ચૂંટણીના માહોલમાં સાતારામાં અખિલ ભારતીય સાહિત્ય સંમેલનમાં દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત
ગઈ કાલે સાતારામાં દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે સાતારામાં આયોજિત ૯૯મા અખિલ ભારતીય સાહિત્ય સંમેલનમાં કહ્યું હતું કે રાજ્યમાં માત્ર મરાઠી ભાષા જ ફરજિયાત છે, બીજી કોઈ પણ ભાષા ફરજિયાત નથી. જોકે તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે સ્કૂલોમાં ફ્રેન્ચ અને સ્પૅનિશ માટે જે રીતે લાલ જાજમ પાથરવામાં આવે છે એ જોતાં ભારતની અન્ય ભાષોઓનો વિરોધ કરવો પણ યોગ્ય નથી.
રાજ્યમાં પહેલા ધોરણથી સ્કૂલોમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી શીખવાડવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે ગયા વર્ષે મૂક્યો હતો એનો જોરદાર વિરોધ થયો હતો અને એને લઈને ઠાકરેબંધુઓએ એ તક ઝડપી લઈને એક મંચ પર આવી વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને ત્યારથી તેમની યુતિનાં મંડાણ થયાં હતાં. એ પછી રાજ્ય સરકારે એક કમિટીની સ્થાપના કરી તેમની ભલામણ જણાવવા કહ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન તરીકે હું સ્પષ્ટ કરવા માગીશ કે મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી જ ફરજિયાત છે, બીજી કોઈ ભાષા ફરજિયાત નથી. જોકે એમ છતાં ત્રીજી ભાષાના મુદ્દે અલગ-અલગ મતમતાંતર છે. વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોઈ પણ ત્રીજી ભાષા શીખવાની છૂટ છે. મુદ્દો એ છે કે એ કયા ધોરણથી અમલમાં લાવવું.’


