ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સે ૬૦.૭ ટકા વધારામાં ૭૩૯ કરોડ આવક ઉપર ૧૧૮ ટકા વધારામાં ૮૧૪૦ લાખ નેટ નફો કરતાં ભાવ ૮ગણા વૉલ્યુમે ઉપર ૩૬૧ થઈ ૧૫ ટકા જેવા જમ્પમાં ૩૪૯ બંધ રહ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
IDBI બૅન્કમાં ફેરફેક્સ ૬૦.૭ ટકા હિસ્સો ૫૨,૮૭૮ કરોડમાં હસ્તગત કરશે, શૅર ૧૩ગણા વૉલ્યુમે ૯ ટકા વધીને બંધઃ SBI લાઇફ તથા મૅક્સ ફાઇનૅન્સ સર્વિસિસ દોઢ વર્ષના તળિયે જઈ ઘટાડે બંધ ઃ નબળા ટ્રૅક રેકૉર્ડ છતાં ડિફેન્સની ફૅન્સીને લઈ ટોન્બો ઇમેજિંગના પ્યૉર OFS ઇશ્યુમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૨૭૦થી ઊછળીને ૫૦૦ બોલાયું ઃ હીરો મોટર્સ તથા S.S. રીટેલ જૂન ક્વૉર્ટરના રિઝલ્ટ પાછળ તગડા ઉછાળામાં ઃ ભાવવધારાના પગલે ભારત કોકિંગ કોલ વૉલ્યુમ સાથે પાંચ ટકા ઊંચકાઈ, કોલ ઇન્ડિયામાં પણ મજબૂતી ઃ મુંબઈની સેજલ ગ્લાસનો ત્રિમાસિક નફો સવાછ કરોડ વધ્યો, શૅર ૨૦ ટકા ઊછળતાં માર્કેટકૅપ ૧૬૭ કરોડ વધી ગયું ઃ પરિણામની પૂર્વસંધ્યાએ વિપ્રો સવા ટકાના સુધારામાં
નિફ્ટી વીકલી એક્સપાયરીના ખેલમાં આગલા દિવસે ૧૧૦૯ પૉઇન્ટ ઝળેકલું બજાર વળતા દિવસે એના મૂળ વક્કરમાં આવી ગયું છે. સેન્સેક્સ ૧૫ પૉઇન્ટના ચિલ્લર સુધારામાં ૭૩,૦૫૦ નજીક ખુલ્યા પછી સાંકડી વધઘટે ઉપરમાં ૭૩,૧૯૫ વટાવી ગયો હતો. પ્રથમ સત્ર સુધી બધું ઠીકઠાક હતું. બીજા સત્રના આરંભ સાથે જ બજાર નોઝડાઇવ મારી માઇનસ ઝોનમાં આવી ગયું હતું અને ત્યાર પછી બેઠું થઈ શક્યુ નહોતું. બીજા સત્રમાં સેન્સેક્સ નીચામાં ૭૨,૫૭૯ની અંદર ગયો હતો જે ઉપલા મથાળેથી ૬૧૬ પૉઇન્ટની ખરાબી હતી. માર્કેટ છેલ્લે ૨૫૨ પૉઇન્ટ ઘટી ૭૨,૭૮૨ તથા નિફ્ટી ૯૯ પૉઇન્ટ ઘટી ૨૨,૬૨૩ ગઈ કાલે બંધ આવ્યાં છે. સેન્સેક્સ નિફ્ટીની ૦.૪ ટકા જેવી નરમાઈ સામે IT ઇન્ડેક્સ ૧.૪ ટકા, યુટિલિટીઝ બે ટકા, એનર્જી સવા ટકો, FMCG ૧.૧ ટકા, પાવર ઇન્ડેક્સ પોણાબે ટકા વધીને બંધ થયાં છે. માર્કેટકૅપ ૪૮,૦૦૦ કરોડ વધી ૪૭૦.૫૧ લાખ કરોડ નોંધાયું છે.
ADVERTISEMENT
સેન્સેક્સ ખાતે ૩૦માંથી વધેલા ૧૧ શૅરમાં ઇન્ફોસિસ અઢી ટકા, TCS સવાબે ટકા, TCS દોઢ ટકાની મજબૂતી સાથે મોખરે હતી. પરિણામની પૂર્વસંધ્યાએ વિપ્રો સવા ટકો વધી ૧૭૧ વટાવી ગઇ છે. આગલા દિવસે તગડો ઉછાળો દાખવનાર HCL ટેક્નૉલૉઝિસ અડધો ટકો આગળ વધી છે. નિફ્ટી ખાતે નેસ્લે ૩.૭ ટકાની તેજીમાં ૧૩૮૩ બંધ આપી મોખરે હતી. તાતા કન્ઝ્યુમર ૨.૯ ટકા, ઇન્ફી અઢી ટકા, કોલ ઇન્ડિયા ૨.૧ ટકા તથા ટેક મહિન્દ્ર બે ટકા વધી છે. અત્રે શ્રીરામ ફાઇનૅન્સ ૩.૯ ટકા તૂટી ૯૫૦ના બંધમાં ટૉપ લૂઝર બની છે. HDFC લાઇફ ૨.૯ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૬ ટકા, મહિન્દ્ર અઢી ટકા ડાઉન હતી. SBI લાઇફ ૧૬૩૪ની દોઢ વર્ષની બૉટમ બનાવી સવાબે ટકા બગડી ૧૬૫૦ તો મૅક્સ ફાઇનૅન્શિયલ સર્વિસીસ ૮૪૩ની ૧૮ માસની નીચી સપાટી બનાવી સવા ટકો ઘટી ૮૫૩ બંધ થઈ છે. સેન્સેક્સ ખાતે બજાજ ફાઇનૅન્સ અઢી ટકા, મહિન્દ્ર સવાબે ટકા, બજાજ ફીનસર્વ બે ટકા, એટર્નલ પોણાબે ટકા, ICICI બૅન્ક તથા ઇન્ડીગો દોઢ ટકો માઇનસ થઇ છે. રિલાયન્સ પોણા ટકાની આગેકૂચમાં ૧૧૭૬ હતી. હિન્દુસ્તાન યુનિલીવર ૧.૨ ટકા આગળ વધી છે.
IDBI બૅન્કમાં ૬૦.૭ ટકા હિસ્સો ૫૨,૮૭૮ કરોડમાં હસ્તગત કરવાની વિદેશી ફેરફેક્સની દરખાસ્તને સરકારે લીલી ઝંડી આપી છે. મતલબ કે શૅરદીઠ ૮૧નો ભાવ થયો. ૫૨,૮૭૮ કરોડની આ રકમ લગભગ સરખા ભાગે સરકાર અને LICની તિજોરીમાં જશે. ગઈ કાલે IDBI બૅન્કનો શૅર ૧૩ ગણા કામકાજે ઉપરમાં ૯૪ નજીક જઈ ૯.૧ ટકાની તેજીમાં ૯૦.૫૦ નજીક બંધ રહ્યો છે. મુંબઈની સેજલ ગ્લાસે ૩૨.૮ ટકા વધારામાં ૧૩૮ કરોડની આવક ઉપર ૭૭.૬ ટકા વૃદ્ધિદરથી ૧૪૪૨ લાખ નેટ નફો સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં દેખાડતાં ભાવ ૨૩ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૪૭ રૂપિયા ઊછળી ૮૮૨ બંધ થયો છે.
ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સે ૬૦.૭ ટકા વધારામાં ૭૩૯ કરોડ આવક ઉપર ૧૧૮ ટકા વધારામાં ૮૧૪૦ લાખ નેટ નફો કરતાં ભાવ ૮ગણા વૉલ્યુમે ઉપર ૩૬૧ થઈ ૧૫ ટકા જેવા જમ્પમાં ૩૪૯ બંધ રહ્યો છે. ‘એ’ ગ્રુપમાં શૅર ટૉપ ગેઇનર બન્યો છે. વેદાન્ત પાવર ૭ ગણા કામકાજે સાડાબાર ટકાની મજબૂતીમાં ૩૪ બંધ હતો. ઍલિકોન એન્જિનિયરિંગ ૩૯ગણા વૉલ્યુમે ઉપર ૫૦૧ થઈ ૧૦.૮ ટકા વધી ૪૮૭ નજીક રહી છે. કંપનીની ત્રિમાસિક આવક સાડાદસ ટકા વધી ૬૪૦ કરોડ તથા નફો દસેક ટકા વધી ૯૬૩૦ લાખ નોંધાયો છે. ૬૩ મૂન્સ સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ઉપર ૯૨૯ થઈ ૧.૪ ટકા વધી ૯૧૫ બંધ આવી છે.
