વંચિત બહુજન આઘાડીના બે નગરસેવકોનું સમર્થન મેળવીને આગળ નીકળી ગઈ શિવસેના
પ્રકાશ આંબેડકર
ઉલ્હાસનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન (UMC)માં પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (VBA)ના બે નવા ચૂંટાયેલા કૉર્પોરેટરોએ એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાને ટેકો આપ્યો છે, જેનાથી શિવસેનાની સ્થિતિ વધુ મજબૂત થઈ છે.
UMCની ૭૮ બેઠકોની ૧૫ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિના બન્ને પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યા હતા અને તેમણે અનુક્રમે ૩૭ અને ૩૬ બેઠકો જીતી હતી.
ADVERTISEMENT
VBAના નવા ચૂંટાયેલા કૉર્પોરેટરો સુરેખા સોનાવણે અને વિકાસ ખરાત રવિવારે રાત્રે મુંબઈમાં તેમના નિવાસસ્થાને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા અને સમર્થનપત્રો સોંપ્યા હતા એમ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું.
એ વખતે કલ્યાણના શિવસેનાના સંસદસભ્ય અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે પણ હાજર હતા. સુરેખા સોનાવણે અને વિકાસ ખરાતે જણાવ્યું હતું કે તેમનો નિર્ણય તેમના વૉર્ડના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને દલિત વિસ્તાર સુધારણા યોજના હેઠળ કાર્યો અમલમાં મૂકવાનો છે. તેમના સમર્થનથી એકનાથ શિંદેની શિવસેના UMCમાં BJP કરતાં આગળ નીકળી ગઈ છે. હવે તેની પાસે ૩૮ નગરસેવકોની સંખ્યા છે, જ્યારે BJP ૩૭ પર છે. કૉન્ગ્રેસ, એક સ્થાનિક સંગઠન અને એક અપક્ષે નાગરિક સંસ્થામાં એક-એક બેઠક જીતી છે.


