૨૦૫ રનના ટાર્ગેટ સામે ટ્રૅવિસ હેડે શાનદાર સદી ફટકારીને ઑસ્ટ્રેલિયાને ૮ વિકેટે જીત અપાવી, ૧૦ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચ બન્યો મિચલ સ્ટાર્ક
ટ્રૅવિસ હેડે ૧૬ ફોર અને ૪ સિક્સરના મદદથી ૬૯ બૉલમાં સદી ફટકારીને શાનદાર ઉજવણી કરી. કાંગારૂઓની બેટિંગને કારણે પરેશાન જોવા મળ્યા ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ અને સાથી પ્લેયર્સ.
પર્થ ટેસ્ટ-મૅચના બીજા જ દિવસે ૮ વિકેટે જીત નોંધાવીને યજમાન ઑસ્ટ્રેલિયાએ પાંચ મૅચની ઍશિઝમાં ૧-૦થી લીડ મેળવી છે. પહેલા દાવમાં ૧૭૨ રન કરનાર ઇંગ્લૅન્ડે બીજા દાવમાં ૩૪.૪ ઓવરમાં ૧૬૪ રને તમામ વિકેટ ગુમાવીને ૨૦૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૫.૨ ઓવરમાં ૧૩૨ રને ઑલઆઉટ થનાર કાંગારૂઓએ બીજી ઇનિંગ્સમાં ૨૮.૨ ઓવરમાં બે વિકેટે ૨૦૫ રન કરીને રોમાંચક જીત નોંધાવી હતી. આખી મૅચમાં ૧૦ વિકેટ લઈને ધમાલ મચાવનાર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ૪૦મી ઓવરમાં ૧૨૩-૯ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. જોકે કાંગારૂ ટીમે માત્ર ૯ રન ઉમેરીને અંતિમ વિકેટ પણ ગુમાવી હતી. ફાસ્ટ બોલર બેન સ્ટોક્સ ૨૩ રન આપીને પાંચ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયામાં બેસ્ટ પ્રદર્શન કરનાર ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બન્યો હતો. ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે અંતિમ વિકેટ સહિત ૩ સફળતા મેળવી હતી.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડના બીજા દાવ દરમ્યાન પર્થની ગ્રીન મૉન્સ્ટર પિચ પર ફરી ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સનો તરખાટ જોવા મળ્યો હતો. ઑલી પોપના ૩૩ રન અને ગસ ઍટકિન્સનના ૩૭ રનના આધારે ઇંગ્લૅન્ડ માંડ-માંડ ૧૬૪ રન સુધી પહોંચી શક્યું હતું. કાંગારૂઓ માટે બીજા દાવમાં ફાસ્ટ બોલર સ્કૉટ બૉલૅન્ડે ૩૩ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. અન્ય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક અને બ્રેન્ડન ડૉગેટે ૩-૩ સફળતા મેળવી હતી.

૨૦૫ રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયન ઓપનર્સની નવી જોડીએ આક્રમક શરૂઆત કરી હતી. ટ્રૅવિસ હેડ સાથે ૧૨ ઓવરમાં ૭૫ રનની પાર્ટનરશિપ બાદ નવોદિત ઓપનર જેક વેધરલ્ડ ૨૩ રન કરી આઉટ થયો હતો. બીજી વિકેટ માટે ટ્રૅવિસ હેડ અને માર્નસ લબુશેને ૯૨ બૉલમાં ૧૧૭ રનની ભાગીદારી કરીને જીતને સફળ બનાવી દીધી હતી. આક્રમક બૅટર ટ્રૅવિસ હેડે ૧૬ ફોર અને ૪ સિક્સરના આધારે ૮૩ બૉલમાં ૧૨૩ રન ઝૂડી દીધા હતા. લબુશેને ૪૯ બૉલમાં ૬ ફોર અને એક સિક્સરના આધારે ૫૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ઇન્ચાર્જ કૅપ્ટન સ્ટીવ સ્મિથે ૪ બૉલમાં બે રન કરીને વિનિંગ રન ફટકાર્યો હતો. તેણે ઍશિઝમાં કૅપ્ટન તરીકે અજેય રહેવાનો પોતાનો રેકૉર્ડ પણ જાળવી રાખ્યો હતો.
0- ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી વખત મૅચની પહેલી ત્રણ ઇનિંગ્સમાં આટલા રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ.
100 - આટલી ટેસ્ટ-મૅચ જીતી ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે. એક દેશમાં એક હરીફ સામે આટલી મૅચ જીતનાર પહેલી ટીમ બની.
847- આટલા બૉલ સાથે ઍશિઝની એકવીસમી સદીની શૉર્ટેસ્ટ ટેસ્ટ-મૅચ રમાઈ. ૧૮૮૮માં મૅન્ચેસ્ટરમાં સૌથી ઓછા ૭૮૮ બૉલની મૅચ રમાઈ હતી.
૧૦૨ વર્ષ બાદ ઍશિઝમાં રમાઈ બે દિવસની ટેસ્ટ-મૅચ
ઍશિઝ ટેસ્ટ-સિરીઝના ઇતિહાસમાં છઠ્ઠી વખત ટેસ્ટ-મૅચ બે દિવસમાં સમાપ્ત થઈ છે. ૧૮૮૮માં, ૧૮૯૦માં અને ૧૯૨૧માં ઇંગ્લૅન્ડમાં બન્ને ટીમ વચ્ચે બે દિવસની ટેસ્ટ-મૅચ રમાઈ હતી. ઍશિઝના ઇતિહાસમાં પહેલી જ વખત ઑસ્ટ્રેલિયામાં બે દિવસમાં ટેસ્ટ-મૅચ સમેટાઈ ગઈ છે. ટેસ્ટ-ઇતિહાસમાં ઓવરઑલ ૨૬મી વખત બે દિવસની ટેસ્ટ-મૅચ રમાઈ છે. ઑગસ્ટ ૧૮૮૨માં આ બન્ને ટીમ વચ્ચે જ ટેસ્ટ-ઇતિહાસની બે દિવસની પહેલી મૅચ મેલબર્નમાં રમાઈ હતી. જોકે એ મૅચ ઍશિઝ ટેસ્ટ-સિરીઝનો ભાગ નહોતી.


