સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યચીજો અને ઈંધણના ભાવમાં ભડકો થતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પણ વ્યાજદરમાં વધારો કરીને એને ૫.૫૦ ટકા કર્યો છે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની ખાડીમાં થયેલા બ્લૉકેડની સીધી અસર ભારતના અર્થતંત્ર પર દેખાઈ રહી છે. બુધવારે જાહેર થયેલા સરકારી આંકડાઓ મુજબ સપ્ટેમ્બર મહિનામાં ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો વધીને ૧૧.૩૯ ટકા પર પહોંચી ગયો છે જે ઑગસ્ટ મહિનામાં ૯.૯૨ ટકા હતો. મુખ્યત્વે ખાદ્યચીજો ઉત્પાદિત વસ્તુઓ તેમ જ ઈંધણ અને વીજળીના ભાવમાં થયેલા મોટા વધારાને કારણે મોંઘવારીએ માઝા મૂકી છે.
સપ્ટેમ્બરમાં ખાદ્યચીજોનો ફુગાવો વધીને ૮.૬૬ ટકા થયો છે, જ્યારે ઉત્પાદિત વસ્તુઓનો ફુગાવો ૯.૭૬ ટકાના વિક્રમી સ્તરે નોંધાયો છે. સૌથી મોટો ઉછાળો ઈંધણ અને વીજળીના ક્ષેત્રમાં જોવા મળ્યો છે જ્યાં ફુગાવો અગાઉના ૨૨.૯૩ ટકાથી વધીને સીધો ૨૫.૮૫ ટકા થઈ ગયો છે. ક્રૂડ ઑઇલ અને ખાતરના વૈશ્વિક ભાવમાં આવેલા ઉછાળાની અસર ખાદ્ય અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પર પડી રહી છે.
ADVERTISEMENT
વધતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની મૉનેટરી પૉલિસી કમિટીએ ગયા સપ્તાહે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને એને ૫.૫૦ ટકા કર્યો હતો. આ ઉપરાંત અગાઉ આ સપ્તાહે જાહેર થયેલા આંકડાઓ મુજબ છૂટક ફુગાવો પણ સપ્ટેમ્બરમાં વધીને ૫.૫૪ ટકાના ૨૩ મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે જે સામાન્ય નાગરિકો માટે ખૂબ મોટી ચિંતાનો વિષય બની ગયો છે. એનાથી લોકોનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને મુશ્કેલી વધી છે.
