BRICS Coalition: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા વિરોધી નીતિઓ ધરાવતા બ્રિક્સ દેશો પર ૧૦ ટકા વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી; બ્રિક્સના ઘોષણાપત્રમાં એકપક્ષીય ટેરિફ વધારા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
બ્રાઝિલ (Brazil)માં ચાલી રહેલા બ્રિક્સ સમિટ (BRICS Summit) દરમિયાન, યુએસ (United States) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ બ્રિક્સ દેશોને મોટી ચેતવણી આપી હતી. ટ્રમ્પે ધમકી આપતા કહ્યું છે કે, જો બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિને સમર્થન આપશે, તો તેમના પર ૧૦ ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે. બ્રિક્સ સમિટ (BRICS Coalition)માં ઈરાન (Iran) પર અમેરિકા (United States of America) અને ઇઝરાયલ (Israel)ના હુમલાની નિંદા થયા બાદ, ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી હતી અને બ્રિક્સ દેશોને ચેતવણી આપી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર લખ્યું છે કે, ‘જે પણ દેશ બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેમની પાસેથી વધારાનો ૧૦% ટેરિફ વસૂલવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!’
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા વિરોધી નીતિઓ ધરાવતા બ્રિક્સ દેશો પર ૧૦ ટકા વધારાના ટેરિફ લાદવાની ખુલ્લી ધમકી આપી છે.
બ્રાઝિલમાં ચાલી રહેલ બ્રિક્સ સમિટમાં ભાગ લેનારા દેશોએ અમેરિકાનું નામ લીધા વિના ઈરાન પરના તાજેતરના હુમલા અને વેપાર ટેરિફની નિંદા કરી. મધ્ય પૂર્વમાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીની ટીકા કરવામાં આવી હતી. સમિટ પહેલા, બ્રિક્સ દેશોએ અમેરિકા પર સીધો હુમલો કર્યો ન હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે, વધતા ટેરિફ વૈશ્વિક વેપારને પ્રતિકૂળ અસર કરી રહ્યા છે અને તે WTOના નિયમોની વિરુદ્ધ છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા (Lula da Silva)એ લશ્કરી ખર્ચ વધારવાના નાટો (NATO)ના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, શાંતિ કરતાં યુદ્ધમાં રોકાણ કરવું હંમેશા સરળ હોય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ સ્થગિત કરવા માટે નક્કી કરાયેલી સમયમર્યાદા ૯ જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. આનાથી વિશ્વભરના દેશોની ચિંતા વધી ગઈ છે. તાજેતરમાં, ટ્રમ્પે કહ્યું હતું કે ૯ જુલાઈ પછી વૈશ્વિક ટેરિફમાંથી કોઈ રાહત મળશે નહીં. આ પછી, તે મોટાભાગના દેશો પર ટેરિફ પર ૯૦ દિવસનો પ્રતિબંધ લંબાવવાની યોજના બનાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ વખતે બ્રિક્સ સમિટનું આયોજન બ્રાઝિલે કર્યું હતું. જેમાં જૂના પાંચ દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા (Russia), ભારત (India), ચીન (China), દક્ષિણ આફ્રિકા (South Africa) ઉપરાંત, નવા સભ્ય દેશો ઇજિપ્ત (Egypt), ઇથોપિયા (Ethiopia), ઈરાન (Iran), યુએઈ (UAE) અને ઇન્ડોનેશિયા (Indonesia)એ ભાગ લીધો હતો. આ વખતે થીમ હતી - સમાવેશી અને ટકાઉ વૈશ્વિક શાસન માટે ગ્લોબલ સાઉથના સહયોગને મજબૂત બનાવવો (Strengthening the cooperation of the Global South for inclusive and sustainable global governance). બ્રાઝિલે ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બ્રિક્સનું પ્રમુખપદ સંભાળ્યું.

