ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી એક માત્ર ઇન્ડસઇન્ડ બૅન્ક નામ પૂરતી નરમ હતી. નિફ્ટી ખાતે પણ તેને બાદ કરતાં બાકીના ૪૯ શૅર પ્લસ હતા.
પ્રતીકાત્મક તસવીર
સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટના જમ્પમાં ૮૨,૫૩૧ થયો, નિફ્ટી ૩૯૫ પૉઇન્ટ ઊંચકાઈ કામકાજના ૧૪૧ દિવસ બાદ ૨૫,૦૬૨ બંધ : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ; પરંતુ ઑટો, રિયલ્ટી અને મેટલ સિવાય તમામ બેન્ચમાર્ક માર્કેટ અન્ડર પર્ફોર્મર રહ્યા : બજારનું માર્કેટકૅપ ૫.૨૯ લાખ કરોડ વધીને ૪૪૦.૧૯ લાખ કરોડને વટાવી ગયું : પાકિસ્તાની શૅરબજાર સતત પાંચમા દિવસે વધ્યું, કરાચી ઇન્ડેક્સ ૧૩૫૮ પૉઇન્ટના ઉછાળે ૧,૧૯,૮૯૪ : ICICI બૅન્ક નવા બેસ્ટ લેવલે, નફો ઘટવા છતાં કિર્લોસ્કર ઑઇલ તગડો જમ્પ મારી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર : ડિફેન્સ શૅરોમાં ફૅન્સી જારી
મોટા ભાગનાં એશિયન બજારોની પીછેહઠ અને યુરોપનાં બજારોની રનિંગમાં સાંકડી વધ-ઘટ વચ્ચે ઘરઆંગણે સેન્સેક્સ ગુરુવારે ૧૨૦૦ પૉઇન્ટના ઉછાળે ૮૨,૫૩૧ તથા નિફ્ટી ૩૯૫ પૉઇન્ટની તેજીમાં ૨૫,૦૬૨ બંધ આવ્યો છે. કામકાજના ૧૪૧ ઉપર તથા નિફ્ટી ૨૫ની ઉપર રહેવામાં સફળ થયાં છે. સેન્સેક્સ આગલા બંધથી માંડ ૨૫ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૮૧,૩૫૪ ખૂલી નીચામાં ૮૦,૭૬૨ થયો હતો. પ્રથમ સત્ર સુધી લગભગ રેડ ઝોનમાં રહેલું માર્કેટ બીજા સત્રના આરંભ સાથે જ જબરું ગેલમાં આવી ઉપરમાં ૮૨,૭૧૮ વટાવી ગયું હતું. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધીને બંધ હતાં. સેન્સેક્સ નિફ્ટીની દોઢ ટકાની મજબૂતી સામે ઑટો અને રિયલ્ટી બેન્ચમાર્ક ૧.૯ ટકા નજીક, મેટલ અને નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧.૬ ટકા જેવા વધ્યા છે. અન્યમાં કૅપિટલ ગુડ્સ સવા ટકો, ઑઇલ-ગૅસ-પાવર-ટેલિકૉમ-ફાઇનૅન્સ એકાદ ટકા આસપાસ, આઇટી સવા ટકો અને બૅન્ક નિફ્ટી એક ટકો પ્લસ હતા, રોકડું અને બ્રૉડર માર્કેટ પણ નોંધપાત્ર રીતે માર્કેટ અન્ડર પર્ફોર્મર રહ્યા છે. NES ખાતે વધેલા ૧૯૮૦ શૅરની સામે ૮૯૦ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૫.૨૯ લાખ કરોડ વધી ૪૪૦.૧૯ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.
ADVERTISEMENT
એશિયા ખાતે જપાન એક ટકો, હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયા પોણો ટકો, થાઇલૅન્ડ પોણાબે ટકા, ચાઇના પોણા ટકાની નજીક તો તાઇવાન સાધારણ માઇનસ હતું. ઇન્ડોનેશિયા પોણો ટકો અને સિંગાપોર અડધો ટકો સુધર્યું છે. યુરોપ રનિંગમાં અતિસાંકડી વધઘટે મિશ્ર વલણમાં દેખાયુ છે. ક્રૂડ ત્રણ ટકા જેવું ગગડ્યું છે એ બાદ કરો તો ગઈ કાલે ઘરઆંગણાનાં બજારની તેજીમાં વિશ્વબજારોનો કોઈ પૉઝિટિવ ફાળો નથી. વધુમાં મીડિયાવાળા તેજી માટે મહત્ત્વના કારણ તરીકે અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલ બહુ નજીકમાં હોવાના ટ્રમ્પના નિર્દેશનો હવાલો આપે છે, પરંતુ ટ્રમ્પે જે કહ્યું છે એ ખરેખર સાચું હોય તો બહુ ચિંતાજનક બાબત છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાના માલ-સામાનની આયાત માટે ભારત દરવાજા ખોલી નાખવા સહમત થઈ ગયું છે જે અનુસાર અમેરિકાના માલ-સામાન પર ભારત ડ્યુટી ઘટાડીને ઝીરો કરી નાખવાનું છે. વધુમાં ટ્રમ્પ તરફથી ઍપલને ભારતમાં આઇફોનનું ઉત્પાદન નહીં કરવાનો અનુરોધ થયો છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જંગ બંધ થયો એનો તમામ જશ ફરી એક વાર ટ્રમ્પે લીધો છે અને જણાવ્યું છે કે મેં બન્નેને કહ્યું કે તમારે વૉર જોઈએ છે કે વેપાર? વેપારને અગ્રતા આપો, સીઝફાયર કરો અને બન્ને માની ગયા. ભારત સરકાર હવે શું કહે છે એ જોવું રહ્યું. દરમ્યાન પાકિસ્તાની શૅરબજાર સતત ૫મા દિવસની આગેકૂચમાં ૧,૧૮,૫૩૬ના આલગા બંધથી ગુરુવારે ૧,૧૮,૯૩૭ ખૂલી ઉપરમાં ૧,૧૯,૯૯૦ બતાવી છેવટે ૧૩૫૮ પૉઇન્ટ વધીને ૧,૧૯,૮૯૪ બંધ થયું છે. ચોથી એપ્રિલે ત્યાં ૧,૨૦,૭૯૭ નજીકની ઑલટાઇમ હાઈ બની હતી, જે હવે તૂટવાની અણી પર છે.
વિદેશી પ્રમોટર્સની એક્ઝિટમાં વેન્ડ ઇન્ડિયા ૧૭૬૨ રૂપિયા ડૂલ
એબ્રેસિવ્સ અને બેરિંગ્સ બનાવતી વેન્ડ ઇન્ડિયામાં ૩૩.૫ ટકાનો હિસ્સો ધરાવતી જર્મન સહપ્રમોટર્સે ઑફર ફોર સેલ મારફત સંપૂર્ણ હિસ્સો વેચી એક્ઝિટ મારવાનો નિર્ણય અમલમાં મૂકતાં શૅર જંગી વૉલ્યુમે ગઈ કાલે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં પચીસ મહિનાના તળિયે ૮૩૭૪ થઈ છેવટે ૧૬.૮ ટકા કે ૧૭૬૨ રૂપિયા ગગડી ૮૭૦૬ બંધ થઈ છે. શૅર આગલા દિવસે ૧૦,૪૬૭ બંધ હતો એની સામે વિદેશી પ્રમોટરે એક્ઝિટ લેવા માટે તગડી ડિસ્કાઉન્ટમાં ૬૫૦૦ની ફ્લોર પ્રાઇસ ઑફર ફોર સેલ માટે નક્કી કરી હતી. આના લીધે માનસ વધુ બગડ્યું છે. આજથી પાંચેક મહિના પહેલાં ભાવ ૧૮,૦૦૦ રૂપિયાના બેસ્ટ લેવલે હતો. કંપનીમાં અન્ય સહપ્રમોટર્સ મુરુગપ્પા ગ્રુપની કાર્બોરેન્ડમ યુનિવર્સલ છે. એનું હોલ્ડિંગ ૩૭.૫ ટકાનું છે. તેનો શૅર ગઈ કાલે ઉપરમાં ૯૯૨ થઈ બે ટકા સુધરી ૯૮૧ હતો.
માથે બોનસ વચ્ચે કેટલાક દિવસથી નવા શિખર બનાવી રહેલી BSE લિમિટેડ ગઈ કાલે ઉપરમાં ૭૩૫૨ થઈ ૨.૭ ટકા કે ૧૯૯ રૂપિયાની પીછેહઠમાં ૭૧૪૮ બંધ આવી છે. આગલા દિવસે ૪ ટકા ઊછળેલી MCX ૬૨૮૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૬૨૦૯ના લેવલે ફ્લૅટ રહી છે. ડિફેન્સ શૅરમાં પસંદગીયુક્ત મજબૂતી જોવાઈ છે. ભારત ડાયનેમિક્સ સવાબે ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ બે ટકા, કોચિન શિપયાર્ડ ૬.૬ ટકા, અપોલો માઇક્રો સવાચાર ટકા, એસ્ટ્રા માઇક્રોવેવ સવાનવ ટકા, ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ સવાત્રણ ટકા, ડેટા પેટર્ન્સ ૩.૩ ટકા, પારસ ડિફેન્સ ત્રણ ટકા આગળ વધી છે. ઝેન ટેક્નૉ અને ઍક્સિસ કેડ્સ પાંચ-પાંચ ટકાની એક ઉપલી સર્કિટે બંધ હતી. માઝગાવ ડૉક સવાત્રણ ટકા વધી નવી ટોચે બંધ થઈ છે. સિકા ઇન્ટરપ્લાન્ટ ૮૬૯ના શિખરે જઈ ૯.૩ ટકાના જમ્પમાં ૮૧૩ હતી. આઇડિયા ફોર્જ સવા ટકો ઘટીને ૫૩૪ રહી છે.
સારાં પરિણામ બાદ પ્રૉફિટ બુકિંગમાં હિટાચી એનર્જી ૧૧૯૦ રૂપિયા તૂટ્યો
આઇશર મોટર્સે માર્ચ ક્વૉર્ટરમાં ૧૨૫૨ કરોડની એકંદર ધારણા સામે ૨૭ ટકાના વધારામાં ૧૩૬૨ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે. ઑપરેટિંગ માર્જિન અઢી ટકા જેવું ઘટ્યું છે. શૅર ગઈ કાલે ૫૫૬૦ થઈ અડધો ટકો વધી ૫૪૮૨ રહ્યો છે. હિટાચી એનર્જીનો નફો ૬૨ ટકા વધીને ૧૮૪ કરોડ થતાં શૅર ૧૬,૯૬૪ થઈ ૧૧૯૦ કે ૭ ટકા તૂટી ૧૫,૫૫૭ બંધ હતો. આગલા દિવસે પરિણામ પૂર્વે ભાવ પોણાપાંચ ટકા કે ૭૬૭ની તેજીમાં ૧૬,૭૪૮ રૂપિયા બંધ થયો હતો. ટોરન્ટ પાવર દ્વારા ૧૪૬ ટકાના વધારામાં ૧૦૬૦ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર જોકે સવા ટકાની કમજોરીમાં ૧૪૩૩ બંધ રહ્યો છે. તાતા પાવરનો માર્ચ ક્વૉર્ટરનો નેટ નફો ૧૬ ટકા વધી ૧૦૪૩ કરોડ થયો છે. ધારણા ૧૦૨૬ કરોડની હતી. શૅર ગઈ કાલે ૩ ગણા વૉલ્યુમે સામાન્ય વધી ૩૯૮ બંધ હતો.
ડોમિનો ફેમ જ્યુબિલન્ટ ફૂડ વર્કસનો નેટ પ્રૉફિટ ૭૭ ટકા જેવો ગગડી ૪૮ કરોડ આવ્યો છે જે ૩૮ કરોડના નફાની એકંદર ધારણા કરતાં જોકે વધુ છે. શૅર એકાદ ટકાની નરમાઈમાં ૬૮૬ નજીક રહ્યો હતો. મુથૂટ ફાઇનૅન્સે ૧૪૯૧ કરોડની વિશ્લેષકોની એકંદર ધારણા સામે ૧૫૦૮ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે. શૅર પરંતુ સાત ટકા કે ૧૫૮ ગગડીને ૨૧૦૪ બંધ જોવાયો છે.
રેણુકા શુગર ૧૧૨ કરોડની ખોટમાંથી ૯૧ કરોડના નેટ પ્રૉફિટમાં આવી છે. શૅર વૉલ્યુમ સાથે ૪ ટકા વધીને ૩૨ નજીક હતો. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝે આવકમાં ૧૪ ટકાના વધારા સામે બમણાથી વધુના વૃદ્ધિદરમાં ૭૭ કરોડનો ચોખ્ખો નફો કરતાં શૅર નવ ગણા વૉલ્યુમે ૧૪ ટકા ઊછળીને ૩૪૫ થયો છે. શીલા ફોમ્સના નફામાં ૬૭ ટકાનું ગાબડું પડ્યૂં છે આમ છતાં ભાવ ઉપરમાં ૬૭૫ થઈ અંતે બે ટકા ઘટી ૬૫૨ રહ્યો છે. એડીએફ ફૂડ્સનો ચોખ્ખા નફો ૩૬ ટકા ઘટી ૧૬ કરોડ થતાં શૅર નીચામાં ૨૧૬ બતાવી સાડાચાર ટકા બગડી ૨૨૪ હતો. પિરામલ ફાર્માએ ૫૧ ટકાના વધારામાં ૧૫૩ કરોડ નેટ નફો દર્શાવ્યો છે, પણ શૅર પોણાપાંચ ટકા ખરડાઈ ૨૦૮ રહ્યો છે.
ઇન્ડસઇન્ડ બૅન્ક સિવાય સેન્સેક્સ નિફ્ટીના તમામ શૅર વધ્યા
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી એક માત્ર ઇન્ડસઇન્ડ બૅન્ક નામ પૂરતી નરમ હતી. નિફ્ટી ખાતે પણ તેને બાદ કરતાં બાકીના ૪૯ શૅર પ્લસ હતા. સેન્સેક્સમાં તાતા મોટર્સ ચાર ટકાથી વધુ ઊંચકાઈ ૭૨૮ તથા નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ સવા છ ટકા કે ૨૫૮ના ઉછાળે ૪૩૨૫ બંધ આપી બેસ્ટ ગેઇનર્સ બની છે. JSW સ્ટીલ પાંચ ટકા અને ટ્રેન્ટ ચાર ટકા કે ૨૧૫ રૂપિયા મજબૂત હતી. અન્યમાં HCL ટેક્નૉ સાડાત્રણ ટકા, અદાણી પોર્ટ્સ અઢી ટકા, ઝોમાટો અને મારુતિ સુઝુકી સવાબે ટકા, એશિયન પેઇન્ટ્સ બે ટકા, ભારતી ઍરટેલ પોણાબે ટકા, અલ્ટ્રાટેક-સનફાર્મા તથા ટેક મહિન્દ્ર દોઢ-દોઢ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સાડાત્રણ ટકા, ગ્રાસિમ સવાત્રણ ટકા, બજાજ ઑટો પોણાત્રણ ટકા કે ૨૨૩ રૂપિયા, તાતા કન્ઝ્યુમર અને અદાણી એન્ટરપ્રાઇઝ ૨.૪ ટકા, જિયો ફાઇનૅન્સ અને અપોલો હૉસ્પિટલ્સ સવાબે ટકા, ભારત ઇલેક્ટ્રિક પોણાબે ટકા, SBI લાઇફ અને હિન્દાલ્કો ૧.૭ ટકા, વિપ્રો દોઢેક ટકો વધ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરેરાશથી અડધા વૉલ્યુમે બે ટકા વધી ૧૪૫૪ નજીકના બંધમાં બજારને સર્વાધિક ૧૭૨ પૉઇન્ટ ફળી છે. સીટીવાળા તરફથી ૧૫૮૫ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી થયો છે. ICICI બૅન્ક ૧૪૫૬ની નવી ટૉપ બનાવી ૧.૯ ટકા વધી ૧૪૫૨ નજીકના બંધમાં બજારને ૧૬૪ પૉઇન્ટ તો HDFC બૅન્ક સવા ટકો વધીને ૧૯૩૪ના બંધમાં ૧૫૦ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. આઇટી હેવીવેઇટ ઇન્ફોસિસ સવા ટકો તથા ટીસીએસ પોણા ટકાથી વધુ પ્લસ હતો. લાર્સન સવા ટકો વધીને ૩૬૧૮ હતી. આઇટીસીનાં પરિણામ બાવીસમી મેએ છે. શૅર પોણો ટકો સુધરીને ૪૩૨ વટાવી ગયો છે. બજાજ ફાઇનૅન્સ અને બજાજ ફિનસર્વ એક ટકાથી વધુ પ્લસ થઈ છે. કિર્લોસ્કર ઑઇલ એન્જિનનો ત્રિમાસિક નફો પોણાબાર ટકા ઘટ્યો છે, પરંતુ શૅર ૨૩ ગણા કામકાજમાં ૧૭ ટકા કે ૧૨૬ની તેજીમાં ૮૬૧ બંધ આપી ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની છે.

