશાળ રોકાણકાર વર્ગની અને કૉર્પોરેટ સેક્ટરની પણ નજર રહેશે.

રિઝર્વ બૅન્કની આગામી મહિનામાં જાહેર થનારી નાણાનીતિમાં વ્યાજદરમાં કાપ આવવાની શક્યતા છે જે વપરાશને વધુ વેગ આપશે.

નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલવાની સંખ્યા ઑગસ્ટમાં ઘટીને ૨૪.૮ લાખ રહી છે જે જુલાઈમાં ૨૯.૮ લાખ હતી. જોકે કુલ અકાઉન્ટ્સની સંખ્યા ૨૦ કરોડ થઈ ગઈ છે જે ૨૦૨૦ની તુલનાએ ચાર ગણી વધુ છે. 

વિશેષ ટિપ

ભારતીય શૅરબજારની તેજીની ગતિ ધીમી પાડનાર ડોનલ્ડ ટ્રમ્પ આ ગતિને વેગ આપવામાં કારણ બને તો નવાઈ નહીં. સમજો તો ઇશારા કાફી.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2025 08:03 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK