ઘાટકોપરમાં મોટું હોર્ડિંગ પડી જવાથી ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના બનાવના ૧૮ મહિના બાદ BMCએ મુંબઈમાં આઉટડોર જાહેરાતો માટે ઍડ્વર્ટાઇઝિંગ ગાઇડલાઇન્સ-૨૦૨૫ બહાર પાડી છે. આ અગાઉ BMCએ ૨૦૦૮માં હોર્ડિંગ-પૉલિસી લૉન્ચ કરી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
IIT-બૉમ્બેના એક્સપર્ટ, પર્યાવરણવિદ, જૉઇન્ટ પોલીસ-કમિશનર અને નાગરિક પ્રતિનિધિઓની બનેલી એક કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ અપડેટેડ પૉલિસી ગુરુવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) વેબસાઇટ પર સત્તાવાર રીતે મૂકવામાં આવી હતી.
દરેક ઍડ્વર્ટાઇઝર અને એજન્સીએ ગાઇડલાઇન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ નવી ગાઇડલાઇન્સ મુજબ ફ્લિકર ઍડને મંજૂરી આપવામાં આવશે નહીં. મૉલ, મલ્ટિપ્લેક્સ, શૉપિંગ કૉમ્પ્લેક્સ અને પેટ્રોલ-સ્ટેશનો પર LED ઍડ્વર્ટાઇઝમેન્ટ મૂકી શકાશે. અન્ડર કન્સ્ટ્રક્શન અથવા રિનોવેશન થતાં બિલ્ડિંગ્સની આસપાસનાં હોર્ડિંગ્સ પર તેમ જ બહારની દીવાલો પર કમર્શિયલ અને નૉન-કમર્શિયલ ઍડ્વર્ટાઇઝમેન્ટ પ્રદર્શિત કરી શકાશે.
ADVERTISEMENT
ડિજિટલ હોર્ડિંગ્સ હવે રાત્રે ૧૧ વાગ્યા પછી બંધ રાખવાં પડશે. નૅશનલ હાઇવે ઑથોરિટીના નિયમો અનુસાર ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરનાં હાલનાં હોર્ડિંગ્સ માટે તેમની ચાલુ મુદત પૂરી થયા પછી રિન્યુ કરવામાં આવશે નહીં. બધાં ડિજિટલ અને LED હોર્ડિંગ્સ માટે ઑટોમૅટિક ટાઇમર ફરજિયાત રહેશે.
કેવી છે નવી ગાઇડલાઇન્સ?
નવી ગાઇડલાઇન્સ પ્રમાણે ૪૦×૪૦ ફુટથી વધુ ઊંચાં હોર્ડિંગ્સ પર પ્રતિબંધ.
ફુટપાથ અથવા બિલ્ડિંગ્સની ટેરેસ પર કોઈ પણ નવી જાહેરાતો નહીં મૂકી શકાય.
ડિજિટલ હોર્ડિંગ્સની બ્રાઇટનેટ્સ લિમિટ ૩:૧ લ્યુમિનન્સ (પ્રકાશ) રેશિયો રાખવાની રહેશે.
શું સ્પેશ્યલ છે નવી ગાઇડલાઇન્સમાં?
હવે સિંગલ અને બૅક-ટુ-બૅક હોર્ડિંગ્સ તેમ જ V અને L આકારમાં ઍડ્વર્ટાઇઝમેન્ટ અને ત્રિકોણ, ચોરસ, પંચકોણીય અને ષટ્કોણીય સ્ટ્રક્ચરમાં હોર્ડિંગ માટે પરવાનગી આપવામાં આવશે. આવી ઍડ્વર્ટાઇઝમેન્ટ પ્રદર્શિત કરવા માટે ટ્રાફિક પોલીસ પાસેથી નો-ઑબ્જેક્શન ક્લિયરન્સની જરૂર પડશે.


