Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ અને નિફ્ટી આજકાલમાં ઑલટાઇમ હાઈ થવાની તૈયારીમાં

સેન્સેક્સ અને નિફ્ટી આજકાલમાં ઑલટાઇમ હાઈ થવાની તૈયારીમાં

Published : 21 November, 2025 09:29 AM | IST | Mumbai
Anil Patel

બૅન્ક નિફ્ટી તથા ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટી બતાવી સુધારામાં, PSU બૅન્ક નિફ્ટી નવી ટોચે જઈને નરમ : ડ્રેજિંગ કૉર્પોરેશન ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં, મૅગ્લેનિક ક્લાઉડ વૉલ્યુમ સામે ૨૦ ટકા તૂટી : આશાપુરા માઇનકેમમાં નવો ઊંચો ભાવ, જયપ્રકાશ પાવર મજબૂત

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ફિઝિક્સવાલામાં નવો નીચો ભાવ જોવા મળ્યો
  2. ગ્રોવાળી બિલિયન બ્રેઇન્સ વધુ પોણાઆઠ ટકા ગગડી
  3. કૅપેલરી ટેક્નૉલૉજીઝનું આજે લિસ્ટિંગ, પ્રીમિયમ ઘટીને ૫૬ રૂપિયા

શૅરબજાર ધીમી પણ મક્કમ ગતિ સાથે ૨૦૨૪ની ૨૭ સપ્ટેમ્બરની એની ઑલટાઇમ હાઈની નજીક સરકી રહ્યું છે ત્યારે ચાર્ટવાળાને આગામી મહિનામાં સેન્સેક્સ ૯૦ હજારની ઉપર, ૯૧,૫૦૦ થવાની શક્યતા હવે દેખાવા માંડી છે. તેમના મતે જ્યાં સુધી ૮૨,૯૫૦નું લેવલ અકબંધ છે ત્યાં સુધી માર્કેટ ટૂંકા ગાળામાં પૉઝિટિવ રહેશે. છેલ્લા ૮માંથી કામકાજના ૭ દિવસ વધેલો સેન્સેક્સ આગલા બંધથી ૨૮૫ પૉઇન્ટ પ્લસ ૮૫,૪૭૧ નજીક ખૂલી છેવટે ૪૪૬ પૉઇન્ટ વધીને ૮૫૬૩૩ તથા નિફ્ટી ૧૩૯ પૉઇન્ટની આગેકૂચમાં ૨૬૧૯૨ ગઈ કાલે બંધ થયો છે. આરંભથી અંત સુધી માર્કેટ પ્રૉઝિટિવ ઝોનમાં હતું. શૅરઆંક નીચામાં ૮૫,૨૦૦ તથા ઉપરમાં ૮૫,૮૦૨ દેખાયો હતો. નિફ્ટીમાં ૨૬,૨૪૭ની ઇન્ટ્રા-ડે હાઈ બની હતી. આમ બન્ને મેઇન બેન્ચમાર્ક ગુરુવારે ૧૪ મહિનાની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. માર્કેટ બ્રેડ્થ જોકે નકારાત્મક હતી. NSEમાં વધેલા ૧૩૮૫ શૅરની સામે ૧૭૨૧ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૭૮,૦૦૦ કરોડના ઉમેરામાં હવે ૪૭૬.૪૧ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ ગયું છે. જૂજ અપવાદ બાદ કરતાં બન્ને બજારનાં તમામ ઇન્ડાઇસિસ સુધારામાં હતાં.

એનર્જી ઇન્ડેક્સ ૦.૬ ટકા વધ્યો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ અડધો ટકો ઊંચકાયો છે. બૅન્ક નિફ્ટી ૫૯,૪૪૦ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧૩૨ પૉઇન્ટ વધી ૫૯,૩૪૮ હતો. PSU બૅન્ક નિફ્ટી ૮૬૨૫ના બેસ્ટ લેવલ બાદ ૦.૯ ટકા ઘટ્યો છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૨૪૨ની વિક્રમી સપાટી બનાવી અડધો ટકો સુધરી ૧૩૨૧૯ હતો. આગલા દિવસનો હીરો આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે નજીવો ઘટ્યો છે.



ડિફેન્સ સેક્ટરમાં ગાર્ડનરિચ શિપબિલ્ડર્સ ૨૯૬૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૩ ટકા કે ૯૩ રૂપિયા ઊંચકાઈને ૨૯૨૧ થઈ છે.માઝગાવ ડૉક પોણાબે ટકા અને કોચીન શિપયાર્ડ દોઢ ટકા અપ હતી. અન્યમાં પારસ ડિફેન્સ સાડાત્રણ ટકા, જેન ટેક્નૉલૉજીઝ ૩.૩ ટકા, એમટાર ટેક્નો ચાર ટકા, ડેટા પૅટર્ન્સ ૧.૮ ટકા, આઇડિયા ફોર્જ સવાબે ટકા ઝળકી હતી. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી માત્ર પાંચ શૅર વધ્યા છે. કૅપિટલ સ્મૉલ બૅન્ક ૨.૪ ટકા વધીને મોખરે હતી. સામે સાઉથ ઇન્ડિયન બૅન્ક આઠ ટકા, સિટી યુનિયન બૅન્ક સવાત્રણ ટકા, પંજાબ સિંધ બૅન્ક, યુકો બૅન્ક, સૂર્યોદય બૅન્ક, DCB બૅન્ક બેથી પોણાત્રણ ટકા ડાઉન હતી. ૧૨માંથી ૧૨ સરકારી બૅન્કો માઇનસ થઈ છે. ફાઇનૅન્સમાં મહિન્દ્ર ફાઇનૅન્સ આઠ ગણા કામકાજે ૩૪૯ની નવી ટૉપ બનાવી પાંચ ટકાની મજબૂતીમાં ૩૪૬ થઈ છે. રિલાયન્સની તેજી એનર્જી તેમ જ ઑઇલ-ગૅસ બેન્ચમાર્કને ખાસ્સી ફળી છે. 


રોકડામાં મૅગ્લેનિક ક્લાઉડ પ્રારંભિક સુધારા બાદ પોણાછ ગણા કામકાજે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં પટકાઈ ૫૪ની અંદર જઈ ત્યાં જ બંધ થઈ છે. સરકારની ૭૩.૫ ટકા માલિકીની ડ્રેજિંગ કૉર્પોરેશન ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૮૮૦ નજીક જઈ ત્યાં જ રહી છે. આશાપુરા માઇનકેમ ૭૫૪ના શિખરે જઈ સવાછ ટકા ઊછળી ૭૩૮ હતી. ભાવ વર્ષ પૂર્વે ૨૪૩ હતો. ચેન્નઈ મેટ્રો ૧૧૦૩ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી ૧.૭ ટકા વધી ૧૦૭૭ થઈ છે. MCX પાંચ આંકડા નજીક સરકતાં ૯૯૭૫ની વિક્રમી સપાટી બનાવી અડધો ટકો સુધરી ૯૯૫૮ રહી છે.

હીરો મોટોકૉર્પ પાંચ દિવસની આગેકૂચમાં ૬૦૦ના શિખરે બંધ


હીરો મોટોકૉર્પ સતત પાંચમા દિવસની આગેકૂચમાં ૬૦૪૨ની ૧૪ મહિનાની નવી ટૉપ બનાવી ૨.૧ ટકા કે ૧૨૫ રૂપિયા વધીને ૬૦૦૦ રહી છે. અદાણીના ૧૪૫૦૦ કરોડના રેઝોલ્યુશન પ્લાનને બૅન્કોનું સમર્થન મળતાં ૫૫૦૦૦ કરોડના દેવાવાળી જય પ્રકાશ અસોસિએટ્સ અદાણીના હાથમાં જશે એ હવે નક્કી થઈ ગયું છે. આની અસરમાં જયપ્રકાશ અસોસિએટ્સની જેપી પાવર વેન્ચર્સ ગઈ કાલે પણ તગડા કામકાજે ડિમાન્ડમાં રહી છે. ભાવ ઉપરમાં ૨૨.૮૦ થઈ સાડાછ ટકાની મજબૂતીમાં ૨૧.૬૩ બંધ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરમાં ૨૪૮૦ થઈ અડધો ટકો સુધરી ૨૪૪૫ હતી. જેફરીઝે ૨૯૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવ્યો છે.

બોફા દ્વારા ૧૮૪૦ રૂપિયા તથા જેપી મૉર્ગનના ૧૯૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુના પગલે LG ઇલેક્ટૉનિક્સ ઉપરમાં ૧૭૦૬ થઈ એક ટકો વધીને ૧૬૮૪ રહી છે. પૉલિસી બાઝાર ફેમ પી. બી. ફિનટેકમાં મૉર્ગન સ્ટૅનલીએ ૧૩૭૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ આવ્યો છે. શૅર ઉપરમાં ૧૮૫૯ અને નીચામાં ૧૮૨૬ બતાવી પોણો ટકો ઘટી ૧૮૩૮ હતો. સરકારની ૬૧.૮ ટકા માલિકીની NBCC ઇન્ડિયાને નાગપુર મેટ્રોપૉલિટન ઑથોરિટી તરફથી ૩૦૦૦ કરોડનો ઑર્ડર મળતાં ભાવ ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૧૧૮ થઈ અઢી ટકા વધીને ૧૧૬ બંધ હતો.

અગાઉની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનૅન્સ અને હાલની સન્માન કૅપિટલમાં નાણાકીય ગેરરીતિના મામલે ચાલી રહેલી તપાસમાં સીબીઆઇ, સેબી તેમ જ અન્ય સંબંધિત એજન્સીઓ આંખમીંચામણાં કે મેળાપીપણાથી કામ કરી રહી હોવાના સુપ્રીમ કોર્ટના આક્ષેપ બાદ આગલા દિવસે તૂટેલી સન્માન કૅપિટલ ગઈ કાલે દોઢ ટકો ઘટીને ૧૫૭ બંધ આવી છે.  

વડોદરાની સુદીપ ફાર્મા એકના શૅરદીઠ ૫૯૩ના ભાવે આજે ઇશ્યુ કરશે

આજે શુક્રવારે વડોદરાની સુદીપ ફાર્મા એક રૂપિયાના શૅરદીઠ ૫૯૩ની અપર બૅન્ડમાં ૮૯૫ કરોડનો ઇશ્યુ કરવાની છે જેમાં ઑફર ફૉર સેલ ૮૦૦ કરોડની છે. ૧૯૮૯માં સ્થપાયેલી આ કંપની સ્પેશ્યલ ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવે છે જે ફાર્મા, ફૂડ તેમ જ ન્યુટ્રેશન ઉદ્યોગમાં વપરાય છે. કંપનીએ ગયા વર્ષે ૧૦ ટકા વધારામાં ૫૧૧ કરોડની આવક પર ચાર ટકા વૃદ્ધિદરથી ૧૩૯ કરોડ નજીકનો નેટ નફો કર્યો છે. દેવું ૭૫ કરોડથી વધી ૧૩૫ કરોડ વટાવી ગયું છે. ચાલુ વર્ષના પ્રથમ ૩ મહિનામાં ૧૩૦ કરોડની આવક પર ૩૧૨૭ લાખ ચોખ્ખો નફો કર્યો છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૨૯થી ૪૩ પૈસા જેવી છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૧૩૦ લાખ થશે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૪૮.૩નો તથા ચાલુ વર્ષના ૩ મહિના પ્રમાણે ૫૩.૬નો અતિ ઊંચો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૯૩થી શરૂ થયેલું પ્રીમિયમ વધીને હાલ ૧૧૫ ચાલે છે.

દરમ્યાન ઍક્સેલ સૉફ્ટ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૫૦૦ કરોડનો મેઇન બોર્ડનો IPO ગઈ કાલે બીજા દિવસના અંતે રીટેલમાં ૬ ગણો તથા કુલ સાત ગણો ભરાઈ ચૂક્યો છે. હાલ પ્રીમિયમ ૧૪ આસપાસ બોલાય છે. મધ્ય પ્રદેશના ઇન્દોરની ગેલાર્ડ સ્ટીલનો ૧૦ના શૅરદીઠ ૧૫૦ની અપરબૅન્ડ સાથે ૩૭૫૦ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં ૪૭ ગણા સહિત કુલ ૩૬ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૧૧થી શરૂ થયેલું પ્રીમિયમ ભરણું ખૂલતાં જ ઊછળીને ૪૦ થઈ ગયા પછી અત્યારે પણ ૪૦ સંભળાય છે. 

HDFC અને રિલાયન્સની મજબૂતી બજારને ૩૫૭ પૉઇન્ટ ફળી

સેન્સેક્સ ખાતે બજાજ ફિનસર્વ સવાબે ટકા તથા બજાજ ફાઇનૅન્સ ૨.૩ ટકાની મજબૂતી સાથે મોખરે રહી છે. નિફ્ટી ખાતે આઇશર મોટર્સ ૭૧૩૮ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૩.૩ ટકા ઊંચકાઈ ૭૧૨૫ રહી છે. રિલાયન્સ સરેરાશ કરતાં ત્રણ ગણા કામકાજે ૧૫૫૧ નજીકની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી બે ટકાની તેજીમાં ૧૫૪૯ બંધ આપીને માર્કેટને ૧૭૫ પૉઇન્ટ ફળી છે. HDFC બૅન્ક ૧.૪ ટકા વધીને ૧૦૦૯ બંધમાં સેન્સેક્સને ૧૮૨ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. ઍક્સિસ બૅન્ક ૧૨૮૭ના બેસ્ટ લેવલે જઈ સવા ટકો વધી ૧૨૮૫ હતી. ભારતી ઍરટેલ ૨૧૬૯ની સર્વોચ્ચ સપાટી દર્શાવી નજીવી નરમાઈમાં ૨૧૫૯ રહી છે. સ્ટેટ બૅન્ક ૯૮૯ નજીક નવી ઑલટાઇમ ટૉપ હાંસલ કરી નામ પૂરતા ઘટાડે ૯૮૨ હતી. ટાઇટન ૩૯૫૫ની લાઇફ ટાઇમ હાઈ મેળવી પોણો ટકો ઘટીને ૩૯૦૧ દેખાઈ છે. ટ્રેન્ટ, પાવરગ્ર‌િડ, ટેક મહિન્દ્ર, બજાજ ઑટો, શ્રીરામ ફાઇનૅન્સ, ઇન્ડિગો, હિન્દાલ્કો, SBI લાઇફ પોણાથી સવા ટકા જેવી વધી હતી. એશિયન પેઇન્ટ્સ સવા ટકાના ઘટાડે બન્ને બજારમાં ઘટાડામાં મોખરે રહી છે. HCL ટેક્નો એક ટકો ઘટી ૧૬૪૫ હતી. બાયબૅકની પૂર્વસંધ્યાએ ડિમાન્ડમાં રહેલી ઇન્ફોસિસ ગઈ કાલે નહીંવત્ ઘટીને ૧૫૩૭ થઈ છે. TCS લગભગ ફ્લૅટ હતી.

બે-ત્રણ દિવસની નરમાઈ બાદ વિશ્વબજારો ગઈ કાલે બાઉન્સબૅકમાં હતાં. એશિયા ખાતે તાઇવાન ત્રણ ટકા કે ૮૪૬ પૉઇન્ટ ઊછળ્યું. જૅપનીઝ નિક્કી પોણાત્રણ ટકા કે ૧૩૮૨ પૉઇન્ટ, સાઉથ કોરયા ૧.૯ ટકા, થાઇલૅન્ડ એક ટકો પ્લસ હતું. એકમાત્ર ચાઇના ૦.૪ ટકાના ઘટાડે એશિયામાં અપવાદ નીવડ્યું છે. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ઉપર દેખાયું છે. બિટકૉઇન સાધારણ સુધારામાં રનિંગમાં ૯૧૯૯૩ ડૉલર ચાલતો હતો. એનવિડિયા બે સારાં પરિણામ સાથે ઊજળું ગાઇડન્સિસ આપતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બબલની સ્થિતિમાં હોવાની આશંકા હાલ પૂરતી દૂર થઈ છે. 

ફ્યુજિયામા પાવરમાં સાડાઆઠ ટકાની લિસ્ટિંગ લૉસ  

નવી દિલ્હીની ફ્યુજિયામા પાવર સિસ્ટમ્સ એકના શૅરદીઠ ૨૨૮ની ઇશ્યુ પ્રાઇસ તથા દોઢથી શરૂ થઈ ત્રણ રૂપિયા થયા બાદ છેલ્લે ૫૦ પૈસા પર આવી ગયેલા પ્રીમિયમ સામે ગઈ કાલે ડિસ્કાઉન્ટમાં ૨૧૮ ખૂલી નીચામાં ૨૦૫ અને ઉપરમાં ૨૩૧ બતાવી ૨૦૮ બંધ થતાં ૮.૬ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ  છે. બૅન્ગલોરની કૅપિલરી ટેક્નૉલૉજીઝનું લિસ્ટિંગ આજે થવાનું છે. ગ્રેમાર્કેટમાં ૫૦થી શરૂ થઈ નીચામાં ૨૩ અને ઉપરમાં ૬૨ થયા બાદ હાલ ૫૬નું પ્રીમિયમ બોલાય છે.

દરમ્યાન ૨૩.૭ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે આગલા દિવસે ૪૯૧ બંધ રહેલી ટેનેકો ક્લીન ઍર વળતા દિવસે સવાબે ટકા ઘટીને ૪૮૦ બંધ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી અન્ય જાતોમાં ફિઝિક્સવાલા ૧૨૧નું વર્સ્ટ બૉટમ દેખાડી પોણાબે ટકા ઘટી ૧૪૧ રહી છે. ૧૮મીએ એમાં ૧૬૨ની ટૉપ બની હતી. એમવી ફોટો વૉલ્ટિક નીચામાં ૨૨૨ થઈ દોઢ ટકો ઘટી ૨૩૩ હતી. વર્કમેટ્સ કોરટુક્લાઉડ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૩૩૨ના તળિયે જઈ ઉપલી સર્કિટ મારી ૩૬૭ વટાવી ત્યાં જ બંધ થઈ છે.

પાઇનલૅબ્સ નીચામાં ૨૩૫ બતાવી સવા ટકો ઘટીને ૨૩૯ હતી. લિસ્ટિંગ પછી સડસડાટ વધી ૧૮મીએ ૧૯૪ નજીક ઑલટાઇમ હાઈ બનાવનાર ગ્રો ફેમ બિલ‌િયન બ્રેઇન્સ ઍન્ટિ ક્લાઇમૅક્સમાં આગલા દિવસે ૧૦ ટકાની મંદીની સર્કિટ બાદ ગઈ કાલે વધુ ખરડાઈ નીચામાં ૧૫૩ થઈ પોણાઆઠ ટકા તૂટી ૧૫૬ રહ્યો છે. સ્ટડ્સ ઍક્સસેસરીઝ ત્રણ ટકા ગગડી ૫૫૭ તથા ઓર્કલા ઇન્ડિયા ચાર ટકા ગગડી ૬૭૯ બંધ આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2025 09:29 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK