વિવેક ઑબેરૉયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું જ્યારે ૧૬-૧૭ વર્ષનો હતો ત્યારે મેં ટ્રેડિંગથી એક કરોડ રૂપિયાની કમાણી કરી હતી
વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉય હાલમાં તેની લેટેસ્ટ ફિલ્મ ‘મસ્તી 4’ના પ્રમોશન માટે ઇન્ટરવ્યુ આપી રહ્યો છે. આવા એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની ૧૨૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ વિશે વાત કરી હતી અને કહ્યું કે જ્યારે તે ૧૬-૧૭ વર્ષનો હતો ત્યારે જ તેણે એક કરોડ રૂપિયા કમાઈ લીધા હતા અને હવે એટલી કમાણી કરી ચૂક્યો છે કે તેની ઘણી પેઢીઓ આરામથી બેસીને જીવી શકે. વિવેક અત્યારે દુબઈમાં રહે છે અને ત્યાં પોતાનો બિઝનેસ સંભાળી રહ્યો છે.
પોતાના જીવન વિશે વાત કરતાં વિવેક ઑબેરૉયે જણાવ્યું હતું કે ‘હું ૧૬-૧૭ વર્ષનો હતો ત્યારે મેં ટ્રેડિંગ કરીને એક કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી. મને બચત કેવી રીતે કરવી એ આવડતું હતું. જોકે આ રકમ કૅશ નહોતી, પરંતુ સ્ટૉક-વૅલ્યુ હતી. ૧૯ વર્ષની ઉંમરે મેં ૧૨ કરોડ રૂપિયા ભેગા કરી લીધા હતા. આમાં મારું વ્યક્તિગત રોકાણ વીસ-પચીસ લાખ રૂપિયા જેટલું જ હતું, પણ મેં જેમાં રોકાણ કર્યું હતું એ બધાએ નફો કર્યો હતો. આ પછી મેં ફિનટેક કંપનીઓ, એજ્યુટેક કંપનીઓ, રોડસાઇડ સેફ્ટી અસિસ્ટન્સ કંપની, લૅબગ્રોન ડાયમન્ડ જ્વેલરી કંપની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્સી ફર્મ જેવી અનેક કંપનીઓ ઊભી કરી અને અત્યારે એ બધી સારી રીતે ચાલી રહી છે.’
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યુમાં વિવેકને તેની અત્યારની ૧૨૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું દરરોજ ૧૬ કલાક કામ કરું છું. તમારી નેટવર્થ કેટલી હોય એનાથી શું ફરક પડે છે? અંતે તમારી પાસે તમારી પસંદની કાર અને ઘર હોવું જોઈએ. ભગવાને મને એટલું આપ્યું છે કે મારી અનેક પેઢીઓનો ખર્ચ ચાલી શકે.’


