રશિયાથી સૂર્યમુખીના તેલની આયાતમાં ૧૨ ગણો વધારો, યુક્રેનને પછાડીને નંબર-વન નિકાસકાર બન્યું રશિયા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
રશિયાએ ભારતના સૌથી મોટા સનફ્લાવર ઑઇલના સપ્લાયર તરીકે યુક્રેનને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવી લીધું છે. ૨૦૨૧થી રશિયામાંથી આયાતમાં ૧૨ ગણો વધારો થયો છે, કારણ કે રશિયન તેલ સસ્તું છે અને ખુલ્લાં દરિયાઈ બંદરો દ્વારા સરળતાથી મળી શકે છે. બીજી તરફ યુક્રેનની નિકાસ હવે મુખ્યત્વે યુરોપ તરફ જઈ રહી છે, કારણ કે અવરોધિત બંદરોએ ભારતમાં શિપિંગને વધુ મોંઘું અને મુશ્કેલ બનાવ્યું છે.
૨૦૨૧માં સનફ્લાવર ઑઇલની આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ દસ ટકા હતો અને ૨૦૨૪માં એ વધીને ૫૬ ટકા થયો હતો, કારણ કે ભારતે આ વર્ષે રશિયાથી ૨.૦૯ મિલ્યન ટન સનફ્લાવર ઑઇલ આયાત કર્યું હતું. આ પરિવર્તન ભારત અને રશિયા વચ્ચે વધતા વેપાર-સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે, કારણ કે બન્ને પક્ષો તેમની સપ્લાય-ચેઇનને વધુ વિશ્વસનીય બનાવવા પર કામ કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં યુક્રેન આ ઑઇલનું સૌથી મોટું સપ્લાયર હતું.


