નાલાસોપારામાં ૩૫ વર્ષની એક વ્યક્તિએ પાડોશમાં રહેતી ૧૩ વર્ષની છોકરીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારામાં ૩૫ વર્ષની એક વ્યક્તિએ પાડોશમાં રહેતી ૧૩ વર્ષની છોકરીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. નાલાસોપારા પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ ઘટના બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે આરોપી છોકરીના ઘરે તેના પપ્પા વિશે પૂછવા ગયો હતો. છોકરીને ઘરે એકલી જોઈને આરોપીએ પાણી માગ્યું અને છોકરી પાણી લેવા રસોડામાં ગઈ એટલે તરત આરોપી પાછળ ગયો હતો અને તેને પાછળથી પકડી લીધી હતી. ગભરાયેલી છોકરીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ આરોપીએ તેના પર જાતીય હુમલો કર્યો હતો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો હતો. છોકરીને તેણે એવી ધમકી પણ આપી હતી કે આ ઘટના વિશે કોઈને કહ્યું તો તેને મારી નાખશે. જોકે છોકરીનાં મમ્મી-પપ્પા રાતે ૮ વાગ્યે ઘરે પાછાં ફર્યાં ત્યારે છોકરીને ડરેલી જોઈ હતી. પૂછપરછ કરતાં અંતે છોકરીએ બધું કહી દેતાં તેમણે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની એ જ રાતે ધરપકડ કરી હતી.


