મેલ/એક્સપ્રેસ ટ્રેનો થાણે અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ લોકલ ટ્રેન નેટવર્કમાં ટ્રૅક, ઓવરહેડ વાયર અને સિગ્નલના સમારકામ માટે રવિવારે સેન્ટ્રલ રેલવેલાઇનમાં બ્લૉક રાખવામાં આવ્યો છે. થાણે અને કલ્યાણ વચ્ચે સવારે ૧૦.૪૦થી બપોરે ૩.૪૦ વાગ્યા સુધી અપ અને ડાઉન ફાસ્ટ ટ્રૅક પર મેગા બ્લૉક રહેશે. આ સમય દરમ્યાન થાણે અને કલ્યાણ સુધી અપ અને ડાઉન ફાસ્ટ તથા સેમી-ફાસ્ટ ટ્રેનો સ્લો લાઇન પર ચલાવવામાં આવશે, જે નિશ્ચિત સ્ટૉપ ઉપરાંત કલવા, મુંબ્રા અને દિવા સ્ટેશનો પર રોકાશે અને નિર્ધારિત સમય કરતાં ૧૦ મિનિટ મોડી રહેશે. મેલ/એક્સપ્રેસ ટ્રેનો થાણે અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇન પર કોઈ મેગા બ્લૉક નહીં રહે.
કલ્યાણ-લોનાવલા સેક્શન પર ૧૦ દિવસનો બ્લૉક
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝને કલ્યાણ-લોનાવલા સેક્શન પર પ્રી-નૉન-ઇન્ટરલૉકિંગ (NI) અને NI કામો માટે ખાસ ટ્રાફિક અને પાવર બ્લૉકની જાહેરાત કરી છે. યાર્ડ રીમૉડલિંગ અને ડાઉન યાર્ડમાં R&D લાઇનના કામ માટે ૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી બ્લૉક રાખવામાં આવશે. એને પગલે ૨૬ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધી લાંબા અંતરની અનેક ટ્રેનોને અસર થશે. ૩૦ નવેમ્બરથી ટ્રેનસર્વિસ સામાન્ય રીતે ચાલશે.


