AC લોકલમાં રોજના ૪૫,૦૦૦થી વધુ મુસાફરો નોંધાયા, નૉન-AC ટ્રેનોના મુસાફરોમાં ઘટાડો
વેસ્ટર્ન રેલવેની ૧૪૧૪ સબર્બન સર્વિસમાંથી માત્ર ૧૪૭ AC લોકલ સર્વિસ ચલાવવામાં આવે છે છતાં ACમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા વધી રહી છે.
મુંબઈની વેસ્ટર્ન રેલવેના સબર્બન નેટવર્ક પર ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે એપ્રિલથી જૂનમાં દરરોજના સરેરાશ ૪૫,૦૦૦ વધુ મુસાફરો AC લોકલ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવેલા વિશ્ળેષણ મુજબ સાદી લોકલ ટ્રેનોમાં ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસમાં મુસાફરોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે AC ટ્રેનો તરફ લોકોનો ઝુકાવ ઝડપથી વધી રહ્યો છે.
AC ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા દૈનિક સરેરાશ ૩૩,૯૨૦થી વધીને ૪૮,૫૯૪ થઈ છે. રોજના ૧૪,૬૭૪ મુસાફરો વધુ નોંધાતાં મુસાફરોની ટકાવારીમાં ૪૩.૩ ટકાનો વધારો થયો છે. AC પાસ ધરાવતા મુસાફરોની દૈનિક સરેરાશ ૧.૧૮ લાખથી વધીને ૧.૪૯ લાખ થઈ છે જે ૩૦,૮૬૨ મુસાફરો (૨૬.૨ ટકા)નો વધારો દર્શાવે છે. બન્ને શ્રેણી મળીને દરરોજ કુલ ૪૫,૫૩૬ વધુ મુસાફરો AC લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
AC ટ્રેનોની ડિમાન્ડ વધવાની સાથે જનરલ ક્લાસમાં મુસાફરો ઘટ્યા છે. દૈનિક સરેરાશમાં સેકન્ડ ક્લાસના મુસાફરોમાં ૪૧,૨૨૩ અને ફર્સ્ટ ક્લાસમાં ૬૬૪નો ઘટાડો થયો છે. અે જ રીતે સીઝન પાસ ધરાવતા મુસાફરોની સંખ્યા સેકન્ડ ક્લાસમાં ૩૧,૯૭૮ અને ફર્સ્ટ ક્લાસમાં ૨૧,૨૯૨ ઓછી થઈ છે.
