સફળતાથી પાર પડી જશે તો ભારતીય ઇકૉનૉમી અને સ્ટૉક માર્કેટ માટે તેજીની ગાડીને સ્પીડ મળશે. જેમ સ્પીડ મળશે એમ સાવચેતી વધુ જરૂરી બનશે
પ્રતીકાત્મક તસવીર
દુનિયામાં કંઈ પણ ચાલી રહ્યું હોય, ભારતીય શૅરબજાર હાલ તો મહદંશે એની અસરોથી મુક્ત હોય એવું લાગી રહ્યું છે. અમેરિકા સાથેના વેપાર-કરારનો દિવસ નજીક આવી ગયો છે. અત્યારે તો સંકેતો પૉઝિટિવ છે. જો આ સફળતાથી પાર પડી જશે તો ભારતીય ઇકૉનૉમી અને સ્ટૉક માર્કેટ માટે તેજીની ગાડીને સ્પીડ મળશે. જેમ સ્પીડ મળશે એમ સાવચેતી વધુ જરૂરી બનશે
ગયા સપ્તાહમાં બજાર ઓવરઑલ બુલિશ મૂડમાં રહ્યું, વચ્ચે પ્રૉફિટ-બુકિંગને લીધે કરેક્શન પણ આવ્યું, જે જરૂરી પણ હતું. હવે બજાર સામે બે મુદ્દા ઊભા છે, એક અમેરિકા સાથેના વેપાર-કરારનો અને બીજો મુદ્દો હાઈ બનતા જતા વૅલ્યુએશનનો છે. આ હાઈ વૅલ્યુએશન ચિંતાજનક પણ ગણાય. ત્રીજી તરફ વિશ્વનો આર્થિક વિકાસ મંદ રહ્યો હોવાની ચિંતા માથે ઊભી છે. જોકે ભારતમાં અર્થતંત્રની ગતિ એકંદરે સારી-સુધારાતરફી રહી છે. સરકાર વધુ આર્થિક સુધારા માટે આગળ વધી રહી છે. GST કલેક્શન સહિત ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ સારાં રહ્યાં છે. ગ્રોથરેટ અને વ્યાજદરના સારા સંજોગો પણ માર્કેટની તરફેણમાં રહ્યા છે. IPOની લાઇન લાગી છે. આમ એકંદરે માર્કેટ બુલિશ દિશામાં છે. અમેરિકા સાથેના ટ્રેડ-ઍગ્રિમેન્ટનું પરિણામ બહેતર રહ્યું તો માર્કેટને નવું બૂસ્ટ મળી શકે.
ADVERTISEMENT
બુલિશ ટ્રેન્ડના સંકેત
દરમ્યાન શૅરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો હોવાના સંકેત એ છે કે માર્કેટમાં ઍડ્વાન્સ-ડિક્લાઇન રેશિયો (અર્થાત્ વધનાર સ્ટૉક્સ અને ઘટનાર સ્ટૉક્સનો રેશિયો) પૉઝિટિવ રહ્યો છે જેમાં વધનાર સ્ટૉક્સની સંખ્યા નોંધપાત્ર ઊંચી રહી છે, BSE લિસ્ટેડ સ્ટૉક્સમાં આ વલણ જોવાયું છે. આ સ્થિતિ બુલિશ ટ્રેન્ડ દર્શાવે છે. જોકે બીજી બાજુ સતત વધી રહેલા બજારમાં વૅલ્યુએશન વધુ પડતા હાઈ ગયાં યા જઈ રહ્યાં હોવાની ચિંતા અને ચર્ચા પણ વધી છે. આવામાં લાર્જ સ્ટૉક્સ પર વધુ ધ્યાન આપવામાં શાણપણ રહેશે. અમેરિકા સાથેના વેપાર-કરારને પગલે જે સેક્ટર્સને પ્રોત્સાહન મળવાની શક્યતા જણાશે એમાં લેવાલીનું આકર્ષણ વધી શકે છે. જોકે આમાં ઉતાવળ કરતાં ધીરજ વધુ મહત્ત્વની રહેશે. આ માટે સ્ટૉક્સ-સિલેક્ટિવ પણ બનવું જોઈશે. તેજીના તાલ સાથે બજારમાં ગરબડ કરનારાઓની ચાલ પણ વધતી જશે. ભાવઉછાળા સહિત માર્કેટમાં મૅનિપ્યુલેશનની પ્રવૃત્તિઓ પણ વધી શકે. એથી રોકાણકારોએ સાવચેત રહેવું જોઈશે. બાકી ઇન્વેસ્ટર્સ સ્માર્ટ રહેશે તો સંપત્તિસર્જન પણ કરી શકશે.
આવા ડેરિવેટિવ્ઝ-ખેલાડીઓથી સાવધ રહેજો
ગયા સપ્તાહમાં એક ચોંકાવનારી અને ધ્યાન આપવા જેવી ઘટના શૅરબજારમાં બની. નિયમન સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ ગ્લોબલ ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ અને એની સાથે સંબંધિત ત્રણ કંપનીઓ સામે ઍક્શન લીધી, જેમાં તેમને ભારતીય શૅરબજારમાં કામકાજ કરવા પર મનાઈ ફરમાવી દેવાઈ. આ કંપનીઓ ડેરિવેટિવ્ઝ માર્કેટ અર્થાત્ ફ્યુચર્સ-ઑપ્શન્સ માર્કેટમાં રમત રમતી હતી અને માર્કેટમાં કથિત મૅનિપ્યુલેશન કરતી હોવાનો આરોપ SEBIએ એના ઇન્ટરિમ ઑર્ડરમાં મૂક્યો છે. એટલું જ નહીં, SEBIએ આ કંપનીઓના ૪૮૪૩ કરોડ રૂપિયાથી વધુ રકમના કથિત ગેરકાનૂની નફાને પણ કબજામાં લીધો છે. આ કંપનીઓનાં બૅન્ક અકાઉન્ટ્સને પણ ડેબિટ માટે ફ્રીઝ કરવાનો આદેશ અપાયો છે. આ હસ્તીઓ બૅન્ક નિફ્ટી ફ્યુચર્સ અને કૅશ સેગમેન્ટમાં રમત રમતી હતી, જેની ખોટી અને મિસગાઇડ કરતી અસર માર્કેટ પર થતી હોવાનો આક્ષેપ હતો. આ કેસ અહીં જણાવવાનો ઉદ્દેશ એ જ છે કે રોકાણકારો કઈ-કઈ રીતે માર્કેટમાં ગેરમાર્ગે દોરાય છે અને એને કારણે કઈ રીતે નાણાં ગુમાવે છે તેમ જ માર્કેટ પણ કઈ રીતે એનો ભોગ બને છે એ આવા કિસ્સાઓ પરથી બહાર આવે છે. SEBIએ આવી ઘણી બાબતો પર ધ્યાન આપવા સાથે સમયસર અને સમય પહેલાં પણ ઍક્શન લેવાની જરૂર છે. યાદ રહે, ઑપ્શન્સ-ફ્યુચર્સના સોદા નાના, બિનઅનુભવી અને અજ્ઞાન રોકાણકાર વર્ગ માટે ભયંકર જોખમી છે, જેની ચેતવણી ખુદ સ્ટૉક એક્સચેન્જિસ અને નિયમનકાર SEBI પણ આપતી રહી છે. SEBIએ તો વારંવાર કહ્યું છે કે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં દર દસ ખેલાડીમાંથી નવ જણ ખોટ કરે છે. જોકે નવાઈની વાત એ છે કે એમ છતાં આ સેગમેન્ટ ધૂમ ચાલે છે અને SEBI એને ચાલવા પણ દે છે. ઝડપી અને મોટે પાયે નાણાં કમાઈ લેવાની લાલસામાં અનેક રોકાણકારો આનો ભોગ બની રહ્યા છે, જે માટે એ રોકાણકારો-ખેલાડીઓ ખુદ જવાબદાર તો ગણાય જ.
સ્ટાર્ટઅપ્સના IPOની પણ કતાર
શૅરબજારની તેજીનો તાલ જોઈ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની નાનીસી વણઝાર શરૂ થઈ ગઈ છે. એમાં હવે સ્ટાર્ટઅપ્સના IPO પણ ઉમેરાતા જાય છે, આને ન્યુએજ ઇકૉનૉમીની કંપનીઓ પણ કહેવાય. આ કંપનીઓ કૅપિટલ માર્કેટનો લાભ લેવા પોતાનાં સાહસોની ઑફર લઈને આવી રહી છે; જેમાં હાલ મીશો, ગ્રો, ફિઝિક્સવાલા, પાઇન લૅબ્સ, અર્બન કંપની વગેરેનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ પોતાના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ SEBIમાં સુપરત કર્યા છે. આ કંપનીઓ સંયુક્ત રૂપે માર્કેટમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ધરાવે છે. અહીં એ નોંધવું રહ્યું કે તાજેતરમાં એચડીબી ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની (જે એચડીએફસી બૅન્કની સબસિડિયરી છે)નો IPO છલકાયો અને એનું લિસ્ટિંગ પણ સફળ રહ્યું હતું. મજાની વાત એ છે કે હવેના સમયમાં માર્કેટ સામે વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં કંપનીઓ મૂડી ઊભી કરવા બજારમાં પ્રવેશી રહી છે. કહેવાય છે કે એ વધુ સ્પષ્ટ વિઝન અને પારદર્શકતા સાથે પ્રવેશી રહી છે.
સંભવિત જોખમ પણ સમજવાં
જોકે આ તમામ નવાં સાહસો હોવાથી એમની સંભવિત સફળતા સામે સંભવિત જોખમ પણ રહેવાનાં છે. રોકાણકારોએ તેમના વૅલ્યુએશન પર ધ્યાન આપવું જોઈશે. હાલ માર્કેટ તેજીના મૂડમાં હોવાથી ઘોડા ભેગા ગધેડા પણ દોડશે, પરંતુ ઘોડા અને ગધેડાને ઓળખવામાં રોકાણકારોએ પોતે ધ્યાન આપવું જોઈશે. આ માટે યોગ્ય સલાહ લેવી એ તેમની જવાબદારી ગણાય. લૉન્ગ ટર્મ રોકાણકારોએ એ સમજવું જરૂરી રહેશે કે આ કંપનીઓના લિસ્ટિંગ બાદ એમાં પ્રવાહિતા રહેશે કે કેમ. માત્ર મૂડીબજારમાં પ્રવેશવાથી, લિસ્ટિંગ મેળવી લેવાથી કંપની સફળ બની જતી નથી. એ કંપનીઓ કેટલી લાંબી યાત્રા કરી શકવા સક્ષમ છે, એના ધ્યેય શું છે, સ્પર્ધામાં ટકી રહેવા અને આગળ વધવા કેટલી સક્ષમ છે, એમાં સંસ્થાકીય રોકાણ કરનાર કોણ-કોણ છે વગેરે જાણવું પણ મહત્ત્વનું રહેશે. ભવિષ્યમાં આ કંપનીઓને નાણાંની જરૂર ઊભી થઈ તો એ કઈ રીતે મેળવી શકશે, એને કોનો સપોર્ટ મળી શકશે, એની સહયોગી કંપનીઓ, પ્રમોટર્સ-સ્થાપકો કોણ છે, કેવો રેકૉર્ડ ધરાવે છે જેવી બારીક અને મહત્ત્વની બાબતો પણ જાણવી-સમજવી જોઈશે.

