થાણેના વૉર્ડ-નંબર ૧૮માં એકનાથ શિંદેની શિવસેનાનાં જયશ્રી ફાટક જીતી ગયાં છે
ફાઇલ તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણી થાય એ પહેલાં જ એકનાથ શિંદેએ ઠાકરેબંધુઓને ઝટકો આપ્યો છે. એકનાથ શિંદેની શિવસેનાના ૪ ઉમેદવાર ચૂંટણી પહેલાં જ બિનવિરોધ જીતી ગયા છે.
થાણેના વૉર્ડ-નંબર ૧૮માં એકનાથ શિંદેની શિવસેનાનાં જયશ્રી ફાટક જીતી ગયાં છે. જયશ્રી ફાટક વિધાનસભ્ય રવીન્દ્ર ફાટકનાં પત્ની છે. ઠાકરે જૂથનાં ઉમેદવાર સ્નેહા નાગરેએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લેતાં જયશ્રી ફાટક બિનવિરોધ જીતી ગયાં છે. એ જ રીતે વૉર્ડ નંબર ૧૮-કના શિંદેસેનાનાં સુખદા મોરે પણ બિનવિરોધ જીતી ગયાં છે. તેમની સામે ઉમેદવારી નોંધાવનાર કૉન્ગ્રેસનાં ઉમેદવાર વૈશાલી પવારે તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી જ્યારે મહારાષ્ટ્ર નવ નિર્માણસેનાનાં પ્રાચી ઘાડગેનું ઉમેદવારીપત્ર રિજેક્ટ કરાયું હતું. વૉર્ડ નંબર ૧૭-અમાંથી શિંદેસેનાનાં એકતા ભોઈર જીતી ગયાં છે. તેમની સામે કોઈ પણ મોટા પક્ષોના ઉમેદવારે ઉમેદવારી જ નોંધાવી નહોતી અને જે પણ અપક્ષ ઉમેદવારો હતા તેમણે તેમનાં ફૉર્મ પાછાં ખેંચી લેતાં એકતા ભોઈર બિનવિરોધ જીતી ગયાં છે. વૉર્ડ નંબર ૧૮-ડમાંથી એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર રામ રેપાળે બિનવિરોધ જીતી ગયા છે. તેમની સામે ઊભા રહેલા શિવસેના (UBT)ના વિક્રાન્ત ઘાગે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. એ ઉપરાતં કૉન્ગ્રેસ સહિત અન્ય અપક્ષોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતાં રામ રેપાળે વીજયી બન્યા હતા. આમ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટણી પહેલાં જ એકનાથ શિંદેની શિવસેનાના ૪ ઉમેદવાર જીતી ગયા છે.
ADVERTISEMENT
ભિવંડી-નિઝામપુરમાં BJPના ૬ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (BNMC) ઇલેક્શન માટે નૉમિનેશન ફૉર્મની ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૬ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનો દાવો પાર્ટીએ ગઈ કાલે કર્યો હતો. BJPના ભિવંડીના પ્રમુખ હર્ષલ પાટીલે દાવો કર્યો હતો કે અમારી પાર્ટીના પરેશ ચંદ્રકાંત ચૌગુલે, સુમિત પુરુષોત્તમ પાટીલ, અશ્વિની સની ફુટાણકર, દીપા દીપક માઢવી, અબુશાહ લલ્લન શેખ અને ભારતી હનુમાન ચૌધરીને બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યાં છે.
KDMCમાં મહાયુતિના બિનવિરોધ જીતી ગયેલા ઉમેદવારની સંખ્યા ૧૯ પર પહોંચી
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં ૧૨૨ બેઠકો પર ખરેખર ચૂંટણી થાય અને ઉમેદવારો જીતી આવે એ પહેલાં જ મહાયુતિના ૧૯ ઉમેદવારો બિનવિરોધ જીતી ગયા છે. ગુરુવારે એ સંખ્યા ૯ની થઈ હતી જે ગઈ કાલે વધીને ૧૯ પર પહોંચી ગઈ હતી. શિવસેના (UBT), કૉન્ગ્રેસ, અપક્ષ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવારોએ તેમનાં ફૉર્મ પાછાં ખેંચી લેતાં મહાયુતિના ૧૯ ઉમેદવારો ચૂંટણી લડ્યા વગર જ જીતી ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ૧૩ અને એકનાથ શિંદેસેનાના ૬ ઉમેદવારનો સમાવેશ છે.
ગઈ કાલે જીતી ગયેલા ઉમેદવારોમાં BJPના રવીના માળી, સુનીતા પાટીલ, સાઈ શેલાર, મહેશ પાટીલ, પૂજા મ્હાત્રે, જયેશ મ્હાત્રે, દીપેશ મ્હાત્રે, હર્ષદા ભોઈર અને વિશુ પેડણેકરનો સમાવેશ હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાનાં જ્યોતિ મરાઠે અને રેશમા નિચળ ગઈ કાલે બિનવિરોધ ચૂંટાયાં હતાં.


