Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ITના જોરમાં સુધારાની નવી ઇનિંગ્સ શરૂ, સેન્સેક્સ ૮૫,૦૦૦ અને નિફ્ટી ૨૬,૦૦૦ની ઉપર

ITના જોરમાં સુધારાની નવી ઇનિંગ્સ શરૂ, સેન્સેક્સ ૮૫,૦૦૦ અને નિફ્ટી ૨૬,૦૦૦ની ઉપર

Published : 20 November, 2025 10:16 AM | IST | Mumbai
Anil Patel

જયપ્રકાશ અસોસિએટ્સ અદાણીના હાથમાં જવાની શક્યતા પાછળ જે. પી. પાવરમાં તગડો જમ્પ : હિન્દુસ્તાન યુનિલીવરમાં આઇસક્રીમ બિઝનેસના ડીમર્જર માટે પાંચ ડિસેમ્બરની રેકૉર્ડ ડેટ જાહેર : બાયબૅકની પૂર્વ સંધ્યાએ ઇન્ફોસિસ મજબૂતી સાથે બજારને ૧૬૯ પૉઇન્ટ ફળ્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. રીસ્ટ્રક્ચરિંગને લીલી ઝંડી મળતાં ગૅબ્રિઅલ ઇન્ડિયા વૉલ્યુમ સાથેની તેજીમાં
  2. ગ્રોવાળી બિલિયન બ્રેઇન્સ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં, એમ્વી ફોટોવૉલ્ટિક નવા શિખરે
  3. સન્માન કૅપિટલમાં ગેરરીતિના મામલે તપાસમાં CBI અને SEBIની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી

ગ્રોથ અને વૅલ્યુએશનની ફિકરમાં અમેરિકા ખાતે ડાઉ ઇન્ડેક્સ વધુ એક ટકો અને નૅસ્ડૅક સવા ટકો ઘટીને બંધ આવતાં બુધવારે મોટા ભાગનાં એશિયન બજારોની નરમાઈ ચાલુ રહી છે.

તાઇવાન પોણા ટકા નજીક, સાઉથ કોરિરયા અડધા ટકાથી વધુ, હૉન્ગકૉન્ગ સાધારણ અને થાઇલેન્ડ નહીંવત્ ઘટ્યું છે. ઇન્ડોનેશિયન બજાર અડધો ટકો તથા ચાઇના નહીંપત પ્લસ હતું. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા નજીક ઢીલું થયું છે. બિટકૉ​ઇન પોણાબે ટકાના ઘટાડે ૯૧,૩૦૦ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટ ક્રૂડ પોણો ટકો ઘટીને ૬૪ ડૉલરની ઉપર તો નાયમૅક્સ ક્રુડ ૬૦ ડૉલર ઉપર દેખાયું છે. નાયમેક્સ ક્રૂડ એકાદ મહિનામાં ૫૭ ડૉલર થવાની ધારણા વહેતી થઈ છે.



ઘર આંગણે બજારે સતત ૬ દિવસના સુધાર બાદ મંગળવારે વિરામ લઈ તેજીની ઇનિંગ્સ ફરી શરૂ કરી છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૯ પૉઇન્ટ નીચે ૮૪,૬૪૪ નજીક ખૂલીને છેવટે ૫૧૩ પૉઇન્ટ વધી ૮૫૧.૮૬ તથા નિફ્ટી ૧૪૨ પૉઇન્ટ વધીને ૨૬,૦૫૩ બુધવારે બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૮૪,૫૨૬ અને ઉપરમાં ૮૫,૨૩૭ થયો હતો.


નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૨૬,૦૭૫ નોંધાયો હતો. બજારની ગઈ કાલની મજબૂતી મુખ્યત્વે IT અને ટેક્નૉલૉજી સેક્ટરને આભારી હતી. હેવી વેઇટ્સની આગેવાની સાથે IT ઇન્ડેક્સ ૭૭માંથી ૫૧ શૅરના સથવારે ૧૦૨૫ પૉઇન્ટ કે ત્રણેક ટકા વધ્યો છે એની હૂંફમાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક પણ ૨.૨ ટકા મજબૂત થયો છે. PSU બૅન્ક નિફ્ટી ૮૫૮૫ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧.૨ ટકા વધી ૮૫૭૬ રહ્યો છે. અન્યથા બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ ઢીલાં હતાં. નબળી માર્કેટબ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૪૧૪ શૅરની સામે ૧૭૦૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૦૧ લાખ કરોડ વધીને ૪૭૫.૬૩ લાખ કરોડ થયું છે.

જયપ્રકાશ પાવર વૅન્ચર્સ ૨૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૦.૭૫ થઈ પંદર ટકાની તેજીમાં ૨૦.૩૧ બંધ આપી બે-ગ્રુપમાં ઝળક્યો છે. જયપ્રકાશ અસોસિએટ્સને ટેકઓવર કરવા માટે વેદાન્તાની ૧૭,૦૦૦ કરોડની ઑફર સામે અદાણીની ઑફર નીચી, ૧૩,૫૦૦ કરોડ હોવા છતાં મોટા ભાગના લેણદારો, ખાસ કરીને બૅન્કોએ અદાણીની તરફેણ કરી હોવાના અહેવાલ છે અને જેપી પાવરની પ્રમોટર જયપ્રકાશ અસોસિએટ્સ છે આથી શૅરમાં તેજી આવી છે. અવ​ન્તિફીડ્સ ૨૪ ગણા કામકાજે ઉપરમાં ૮૫૮ થઈ ૧૦ ટકાના જમ્પમાં ૮૪૩ રહી છે. કૉન્ટ્રૅક્ટની શરતોના કથિત ઉલ્લંઘન બદલ પાવરગ્રીડ કૉર્પોરેશન દ્વારા KEC ઇન્ટરનૅશનલ ઉપર નવા ટેન્ડરમાં સહભાગી બદલ ૯ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવતાં KEC ઇન્ટર.નો શૅર નીચામાં ૬૮૭ થઈ ૯ ટકા તૂટી ૭૧૦ બંધ થયો છે. HBL એન્જિનિયરિંગ ૯૩૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૯.૧ ટકા ગગડી ૯૩૫ રહી છે.


અદાણીના શૅરોમાં બ્લૉકડીલ મારફત GQG પાર્ટનર્સનું ૫૧૦૦ કરોડનું રોકાણ

હિન્દુસ્તાન યુનિલીવર દ્વારા એના આઇસક્રીમ ડિવિઝનને ડીમર્જ કરી ક્વૉલિટી વોલ્સ ઇન્ડિયા લિમિટેડ નામની અલગ કંપનીમાં કન્વર્ટ કરાયું છે. ડીમર્જર પહેલી ડિસેમ્બરથી અમલી બનશે. હિન્દુસ્તાન યુનિલીવરના શૅરધારકોને એક શૅરદીઠ નવી કંપની ક્વૉલિટી વોલ્સનો એક શૅર મળશે. એની રેકૉર્ડ-ડેટ પાંચ ડિસેમ્બર નક્કી થઈ છે. ક્વૉલિટી વોલ્સનું લિ​​સ્ટિંગ ચાલુ નાણાંકીય વર્ષના ચોથા ક્વૉર્ટરમાં થવાનું છે. હિન્દુસ્તાન યુનિલીવરનો શૅર ગઈ કાલે ઉપરમાં ૨૪૫૦ થઈ દોઢ ટકો વધી ૨૪૪૧ બંધ થયો છે.

ઇન્ફોસિસમાં શૅરદીઠ મહત્તમ ૧૮૦૦ રૂપિયાના ભાવથી ૧૮,૦૦૦ કરોડનું મેગા બાયબૅક ૨૦મીથી શરૂ થશે અને ૨૬મીએ બંધ થશે. એમાં રીટેલ શૅરધારકો માટે ૧૧ શૅરદીઠ બેનો એક્સેપ્ટન્સ રેશિયો ઠરાવાયો છે. મતલબ કે ૧૧ શૅરદીઠ બે શૅર ૧૮૦૦ના ભાવે બાયબૅક કરાશે. ઇન્ફોનો શૅર ગઈ કાલે ઉપરમાં ૧૫૪૩ બતાવી ૩.૭ ટકા ઊછળી ૧૫૪૧ બંધ થયો છે. બજારને ૧૬૮ પૉઇન્ટ ફળ્યો છે.

રાજીવ જૈનની GQG પાર્ટનર્સ મંગળવારે બ્લૉકડીલ મારફત અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ૨૬૪૨ના ભાવે ૫૩.૪૨ લાખ શૅર ૧૩૧૫ કરોડ રૂપિયામાં, અદાણી પોર્ટ્સમાં શૅરદીઠ ૧૫૦૭ના ભાવે ૭૩.૧૭ લાખ શૅર ૧૧૦૩ કરોડમાં, અદાણી ગ્રીનના શૅરદીઠ ૧૦૮૯ના ભાવે ૭૭.૩૯ લાખ શૅર ૮૪૨ કરોડ રૂપિયામાં, અદાણી એનર્જી સૉલ્યુશન્સના શૅરદીઠ ૧૦૨૧ના ભાવે ૫૩.૯૪ લાખ શૅર ૫૫૧ કરોડમાં તથા અદાણી પાવરમાં શૅરદીઠ ૧૫૩ના ભાવે ૧૨૮૨ કરોડના શૅર લીધા હોવાનું જાણવા મળે છે. આના કારણે ઉક્ત તમામ કંપનીમાં GQG પાર્ટનર્સનું હૉલ્ડિંગ જે હાલ દોઢથી અઢી ટકા આસપાસ છે એમાં વધારો થશે. ગઈ કાલે અદાણી એન્ટર. નહીંવત ઘટીને ૨૪૩૧, અદાણી પોર્ટ્સ પોણો ટકો ઘટીને ૧૪૮૨, અદાણી પાવર સવા ટકો વધીને ૧૫૧, અદાણી એનર્જી બે ટકા બગડી ૧૦૦૫ તથા અદાણી ગ્રીન ૦.૯ ટકા ઘટી ૧૦૬૮ બંધ રહી છે.

ટેક્નોક્લીન ઍરનું ધારણા મુજબ સારું લિ​​સ્ટિંગ, ૨૪ ટકા રિટર્ન

ગઈ કાલે બે ભરણાં ખૂલ્યા એમાં મેઇન બોર્ડની એક્સેલ સૉફ્ટ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૧૨૦ની અપરબૅન્ડમાં કુલ ૫૦૦ કરોડ રૂપિયાનો IPO લાવી છે. એ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૯ ગણા સહિત કુલ દોઢ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૩૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને હાલ ૧૪ ચાલે છે. SME કંપની ગેલાર્ડ સ્ટીલનો ૧૦ના શૅરદીઠ ૧૫૦ની અપરબૅન્ડ સાથે ૩૭૫૦ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૬.૭ ગણા સાથે કુલ ૫.૩ ગણો ભરાયો છે. અહીં ૧૧થી શરૂ થયેલું પ્રીમિયમ અત્યારે ૪૦ રૂપિયા બોલાય છે.

તામિલનાડુના કાંચીપુરમની ટેક્નોક્લીન ઍર ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૩૯૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૦૧થી શરૂ થઈને નીચામાં ૫૫ તથા ઉપરમાં ૧૨૩ થઈ છેલ્લે ચાલતા ૧૦૩ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૪૯૮ ખૂલી ઉપરમાં ૫૧૭ અને નીચામાં ૪૮૦ બતાવી ૪૯૧ બંધ થતાં એમાં ૨૩.૭ ટકા લિ​​સ્ટિંગ ગેઇન મળ્યો છે. ફ્યુજિયામાં પાવર સિસ્ટમ્સનું લિ​​સ્ટિંગ આજે થવાનું છે. દોઢ રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ હાલ બોલાય છે.

દરમ્યાન આગલા દિવસે ૪૨ ટકા લિ​સ્ટિંગ ગેઇન સાથે ૧૫૫ બંધ રહેલી ફિઝિક્સવાલા ગઈ કાલે ૭.૫ ટકા ગગડી ૧૪૩ બંધ થઈ છે. ભાવ ઉપરમાં ૧૬૧ થયો હતો. તો માંડ એક ટકા લિ​સ્ટિંગ ગેઇનમાં ૨૧૯ બંધ થયેલી એમ્વી ફોટોવૉ​લ્ટિક ૨૪૧ના શિખરે જઈને ૭.૯ ટકા ઊછળી ૨૩૬ રહી છે. SME કંપની વર્કમેટ્સ ફોરટુક્લાઉડ જે ૮૦ ટકા લિ​સ્ટિંગ ગેઇનમાં ૩૬૮ બંધ થઈ હતી જે ગઈ કાલે ૩૫૦ નીચેની બૉટમ બનાવી પાંચ ટકા તૂટી ૩૫૦ હતી. મહામાયા લાઇફ સાયન્સિસ પોણો ટકો સુધરી ૧૧૭ થઈ છે. અન્ય નવા લિસ્ટેડ શૅરમાં પાઇનલૅબ્સ અડધો ટકો વધીને ૨૪૨ તથા ગ્રોવાળી બિલિયન બ્રેઇન્સ નીચામાં ૧૭૦ થઈ ૧૦ ટકા તૂટી ત્યાં જ બંધ આવી છે. સ્ટડ્સ એસેસરીઝ ૦.૭ ટકા સુધરી ૫૭૪ અને લેન્સકાર્ટ ૧.૧ ટકા વધી ૪૨૯ હતી.

આવકવેરાના સપાટામાં વારી ગ્રુપના શૅરોમાં નોંધપાત્ર નરમાઈ

વારી એનર્જિસની મુંબઈ, વાપી તથા ચીખલી ખાતેની વિવિધ ઑફિસ-પ્રિમાઇસીસ ઉપર આવકવેરા ખાતાએ મોટા પાયે સર્ચ ઍન્ડ સીઝર ઑપરેશન હાથ ધર્યું હોવાના અહેવાલ છે. શૅર ગઈ કાલે સવાછ ગણા કામકાજમાં નીચામાં ૩૦૮૫ થઈને સવાત્રણ ટકા ગગડી ૩૧૭૫ બંધ થયો છે. કંપનીની ૭૪.૪ ટકા માલિકીની સબસીડી પર વારી રિન્યુએબલ ટેક્નૉલોજીઝ પોણાબે ગણા કામકાજે નીચામાં ૧૦૯૨ થઈ ૧.૮ ટકા ઘટી ૧૧૦૭ રહી છે. જ્યારે પ્રમોટર્સ ગ્રુપની અન્ય કંપની વારી ટેક્નૉલૉજીઝ ૨૩૪ની ૩૧ મહિનાની બૉટમ બનાવી સવાબે ટકા ઘટીને ૨૩૫ હતી. ૨૦૧૪ની ૧૫ એપ્રિલે આ શૅર ૨૨૦૯ની વિક્રમી સપાટીએ ગયો હતો. SME કંપની ગોએલ કન્સ્ટ્રક્શનને આદિત્ય બિરલા ગ્રુપ તરફથી ૧૭૩ કરોડનો સિવિલ વર્ક્સ માટેનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. શૅર ઉપરમાં ૩૩૯ થઈ સામાન્ય વધીને ૩૨૨ બંધ હતો. કંપની સપ્ટેમ્બરના આરંભમાં ૧૦ના શૅરદીઠ ૨૬૩ના ભાવે ૧૦૦ કરોડનો BSE SME ઇશ્યુ લાવી હતી.

માર્કેટ ઇન્ટરમિડિયેટરી CAMS લિમિટેડ તરફથી ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજન માટેની રેકૉર્ડ-ડેટ પાંચ ડિસેમ્બર નક્કી થઈ છે. શૅર સાધારણ નરમાઈમાં ૩૯૩૫ બંધ થયો છે. વિવિયાના પાવર ટેક પાંચ શૅરદીઠ ૩ બોનસમાં ઍક્સ-બોનસ થતાં ગઈ કાલે ૧૦૬૦ થઈ ૯૯૬ના લેવલે ફ્લૅટ રહી છે. બરોડાની આ કંપની ૨૦૨૨ના સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ૧૦ શૅરદીઠ પંચાવનના ભાવથી ૮૮૦ લાખનો NSE SME IPO લાવી હતી. LG ઇલેક્ટ્રૉનિક્સમાં મૉર્ગન સ્ટૅન્લીએ ૧૮૬૪ની ટાગેર્ટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી કર્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૬૯૧ થઈ ૨.૮ ટકા વધીને ૧૬૬૮ થયો છે. લુમેક્સ ઑટોમાં ફિલિપ્સ કૅપિટલે ૧૮૬૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. ભાવ ઉપરમાં ૧૪૨૪ વટાવી બે ટકા વધી ૧૩૯૩ રહ્યો છે. નબળા પરિણામ પછી ઘટાડામાં આવેલી ગૅબ્રિઅલ ઇન્ડિયાના રીસ્ટ્રક્ચરિંગ પ્લાનને શૅરબજાર સત્તાવાળાની લીલી ઝંડી મળતાં શૅર સાત ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૧૩૨ બતાવી સવાતેર ટકાની તેજીમાં ૧૧૧૬ બંધ આવ્યો છે.

સ્ટેટ બૅન્ક નવા શિખરની હારમાળામાં ૯ લાખ કરોડની કંપની બની

હીરો મોટોકૉર્પમાં હવે જેપી મૉર્ગને પણ ૬૮૫૦ની અપવર્ડ ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જાહેર કર્યો છે. શૅર ૫૯૧૬ની ૧૪ મહિનાની નવી ટૉપ બનાવી સવા ટકો વધી ૫૮૭૫ રહ્યો છે. MCX ૯૮૩૮ની ઑલટાઇમ હાઈ દેખાડી ૧.૪ ટકા વધીને ૯૮૦૩ રહી છે તો BSE લિમિટેડ ૨૯૧૪ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ ૨.૩ ટકા વધીને ૨૮૯૮ હતી. લાર્સન ટેક્નૉલૉજીઝ ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૪૪૬૦ બતાવી આઠ ટકા કે ૩૩૧ રૂપિયાના જમ્પમાં ૪૪૦૩ થઈ છે. લાટિમ ૩.૬ ટકા કે ૨૦૫ રૂપિયાની મજબૂતીમાં ૫૯૬૨ હતી.

HCL ટેક્નૉલૉજીઝ બમણા કામકાજે ઉપરમાં ૧૬૩૯ થઈ સવાચાર ટકાની તેજીમાં ૧૬૬૪ બંધ આવી સેન્સેક્સ-નિફ્ટીમાં ઝળકી છે. ઇન્ફો ૩.૭ ટકા, TCS બે ટકા તથા ટેક મહિન્દ્ર ૦.૯ ટકા પ્લસ હતી. આ ૪ IT શૅર બજારને કુલ ૨૯૬ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. વિપ્રો ૨.૨ ટકા વધીને ૨૪૬ હતો. નિફ્ટી ખાતે મૅક્સ હેલ્થકૅર ૪.૩ ટકા ઊંચકાઈ ૧૧૬૪ રહી છે. ટાઇટન ૩૯૪૦ નજીક નવું શિખર મેળવીને સવા ટકો વધી ૩૯૩૩ હતી. સ્ટેટ બૅન્ક ૯૮૪ની સર્વોચ્ચ સપાટી દર્શાવી એક ટકાની આગેકૂચમાં ૯૮૨ બંધ થતાં માર્કેટકૅપ ૯.૦૬ કરોડ વટાવી ગયું છે. સન ફાર્મા ૧.૪ ટકા, મહિન્દ્ર પોણો ટકો, અપોલો હૉસ્પિટલ એક ટકા, આઇશર એકાદ ટકો પ્લસ હતા.

તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સ નરમ ચાલ જાળવી રાખતાં નીચામાં ૩૬૦ થઈ ૨.૮ ટકા બગડી ૩૬૧ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. મારુતિ સુઝુકી સવા ટકો કે ૨૦૪ રૂપિયા, બજાજ ફાઇનૅન્સ તથા હિન્દાલ્કો પોણો ટકો નરમ હતી. સન્માન કૅપિટલમાં ગેરરીતિ બદલ હાથ ધરાયેલી તપાસમાં CBIના આંખમિચામણાં તથા SEBIની રહેમ નજરની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતાં સન્માન કૅપિટલનો શૅર વૉલ્યુમ સાથે સાડાબાર ટકા તૂટી ૧૬૦ની અંદર ઊતરી ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2025 10:16 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK