અંધેરીનાં ૬૮ વર્ષનાં મીના ઠાકર ૧૦૫ કિલોમાંથી ૭૫ કિલોનાં કેવી રીતે થઈ ગયાં એ જાણવા જેવું છે
૬૮ વર્ષનાં મીના ઠાકર ૧૦૫ કિલોમાંથી ૭૫ કિલો વજન ઘટાડયો
ભારેભરખમ વજન ધરાવતી વ્યક્તિ માટે વેઇટલૉસ કરવો એ અચીવમેન્ટથી કમ નથી. અંધેરીમાં રહેતાં ૬૮ વર્ષનાં મીના ઠાકર જે હજી ગયા વર્ષે ૧૦૫ કિલોનાં હતાં તેમણે સપ્ટેમ્બર મહિનાથી વજન ઘટાડવાનું ચાલુ કરી દીધેલું. એના પરિણામસ્વરૂપે આજે તેમનું વજન ઘટીને ૭૫ કિલો થઈ ગયું છે. આ સાથે જ ઘૂંટણમાં દુખાવો, બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ વગેરે જેવી બધી જ તકલીફ દૂર થઈ ગઈ છે એટલું જ નહીં, વજન ઘટાડીને તેઓ વધુ કૉન્ફિડન્ટ ફીલ કરે છે. મીનાબહેનનો ટાર્ગેટ હજી ૮-૧૦ કિલો વજન ઉતારવાનો છે.
વજન વધ્યું કેવી રીતે?
ADVERTISEMENT
મીનાબહેનનું વજન ૧૦૫ કિલો સુધી કઈ રીતે પહોંચી ગયું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આજથી ૬ વર્ષ પહેલાં મારું વજન ૭૫ કિલોની આસપાસ જ હતું, જે મેં ઉતારેલું હતું. ૨૦૧૯માં મારા ભાઈ વિનોદ ગુજરી ગયા. તેમની સાથે મને વધારે લગાવ હતો. તેમના ગુજરી ગયા બાદ મેં મારી ડાયટ પર ધ્યાન આપવાનું છોડી દીધેલું એટલે ત્યારથી થોડું-થોડું વજન વધવા લાગેલું. એમાં ૨૦૨૦માં કમ્પ્લીટ લૉકડાઉન થઈ ગયું. એ સમયે હું માહિમમાં એક સૅલોંમાં હેરડ્રેસર તરીકે કામે જતી હતી. લૉકડાઉન થતાં ઘરે ને ઘરે જ રહેવાનું હોય. એમાં ૨૦૨૦ના ડિસેમ્બરમાં મારાં બહેન ઊર્મિલા કોરોનાથી ગુજરી ગયાં. પરિવારના સભ્યોનું પણ કહેવું હતું કે તમને ઇમ્યુનિટીની જરૂર છે એટલે ડાયટ કરવાનું છોડી દો. એટલે હું પણ બધા ખાતા એ જ ખાઈ લેતી. એટલે ડાયટ પરનો જે કન્ટ્રોલ હતો એ છૂટી ગયો. સમય સાથે મારું વજન વધતું ગયું અને વધીને ૧૦૫ કિલો સુધી પહોંચી ગયું. એને કારણે મને બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ જેવા બીજા હેલ્થ-ઇશ્યુઝ પણ થવા લાગ્યા.’
વેઇટલૉસ જર્ની
વજન ઉતારવાનો નિર્ણય કઈ ક્ષણે લીધો એની વાત કરતાં મીનાબહેન કહે છે, ‘ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મારી વેઇટલૉસ જર્નીની શરૂઆત કરી. મારી પૌત્રી રિષિતાનાં લગ્ન એપ્રિલ ૨૦૨૫માં થવાનાં હતાં, જે રાજકોટમાં હતાં. લગ્ન આડે હજી આઠ મહિના બાકી હતા એટલે લગ્ન આવે ત્યાં સુધીમાં મેં શક્ય હોય એટલો વેઇટલૉસ કરવાનો નિર્ણય લીધો. મારા વધુપડતા વજનને કારણે સ્થિતિ એવી હતી કે હું થોડું ચાલું ત્યાં શ્વાસ ચડી જાય, પગ પણ દુખે. એ વખતે તો એમ થઈ ગયેલું કે જો હું વજન નહીં ઉતારું તો રાજકોટ સુધી ટ્રાવેલ નહીં કરી શકું. હું બ્યુટિશ્યન છું. મેં મારી આખી લાઇફ દુલ્હનોને રેડી કરવામાં કાઢી છે. મારી એવી તીવ્ર ઇચ્છા હતી કે હું મારા હાથેથી જ મારી પૌત્રીને તેનાં બધાં જ વેડિંગ-ફંક્શન્સ માટે તૈયાર કરું. મારી પૌત્રીનાં લગ્ન આવ્યાં એ સમય સુધીમાં મેં ૨૦ કિલો વજન ઉતારી લીધું હતું. મેં નક્કી કરેલું એ મુજબ મેં જ મારી પૌત્રીને તેના ફંક્શન માટે રેડી કરેલી. એ પછી મેં વધુ ૧૦ કિલો જેટલું વજન ઘટાડ્યું. અત્યારે મારું વજન ૭૫ કિલો છે, જે હજી ૮-૧૦ કિલો સુધી ઘટાડવું છે.’
કઈ રીતે ઘટાડ્યું?
વેઇટલૉસ કરવા માટે મીનાબહેને કયો સ્પેસિફિક પ્રોગ્રામ ફૉલો કરેલો એના વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘વેઇટલૉસ માટે મેં ડાયટ અને પંચકર્મ થેરપીનો સહારો લીધો. અમારે ત્યાં અંધેરીમાં માધવબાગ ક્લિનિક છે, જેની બ્રાન્ચ ઑલઓવર ઇન્ડિયામાં આવેલી છે. એ લોકોની ડાયટ-કિટ આવે છે જેમાં મલ્ટિગ્રેન આટા, મિક્સ દાળ, સૂપ પાઉડર, તજનો પાઉડર બધું જ આવે. એમાંથી તમારે ફ્રેશ ખાવાનું બનાવીને સમયસર ભોજન લેવાનું હોય છે. હું સવારે છ વાગ્યે તજની બનાવેલી ચા પીઉં. એ પછી આઠ વાગ્યે બ્રેકફાસ્ટ લઉં જેમાં દલિયા, મુંગદાલ ચિલ્લા, કીન્વા ઉપમા ખાઉં. એ પછી અગિયાર વાગ્યે કોઈ પણ એક ફ્રૂટ ખાઈ લઉં. એ પછી બપોરના દોઢ વાગ્યે જમવામાં મલ્ટિગ્રેન લોટની એક રોટલી, શાક, સૅલડ અને દાળ ખાઉં. એ પછી સાંજે ચાર વાગ્યે મિક્સ સીડ્સ ખાઉં. એ પછી છ વાગ્યાની આસપાસ મિક્સ વેજિટેબલનું સૂપ પીઉં. રાતનું જમવાનું પણ સાત વાગ્યા સુધીમાં પતાવી લઉં જેમાં એક રોટલી, શાક, સૅલડ અને દાળ ખાઉં. મને મોડેથી સૂવાની આદત છે એટલે કોઈ દિવસ રાત્રે ભૂખ લાગી હોય તો ગ્રીન ટી પી લઉં કે થોડા મખાના રોસ્ટ કરીને ખાઈ લઉં. ડાયટની સાથે પંચકર્મ પણ ચાલુ હતું જેમાં એ લોકો ઑઇલથી ફુલ બૉડી મસાજ કરે, એ પછી ફુલ બૉડી સ્ટીમ આપે અને પછી આંતરડાની શુદ્ધિ માટે એનીમા આપે. શરૂઆતમાં દર અઠવાડિયે હું પંચકર્મ થેરપી લેતી, એ પછી મહિનામાં બે વાર લેતી અને હવે મહિનામાં એક વાર લઉં છું.’
ખાવાપીવામાં કન્ટ્રોલ
વેઇટલૉસ જર્ની વખતે ખાવાપીવામાં કઈ રીતનો કન્ટ્રોલ રાખ્યો એ વિશે જણાવતાં મીનાબહેન કહે છે, ‘મને જમવામાં રાઇસ ન હોય તો ઊંઘ ન આવે. મારી ડાયટને કારણે મારે એ ટોટલી ખાવાનું બંધ કરી દેવું પડ્યું. મીઠી, તળેલી, ચટપટી વસ્તુઓ પણ ખાવાનું બંધ કરવું પડેલું. મારે સગાંસંબંધીમાં લગ્નમાં જવાનું થાય તો પણ હું ખાવા-પીવામાં કન્ટ્રોલ રાખું. એક વખત તો હું મલ્ટિગ્રેન લોટની રોટલી બનાવીને લઈ ગયેલી. ત્યાંથી પનીરનું શાક લીધું. સાથે મોં મીઠું કરવા માટે પ્રસાદની જેમ ચમચીમાં જરાક ગાજરનો હલવો લીધો. એ જ મેં ખાધું. અન્ય એક લગ્નપ્રસંગમાં જવાનું થયેલું ત્યારે પણ મેં સૂપ, સ્ટાર્ટર અને એક ચાટ લીધેલી. મેઇન કોર્સ અને સ્વીટ કાઉન્ટરમાં તો હું ગઈ જ નહોતી એટલે ખાવાપીવાની બાબતમાં મેં ખૂબ કન્ટ્રોલ રાખ્યો છે. એમ પણ મારી આદત છે કે હું કોઈ પણ કામ હાથમાં લઉં એને પૂરું કર્યા વગર છોડું નહીં.’
વજન ઘટાડવાના શું ફાયદા થયા?
વજન ઘટાડ્યા પછી હવે કેવું ફીલ થાય છે એ વિશે વાત કરતાં મીનાબહેન કહે છે, ‘અત્યારે તો હું એકદમ ફિટ છું. આરામથી હરીફરી શકું છું. બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ પણ રિવર્સ થઈ ગયું છે. મને કૉન્ફિડન્ટ ફીલ થાય છે. અગાઉ મને બહાર જવામાં બીક લાગતી. બહાર ગઈ હોઉં તો પણ ધીરે-ધીરે ચાલું. થોડું દૂર જવાનું હોય તો રિક્ષા લઈને જાઉં. હવે એવું કંઈ રહ્યું નથી. બસ, ટ્રેન, મેટ્રો બધામાં પ્રવાસ કરું. હું બહાર જાઉં તો પણ ઓળખીતા લોકો પાસેથી પ્રશંસા સાંભળવા મળે. ઘણા લોકો જોઈને તરત સીધું એમ જ બોલે કે તબિયત તો સારી છેને? આટલાં પાતળાં કેમ થઈ ગયાં? વધારે વેઇટ હતું ત્યારે પગના દુખાવાને કારણે હું એક્સરસાઇઝ કરતી નહોતી. હવે વજન ઊતરી ગયું છે એટલે દરરોજ નજીકના ગાર્ડનમાં વૉક કરવા જાઉં. ઘરે ટ્વિસ્ટર મશીન છે તો દરરોજ ૨૦૦ વાર ટ્વિસ્ટિંગ કરું છું. એ સિવાય અમુક બૉડી-એક્સરસાઇઝ પણ કરું છું. વેઇટલૉસ કર્યા પછી એને મેઇન્ટેન કરવું ખૂબ જરૂરી છે. મેં અનુભવી લીધું છે કે વધારે પડતા વજનને કારણે કેટલી તકલીફ થાય. આપણે આપણી હેલ્થનું ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે?’

