Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયાએ અંગ્રેજોનો એજબૅસ્ટનનો કિલ્લો પહેલી વાર ધ્વસ્ત કર્યો

ટીમ ઇન્ડિયાએ અંગ્રેજોનો એજબૅસ્ટનનો કિલ્લો પહેલી વાર ધ્વસ્ત કર્યો

Published : 07 July, 2025 10:15 AM | Modified : 07 July, 2025 10:16 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિદેશની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત, એજબૅસ્ટનમાં જીતનાર પહેલી એશિયન ટીમ પણ બની : ભારતે આપેલા ૬૦૮ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગ્સમાં ૨૭૧ રને ઑલઆઉટ થતાં ૩૩૬ રને કારમી હાર મળી

ટેસ્ટ-કરીઅરમાં પહેલી વાર એક મૅચમાં પાંચ પ્લસ વિકેટ લીધી આકાશ દીપે.

ટેસ્ટ-કરીઅરમાં પહેલી વાર એક મૅચમાં પાંચ પ્લસ વિકેટ લીધી આકાશ દીપે.


ભારતીય ટીમે બર્મિંગહૅમના એજબૅસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩૩૬ રનની વિશાળ જીત નોંધાવીને ધ ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની પાંચ મૅચની સિરીઝને ૧-૧થી લેવલ કરી છે. પહેલી ઇનિંગ્સમાં ૫૮૭ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સ ૪૨૭/૬ના સ્કોર પર ડિક્લેર કરીને ભારતે ૬૦૮ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૦૭ રન કરનાર અંગ્રેજ ટીમ બીજી ઇનિંગ્સમાં ૬૮.૧ ઓવરમાં ૨૭૧ રન કરીને ઑલઆઉટ થઈ હતી. વરસાદને કારણે આ મૅચ ભારતીય સમય અનુસાર સાંજે ૫.૧૦ વાગ્યે શરૂ થઈ હતી અને પાંચમા દિવસની રમત ૯૦ને બદલે ૮૦ ઓવરની થઈ હતી.


એજબૅસ્ટન એ વેન્યુ બન્યું જ્યાં એશિયન ટીમે પહેલી ટેસ્ટ-મૅચ જીતવા માટે સૌથી વધુ ૧૯ ટેસ્ટ-મૅચ સુધી રાહ જોવી પડી છે. ૧૯૬૭થી ૨૦૨૨ સુધી આ મેદાન પર ભારતને ઇંગ્લૅન્ડ સામે આઠ મૅચમાંથી સાતમા હાર મળી હતી અને એક મૅચ ૧૯૮૬માં ડ્રૉ થઈ હતી. વિદેશી ધરતી પર ભારતની ૩૩૬ રનની આ સૌથી મોટી જીત પણ હતી.



પાંચમા દિવસે ઇંગ્લૅન્ડે ૧૭મી ઓવરમાં ૭૨-૩ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. વિકેટકીપર-બૅટર જેમી સ્મિથે (૯૯ બૉલમાં ૮૮ રન) અને કૅપ્ટન બેન સ્ટોક્સ (૭૩ બૉલમાં ૩૩ રન)એ છઠ્ઠી વિકેટ માટે ૭૦ રનની ભાગીદારી કરીને ભારતને એક સમયે બરાબર હેરાન કર્યું હતું. પૂંછડિયા બૅટર બ્રાયડન કાર્સે (૪૮ બૉલમાં ૩૮ રન) પણ મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.


ફાસ્ટ બોલર આકાશ દીપે (૯૯ રનમાં ૬ વિકેટ) શાનદાર પ્રદર્શન કરીને વિરોધી ટીમના મોટા ધુરંધરોને આઉટ કર્યા હતા. બે શાનદાર કૅચ પકડનાર મોહમ્મદ સિરાજ (૫૭ રનમાં એક વિકેટ) સહિત ચાર બોલરને બીજી ઇનિંગ્સમાં એક-એક સફળતા મળી હતી.

1692
ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની આટલા સૌથી વધુ રનની ટેસ્ટ-મૅચ બની બર્મિંગહૅમની ટેસ્ટ.


વિદેશમાં ટેસ્ટ જીતનાર શુભમન ગિલ યંગેસ્ટ ભારતીય કૅપ્ટન 
એજબૅસ્ટનમાં ૪૩૦ રન ફટકારીને શુભમન ગિલ કૅપ્ટન તરીકે પહેલી મૅચ જીતીને પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો. પચીસ વર્ષ ૩૦૧ દિવસે વિદેશમાં ટેસ્ટ જીતનાર તે ભારતનો યંગેસ્ટ કૅપ્ટન બન્યો હતો. તેણે સુનીલ ગાવસકર (૨૬ વર્ષ ૨૦૨ દિવસ)નો ન્યુ ઝીલૅન્ડ સામેનો ૧૯૭૬નો રેકૉર્ડ ધરાશાયી કર્યો હતો. શુભમનના ૪૩૦ રન સામે ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ ૩૩ રન જ કરી શક્યો હતો. આ ટેસ્ટ-મૅચ બે કૅપ્ટનના સ્કોર વચ્ચે સૌથી વધુ ૩૯૭ રનના તફાવતવાળી મૅચ પણ બની હતી. 

૧૦ વિકેટ લેનાર આકાશ દીપની બહેન બે મહિનાથી છે કૅન્સર પેશન્ટ 
૨૮ વર્ષના ફાસ્ટ બોલર આકાશ દીપે બર્મિંગહૅમ ટેસ્ટ-મૅચમાં ૧૮૭ રન આપીને ૧૦ વિકેટ ઝડપી છે. તેણે ભારતીય બોલર તરીકે ઇંગ્લૅન્ડમાં એક ટેસ્ટમાં બેસ્ટ પ્રદર્શન કરવાનો ચેતન શર્મા (૧૮૮ રનમાં ૧૦ વિકેટ)નો રેકૉર્ડ તોડ્યો હતો. ચેતન શર્માએ બર્મિંગહૅમમાં ૧૯૮૬માં આ રેકૉર્ડ બનાવ્યો હતો, પણ મૅચ ડ્રૉ રહી હતી.  પોતાની ક્રિકેટ-કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કર્યા બાદ આકાશ દીપે ખુલાસો કર્યો કે તેની મોટી બહેન છેલ્લા બે મહિનાથી કૅન્સર પેશન્ટ છે. હવે સ્થિતિ સ્થિર છે, પણ આ ટેસ્ટ-મૅચમાં તેણે દરેક બૉલ પોતાની બહેનને યાદ કરીને નાખ્યો હતો. તેણે આ પ્રદર્શન અને જીત પોતાની બહેનને સમર્પિત કર્યાં હતાં. 

જેમી સ્મિથ એક ટેસ્ટ-મૅચમાં ૨૫૦ પ્લસ રન કરનાર ઇંગ્લૅન્ડનો પહેલો પ્લેયર
પહેલી ઇનિંગ્સમાં ૧૮૪ રન અને બીજીમાં ૮૮ રન ફટકારીને ઇંગ્લૅન્ડના જેમી સ્મિથે બીજી ટેસ્ટ-મૅચમાં ૨૭૨ રન કર્યા હતા. તે ઇંગ્લૅન્ડ માટે એક ટેસ્ટ-મૅચમાં સૌથી વધુ રન કરનાર વિકેટકીપર બન્યો હતો. તેણે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર ઍલેક સ્ટુઅર્ટ (૨૦૪ રન)નો ૧૯૯૮નો સાઉથ આફ્રિકા સામે બનાવેલો રેકૉર્ડ તોડ્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2025 10:16 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK