Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં નવી વિક્રમી સપાટી, સવા વર્ષ બાદ માર્કેટકૅપ ઑલટાઇમ હાઈ થયું

નિફ્ટીમાં નવી વિક્રમી સપાટી, સવા વર્ષ બાદ માર્કેટકૅપ ઑલટાઇમ હાઈ થયું

Published : 03 January, 2026 07:53 AM | IST | Mumbai
Anil Patel

નવા વર્ષે એશિયા, યુરોપની મજબૂત શરૂઆત; તાઇવાન, સિંગાપોર અને સાઉથ કોરિયા નવા શિખરે : કરાચી શૅરબજાર નવા બેસ્ટ લેવલ સાથે ૧.૮૦ લાખ પૉઇન્ટ ભણી : ઘરઆંગણે મેટલ, ઑટો, ટેલિકૉમ, એનર્જી, પીએસયુ બૅન્ક નિફ્ટી, બૅન્ક નિફ્ટી જેવા બેન્ચમાર્ક નવા શિખરે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. ૧૦ના શૅરદીઠ ૪૭૫૨ રૂપિયા બુકવૅલ્યુ ધરાવતી બૉશ લિમિટેડ સવાનવ ટકા કે ૩૩૩૭ રૂપિયાની તેજીમાં
  2. બોનસ માટે બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં સિલ્વર ટચ ૧૪૯ રૂપિયા ઊછળી
  3. બે દિવસમાં ITCમાં રોકાણકારોના ૬૬,૨૧૫ કરોડ રૂપિયા ડૂલ, રિલાયન્સ ૧૭ મહિનાની નવી ટોચે

એશિયા ખાતે ૨૦૨૬ના કામકાજના પ્રથમ દિવસે ગઈ કાલે હૉન્ગકૉન્ગ ૨.૮ ટકા વધ્યું છે. સાઉથ કોરિયા ૨.૩ ટકાની મજબૂતીમાં ૪૩૧૦ તો તાઇવાન ૧.૩ ટકા વધીને ૨૯,૩૫૦ના શિખરે પહોંચ્યું છે. સિંગાપોર સાધારણ પ્લસ હતું. જપાન, થાઇલૅન્ડ, ચાઇના રજામાં હતા. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો સ્ટ્રૉન્ગ હતું. બિટકૉઇન સુસ્તીમાં ૮૮,૯૫૮ ડૉલર દેખાયો છે. આગલા દિવસના ધબડકા બાદ હાજર ચાંદી ૪ ટકા વધીને ૭૨.૫૨ ડૉલર તો કૉમેક્સ સિલ્વર ૪.૬ ટકા વધી ૭૩.૯૦ ડૉલર પહોંચી છે. કૉમેક્સ ગોલ્ડ સવા ટકો વધી ૪૩૯૫ હતું. કરાચી શૅરબજાર ૧૭,૬૬૫૮ની આગલા દિવસની ઑલટાઇમ હાઈ બાદ ગઈ કાલે ઉપરમાં ૧,૭૯,૦૧૭ની ટૉપ બતાવી રનિંગમાં ૨૧૪૯ પૉઇન્ટ વધી ૧,૭૮,૫૦૪ ચાલતું હતું.

સેન્સેક્સ આગલા બંધથી ૭૧ પૉઇન્ટ પ્લસમાં, ૮૫,૨૫૯ ખૂલી શુક્રવારે ૫૭૩ પૉઇન્ટ  વધી ૮૫,૭૬૨ તથા નિફ્ટી ૧૮૨ પૉઇન્ટ વધી ૨૬,૩૨૮ની ટોચે બંધ થયો છે. શૅરઆંક દિવસ દરમ્યાન નીચામાં ૮૫,૦૬૯ નજીક અને ઉપરમાં ૮૫,૮૧૨ થયો હતો. નિફ્ટીએ ૨૬,૩૪૦ની ઑલટાઇમ ટૉપ બતાવી હતી. માર્કેટ બ્રેડ્થ મજબૂત રહી છે. NSEમાં વધેલા ૨૨૪૭ શૅરની સામે ૮૯૫ શૅર ઘટ્યા છે. બજારનું માર્કેટકૅપ ૪.૩૩ લાખ કરોડ વધીને હવે ૪૮૧.૨૫ લાખ કરોડ નજીક થયું છે જે લાઇફટાઇમ હાઈ છે. FMCG બેન્ચમાર્ક ૯૩માંથી ૫૯ શૅરના સુધારા વચ્ચે વધુ ૧.૧ ટકા કે ૨૨૧ પૉઇન્ટ ઘટ્યો છે. ITCની નબળાઈ એને ૨૦૨ પૉઇન્ટ નડી છે. મેટલ ઇન્ડેક્સ ૩૭,૬૯૩ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને દોઢ ટકા કે ૫૪૧ પૉઇન્ટ વધીને ૩૭,૬૫૬ હતો. એના ૧૩માંથી ૧૦ શૅર વધ્યા છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પણ ૧૫માંથી ૧૨ શૅરના સથવારે ૧૧,૪૩૩ની નવી વિક્રમી સપાટી નોંધાવી દોઢ ટકો વધી ૧૧૪૨૨ હતો. ઑટો ઇન્ડેક્સ ૬૩,૯૨૬ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૨૦માંથી ૧૫ શૅરની આગેકૂચમાં એક ટકો વધી ૬૩,૮૦૯ રહ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૩૨૦૪ની વર્ષની ટોચે જઈને સાધારણ વધી ૩૧૮૫ હતો. એનર્જી ઇન્ડેક્સમાંય ૧૨,૪૪૫ની વર્ષની નવી ટૉપ બાદ દોઢ ટકાનો સુધારો થયો છે. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૨૮,૮૬૭ના બેસ્ટ લેવલે જઈને ૧.૧ ટકા વધી ૨૮,૮૦૮ હતો. ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ૨.૩ ટકા, યુટિલિટીઝ ૨.૭ ટકા, રિયલ્ટી દોઢ ટકા, નિફ્ટી મીડિયા એક ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯ ટકા, નિફ્ટી ડિફેન્સ પોણો ટકો, કૅપિટલ ગુડ્સ એકાદ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકા, બૅન્ક નિફ્ટી પોણો ટકો વધ્યો છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક એકાદ ટકા અને હેલ્થકૅર પોણો ટકો પ્લસ હતો.



એ-ગ્રુપ ખાતે ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રે​ક્ટિફાયર્સ ૧૦ ગણા કામકાજે ઉપરમાં ૩૪૪ થઈ નવ ટકા વધીને ૩૩૬ રહી છે. ૧૧ ડિસેમ્બરના રોજ એમાં ૨૩૦નું તળિયું બન્યું હતું. બૉશ લિ​મિટેડના રિઝલ્ટ તો છેક ૬ ફેબ્રુઆરીના રોજ છે. શૅર ૨૭ ગણા કામકાજે ઉપરમાં ૩૬,૬૦૯ બતાવી ૯.૩ ટકા કે ૩૩૩૭ રૂપિયા ઊછળી ૩૯,૪૮૧ થયો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૪૭૫૨થીય વધુ છે કંપની અત્યાર સુધીમાં ૪ બોનસ આપી ચૂકી છે, પરંતુ છેલ્લું બોનસ લગભગ ૩૯ વર્ષ પહેલાં, સપ્ટેમ્બર ૧૯૮૬માં આપ્યું હતું. જુલાઈ ૨૦૦૪માં ૧૦૦ના શૅરનું ૧૦માં વિભાજન કર્યું હતું. બોનસ અને/અથવા શૅર વિભાજન ટૂંકમાં અપેક્ષિત છે.


e2E ટ્રાન્સપોર્ટેશન ૧૦ના શૅરદીઠ ૧૭૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૬૫થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૧૬૨ના  પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ૩૩૦ ખૂલી ઉપરમાં ૩૪૭ થઈ ૩૨૮ બંધ રહેતાં ૮૮ ટકા કે શૅરદીઠ ૧૫૪ રૂપિયા લિ​સ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મૉડર્ન ડાયગ્નોસ્ટિકસનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૩૭ કરોડનો BSE SME IPO ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૩૪૦ ગણા સહિત કુલ ૩૭૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. બજારનું માર્કેટકૅપ ૨૦૨૪ની ૨૭ સપ્ટેમ્બરે ૪૭૯.૧૦ લાખ કરોડ થયું હતું. એ વિક્રમ ગઈ કાલે તૂટી ગયો છે. માર્કેટકૅપ ૪૮૧.૨૫ લાખ કરોડ નજીક હોવાનું પ્રોવિઝનલ ફિગર જણાવે છે. 

ITC વધુ ૧૭,૨૯૦ કરોડના ધોવાણમાં બજારને ૧૧૨ પૉઇન્ટ નડી


ટબૅકો ઉપર ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટીની સરકારની જાહેરાતમાં આગલા દિવસે પોણાદસ ટકા ગગડી ૩૬૪ના ત્રણેક વર્ષના તળિયે ગયેલી ITCમાં રોકાણકારોને ૪૮,૯૨૫ કરોડનો માર પડ્યો હતો. ગઈ કાલે એમાં વધુ ઉમેરો થયો છે. ITCનો શૅર ૩૪૫ની બૉટમ બતાવી ૩.૮ ટકા ગગડી ૩૫૦ બંધ થયો છે. એના લીધે બજારને ગઈ કાલે ૧૧૨ પૉઇન્ટની અને રોકાણકારોને ૧૭,૨૯૦ કરોડની હાનિ થઈ છે. ગૉડફ્રે રિલિપ્સ આગલા દિવસના ૧૭ ટકાના કડાકા બાદ ગઈ કાલે નીચામાં ૨૧૮૪ બતાવી ૧.૭ ટકો ઘટી ૨૨૫૦ હતી. NTC ઇન્ડસ્ટ્રીઝ ૪.૬ ટકા વધી છે તો વીએસટી ઇન્ડ. દોઢ ટકા નરમ હતી.

તાતા સ્ટીલ ૪ દિવસની આગેકૂચ બાદ ઉપરમાં ૧૮૪ નજીક જઈ અડધો ટકો વધી ૧૮૩ રહી છે. હિન્દાલ્કો ૯૨૭ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ૩.૪ ટકા વધીને ૯૨૬, નાલ્કો ૩૩૧ના શિખરે જઈ પાંચ ટકા વધીને ૩૩૦, NMDC ૮૫ની ટોચે જઈ એક ટકા તથા હિન્દુસ્તાન ઝિન્ક ૨.૮ ટકા પ્લસ હતી. કોલ ઇન્ડિયા ૪૨૯ની ૧૩ મહિનાની ટૉપ દેખાડી ૬.૯ ટકાની મજબૂતીમાં ૪૨૮ બંધ આપી નિફ્ટી ખાતે ઝળકી છે. સેન્સેક્સમાં NTPC અઢી ગણા વૉલ્યુમે ૪.૭ ટકા વધી ૩૫૨ રહી છે. તાતાની ટ્રેન્ટ અઢી ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૧ ટકા, પાવરગ્રીડ દોઢ ટકા, ભારત ઇલે. ૧.૪ ટકા, SBI લાઇફ સવા ટકો, મૅક્સ હેલ્થકૅર સવા ટકો, ONGC દોઢ ટકા પ્લસ હતી. રિલાયન્સ ૧.૧ ટકા વધી ૧૫૯૨ બંધમાં બજારને ૧૦૦ પૉઇન્ટ ફળી છે તો જિયો ફાઇનૅન્સ બે ટકા ઊંચકાઈને ૩૦૨ હતી. HDFC બૅન્ક એક ટકા વધતાં સેન્સેક્સને ૧૩૪ પૉઇન્ટ તથા ICICI બૅન્ક સવા ટકા વધતાં ૧૦૪ પૉઇન્ટ મળ્યા છે. ઍ​ક્સિસ બૅન્ક સાધારણ ઢીલી હતી. સ્ટેટ બૅન્ક દોઢ ટકો આગળ વધી છે. ઇન્ફી પોણો ટકો, TCS પોણો ટકા, ટેક મહિન્દ્ર નહીંવત ટકા, વિપ્રો ૦.૭ ટકા અપ હતી.

લાર્સન ૪૧૭૩ની નવી ઑલટાઇમ હાઈ બતાવી અડધા ટકાની આગેકૂચમાં ૪૧૬૩ થઈ છે. શ્રીરામ ફાઇનૅન્સ ૧૦૨૫ની વિક્રમી સપાટી બાદ એક ટકો ઘટીને ૧૦૦૯ રહી છે. અદાણી ગ્રુપ આગલા દિવસે ડિમાન્ડમાં હતું. ગઈ કાલે સુધારાનું વલણ રહ્યું છે. અદાણી એનર્જી ૧૦૬૭ની ઐતિહાસિક ટૉપ નોંધાવી પોણો ટકો વધીને ૧૦૫૪ હતી. અદાણી ટોટલ એક ટકો ઘટી છે. અદાણી ગ્રીન, અદાણી એન્ટર, અદાણી પોર્ટ્સ અડધાથી સવા ટકો સુધરી છે. અદાણી પાવર અડધો ટકો નરમ હતી. NDTV દોઢ ટકો વધી છે. સ્ટેટ બૅન્ક ૧૦૦૯ના બેસ્ટ લેવલે જઈ દોઢ ટકો વધીને ૯૯૯ તથા રિલાયન્સ ૧૫૯૪ની ૧૭ મહિનાની નવી ટૉપ દેખાડી ૧.૧ ટકા વધીને ૧૫૯૨ ઉપર બંધ આવી છે.

મુંબઈની સેફાયર ફૂડ્સનું નવી દિલ્હીની દેવયાની ઇન્ટરનૅશનલમાં મર્જર

વિદેશી બ્રૅન્ડ નેમથી દેશમાં KFC તથા પીત્ઝાહટ્સની ફ્રૅન્ચાઇઝી ચલાવતી બે કંપની દેવયાની ઇન્ટરનૅશનલ તથા સેફાયર ફૂડ્સ ઇન્ડિયા વચ્ચે મર્જરનો નિર્ણય લેવાયો છે. આના પગલે વર્ષે આશરે ૮૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરતી નવી ફાસ્ટફૂડ કંપની અસ્તિત્વમાં આવશે. મર્જરની યોજના પ્રમાણે મુંબઈની સેફાયર ફૂડ્સનું નવી દિલ્હીની દેવયાની ઇન્ટરનૅશનલમાં મર્જર થશે જે બદલ સેફાયરના શૅરધારકોને ૧૦૦ શૅર સામે દેવયાનીના ૧૭૭ શૅર મળશે. સેફાયરના શૅરની ફેસવૅલ્યુ બેની છે. ભાવ ગુરુવારે દોઢ ટકા વધી ૨૬૧.૩૫ બંધ હતો. દેવયાનીના શૅરની ફેસવૅલ્યુ એકની છે. શૅર ૧૪૮ નજીક ફ્લૅટ બંધ થયો હતો. મર્જરના રેશિયો પ્રમાણે આ ધોરણે સેફાયરના શૅરધારકોને ૨૬,૧૩૫ રૂપિયાના શૅર સામે દેવયાનીના ૨૬,૧૮૭ રૂપિયાના શૅર મળે છે. આમ હાલના વૅલ્યુએશનની રીતે કોઈને ખાસ ફરક નથી પડતો, પરંતુ બન્ને કંપનીના મૂળ શૅરધારકની રીતે જોઈએ તો મર્જરથી સેફાયરના શૅરધારક ખાસ્સા ખોટમાં રહે છે.

દેવયાની ઇન્ટરનૅશનલ ૨૦૨૧ના ઑગસ્ટના પ્રથમ સપ્તાહે એકના શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસથી ૧૩૯૮ કરોડની OFS સહિત કુલ ૧૮૩૮ કરોડનો ઇશ્યુ લાવી હતી. જ્યારે સેફાયર ફૂડ્સે નવેમ્બરે ૨૧ના બીજા સપ્તાહે ૧૦ના શૅરદીઠ ૧૧૮૦ના ભાવથી ૨૦૭૩ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કર્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન કર્યું હતું. એથી ૧૧૮૦ની ઇશ્યુ પ્રાઇસ પ્રમાણે નવી ફેસવૅલ્યુથી ૧૦૦ શૅરની પડતર ૨૩,૬૦૦ રૂપિયા બેસે છે. બન્નેમાંથી કોઈ કંપનીએ બોનસ આપ્યું નથી. હવે મર્જરના રેશિયો પ્રમાણે સેફાયરના શૅરધારકોને ૧૦૦ શૅરદીઠ દેવયાનીના ૧૭૭ શૅર મળવાના છે. મતલબ કે જેની મૂળ પડતર ૨૩,૬૦૦ રૂપિયા છે એની સામે બદલામાં ૧૫,૯૩૦ રૂપિયાની મૂળ પડતરવાળા દેવયાનીના શૅર મળશે. અર્થાત્ ૩૨.૫ ટકાનું નુકસાન થયું. 
દેવયાનીમાં પ્રમોટર્સ હો​લ્ડિંગ ૬૨.૬ ટકા છે, સેફાયરમાં પ્રમોટર્સ પાસે ૨૬.૦૭ ટકા હિસ્સો છે. દેવયાની ઇન્ટરનૅશનલના એકના શૅરની બુકવૅલ્યુ ૧૨.૪૦ છે. ૧૧ સપ્ટેમ્બર ૨૩માં શૅર ૨૨૮ નજીક વિક્રમી સપાટીએ ગયો હતો. ૬ જાન્યુઆરીએ ૨૦૯ની વર્ષની ટૉપ તથા ૧૮ ડિસેમ્બરના રોજ ૧૨૨ની વર્ષની બૉટમ બની હતી. સેફાયર ફૂડ્સના બેની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૩૮.૭૦ છે. ૨૩ સપ્ટેમ્બર ૨૯૨૪માં ભાવ ૪૦૦ના બેસ્ટે લેવલે ગયો હતો. વર્ષની ટૉપ ૬ જાન્યુના રોજ ૩૭૫ નજીકની છ. જ્યારે વર્ષની બૉટમ ૧૮ ડિસેમ્બરના રોજ ૨૨૨ નજીકની બની હતી. સાફાયરની ઇ​ક્વિટી ૬૪૨૪ લાખ તથા રિઝર્વ ૧૧૯૧ કરોડ રૂપિયા છે. દેવયાનીની ઇક્વિટી ૧૨,૦૬૩ લાખ રૂપિયા અને રિઝર્વ ૯૮૩ કરોડ છે. દેવયાની ઇન્ટરનૅશનલની ગયા વર્ષની કૉન્સોલિડેટેડ આવક ૪૯૮૮ કરોડ છે, નેટ નફો કોન્સો. ધોરણે ૯૧૫ લાખ થયો છે. સ્ટૅન્ડ અલોન આવક ૭૩૪૯ કરોડ અને નફો ૨૩૭૨ લાખ થયો છે. જ્યારે સેફાયર ફૂડ્સે સ્ટૅન્ડ અલોન ધોરણે ૪૫૧ કરોડની આવક ઉપર ૬૩૨ લાખની નેટલૉસ કરી છે. કોન્સો. આવક ૨૮૧૦ કરોડ તથા ચોખ્ખો કોન્સો. નફો ૧૯૨૫ લાખ થયો છે.

મર્જરની જાહેરાત બાદ ગઈ કાલે દેવયાની ઇન્ટરનૅશનલનો શૅર ઉપરમાં ૧૫૯ થઈ નહીંવત્ વધી ૧૪૮ તથા સેફાયર ફૂડ્સનો ભાવ નીચામાં ૨૪૭ બતાવી ૪ ટકા ગગડી ૨૫૦ બંધ થયો છે.

તાતા મોટર, મારુતિ, મહિન્દ્ર, આઇશર, TVS મોટર, અશોક લેલૅન્ડ નવા બેસ્ટ લેવલે

MCX ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ૨૨૭૭ની ટૉપ બતાવી પોણો ટકો વધીને ૨૨૧૫ રહી છે. CWD લિમિટેડ એક શૅરદીઠ ૪ બોનસમાં બોનસ બાદ થતાં સવા પાંચ ટકા ઊછળી ૪૧૫ રૂપિયા બંધ હતી. પ્રફિટ કૅપિટલ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં પાંચ ટકા વધીને ૪.૫૪ બંધ આવી છે. ફેસવૅલ્યુ એકની છે. જયપુરની રિયલ એસ્ટેટ બિઝનેસમાં કામકાજ કરતી, ૯૫ લાખની નાનકડી ઇ​ક્વિટી સામે ૩૦૭૨ લાખની તગડી રિઝર્વને લઈને ૧૦ના શૅરદીઠ ૩૪૦ રૂપિયાની જબ્બર રિઝર્વ ધરાવતી કંપની મેગ્નાનિમસ ટ્રેડ ઍન્ડ ફાઇનૅન્સ પણ એક શૅરદીઠ ૨૩ શૅરના બોનસમાં ગઈ કાલે બોનસ-બાદ થઈ છે. જોકે શૅરમાં છેલ્લે સોદો ૨૦૨૪ની ૯ ઑગસ્ટે પડ્યો હતો, ભાવ એક શૅરના કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫.૬૪ બંધ રહ્યો હતો. ત્યાર પછી કોઈ ટ્રેડિંગ થયું નથી. સોમવારે મુંબઈ, અંધેરી-ચકાલા ખાતેની ઓરિએન્ટ ટેક્નૉલૉજીઝ ૧૦ શૅરદીઠ એકના મેઇડન બોનસમાં એક્સ બોનસ થવાની છે. શૅર ગઈ કાલે પોણા ત્રણ ટકા ઊંચકાઈને ૪૪૭ રહ્યા છે. અમદાવાદી સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ દ્વારા મેઇડન બોનસ માટે ૧૬મીએ બોર્ડ મીટિંગ નક્કી થઈ છે. શૅર ગઈ કાલે ૧૩૨૦ની ટોચે જઈને ૧૩.૬ ટકા ઊછળી ૧૨૫૨ હતો. શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝનની બોર્ડમીટિંગ ૬ જાન્યુઆપીએ શૅર વિભાજન માટે મળશે, ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૭૪૨ બતાવી પાંચ ટકા વધીને ૧૭૪૧ હતો. ૪ ફેબ્રુઆરીએ ભાવ ૩૪૯ના તળિયે હતો.

ડિસેમ્બરમાં હીરો મોટોકૉર્પનું વેચાણ ૪૦ ટકા વધ્યું છે. શૅર ઉપરમાં ૬૦૩૩ થઈ દોઢ ટકા વધીને ૫૯૩૦ થયો છે. ટીવીએસ મોટર્સનું વેચાણ ગયા મહિને ૫૦ ટકા વધીને આવ્યું છે. શૅર ૩૮૯૯ની નવી ટૉપ બતાવી ૨.૮ ટકા વધી ૩૮૯૭ હતો. હ્યુન્દાઇ મોટર્સનું વેચાણ સાડાછ ટકા વધ્યું છે. શૅર નીચામાં ૨૨૪૭ થઈ ૧.૮ ટકા ઘટી ૨૨૬૯ હતો. ગયા મહિને ફોર્સ મોટર્સનું વેચાણ ૫૦ ટકા જેવું વધ્યું છે. શૅર ઉપરમાં ૨૧,૯૧૬ થઈને ૧.૮ ટકા વધીને ૨૧,૨૨૪ થયો છે. તાતા મોટર્સ પૅસેન્જરનું વેચાણ ૧૪ ટકા તથા તાતા મોટર્સનું વેચાણ પચીસ ટકા ગયા મહિને વધ્યું છે. તાતા મોટર્સ પૅસેન્જર પોણો ટકો વધીને ૩૭૦ અને તાતા મોટર્સ ૩.૭ ટકા વધીને ૪૪૨ બંધ હતો. નવા શિખરની હારમાળાને ચાલુ રાખતાં અશોક લેલૅન્ડ ૧૯૦ થઈ ૨.૪ ટકા વધીને ૧૮૯ થયો છે. મારુતિ સુઝુકી વેચાણનો કરન્ટ જાળવી રાખતાં ૧૬,૯૯૫ની લાઇફટાઇમ ટૉપ બનાવી દોઢ ટકા વધી ૧૬,૯૬૦ રહી છે. મહિન્દ્ર પણ સારા વેચાણ પાછળ ૩૮૧૧ના શિખરે જઈને એક ટકા વધીને ૩૮૦૨ હતી. બજાજ ઑટો ઉપરમાં ૯૬૩૩ની ટૉપ અડધા ટકાની નરમાઈમાં ૯૫૦૧ બંધ આવી છે. આઇશર ૭૩૭૭ની વિક્રમી સપાટી નોંધાવી નજીવા ઘટાડે ૭૩૩૫ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

03 January, 2026 07:53 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK