સત્તાવાર રીતે રસ્તો ખુલ્લો ન મુકાયો હોવા છતાં બૅરિકેડ્સ અવગણીને રસ્તા પર અવરજવર થાય છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે હજી સત્તાવાર રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો નથી છતાં વિરાર નજીકના આ અધૂરા હાઇવે પર છેલ્લા ત્રણ મહિનામાં અકસ્માતમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે. તાજેતરની ઘટનામાં ૩૧ જુલાઈએ નાલાસોપારાના રહેવાસી ૨૦ વર્ષના અરમાન સિદ્દીકીની બાઇક સ્લિપ થઈ જતાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે તેના મિત્રને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સંદર્ભે માંડવી પોલીસે મંગળવારે ગુનો નોંધ્યો છે.
આ બન્ને યુવકો ૩૧ જુલાઈએ રાતે ૨.૩૦ વાગ્યે એક્સપ્રેસવે પર પ્રવેશ્યા હતા અને વિરાર નજીક ખારડી ગામથી કોપર તરફ જઈ રહ્યા હતા. તેમની બાઇકની સ્પીડ વધુ હોવાથી ભીની માટીના ઢગલા પર સ્કિડ થઈ જતાં તેમણે નિયંત્રણ ગુમાવ્યું હતું અને અકસ્માત થયો હતો. અગાઉ જૂન મહિનામાં પણ આ જ પટ્ટા પર આકાશ ઠાકુર નામના ૩૮ વર્ષના બાઇકરનું અકસ્માતમાં મોત થયું હતું.
ADVERTISEMENT
દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોરનો ભાગ ગણાતા આ ૩૮૦ કિલોમીટર લાંબા એક્સપ્રેસવેમાંથી ૧૨૦ કિલોમીટરનો હાઇવે પાલઘર જિલ્લામાંથી પસાર થાય છે. નૅશનલ હાઇવે ઑથોરિટીના જણાવવા મુજબ ગેરકાયદે પ્રવેશ રોકવા માટે બૅરિકેડ્સ અને ચેતવણીનાં બોર્ડ લગાડવામાં આવ્યાં છે, પરંતુ લોકો ગેરકાયદેસર રીતે અધૂરા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે.
