Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આર્થિક વિકાસના જોરદાર આંકડા પછી શૅરબજાર ખરાબીના મૂડમાં

આર્થિક વિકાસના જોરદાર આંકડા પછી શૅરબજાર ખરાબીના મૂડમાં

Published : 03 September, 2026 11:16 AM | IST | Mumbai
Anil Patel

NSEનો IPO નજીકમાં હોવાના અહેવાલે IFCIનો શૅર ૧૯ વર્ષની ટોચે ગયો, ન્યુ ઇન્ડિયા ઑશ્યૉરન્સમાં કરન્ટ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


NSEનો IPO નજીકમાં હોવાના અહેવાલે IFCIનો શૅર ૧૯ વર્ષની ટોચે ગયો, ન્યુ ઇન્ડિયા ઑશ્યૉરન્સમાં કરન્ટ : વેચાણના સારા આંકડા વચ્ચે આઇશર નિફ્ટીમાં ટૉપ લૂઝર બની, ખરાબ આંકડામાં હીરો મોટોકૉર્પ ૪.૩ ટકા તૂટ્યો : નવું મૅનેજમેન્ટ મળવાની ખુશાલી જાળવી રાખતાં TBZ વૉલ્યુમ સાથે તગડા જમ્પમાં બૅક-ટુ-બૅક લાઇફટાઇમ હાઈ : હિન્દુસ્તાન યુનિલીવર લગભગ સાડાચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી : કેબલ શૅરમાં નરમાઈ, R.R. કેબલ ૮ ટકા ડાઉન

પ્રાઇસ ડિસ્કવરીના રૂપાળા કારણથી સેબીએ દાખલ કરેલી CAS અર્થાત ક્લોઝિંગ ઑક્શન સેશનની સિસ્ટમ્સ સામે બજારમાં આક્રોશ વધી રહ્યો છે. લોકો CAS સિસ્ટમ્સને CASINO સિસ્ટમ્સ કહેવા માંડ્યા છે અને હકીકતમાં સેબીનું પગલું સદંતર અવળચંડુ, તઘલખી અને માર્કેટની લિક્વિડિટીને ખતમ કરનારું પુરવાર થઈ રહ્યું છે. CASના કારણે બજારના આખા દિવસનાં કામકાજ ઉપર છેલ્લી ૧૫ મિનિટ પાણી ફેરવી દે છે. CAS શરૂ થયા એ પહેલાં સેન્સેક્સ નિફ્ટી જે લેવલે હોય છે અને CASની ૧૫ મિનિટ પછી જે ક્લોઝિંગ નક્કી થાય છે એ બન્ને વચ્ચે આભ-જમીનનો ફરક દેખાય છે. જે શૅરનો ભાવ BSEમાં ૧૦૦ બંધ હોય તે જ શૅર NSEમાં ૧૦૩ કે ૯૭ના લેવલે બંધ આવે છે અને આ વાત પેની સ્ટૉક કે સાઇડ શૅરોની નથી. TCS, રિલાયન્સ-સનફાર્મા-મારુતિ, HDFC, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્‍સ, ઇન્ફોસિસ ઇત્યાદી જેવા ટોચના શૅરમાં બંને બજારો વચ્ચે ત્રણ ટકા સુધીનો ભાવફરક આજે નિયત બની ગયો છે. જે બૅન્ક નિફ્ટી આખો દિવસ ૧૦૦ પૉઇન્ટની રૅન્જમાં અથડાઈ CAS પૂર્વે ધારો કે ૫૭,૧૦૦ હોય એ CASની ૧૫ મિનિટ પછી ૫૭,૭૦૦ થઈ જાય છે. આવી જ ધોળા દિવસની કાયદેસરની બે-લગામ સટ્ટાખોરી ચલાવવી હોય તો પછી બજાર આખો દિવસ ચલાવવાના બદલે બપોરના સવાત્રણથી સાડાત્રણ કે ૩.૨૦થી ૩.૪૦ પૂરતું ૧૫-૨૦ મિનિટ જ ચલાવોને, તુહિન કાન્ત પાંડ...
અૅની વે, સેન્સેક્સ આગલા બંધથી ૪૭૩ પોઇન્ટ નરમ, ૭૬,૪૭૧ ખૂલી ૩૭૪ પૉઇન્ટ ઘટી ૭૬,૫૭૦ તથા નિફ્ટી ૧૪૧ પોઇન્ટની નરમાઈમાં ૨૩,૯૧૪ ઉપર ગઈ કાલે બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં બજાર નીચામાં ૭૬,૧૩૬ અને ઉપરમાં ૭૬,૫૭૦ થયું હતું CAS શરૂ થતાં પૂર્વે સેન્સેક્સ ૭૬,૪૬૯ અને નિફ્ટી ૨૩,૮૮૩ હતો. ખરડાયેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૪૫ શૅર સામે ૨૦૭૩ શૅર ઘટ્યા છે. માર્કેટકૅપ ૧.૪૩ લાખ કરોડના ઘટાડામાં ૪૮૬.૬૮ લાખ કરોડ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ૯૭ ડૉલર જેવું થઈ રનિંગમાં ૯૫ ડૉલર ઉપર ચાલતું હતું. ઈરાન-અમેરિકા વચ્ચે તનાવ વધ્યો છે. બૉન્ડ્સના યીલ્ડ વધવા માંડ્યા છે વગેરે જેવાં કારણ ગઈ કાલે ઘટતી બજાર વખતે ચૅનલિયા અૅન્કરો અને ઑનૅલિસ્ટો આપતા હતા. મઝાની વાત એ છે કે જૂન ક્વૉર્ટરનો આર્થિક વિકાસદર આનાથીય ખરાબ પરિસ્થિતિ વચ્ચે ૭.૮ ટકાનો આવ્યો છે. સરકાર આ બદલ તેની પીઠ થાબડી રહી છે. સમર્થકો વાહ-વાહ કરી રહ્યા છે, પરંતુ આટલા ટનાટન GDP
ગ્રોથ વચ્ચે FII તરફથી ૩૧ ઑગસ્ટે કુલ ૬૬૦૦ કરોડની રોકડી કે નેટ સેલ કેમ થયું? સરકારના એક વખતના નાણાસચિવ સુભાષ ગર્ગ કહે છે કે GDP ગ્રોથ ૭.૮ ટકા નહી પણ વાસ્તવમાં માત્ર ૨.૬ ટકાનો જ છે. આંકડાની હેરાફેરી કે માયાજાળ રચીને સરકાર એ ને ૭.૮ ટકા બતાવી રહી છે. ગર્ગની વાત કે તર્કબદ્ધ રજૂઆતનો વળતો સત્તાવાર જવાબ આપવાના બદલે સરકારે એ ની સ્ટાઇલ મુજબ આધારભૂત સૂત્રોના હવાલાથી પ્રચાર તંત્ર કામે લગાડી દીધું છે. અરે યાર, ૭.૮ ટકાના બદલે ૧૮ ટકાનો GDP ગ્રોથ સરકારે જાહેર કરી દીધો હોય તો પણ તમે શું કરી લેવાના હતા? અમૃત-કાલ છે, આ દોસ્ત.
નિફ્ટીમાં સવાત્રણ ટકા કે ૨૫૮ની ખરાબીમાં આઇશર અને સેન્સેક્સમાં ૧.૬ ટકા ઝંખવાઈ એશિયન પેઇન્ટ્સ ટૉપ લૂઝર બની છે. HDFC બૅન્ક દોઢ ટકાથી વધુ ખરડાઈ ૭૦૧ના બંધમાં બજારને ૧૪૩ પૉઇન્ટ નડી છે. મહિન્દ્રા તથા HCL ટેક્નૉલૉજીઝ દોઢ-દોઢ ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોસિસ સવા ટકાથી વધુ, સ્ટેટ બૅન્ક સવા ટકા નજીક સેન્સેક્સમાં ઘટી હતી. નિફ્ટીમાં વિપ્રો અઢી ટકા, મહિન્દ્રા બે ટકાથી વધુ, બજાજ ઑટો અને એશિયન પેઇન્ટ્સ ૧.૯ ટકા ડાઉન હતી. કોલ ઇન્ડિયા ૪ ટકા વધી નિફ્ટીમાં તો અદાણી પોર્ટ્સ ૧.૬ ટકા વધી સેન્સેક્સમાં ઝળકી છે. બજાજ ફીનસર્વ તથા NTPC અને પાવર ગ્રિડ એકાદ ટકો પ્લસ હતી. હેવી વેઇટ્સ રિલાયન્સ ૦.૪ ટકા વધી ૧૩૧૩ થઈ છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧૯૬૨ની આશરે સાડાચાર વર્ષની બોટમ બતાવી એકાદ ટકો ઘટી ૧૯૭૬ થઈ છે. TCS ૦.૯ ટકા ઘટી ૨૩૪૫ રહી છે. રેમન્ડ ૬૭૪ની વર્ષની ટોચે જઈ પાંચ ટકા વધી ૬૬૭ થઈ  છે. R.R. કેબલ બમણાં કામકાજે ૮ ટકા કપાઈ ૨૬૩૮ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. પિઅ ગ્રુપમાં ફિનોલેક્સ કેબલ્સ ૪.૧ ટકા, કેઈઆઇ ઇન્ડસ્ટ્રીઝ ૩.૧ ટકા અને પૉલિકૅબ સવા ટકો ડાઉન હતી. 



ફ્લાય-હાઈ તેમ જ ફાર્મ પીસના ઇશ્યુને નબળો પ્રતિસાદ


જન્માષ્ટમીના તહેવારને લઈ પ્રાઇમરી માર્કેટ વિરામ લેવાના મૂડમાં છે. ચાલુ સપ્તાહે હવે પછી માત્ર એક નવો ઇશ્યુ ખુલશે જે શુક્રવારે છે. દરમ્યાન નવા લિસ્ટિંગનો સિલસિલો આ સપ્તાહે ચાલુ રહેવાનો છે. ચાલુ ભરણાંમાંથી ગઈ કાલે ૪ IPO પૂરાં થયાં છે. મેઇન બોર્ડમાં મુંબઈના વિલે પાર્લે, ઈસ્ટ ખાતેની પર્પલ સ્ટાઇલ લૅબ્સનો ૧૦ના શૅરદીઠ ૫૭૫ની અપરબેન્ડ સાથે ૬૮૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે નિયત મુદત પ્રમાણે આખરી દિવસે રીટેલમાં ૧.૭ ગણા સહિત કુલ ૧.૪ ગણો ભરાયો છે તો SME સેગમેન્ટમાં ફીકેમ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૪૫૮ લાખનો ઇશ્યુ રીટેલમાં ૨૦.૫ ગણા સહિત કુલ ૨૧ ગણો, શાંતિ ઇનઑર્ગેનિક્સનો ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવનો ૪૭૨૪ લાખનો ઇશ્યુ રીટેલમાં ૧૨૬ ગણા સહિત કુલ ૧૪૩ ગણો તથા આશુતોષ ફાઇબરનો ૧૦ના શૅરદીઠ ૯૨ના ભાવનો ૫૬૩૫ લાખનો ઇશ્યુ રીટેલમાં ૯૯ ગણા સહિત કુલ ૧૪૫ ગણો આખરી દિવસે ભરાયો છે. હાલ પર્પલ સ્ટાઇલમાં બે રૂપિયા, ફીકેમમાં ૧ રૂપિયો, શાંતિ ઇનઑર્ગેનિક્સમાં ૧૩ રૂપિયા અને આશુતોષમાં ૩૦ રૂપિયા પ્રીમિયમ ચાલે છે. 
બીજા દિવસના અંતે મેઇન બોર્ડની દીપા જ્વેલર્સનો બેના શૅરદીઠ ૧૭૭ના ભાવનો ૪૬૦ કરોડનો ઇશ્યુ કુલ પોણા ચાર ગણો અને રેઝ ઑફ બિલિફ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૨૩૯ના ભાવનો ૧૨૫ કરોડનો ઇશ્યુ કુલ ૩.૭ ગણો ભરાઈ ચૂક્યો છે. અત્યારે દીપા જ્વેલર્સમાં ૨૮ રૂપિયા તથા રેઝ ઑફ બિલિફમાં ૩૨ રૂપિયા પ્રીમિયમ છે, જ્યારે SME સેક્ટરમાં ફાર્મપીસ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવનો ૩૨ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ માત્ર ૬ ટકા તો ફ્લાય હાઈ મૅરિટાઇમ ટ્રાવેલ્સનો પાંચના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૫૩ કરોડનો ઇશ્યુ કુલ આઠ ટકા ભરાયો છે. હાલ ફ્લાય હાઈમાં ૨૦નું અને ફાર્મ પીસમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે. દરમ્યાન મુંબઈના મલાડ-વેસ્ટની ટેક્નિકલ ગાર્મેન્ટ્સ કંપની ક્વોલિઅન્સ ઇન્ટરનૅશનલ ૧૦ના શૅરદીઠ ૧૨૭ની અપરબેન્ડમાં ૪૫૧૧ લાખનો NSE SME ઇશ્યુ શુક્રવારે કરવાની છે. પ્રીમિયમ ૫૦ ચાલે છે.

ખાંડમાં સ્ટૉક-લિમિટ અડધી થતાં શુગર શૅર વધુ ઘટ્યા


જામનગરની BSE લિસ્ટેડ ઇન્ટિગ્રેટેડ પ્રોટિન્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ચોથીએ એક્સ સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપર ૧૫૫ થઈ પાંચ ટકા વધી ત્યાં જ બંધ હતો. મૂળ અમદાવાદની અને હાલ પુણે ખાતે રજિસ્ટર્ડ ઑફિસ ધરાવતી અગાઉ અશ્વ ટ્રેડિંગ ઑન્ડ એક્સ પોર્ટ્સ તરીકે ઓળખાતી હાલની TCC કન્સેપ્ટ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં શુક્રવારે એક્સ સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે નીચે ૨૨૫ બતાવી અઢી ટકા વધી ૨૩૩ રહ્યો છે. ૨૦૨૫ની ૯ ઑક્ટોબરે શૅર ૬૮૮ના શિખરે હતો. ITCની સબસિડિયરી ITC ઇન્ફોટેક તરફથી ટેકઓવર અને મર્જરની જાહેરાતના પગલે ૮૧ શૅરદીઠ નવી કંપનીના ૨૫ શૅરના પ્રતિકૂળ સ્વેપ રેશિયોમાં આગલા દિવસે વૉલ્યુમ સાથે ૧૧ ટકા ખરડાઈ ૩૬૩ નીચે બંધ થયેલી હૅપીએસ્ટ માઇન્ડ્સ ગઈ કાલે નીચામાં ૩૪૮ થઈ સવાબે ટકા ઘટી ૩૫૪ રહી છે. GRT જ્વેલર્સ તરફથી ટેકઓવરની જાહેરાતના પગલે મંગળવારે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૬૬ ઉપર લાઇફટાઇમ હાઈ બંધ રહેલી TBZ લિમિટેડ વળતા દિવસે ૪૩૦ની નવી ટૉપ બનાવી ૧૩.૮ ટકા ઊછળી ૪૧૭ થઈ છે. GRT તરફથી TBZમાં પ્રમોટર્સ ગ્રુપનો ૭૪.૧ ટકા હિસ્સો શૅરદીઠ ૨૦૯ના ભાવે તથા નિયમ મુજબ ઓપન-ઑફર ૨૫૦ નજીકના ભાવે કરવાની જાણ કરાઈ છે. એ ના મુકાબલે હાલનો બજારભાવ ૬૭ ટકા વધુ છે.
ખાંડના વધતા ભાવને ડામવાના પ્રયાસના ભાગરૂપ સરકારે ૧૫ સપ્ટેમ્બરથી અમલી બને એ રીતે ડીલર્સ માટે સ્ટૉક હોલ્ડિંગ લિમિટ અડધી, ૨૦૦૦ ક્વિન્ટલ કરી નાખતાં આગલા દિવસે શુગર શૅરોમાં મંદી ફરી વળી હતી. ઉદ્યોગના ૩૪માંથી ૩૦ શૅર કડવા બન્યા હતા. ગઈ કાલે નરમાઈ સિલેક્ટિવ હતી. ઉદ્યોગના ૩૪માંથી ૧૯ શૅર ઘટ્યા છે. દાલમિયા શુગર ૨.૩ ટકા, ધામપુર સ્પેશ્યાલિટી પોણાબે ટકા, KCP શુગર સવા ટકો, પિકાડેલી શુગર ૧.૬ ટકા, બજાજ હિન્દુસ્તાન એક ટકો, અવધ શુગર સવા ટકો ઘટી હતી. સામે મવાણા શુગર ૪.૩ ટકા, પોની ઇરોડ ૪.૬ ટકા, કેસર એન્ટરપ્રાઇસીઝ સાડાછ ટકા, ઉગર શુગર ૪.૬ ટકા, બન્નારીઅમાન દોઢ ટકો વધી છે. 

અન્નુ પ્રોજેક્ટ્સનું નબળું લિસ્ટિંગ, ૨૧ ટકાનું નેગેટિવ રિટર્ન

મેઇન બોર્ડમાં બુધવારે નવી દિલ્હીની અન્નુ પ્રોજેક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૯૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થઈ ઉપરમાં ૭ થયેલા પ્રીમિયમ પછી છેલ્લે બોલાતા ૭ના ડિસ્કાઉન્ટ સામે ૭૫ ખૂલી ૭૮ બંધ થતાં ૨૧.૩ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કુલ ૧૭૫ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૨.૭ ગણા સહિત ટોટલ ૨.૯ ગણો ભરાયો હતો. SMEમાં સિકંદરાબાદની સુમેક્સ એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થઈ ઉપરમાં ૩૬ થયા બાદ છેલ્લે ચાલતા ૩૦ના પ્રીમિયમ સામે NSEમાં ૧૧૧ ખૂલી ૧૧૦ બંધ થતાં ૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૫૩ કરોડનો આ IPO રીટેલમાં ૧૫૯ ગણા સહિત કુલ ૧૬૩ ગણો છલકાયો હતો. આજે, ગુરુવારે લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ તથા ક્વીક ફૉરેન્સિક સૉલ્યુશન્સનું લિસ્ટિંગ છે. લ્યુમિનોમાં અત્યારે ૩૨ તથા ક્વીક ફૉરેન્સિકમાં ૭૮નું પ્રીમિયમ બોલાય છે. 
દરમ્યાન આગલા દિવસે જે પાંચ IPO લિસ્ટેડ થયા હતા અેમાં મેઇન બોર્ડ ખાતે ૧૧ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૯૬ બંધ થયેલી સિમ્બાયોટેક ફાર્માલૅબ ગઈ કાલે ઉપરમાં ૧૧૬૧ બતાવી સામાન્ય ઘટાડે ૧૦૯૨, ૪૨.૬ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૭૫ બંધ રહેલી હાઈ ટેક એન્જિનિયર્સ ૭૯ ઉપર નવી ટોચે જઈ ૪.૩ ટકા વધી ૭૯ નજીક તથા ૯ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૨૬ નજીક બંધ આવેલી સ્કાયવેઝ અૅર સર્વિસિસ ઉપરમાં ૧૩૩ બનાવી ૩ ટકા વધી ૧૨૯ બંધ રહી છે. જ્યારે પાંચ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૯૫ બંધ થયેલી મધુર નીટ ક્રાફ્ટ્સ ૯૦ના વર્સ્ટ લેવલે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ અને પોણાઆઠ ટકા જેવા લિસ્ટિંગ લૉસમાં ૯૪ બંધ રહેલી ABH હેલ્થકૅર ગઈ કાલે ૮૯ ઉપર નવું બૉટમ બતાવી પાંચ ટકા લથડી ૮૯ હતી. તાજેતરમાં લિસ્ટેડ અન્ય જાતોમાં ઑગમેન્ટ એન્ટરપ્રાઇસીઝ નીચામાં ૮૫૭ નજીક જઈને ૧૦ ટકા ઊછળી ૯૫૩, લલિતા જ્વેલરી માર્ટ ઉપર ૨૭૩ નજીક જઈ સવા ટકો ઘટી ૨૬૪, ટેમ્પસેન્સ ઇન્સ્યુમેન્ટ્સ ૫૩૪નું નવું બૉટમ બતાવી પાંચ ટકા ઊછળી ૫૬૬, હોરાઇઝોન ૫૪ નીચે તળિયું દેખાડી બે ટકા વધી ૫૭, ગજા ઑલ્ટરનેટિવ નીચામાં ૧૫૮ થઈ એક ટકો સુધરી ૧૬૫ બંધ આવી છે. 

CASના પગલે વૉલ્યુમ બગડતાં BSE લિમિટેડમાં નબળાઈ

સેબીની CASનો અમલ થતાં BSEના વૉલ્યુમને માર પડ્યો હોવાની કબૂલાત આવતાં શૅર નીચામાં ૩૧૩૧ થઈ સવાબે ટકા ઘટી ૩૧૬૮ બંધ થયો છે. અેની ૧૫ ટકાની સબસિડિયરી CDSL લિમિટેડ નીચામાં ૧૩૫૬ બતાવી ૧.૯ ટકા ઘટી ૧૩૬૫ હતી. NSEનો મેગા ઇશ્યુ આ મહિને જ ટૂંકમાં આવવાના અહેવાલ વહેતા થતાં રોકડી નજીકમાં હોવાની ગણતરી પાછળ IFCIનો શૅર ૮ ગણા વૉલ્યુમે ૯૯ની ૧૯ વર્ષની ટોચે જઈ ૧૨.૫ ટકા ઊછળી ૯૮ બંધ થયો છે. ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સ પણ ત્રણ ગણા કામકાજે ૨૦૧ વટાવી ૭.૨ ટકા ઊંચકાઈ ૧૯૯ થઈ છે. કોલ ઇન્ડિયા અેની સબસિડિયરી મહાનંદી કોલ ફીલ્ડનો ૧૦ ટકા હિસ્સો વેચવા પબ્લિક ઇશ્યુ લાવવા સક્રિય બની છે. અેના કારણે ભાવ દોઢા વૉલ્યુમે ઉપર ૪૨૨ વટાવી ૪ ટકા વધી ૪૧૮ બંધ થયો છે. સાઈ લાઇફ સાયન્સિસમાં ૧૬૧૦ની ટાર્ગેટ પ્રાઇસથી અૅનૅલિસ્ટોનું બાયનું રેટિંગ આવતાં શૅર પાંચ ગણા કામકાજે ૧૫૯૫ની વિક્રમી સપાટી દેખાડી ૪.૫ ટકા વધી ૧૫૮૬ થયો છે. 
સ્થાનિક વેચાણ ૩૪ ટકા વધવા છતાં નિકાસ વેચાણ વૉલ્યુમની રીતે ૭ ટકાથી વધુ ઘટતાં આગલા દિવસે ૫૦૦ પ્લસની તગડી ખરાબીમાં ૧૨,૯૧૯ બંધ થયેલી મારુતિ સુઝુકી ગઈ કાલે નીચામાં ૧૨,૬૩૭ થઈ અડધો ટકો કે ૭૭ રૂપિયા ઘટીને ૧૨,૮૪૨ રહી છે. આઇશર મોટર્સે ગત મહિને નિકાસમાં ૧૦ ટકા વધારા સાથે વેચાણવૃદ્ધિ મેળવી છે, પરંતુ શૅર NSE ખાતે નીચામાં ૭૫૦૫ થઈ સવાત્રણ ટકા કે ૨૫૮ રૂપિયા બગડી ૭૭૧૧ બંધ થયો છે. હીરો મોટોકૉર્પનું વેચાણ ઑગસ્ટમાં માંડ ૨.૭ ટકા વધ્યું છે. નિકાસ ૨૮ ટકા ગગડી છે. શૅર ૧૦ ગણા કામકાજે નીચામાં ૫૧૬૯ થઈ સવાચાર ટકા કે ૨૩૬ રૂપિયા ખરડાઈ ૫૩૦૯ બંધ થયો છે. NSEમાં ભાવ ૪.૬ ટકા ઘટી ૫૩૦૦ રહ્યો છે.  

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 11:16 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK