મુમતાઝે કહ્યું કે દિવંગત ઍક્ટર વેન્ટિલેટર પર હોવાથી કોઈને મળવાની પરવાનગી નહોતી
મુમતાઝ
ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરે નિધન થયું એ પહેલાં તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૩ નવેમ્બરે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એ સમયે ધર્મેન્દ્રને મળવા તેમના અનેક સાથીદારો-મિત્રો તેમને મળવા હૉસ્પિટલ ગયા હતા. ધર્મેન્દ્રના નિધન પછી તેની સહકલાકાર મુમતાઝે હવે ધર્મેન્દ્ર સાથેની પોતાની છેલ્લી મુલાકાતના પ્રસંગને યાદ કર્યો અને કહ્યું કે ધર્મેન્દ્ર હૉસ્પિટલમાં હતા ત્યારે હું તેમને મળવા ગઈ હતી પણ મુલાકાત શક્ય નહોતી બની. એક ઇન્ટરવ્યુમાં મુમતાઝે કહ્યું હતું કે ‘હું ધર્મેન્દ્રને મળવા હૉસ્પિટલ ગઈ હતી, પરંતુ સ્ટાફે મને કહ્યું કે તેઓ વેન્ટિલેટર પર છે અને કોઈને તેમને મળવાની પરવાનગી નથી. હું ત્યાં અડધો કલાક સુધી એ આશાએ બેઠી હતી કે કદાચ હું તેમને મળી શકીશ, પણ એ શક્ય ન બન્યું. એ પછી હું તેમને મળ્યા વગર જ ત્યાંથી પાછી ફરી હતી.’
ધર્મેન્દ્ર અને મુમતાઝની જોડીએ ‘ઝીલ કે ઉસ પાર’ અને ‘લોફર’ જેવી કેટલીક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમની વચ્ચે સારી મિત્રતા હતી. મુમતાઝે પોતાના આ ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્રના પરિવાર અને ખાસ કરીને હેમા માલિની માટે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હેમાજી હંમેશાં ધર્મેન્દ્ર પ્રત્યે સમર્પિત રહ્યાં છે અને તેઓ કેટલા મોટા દુઃખમાંથી પસાર થઈ રહ્યાં છે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.


