Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વર્ષોવર્ષ નવી ઑલટાઇમ હાઈ બનાવવાનો સિલસિલો છેવટે નવમા વર્ષમાં પણ જળવાયો

વર્ષોવર્ષ નવી ઑલટાઇમ હાઈ બનાવવાનો સિલસિલો છેવટે નવમા વર્ષમાં પણ જળવાયો

Published : 28 November, 2025 08:31 AM | IST | Mumbai
Anil Patel

પૂરા ૧૪ મહિના બાદ શૅરબજારે નવી લાઇફટાઇમ હાઈ બનાવી : દિવસ દરમ્યાન પૂર્વાર્ધમાં ૪૪૭ પૉઇન્ટ વધીને ૮૬,૦૫૬ની ટોચે ગયેલો સેન્સેક્સ ઉત્તરાર્ધમાં ઉપલા મથાળેથી ૫૮૨ પૉઇન્ટ ખરડાઈને છેવટે મામૂલી સુધારામાં બંધ : અશોક લેલૅન્ડ નવા બેસ્ટ લેવલે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. નિફ્ટી ખાતે આઇશર ૧૯૯ અને સેન્સેક્સમાં મારુતિ ૨૨૯ રૂપિયા ઘટીને ટૉપ લૂઝર
  2. અદાણી એન્ટરપ્રાઇઝ સતત પાંચમા દિવસે ડાઉન, એનો આરઈ ૧૪ ટકા તૂટ્યો
  3. KSR ફુટવેઅર ૫૭+ની ડિસ્કવર્ડ પ્રાઇસ સામે ૩૩માં લિસ્ટેડ થઈને ઘટાડે બંધ રહી

પૂરા ૧૪ મહિના કે કામકાજના ૨૮૯ દિવસ બાદ શૅરબજાર છેવટે નવી ઑલટાઇમ હાઈ બનાવવામાં સફળ થયું છે. સેન્સેક્સ ગુરુવારે ઇન્ટ્રા-ડેમાં ૮૬,૦૫૬ નજીક તો નિફ્ટી ૨૬,૩૧૦ થયો છે. આ સાથે જ ૨૦૧૭થી દર વર્ષે નવી લાઇફટાઇમ ટૉપ બનાવવાનો સિલસિલો બજારમાં શરૂ થયો છે એ પણ અખંડ રહ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી સતત નવમા વર્ષે નવું શિખર કે સિમાચિહ‌્ન સર કરવામાં સફળ નીવડ્યા છે. જોકે ગઈ કાલે બજારનું પ્રથમ સત્ર જેટલું મજાનું હતું એટલું જ બીજું સત્ર નીરસ ગયું છે. પ્રથમ સત્રમાં ૪૪૭ પૉઇન્ટ વધી ઑલટાઇમ હાઈ થયેલો શૅરઆંક બીજા સત્રમાં ઉપલા મથાળેથી ૫૮૨ પૉઇન્ટ ગબડી નીચામાં ૮૫,૪૭૪ની અંદર ઊતરી ગયો હતો. સેન્સેક્સ છેવટે ૧૧૧ પૉઇન્ટ જેવા મામૂલી સુધારામાં ૮૫,૭૨૦ તથા નિફ્ટી ૧૦ પૉઇન્ટ વધી ૨૬,૨૧૫ બંધ આવ્યો છે. ૧૪ મહિના અગાઉ ૨૦૨૪ની ૨૭ સપ્ટેમ્બરે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૮૫,૯૭૮ની ઑલટાઇમ હાઈ બનાવી નીચામાં ૮૫,૪૭૪ થઈ છેલ્લે ૨૬૪ પૉઇન્ટના ઘટાડે ૮૫,૫૭૨ બંધ આવ્યો હતો. બજાર ઑલટાઇમ હાઈ બનાવી ચૂક્યું છે ત્યારે એકાદ-બે આડવાત કરવી છે. સ્ટેટ ૨૦૧૪ની તુલનામાં આ વેળાની તેજીમાં ડોમેસ્ટિક ઇસ્ટિટ્યુશન્સનો બહુ મોટો ફાળો છે. ચાલુ વર્ષે દેશી નાણાસંસ્થાઓએ ૭ લાખ કરોડથી વધુ ભંડોળ બજારમાં ઠાલવ્યું છે. સામે FII લગભગ રોકડી કરવાના મૂડમાં રહી છે રીટેલ ઇન્વેસ્ટર્સ પણ પ્રત્યક્ષ કે SIP મારફત પરોક્ષ રીતે બજારમાં વધુ સક્રિય બન્યા છે. બીજુ, માર્કેટ ઑલટાઇમ હાઈ થવા છતાં માર્કેટકૅપ ત્યારની તુલનામાં લગભગ પાંચેક લાખ કરોડ રૂપિયા નીચે છે. છેલ્લા ૧૪ મહિનામાં સેંકડો કે કદાચ હજારથી વધુ નવી કંપનીઓ IPO મારફત લિસ્ટેડ થઈ છે. તેમના માર્કેટકૅપને ઍડ્જેસ્ કરીએ તો આ ઘટાડો ૧૫-૨૦ લાખ કરોડ રૂપિયા જેવો આવી શકે છે. મતલબ કે માર્કેટ સર્વોચ્ચ સપાટીએ હોવા છતાં રોકાણકારોનો પોર્ટફોલિયો એટલો સધ્ધર નથી બન્યો. ૨૪ સપ્ટેમ્બરના મુકાબલે ઘણા બધા શૅર પાંચ-પંદર ટકાથી લઈને ૫૦-૬૦ ટકા નીચે ચાલી ગયા હોવાની શક્યતા છે. આ બન્ને મુદ્દા ધ્યાનમાં લઈને વિચારીએ કે હવે પછી જ્યારે બજારમાં મંદીનો દૌર આવશે ત્યારે શું થશે? વેરી સિમ્પલ, એની અસર વધુ વ્યાપક અને ઘાતક હશે, મોટી ખુવારી થશે. માટે બજાર તેજીમાં આવી ગયું છે એટલે ગાંડાની જેમ દોટ મૂકી લાવ-લાવ કરવા નીકળી ન પડતા, કાલનું વિચારજો.

ગઈ કાલે બહુમતી સેક્ટોરલ માઇનસ થયાં છે. રિયલ્ટી, ઑઇલ-ગૅસ એનર્જી, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પીએસયુ બૅન્ક નિફ્ટી જેવાં ઇન્ડાઇસિસ અડધો-પોણો ટકો કપાયા છે. બૅન્ક નિફ્ટી ૫૯,૮૬૬ના બેસ્ટ લેવલે જઈને ૨૦૯ પૉઇન્ટ વધી ૫૯,૭૩૭ બંધ હતો. ફાઇનૅન્સ ઇન્ડેક્સ પણ નવી વિક્રમી સપાટી નોંધાવી ૦.૩ ટકા સુધર્યો છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૪૮૮ શૅર સામે ૧૬૦૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૫૯,૦૦૦ કરોડ ઘટીને ૪૭૪.૩૩ લાખ કરોડ નોંધાયું છે. ઇમરાન ખાનની હત્યા થઈ હોવાની વ્યાપક અફવા વચ્ચે પાકિસ્તાની શૅરબજાર ગઈ કાલે રનિંગમાં ૨૩૯૭ પૉઇન્ટની તેજીમાં ૧૬,૫૫૮૫ દેખાયું છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૧૨ શૅર ગઈ કાલે સુધર્યા છે. ફિનો પેમેન્ટ બૅન્ક આગલા દિવસની તેજી બાદ અઢી ટકા વધીને ૩૦૦ નજીક રહી છે. ૧૨ પીએસયુ બૅન્કોમાં કેવળ કૅનેરા બૅન્ક પોણા ટકા જેવી સુધરી છે કર્ણાટકા બૅન્ક ૨૨૦ વટાવી સવા ટકો વધીને ૨૧૪ થઈ છે. 



બ્લૉકડીલમાં પ્રમોટરે રોકડી કરતાં વ્હર્લપૂલ ૧૩૬ રૂપિયા ગગડ્યો


પેટીએમને પેમેન્ટ ઍગ્રિગેટર તરીકે કામકાજ કરવા રિઝર્વ બૅન્કની આખરી મંજૂરી મળી ગઈ છે. શૅર ગઈ કાલે સાડાચાર ગણા કામકાજે ઉપરમાં ૧૩૧૨ થઈ અડધો ટકો સુધરી ૧૨૯૨ બંધ થયો છે. વ્હર્લપૂલમાં વિદેશી પ્રમોટર્સ તરફથી શૅરદીઠ ૧૦૩૦ની ફ્લોર પ્રાઇસથી ૯૧૦ કરોડ ઊભા કરવા બ્લૉકડીલ મારફત ૯૫ લાખ શૅર કે સાડાસાત ટકા હોલ્ડિંગ વેચાણમાં આવતા ભાવ નીચામાં ૧૦૪૧ થઈ ૧૧.૩ ટકા લથડીને ૧૦૬૪ રહ્યા છે. ઑબેરૉય રિયલ્ટી તરફથી મુંબઈના નેપિયન સી રોડ ખાતે ૪૭૦૬ ચોરસ મીટરના લૅન્ડ એરિયામાં રીડેવલપમેન્ટનો કરાર કરાયો છે. શૅર ઉપરમાં ૧૬૮૬ બતાવી અડધો ટકો ઘટી ૧૬૫૫ હતો.

ઇન્ડિયા ગ્લાયકૉલ્સ તરફથી દેવું ચૂકવવા માટે ૫૧ લાખ શૅર પ્રેફરન્શિયલ ધોરણે ઇશ્યુ કરી ૪૬૭ કરોડ ઊભા કરાયા છે. શૅર બે ટકા ઘટીને ૧૦૮૩ રહ્યો છે. અશોકા બિલ્ડકોન દ્વારા પાંચ સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ્સનું મેપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટને ૧૮૧૪ કરોડમાં વેચાણ કરી દેવાયું છે. શૅર બમણા કામકાજે ઉપરમાં ૧૮૭ થઈ સવાબે ટકા વધીને ૧૮૩ બંધ થયો છે. સલાસર ટેક્નૉ. એન્જિનિયરિંગને રેલ વિકાસ નિગમ તરફથી કુલ ૬૯૫ કરોડના બે ઑર્ડર મળતાં ભાવ ઉપરમાં ૧૦.૭૬ થઈને દોઢ ટકો ઘટીને ૯.૮૨ હતો. ફેસવૅલ્યુ એકની છે.


ઇન્ડોટેક ટ્રાન્સફૉર્મર્સને ૯૧ કરોડ પ્લસનો ૧૧ ટ્રાન્સફૉર્મર્સ ખરીદવા માટેનો ઑર્ડર મળતાં ભાવ ૧૧૫૯ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી સવા ટકો વધીને ૧૭૧૮ રહ્યો છે. ખાદિમ ઇન્ડિયાના ડીમર્જરમાંથી અસ્તિત્વમાં આવેલી KSR ફુટવેર ગઈ કાલે લિસ્ટેડ થઈ છે. ડિમર્જર બદલ ખાદિમ ઇન્ડિયાના શૅરધારકોને પ્રત્યેક શૅરદીઠ નવી કંપનીનો એક શૅર અપાયો હતો. KSR ફુટવેર તેની ૫૭.૨૫ની ડિસ્કવર્ડ પ્રાઇસ સામે ગઈ કાલે ૩૩ ખૂલી ઉપરમાં ૩૩ અને નીચામાં ૩૨ થઈ ૩૨.૨૯ બંધ રહ્યો છે. ખાદિમ ઇન્ડિયા ૨૦૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી એક ટકો ઘટીને ૨૧૦ બંધ આવ્યો છે. 

આજે ૩ BSE SME ઇશ્યુ ખૂલશે, એક્સાટો ટેક્નૉલૉજીઝમાં ફૅન્સી

પ્રાઇમરીમાં મેઇન બોર્ડ શાંત છે. SMEમાં હલચલ ચાલુ છે. આજે શુક્રવારે ૩ SME IPO ખૂલવાના છે. નવી દિલ્હીની પર્પલ વેલ ઇન્ફોકૉમ ૧૦ના શૅરદીઠ ૧૨૬ની અપર બૅન્ડમાં ૩૧૪૫ લાખનો BSE SME ઇશ્યુ આજે કરશે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની હાલ જેમાં હરીફો વધી ગયા છે એ ડિઝિટલ PRO AV ઇન્ટિગ્રેશન બિઝનેસમાં કામ કરે છે. કંપનીએ ગયા વર્ષે ૪૦ ટકા વધારામાં ૧૨૬ કરોડની આવક ઉપર ૬૮ ટકા વૃદ્ધિદરથી ૯૧૨ લાખ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ મહિનામાં આવક ૩૫૯૧ લાખ અને નફો ૩૫૮ લાખ રહ્યો છે. દેવું ૧૫ કરોડ જેવું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. બીજી કંપની લુધિયાણાની લૉજિશ્યલ સૉલ્યુશન્સ ૧૦૦ ટકા નિકાલલક્ષી કંપની છે જે સૉફ્ટવેર ડેવલપમેન્ટ તથા રિલેટેડ સૉલ્યુશન્સનું આઉટ સોર્સિંગ કરે છે. કંપની ૧૦ના શૅરદીઠ ૧૯૩ની અપરબૅન્ડમાં ૭૨૦ લાખની OFS સહિત કુલ ૩૯૯૦ લાખનો BSE SME IPO કરવાની છે. ૨૦૧૧માં સ્થાપેયલી આ કંપનીએ ગયા વર્ષે ૨૪ ટકા વધારામાં ૨૧૨૦ લાખની આવક ઉપર ૩૮ ટકા વૃદ્ધિદરથી ૫૪૭ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૧૨૮૩ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૧૨૮૩ લાખની આવક ઉપર ૩૫૬ લાખ નફો થયો છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર માત્ર બે પૈસા છે. ઇશ્યુ મોંઘો જણાય છે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ નથી. ત્રીજી કંપની નોએડા ખાતેની એક્સાટો ટેક્નૉલૉજીઝ કસ્ટમર ટ્રાન્સફૉર્મેશન પાર્ટનર સેગમેન્ટમાં છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપરબૅન્ડમાં ૫૬૦ લાખની ઑફર ફોર સેલ સહિત કુલ ૩૭૪૫ લાખનો BSE SME ઇશ્યુ આજે કરશે. ગયા વર્ષે ૧૦ ટકા વધારામાં કંપનીએ ૧૨૬ કરોડની આવક ઉપર ૮૪ ટકા વૃદ્ધિદરથી ૯૭૫ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં ૭૧૫૩ લાખની આવક ઉપર ૭૨૬ લાખ ચોખ્ખો નફો કર્યો છે. દેવું ૨૮ કરોડ રૂપિયા છે. ગ્રેમાર્કેટમાં ઇશ્યુની ફૅન્સી છે. પ્રીમિયમ ૮૦થી શરૂ થયા બાદ ઉપરમાં ૯૫ થઈને હાલમાં ૯૫ રૂપિયા આસપાસ બોલાય છે.

રિલાયન્સ અને ઍક્સિસ બૅન્ક નવાં શિખર દેખાડીને નરમ

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર પ્લસ હતા. એમાં બજાજ ફાઇનૅન્સ બમણા વૉલ્યુમે ઉપરમાં ૧૦૪૫ નજીક જઈને ૨.૩ ટકાની આગેકૂચમાં ૧૦૩૪ બંધ આપીને ઝળકી છે. લાર્સન ૪૧૩૯ની નવી વિક્રમી સપાટી નોંધાવી અડધો ટકો વધી ૪૦૮૧ રહી છે. સ્ટેટ બૅન્ક નીચામાં ૯૬૯ થઈ ૧.૧ ટકાની પીછેહઠમાં સેન્સેક્સ ખાતે ૯૭૩ બંધ રહી છે. વૉલ્યુમ બમણું હતું. રિલાયન્સ ૧૫૭૫ ઉપર ૧૫ મહિનાનું નવું શિખર દર્શાવી નીચામાં ૧૫૫૬ થઈ ૦.૪ ટકા ઘટી ૧૫૬૩ હતી. જિયો ફાઇનૅન્સ અડધો ટકો નરમ હતી. ઍક્સિસ બૅન્ક પણ ૧૩૦૪ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને સાધારણ ઘટી ૧૨૮૬ થઈ છે. શ્રીરામ ફાઇનૅન્સ બુલરન જાળવી રાખતાં ૮૬૯ની નવી લાઇફટાઇમ હાઈ બનાવી સવા ટકા વધીને ૮૬૮ હતી.

HDFC બૅન્ક અડધા ટકાની આગેકૂચમાં ૧૦૦૯ બંધ રહેતાં બજારને ૭૦ પૉઇન્ટ તથા ICICI બૅન્ક સવા ટકો વધી ૧૩૯૨ બંધ થતાં ૧૦૪ પૉઇન્ટનો લાભ થયો છે. નિફ્ટી ખાતે આઇશર મોટર્સ ઉપરમાં ૭૨૧૦ વટાવ્યા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૨.૮ ટકા ગગડી ૬૯૯૯ બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. બજાજ ઑટો સવા ટકો કે ૧૨૧ રૂપિયા તથા મારુતિ સુઝુકી ૧.૪ ટકા કે ૨૨૯ રૂપિયા ડાઉન હતી. એટર્નલ ૧.૪ ટકા, ONGC દોઢ ટકા, તાતા સ્ટીલ એક ટકો, અલ્ટ્રાટેક ૧.૨ ટકા ઘટી છે. અદાણી એન્ટરપ્રાઇઝ સતત પાંચમા દિવસની નબળાઈમાં ૨.૯ ટકા ગબડી ૨૨૫૦ રહ્યો છે. એનો રાઇટ એન્ટાઇટલમેન્ટ નીચામાં ૪૧૦ થઈને ૧૪ ટકા ખરડાઈ ૪૨૫ રહ્યો છે. અદાણી પોર્ટ્સ નજીવી સુધરી ૧૫૦૭ હતી. SBI લાઇફ સવા ટકો, HDFC લાઇફ ૧.૨ ટકા, અપોલો હૉસ્પિટલ એક ટકો ઘટ્યા છે.

TCS પોણો ટકો ઘટીને ૩૧૩૬ થઈ છે. HCL ટેક્નૉ પોણો ટકો પ્લસ તો ટેક મહિન્દ્ર પોણો ટકો નરમ થઈ છે. વિપ્રો સાધારણ ઘટી હતી. ઇન્ફી અડધો ટકો વધી છે. હિન્દુસ્તાન યુનિલીવર એક ટકા, બજાજ ફિનસર્વ ૧.૧ ટકા, હિન્દાલ્કો એક ટકો વધીને બંધ રહી છે. 

નવા ઑર્ડરના કરન્ટમાં પટેલ એન્જિનિયરિ‍‍ંગ પોણાતેર ટકા ઊછળ્યો

૪૧,૯૨૧ કરોડ રૂપિયાના ફ્રૉડ અને મનીલૉન્ડરિંગના કથિત આરોપ સાથે ઈડીના સપાટે ચડેલા અનિલ અંબાણી ગ્રુપના શૅર બે દિવસથી ઝમકમાં છે. લાગે છે કે કંઈક સેટિંગ થઈ ગયું છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૅક-ટુ-બૅક બીજી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૭ નજીક જઈ ત્યાં જ બંધ થયો છે. રિલાયન્સ પાવર ઉપરમાં ૪૦.૮૦ બતાવી બે ટકા વધીને ૪૦.૨૨ હતી. MCX ૧૦,૪૭૦ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી પોણાબે ટકા વધીને ૧૦,૪૫૦ રહી છે. BSE લિમિટેડ દોઢ ટકો વધીને ૨૯૨૯ થઈ છે. થાયરોકૅર ટેક્નૉ એક શૅરદીઠ બે બોનસમાં એક્સ બોનસની પૂર્વ સંધ્યા બે ઉપરમાં ૧૫૦૮ થઈ દોઢ ટકો ઘટીને ૧૪૭૨ હતી. કારટ્રેડ તથા કાર દેખો વચ્ચે કન્સોલિડેશનની યોજના ભાંગી પડી છે. એના પગલે કારટ્રેડ ગઈ કાલે નીચામાં ૩૦૦૫ થઈ સાડાત્રણ ટકા ગગડી ૩૦૬૦ રહી છે.

પર્સનલ કૅર કંપની ઇમામી લિમિટેડમાં ગોલ્ડમૅન સાક્સ તરફથી ૮૨૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ જારી થતાં શૅર ઉપરમાં ૫૩૬ વટાવી અઢી ટકા ઊંચકાઈને ૫૨૭ રહ્યો છે. અશોક લેલૅન્ડ દ્વારા એની સબસિડિયરી હિન્દુજા લેલૅન્ડ ફાઇનૅન્સને અગાઉ નેક્સ્ટ ડિજિટલ તરીકે ઓળખાતી NDL વેન્ચર્સ સાથે મર્જ કરવાની જાહેરાત કરવામાં આવતાં શૅર આઠગણા કામકાજે ૧૬૨ની સર્વોચ્ચ સપાટી બનાવી સાડાછ ટકાના જોરમાં ૧૫૯ બંધ થયો છે. જ્યારે NDL વેન્ચર્સ ઉપરમાં ૧૦૦ નજીક જઈ સવા ટકો વધીને ૯૬ રહી છે.

બોરોસિલ ગ્રુપની ૬૭.૮ ટકા માલિકીની બોરોસિલ સાયન્ટિફિક તરફથી ગોએલ સાયન્ટિફિક ગ્લાસમાં ૧૧૬૮ લાખના રોકાણથી હોલ્ડિંગ વધારીને ૯૯ ટકા પ્લસ કરવાની જાહેરાત થઈ છે. બોરોસિલ સાયન્ટિફિકનો શૅર ૧૩૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નહીંવત્ ઘટીને ૧૨૫ હતો. પટેલ એન્જિનિયરિંગને સાઇડેક્સ એ​ન્જિનિયર્સ તરફથી ૭૯૮ કરોડ રૂપિયાના બે ઑર્ડર મળતાં ભાવ ૯૮ ગણા જંગી વૉલ્યુમે ૩૯ નજીક જઈ પોણાતેર ટકાની તેજીમાં ૩૭ ઉપર બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2025 08:31 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK