° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ જગતના સમાચાર

26 October, 2021 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઍર ઇન્ડિયા હસ્તગત કરવાની દિશામાં તાતાનું ઓર એક પગલું; જિયોફોન નેક્સ્ટ માટે વિકસાવાઈ ‘પ્રગતિ’ ઑપરેટિંગ સિસ્ટમ; ભારતી ઍરટેલે મોરેટોરિયમ સ્વીકાર્યું અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઍર ઇન્ડિયા હસ્તગત કરવાની દિશામાં તાતાનું ઓર એક પગલું

સરકારે રાષ્ટ્રીય કૅરિયર ઍર ઇન્ડિયાને ૧૮,૦૦૦ કરોડમાં વેચવા માટે સોમવારે તાતા સન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ મહિનાની શરૂઆતમાં સરકારે ૨૭૦૦ કરોડ રૂપિયા રોકડા ચૂકવવા અને ઍરલાઇનનું ૧૫,૩૦૦ કરોડથી વધુનું દેવું સ્વીકારવા માટેની નમકથી સૉફ્ટવેર સુધીના ક્ષેત્રે કાર્યરત સમૂહની હોલ્ડિંગ કંપની - ટેલેસ પ્રાઇવેટ લિમિટેડની ઑર સ્વીકારી હતી.

એ પછી ૧૧ ઑક્ટોબરે તાતા ગ્રુપને લેટર ઑફ ઇન્ટેન્ટ જારી કરવામાં આવ્યો હતો અને સરકારે કહ્યું હતું કે પોતે ઍરલાઇનમાં પોતાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવા માટે તૈયાર છે.

ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટ (દીપમ)ના સચિવ તુહિનકાંત પાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયાના વ્યૂહાત્મક વિનિવેશ માટે સરકાર દ્વારા તાતા સન્સ સાથે આજે શૅર ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ ડીલમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હૅન્ડલિંગ કંપની એઆઇસેટ્સનું વેચાણ પણ સામેલ છે. તાતાએ સ્પાઇસ જેટના પ્રમોટર અજય સિંહની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ દ્વારા થયેલી ૧૫,૧૦૦ કરોડ રૂપિયાની ઑફર સામે વધારે ઑફર કરી હતી.

 

ભારત બૉન્ડ ઈટીએફનો વધુ એક ઇશ્યુ લવાશે

કેન્દ્રની માલિકીની કંપનીઓની વૃદ્ધિ માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ ભંડોળ એકઠું કરવા સરકાર ડિસેમ્બર સુધીમાં ભારત બૉન્ડ ઈટીએફનો વધુ એક ઇશ્યુ લાવે એવી શક્યતા છે.  વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ ચોક્કસ કેટલાં નાણાં ભેગાં કરવાં એના વિશે હાલ ચર્ચા ચાલી રહી છે. આ ઈટીએફ સરકારી કંપનીઓના ટ્રિપલ-એ રેટેડ બૉન્ડમાં રોકાણ કરે છે. એની મદદથી સરકારી કંપનીઓ મૂડીગત ખર્ચ કરવા માટેનાં નાણાં ભેગાં કરી શકે છે. જુલાઈ ૨૦૨૦માં ભારત બૉન્ડ ઈટીએફનો બીજો ઇશ્યુ લાવવામાં આવ્યો હતો. એમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયા ભેગા થયા હતા. ડિસેમ્બર ૨૦૧૯માં આવેલા પહેલા ઇશ્યુ વખતે ૧૨,૪૦૦ કરોડ રૂપિયા એકઠા થયા હતા.

 

જિયોફોન નેક્સ્ટ માટે વિકસાવાઈ ‘પ્રગતિ’ ઑપરેટિંગ સિસ્ટમ

જિયો પ્લૅટફૉર્મ્સ અને ગૂગલે સંયુક્તપણે જિયોફોન નેક્સ્ટ માટે ‘પ્રગતિ’ ઑપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ દિવાળીના દિવસોમાં બજારમાં રજૂ કરવામાં આવશે, એમ જિયોએ સોમવારે જણાવ્યું હતું.

ભારતીય ભાષાઓમાં સંભાષણ કરનારાઓ માટે આ ફોનમાં ભાષાંતરની સુવિધા પણ આપવામાં આવી છે.

ઍન્ડ્રૉઇડના જનરલ મૅનેજર રામ પપાતલાએ વિડિયો દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિયો ભારત માટે ગૂગલ જેવું ધ્યેય રાખે છે. ‘પ્રગતિ’ માટે ઍન્ડ્રૉઇડે ટેક્નૉલૉજી પૂરી પાડી છે.

જિયોફોન નેક્સ્ટના પ્રોડક્ટ મૅનેજમેન્ટના વડા બિનિશ પારંગોદત્તે જણાવ્યું હતું કે આ નવી ઑપરેટિંગ સિસ્ટમ લાવ્યાનો મને ગર્વ છે. ખાસ કરીને ભાષાંતરની નવી સુવિધા એમાં આપવામાં આવી છે. હું એક ભાષામાં બોલીશ અને ફોન તેને બીજી ભાષામાં અનુવાદિત કરશે. જિયોફોન નેક્સ્ટમાં સ્ક્રીન પરનું લખાણ વાંચી સંભળાવવાની પણ ખાસિયત છે. એમાં ક્વૉલકૉમ પ્રોસેસર હશે અને એનું ઉત્પાદન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના તિરુપતિ અને શ્રીપેરુમ્બુદુર ખાતેના યુનિટમાં કરવામાં આવશે.

 

કાપડ ક્ષેત્રના વિકાસ માટે સરકાર તથા ઉદ્યોગે ભેગાં મળીને કાર્ય કરવાની જરૂર

કાપડ અને તૈયાર વસ્ત્રોના ક્ષેત્રે ભારતની વિશેષતા કેળવાય અને દેશ એક બ્રૅન્ડ બની શકે એ માટે સરકારે તથા ઉદ્યોગે ભેગાં મળીને કાર્ય કરવું જોઈએ, એમ એક અહેવાલમાં જણાવાયું છે.

સીઆઇઆઇ-કીર્નિના સંયુક્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સ્થાનિક કાપડ ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે પગલાં ભરવા પર લક્ષ કેન્દ્રિત કરવું જોઈએ. ઉદ્યોગના સહભાગીઓએ પણ ઉત્પાદનો સ્પર્ધામાં ટકી રહી શકે એવાં બનાવવા માટે વૈશ્વિક સ્તરે વપરાતી ઉત્તમ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, સેવાની ગુણવત્તા વધારવી જોઈએ, ડિઝાઇનને વધુ સારી બનાવવી જોઈએ તથા નવસર્જન કરવું જોઈએ.

વર્ષ ૨૦૧૯માં ભારતમાંથી થયેલી કાપડની નિકાસ ૩૬ અબજ ડૉલર હતી. એને વધારીને ૬૫ અબજ ડૉલર સુધી પહોંચાડવા માટે ભારતે પાંચ મુખ્ય પાસાં સંબંધે વ્યૂહાત્મક કામગીરી બજાવવી જરૂરી છે. આ પાંચ કાર્યોમાં તૈયાર વસ્ત્રો, કાપડ, ઘરમાં વપરાતાં કાપડ, માનવસર્જિત ફાઇબર અને યાર્ન તથા ટેક્નિકલ ટેક્સટાઇલ્સનો સમાવેશ થાય છે.

 

ભારતી ઍરટેલે મોરેટોરિયમ સ્વીકાર્યું

વોડાફોન આઇડિયા પછી ભારતી ઍરટેલે ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) અને સ્પેક્ટ્રમની ચુકવણી માટે મળેલી ચાર વર્ષની મોકૂફી સ્વીકારી લીધી છે. કંપનીએ સરકારને એ મુજબની જાણ કરી દીધી છે.

સરકારે હાલમાં ટેલિકૉમ ક્ષેત્ર માટે જાહેર કરેલા પૅકેજમાં મોરેટોરિયમ (ચુકવણી મોડેથી કરવાનો વિકલ્પ) ઑફર કર્યું હતું. ઍરટેલે પોતાના નિર્ણયની જાણ શુક્રવારે ટેલિકૉમ ખાતાને કરી હતી.

 

દેશમાં શિયાળુ પાકોનું વાવેતર શરૂ : રાયડાનું વાવેતર પ્રારંભે વધ્યું

દેશમાં રવી પાકોનું વાવેતર શરૂ થઈ ચૂકયું છે અને શરૂઆતના આંકડાઓ મુજબ વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને રાયડાનું વાવેતર વહેલું શરૂ થઈ ચૂક્યું છે અને એમાં ગત વર્ષની તુલનાએ નોંધપાત્ર વધારો થયો છે. અત્યારે રાયડાના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ છે અને જમીનમાં ભેજ પણ પૂરતો હોવાથી આ સપ્તાહમાં વાવેતર હજી વધારે થશે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ પ્રમાણે ગત સપ્તાહ સુધીમાં દેશમાં રવી પાકોનું કુલ ૨૧.૩૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૨૦.૩૭ લાખ હેક્ટરમાં થયું હતું. જેમાં રાયડાનું વાવેતર ૧૪.૪૮ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૧.૩૧ લાખ હેક્ટરમાં થયું હતું. રવી સીઝનમાં રાયડા ઉપરાંત ચણા પણ મુખ્ય પાક છે. ચણાનું વાવેતર ૨.૩૨ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૩.૮૮ લાખ હેક્ટરમાં થયું હતું. કઠોળનું કુલ વાવેતર ૩.૦૪ લાખ હેક્ટરમાં થયું હતું, જે ગત વર્ષે ૪.૭૦ લાખ હેક્ટરમાં થયું હતું. ચણા ઉપરાંત મસૂરનું વાવેતર ૧૩ હજાર હેક્ટર, વટાણાનું ૨૦ હજાર હેક્ટર અને અડદનું ૬ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું.

મોટા દાણાવાળા અનાજનું વાવેતર ૧.૫૯ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૧.૧૭ લાખ હેક્ટરમાં થયું હતું.

26 October, 2021 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઑમિક્રૉનને પગલે દેશભરમાં સમાન નીતિ અપનાવવા ફિક્કીનો અનુરોધ

ઓચિંતાં પગલાં ભરવાથી ગભરાટ ફેલાશે

03 December, 2021 02:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રનો મૂડીગત ખર્ચ વધ્યો : કોરોના પૂર્વેની સ્થિતિ આવી જવાનો અંદાજ

રાજ્યોમાં પણ એવું થવાની સંભાવના છે

03 December, 2021 02:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મારુતિ, મર્સિડિઝ અને ઑડી જાન્યુઆરીથી કારના ભાવમાં કરશે વધારો

તેમનું કહેવું છે કે કાચા માલનો ખર્ચ વધવાને કારણે તથા કારનાં ફીચર્સમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ભાવમાં વૃદ્ધિ થશે

03 December, 2021 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK