Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફરી એક વાર ૨૬,૦૦૦ની પાર, બૅન્ક નિફ્ટીમાં નવાં શિખર

નિફ્ટી ફરી એક વાર ૨૬,૦૦૦ની પાર, બૅન્ક નિફ્ટીમાં નવાં શિખર

Published : 18 November, 2025 08:44 AM | IST | Mumbai
Anil Patel

બિટકૉઇન નવેમ્બરમાં દોઢ લાખ ડૉલર થવાની આગાહી કરાઈ હતી, પણ ભાવ ગગડીને ૯૪,૦૦૦ ડૉલર નીચે આવી ગયો : બૅન્ક નિફ્ટી, પીએસયુ બૅન્ક નિફ્ટી અને ફાઇનૅન્સ ઇન્ડેક્સમાં નવું શિખર : બાયબૅક માટે બોર્ડ-મીટિંગની નોટિસમાં VLS ફાઇનૅન્સ ૨૦ ટકાની તેજીમાં

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આગામી મહિને રિવિઝનમાં તાતા મોટર્સ સેન્સેક્સમાંથી રદ થવાની શક્યતા
  2. સ્ટેટ બૅન્ક સહિત અડધો ડઝન બૅન્ક-શૅરમાં નવા ઊંચા ભાવ, ફિઝિક્સવાલા સહિત ૪ ભરણાં આજે લિસ્ટિંગ
  3. સર્વાંગી સારા દેખાવમાં નારાયણા હૃદયાલયા પોણાત્રણસોની તેજીમાં

એશિયન બજારોમાં નવા સપ્તાહની શરૂઆત મિશ્ર રહી છે. હૉન્ગકૉન્ગ પોણો ટકો, ચાઇના અડધો ટકો, જપાન અને સિંગાપોર મામૂલી ઘટાડામાં તો સાઉથ કોરિયા ૧.૯ ટકા, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા પોણા ટકા નજીક તથા તાઇવાન સાધારણ પ્લસ બંધ થયું છે. યુરોપ પણ નહીંવત્ વધઘટે રનિંગમાં ફ્લૅટ જણાયું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ખરાબીમાં ૯૩,૮૧૧ ડૉલરની મિડ મે પછીની સૌથી નીચી સપાટી બનાવી રનિંગમાં અડધા ટકાની નબળાઈમાં ૯૫,૫૫૨ ડૉલર દેખાતો હતો. તાજેતરમાં, ૬ ઑક્ટોબરના રોજ બિટકૉઇનમાં ૧,૨૬,૨૫૧ ડૉલરની ઑલટાઇમ હાઈ બની હતી ત્યારે નવેમ્બરમાં ભાવ ૧,૪૫,૦૦૦થી માંડી દોઢ લાખ ડૉલર થવાના વરતારા વધી ગયા હતા. આજે કોઈ એની વાત કરતું નથી. વરતારાની વાત નીકળી છે ત્યારે એક વર્ષમાં સેન્સેક્સ એક લાખનો થવાની માર્ક મોબિયસની આગાહી પછી ગોલ્ડમૅન સાક્સ તરફથી આગામી જૂન સુધીમાં નિફ્ટી ૨૯,૦૦૦ (એટલે કે સેન્સેક્સ લગભગ એક લાખ) થવાની ધારણા જાહેર કરવામાં આવી હતી. હવે ગોલ્ડમૅન સાક્સ કહે છે કે સેન્સેક્સ એક લાખ નહીં ત્રણ લાખનો થઈ જશે, બસ ૨૦૩૬ સુધી રાહ જુઓ.

ઍની વે, ઘરઆંગણે બજારમાં સુધારો વધુ આગળ વધ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૪૭ પૉઇન્ટ જેવો પ્લસ ૮૪,૭૦૦ ખૂલી સોમવારે ૩૮૮ પૉઇન્ટ વધીને ૮૪,૯૫૧ તથા નિફ્ટી ૧૦૩ પૉઇન્ટની આગેકૂચમાં ૨૬,૦૧૩ બંધ આવ્યો છે. માર્કેટ આરંભથી અંત સુધી પૉઝિટિવ હતું જેમાં શૅરઆંક નીચામાં ૮૪,૫૮૧ તથા ઉપરમાં ૮૪,૯૮૮ થયો હતો. નિફ્ટીમાં ઇન્ટ્રા-ડે ટૉપ બની છે. સાધારણ હકારાત્મક માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૬૫૧ શૅર સામે ૧૫૨૩ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૩.૧૫ લાખ કરોડના ઉમેરામાં ૪૭૭.૧૪ લાખ કરોડની વર્ષની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ સુધર્યાં છે. બૅન્ક નિફ્ટી ૫૯,૦૦૧ની નવી વિક્રમી સપાટી નોંધાવી પોણો ટકો કે ૪૪૫ પૉઇન્ટની આગેકૂચમાં ૫૮,૯૬૩ રહ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ ૮૫,૪૯ના નવા શિખરે જઈને ૧.૧ ટકા વધી ૮૪૯૨ થયો છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩,૧૯૦ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી પોણો ટકો વધીને ૧૩,૧૮૧ હતો, પાવર તેમ જ ઑટો ઇન્ડેક્સ ૦.૮ ટકા જેવા વધ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કૅપિટલ ગુડ્સ, યુટિલિટીઝ બેન્ચમાર્ક અડધા ટકા આસપાસ સુધર્યા છે. મેટલ ઇન્ડેક્સ અપવાદ તરીકે ફ્લૅટ બંધ હતો.



કૅનેરા બૅન્ક ૧૫ વર્ષ બાદ ૧૫૦ ઉપર નવી ટૉપ બનાવી બે ટકાની મજબૂતીમાં ૧૪૯ થઈ છે. બૅન્ક ઑફ ઇન્ડિયા, DCB બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, પીએનબી, સ્ટેટ બૅન્ક, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક પણ નવી ઐતિહાસિક સપાટીએ ગઈ હતી. MRPL દોઢા કામકાજે સાડાછ ટકાના જમ્પમાં ૧૮૩ જઈ છે. મહારાષ્ટ્ર સ્કૂટર્સ ૪ ગણા કામકાજે સવા ૬ ટકા કે ૯૦૯ રૂપિયા ઊંચકાઈને ૧૫,૨૭૩ હતી. ગેબ્રિયલ ઇન્ડિયા ૧૦ ગણા વૉલ્યુમે સાડાબાર ટકા કે ૧૪૫ રૂપિયા લથડી ૧૦૨૨ બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની છે. VLS ફાઇનૅન્સમાં બાયબૅક માટે બાવીસમીએ બોર્ડમીટિંગની નોટિસ વાગતાં ભાવ ૧૪ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૫૦ ઉપર બંધ થયો છે. 


રિઝલ્ટ પાછળ તાતા મોટર્સ પૅસેન્જર ગગડીને બન્ને બજારમાં ટૉપ લૂઝર

તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સે ૮૨,૬૧૬ કરોડના વનટાઇમ નોશનલ ગેઇનને બાદ કરતાં ૩૮૩૮ કરોડની નેટલૉસ સાથે ધારણા કરતાં નબળાં પરિણામ આવ્યાં છે. બ્રોકરેજ હાઉસ CLSA તરફથી ૫૨૭ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જાળવી રખાયો છે, પણ જેફરીઝે ૩૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ કરી છે. શૅર ગઈ કાલે ચારેક ગણા કામકાજે નીચામાં ૩૬૩ બતાવી પોણાપાંચ ટકા ગગડી ૩૭૩ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. દરમ્યાન ડિસેમ્બરમાં થનારી સમીક્ષામાં તાતા મોટર્સને સેન્સેક્સમાંથી રદ કરી એના સ્થાને ઇ​ન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશનનો સમાવેશ કરાય એવી ચર્ચા શરૂ થઈ છે. સેન્સેક્સમાંથી રદ કરી એના સ્થાને ઇન્ડિગોફેમ ઇન્ટરગ્લોબ એવિયેશનનો સમાવેશ કરાય એવી ચર્ચા શરૂ થઈ છે. સેન્સેક્સની રચના થઈ ત્યારથી તાતા મોટર્સ એનો એક ઘટક રહ્યો છે, પરંતુ ડીમર્જરને કારણે માર્કેટકૅપ બે કંપનીમાં વિભાજિત થતાં ખાસ્સું ઘટી ગયું છે. સરવાળે સેન્સેક્સમાંથી સ્થાનભ્રષ્ટ થવાની નોબત આવી છે. તાતા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સ જે હવે નવી તાતા મોટર તરીકે ઓળખાય છે એ ગઈ કાલે અડધો ટકો સુધરી ૩૨૩ હતો. સેન્સેક્સ નિફ્ટી ખાતે ઘટનારા અન્ય શૅરમાં અદાણી એન્ટરપ્રાઇઝ ૨.૨ ટકા, અલ્ટ્રાટેક પોણો ટકો, HDFC લાઇફ અડધો ટકો, જિયો ફાઇનૅન્સ ૦.૯ ટકા, એશિયન પેઇન્ટ્સ અડધો ટકો નરમ હતા.


સેન્સેક્સ ખાતે મહિન્દ્ર ૧.૧ ટકા, ઍટર્નલ ૧.૯ ટકા, મારુતિ સુઝુકી ૧.૩ ટકા કે ૨૦૯ રૂપિયા, ટાઇટન એકાદ ટકો પ્લસ હતી. નિફ્ટી ખાતે તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧.૮ ટકા, બજાજ ઑટો ૧.૨ ટકા કે ૧૦૨ રૂપિયા, મેક્સ હેલ્થકૅર ૧.૭ ટકા, આઇશર દોઢ ટકા, એપોલો હૉસ્પિટલ્સ ૦.૯ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ એક ટકો વધીને મોખરે હતી. સ્ટેટ બૅન્ક ૯૭૬ પ્લસની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી અડધો ટકો સુધરી ૯૭૨ રહી છે. એનું માર્કેટકૅપ નવ લાખ કરોડ રૂપિયાની નજીક ૮,૯૭,૬૭૭ કરોડ થઈ ગયું છે. HDFC બૅન્ક પોણો ટકા વધીને બજારને ૧૦૨ પૉઇન્ટ ફળી છે. 

ગ્રો ફેમ બિલિયન બ્રેઇન્સ નવા શિખર સાથે લાખેણી કંપની બની

આજે કુલ ૪ ભરણાંનુ લિસ્ટિંગ થવાનું છે જેમાં મેઇન બોર્ડની ફિઝિક્સવાલા તથા એમ્વી ફોટો વૉલ્ટિક અને SME કંપની મહાયામા લાઇફ સાયન્સિસ તથા વર્ક મેટસ કોરટુકલાઉડ સૉલ્યુશન્સ સામેલ છે. હાલ ફિઝિક્સવાલામાં ૧૦ રૂપિયા, એમ્વી ફોટોમાં ઝીરો, વર્કમેટ્સમાં ૯૦ તથા મહામાયામાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.

દરમ્યાન મેઇન બ્રૉડમાં નવી દિલ્હીની ફ્યુજિયામા પાવર સિસ્ટમ્સનો એકના શૅરદીઠ ૨૨૮ની પ્રાઇસવાળો ૮૨૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ સવાબે ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ એક રૂપિયો છે તો બૅન્ગલોરની કેપિલરી ટેક્નૉલૉજીઝનો બેના શૅરદીઠ ૫૭૭ની અપરબૅન્ડ સાથે ૯૭૭ કરોડ પ્લસનો IPOઓ બીજા દિવસના અંતે રીટેલમાં ૧.૧ ગણા સહિત કુલ બાવન ટકા ભરાયો છે. પ્રીમિયમ જે ૫૦થી શરૂ થયું હતું એ ઘટતું રહીને અત્યારે ૨૯ થઈ ગયું છે. શુક્રવારે ખુલ ૬૧.૮ ગણા પ્રતિસાદમાં પૂરા થયેલા ૧૦ના શૅરદીઠ ૩૯૭ રૂપિયાના ભાવના ૩૬૦૦ કરોડના પ્યૉર OFS ઇશ્યુમાં પ્રીમિયમ સુધરતું રહી હાલ ૧૨૨ થઈ ગયું છે.

શુક્રવારે ધારણા કરતાં સારો લિસ્ટિંગ ગેઇન આપનાર પાઇન લૅબ્સ ૪.૩ ટકા ગગડી ૨૪૦ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં ગ્રોવાળી બિલિયન બ્રેઇન્સ ૧૭૮નું શિખર બતાવી ૧૭.૮ ટકા ઊછળી ૧૭૫ થઈ છે. લેન્સકાર્ટ ૫.૫ ટકા વધી ૪૩૧, સ્ટડ્સ સવા ટકા ઘટીને ૫૪૬, ઓર્કલા ઉપરમાં ૬૯૦ બનાવી ૧.૮ ટકા વધી ૬૮૦ બંધ હતી. દરમ્યાન ગ્રો ફેમ બિલિયન બ્રેઇન્સ ગઈ કાલે પોણા અઢાર ટકાની તેજીમાં ૧૭૫ના બેસ્ટ લેવલે બંધ થતાં કંપની લાખેણી બની ગઈ છે, એનું માર્કેટકૅપ ૧,૦૭,૮૯૬ કરોડ રૂપિયા થઈ ગયું છે.

અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટ્સ બેવડા નફામાં ૧૦૧ રૂપિયાની તેજીમાં

સરકારની ૭૫ ટકા માલિકીની ખાતર કંપની રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સે ૨૩.૪ ટકા વધારામાં ૫૨૯૩ કરોડની આવક અને ૩૩.૪ ટકા વધારામાં ૧૦૫ કરોડ નેટ નફો હાંસલ કર્યો છે. શૅર ઉપરમાં ૧૫૩ બતાવી એક ટકો સુધરી ૧૫૨ રહ્યો છે. GMR પાવરની આવક ૩૦.૮ ટકા વધીને ૧૮૧૦ કરોડ થઈ છે, પણ નફો ૨૫૫ કરોડથી ઊછળી ૮૮૮ કરોડ વટાવી ગયો છે. શૅર ચાર ગણા કામકાજે ઉપરમાં ૧૨૯ થઈ ૬.૨ ટકા ઊછળી ૧૨૮ થયો છે. આઇનૉક્સ ગ્રીન એનર્જી દ્વારા ૫૬.૬ ટકા વધારામાં ૮૬ કરોડ જેવી આવક ઉપર ૩૩૬ ટકા વૃદ્ધિદરથી ૨૭.૯ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. માર્જિન ૩૩.૬ ટકા હતું એ ગગડીને ૧૦ ટકા જ રહ્યું છે. શૅર ઉપરમાં ૨૬૫ થયા બાદ ૦.૯ ટકા ઘટી ૨૫૦ બંધ થયો છે.

સન ટીવી નેટવર્કની આવક ૩૯ ટકા જેવી વધીને ૧૩૦૦ કરોડ થઈ છે. માર્જિન અઢી ટકા વધીને ૬૦.૩ ટકા નોંધાયું છે. નેટ નફો જોકે ૧૩ ટકા ઘટીને ૩૫૪ કરોડ થયો છે. શૅર ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૫૭૭ બતાવી દોઢ ટકો વધીને ૫૭૨ રહ્યો છે. ઉત્કર્ષ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૩૭ ટકા ગગડી ૩૫૦ કરોડની ચોખ્ખી ખોટમાં આવી ગઈ છે. શૅર ૫૦ ટકા કામકાજે નીચામાં ૧૬ની અંદર ગયા બાદ સાડાત્રણ ટકા વધીને ૧૬.૮૭ બંધ થઈ છે.

ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબીઝ સૉલ્યુશન્સની આવક સવાદસ ટકા વધીને ૨૦૯૯ કરોડ થઈ છે. ચોખ્ખી ખોટ ૫૦ કરોડ હતી એ ઘટીને ૩૪ કરોડ રહી છે. શૅર નજીવો સુધરી ૩૩૪ બંધ આવ્યો છે. અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટ્સની આવક સવાસોળ ટકા વધી છે, નેટનફો ૧૦૩ ટકા ઊછળીને ૭૮૬૦ લાખ થયો છે. શૅર ઉપરમાં ૧૦૨૯ બતાવીને ૭૭ ગણા વૉલ્યુમે ૧૧.૪ ટકા કે ૧૦૧ રૂપિયા ઊછળીને ૯૮૩ બંધ થયો છે. 

ઇઝી ટ્રિપ પ્લાનર્સ નફામાંથી ખોટમાં આવતાં સાડાચાર વર્ષના તળિયે

ઇઝી ટ્રિપ પ્લાનર્સની આવક સવાઅઢાર ટકા ઘટીને ૧૧૮ કરોડ થઈ છે. કંપની ૨૬ કરોડના નફામાંથી ૩૨.૭ કરોડની નેટ લૉસમાં આવી ગઈ છે. શૅર ૭.૫૮ની સાડાચાર વર્ષની બૉટમ બતાવી ત્રણ ટકા ગગડી ૭.૭૨ રહ્યા છે. ફાર્મા કંપની સિક્વન્ટ સાયન્ટિફિક દ્વારા ૧૫ ટકાના વધારામાં ૪૨૪ કરોડની આવક ઉપર ૪૬૫ ટકા વૃદ્ધિદરથી ૧૪૭૦ લાખ નેટ નફો હાંસલ કરાયો છે. શૅર ઉપરમાં ૨૩૪ થઈ સવા ટકો સુધરીને ૨૩૧ રહ્યો છે. આર્ચિન કેમિકલની આવક ૩ ટકા ઘટીને ૨૩૩ કરોડ તથા માર્જિન સવાચાર ટકા ઘટીને ૨૬.૮ ટકા નોંધાયું છે, પણ નેટ નફો ૮૪ ટકા વધીને ૨૯ કરોડને વટાવી ગયો છે. શૅર નીચામાં ૬૦૧ થઈ ચાર ટકા તૂટી ૬૦૪ હતો. SKF ઇન્ડિયાએ સવાપાંચ ટકા વધારામાં ૧૩૦૯ કરોડ આવક ઉપર ૧૨ ટકા વૃદ્ધિદરથી ૧૦૫ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૨૨૪૫ થઈ એક ટકો વધી ૨૦૬૫ બંધ થયો છે.

અશોકા બિલ્ડકૉનની આવક ૨૫.૬ ટકા ઘટીને ૧૮૫૧ કરોડ થતાં નફો ૮૩ ટકા જેવો ધોવાઈ ૭૮ કરોડ થઈ ગયો છે. શૅર દોઢ ગણા કામકાજે નીચામાં ૧૮૭ થઈ પાંચ ટકા તૂટી ૧૮૯ હતો. જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝની આવક ૧૩ ટકા ઘટીને ૧૩૫૩ કરોડ થઈ છે. માર્જિન ૧૪.૭ ટકાથી ગગડી સવાપાંચ ટકા જોવાયું છે જેમાં નેટ નફો ૮૨.૭ ટકા ખરડાઈને ૨૬૫૦ લાખે આવી ગયો છે. શૅર ૨૬ મહિનાની બૉટમમાં ૮૦ બતાવી ૨.૨ ટકા ઘટી ૮૪ રહ્યો છે. સ્વાનકૉર્પની આવક સવાદસ ટકા વધીને ૧૧૩૮ કરોડ થઈ છે, પણ કંપની ૫૧ કરોડના નફામાંથી પોણાચાર કરોડની ચોખ્ખી ખોટમાં આવી છે. શૅર નીચામાં ૪૪૩ બતાવીને એક ટકો વધીને ૪૬૨ રહ્યો છે.

નારાયણા હૃદયાલયાએ સર્વાંગી સારી કામગીરી બજાવતાં સવાવીસ ટકા વધારામાં ૧૬૪૪ કરોડની આવક ઉપર ૩૦ ટકા વૃદ્ધિદરથી ૨૫૮ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૨૦૯૪ થઈ ૧૫.૭ ટકા ઊછળી ૨૦૨૮ બંધ થયો છે. ૨૭ જૂને ભાવ ૨૩૭૫ના શિખરે ગયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2025 08:44 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK