નેસ્લે બહેતર પરિણામમાં નવી ટૉપ બનાવી નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર : નેસ્લેની હૂંફમાં હિન્દુસ્તાન યુનિલીવર ત્રણ ટકા ઝળકી સેન્સેક્સ ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર બની : પરિણામ વચ્ચે રિલાયન્સમાં નબળાઈ, ઇન્ફોસિસમાં સુસ્તી : સારા બજારમાં ઓલા ઇલેક્ટ્રિક ૪.૫ ટકા ડાઉન
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- વેદાન્ત, JSW સ્ટીલ, જિન્દલ સ્ટીલ, સેઇલમાં નવા ઊંચા ભાવ
- સેન્સેક્સ આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહી ૭૫૩ પૉઇન્ટ વધી ૭૯,૦૦૦ની પાર
- નબળા પરિણામમાં SML મહિન્દ્ર ૩૦૯ રૂપિયા ગગડી : માર્કેટ-બ્રેડ્થ મજબૂત
ઇસ્લામાબાદ ખાતે અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ-મંત્રણા થશે કે કેમ એનું સસ્પેન્સ હજી યથાવત્ છે. અમેરિકાની તમામ તૈયારી છતાં ઈરાને કોઈ સાનુકૂળ પ્રતિસાદ મંત્રણા માટે આપ્યો નથી. દરમ્યાન અમેરિકા બુધવારે પૂરા થતા બે વીકના સીઝફાયરની મુદત વધારવા વિચારી રહ્યું હોવાના અહેવાલ છે. અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિને લઈ અમેરિકા તેમ જ પાકિસ્તાન પછી સૌથી વધુ કોઈ આશાવાદી હોય તો એ શૅરબજારો છે. એશિયા ખાતે તમામ અગ્રણી શૅરબજાર મંગળવારે પણ સુધર્યાં છે. એક માત્ર ઇન્ડોનેશિયા પોણા ટકો ઘટ્યું છે. સાઉથ કોરિયા ૨.૭ ટકાની મજબૂતીમાં નવી ટોચે બંધ થયું છે. તાઇવાન પણ ૩૭,૭૮૨ના શિખરે જઈ પોણાબે ટકા વધી ૩૭,૬૦૫ હતું. જપાન એક ટકો, હૉન્ગકૉન્ગ પોણા ટકા નજીક, સિંગાપોર-ચાઇના અને થાઇલૅન્ડ નહીંવત્ પ્લસ હતાં. યુરોપ પણ રનિંગમાં અડધા ટકા સુધી ઉપર દેખાતું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૭૫,૨૯૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ રનિંગમાં ૧૨૯૫ પૉઇન્ટ વધી ૧,૭૨,૪૯૨ ચાલતું હતું. બ્રેન્ટ ક્રૂડ નીચામાં ૯૪ ડૉલર અંદર જઈ ૯૫ ડૉલર પ્લસના આગલા લેવલે જોવાયું છે. હાજર અને વાયદામાં સોનું અડધો-પોણો ટકો તથા ચાંદી દોઢેક ટકો ડાઉન હતી. બિટકૉઇન પોણો ટકો વધી ૭૬,૪૪૩ ડૉલરે હતો. ડૉલર સામે રૂપિયો ૯૩.૧૧ના આગલા બંધ સામે નરમાઈ જારી રાખતાં ૯૩.૬૩ થઈને ૯૩.૫૫ ચાલતો હતો.
સેન્સેક્સ આગલા બંધથી ૯૭ પૉઇન્ટ પ્લસ, ૭૮,૬૧૭ ખૂલી છેવટે ૭૫૩ પૉઇન્ટ વધી ૭૯,૨૭૩ તથા નિફ્ટી ૨૧૨ પૉઇન્ટ વધી ૨૪,૫૭૬ બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૭૮,૫૨૩ અને ઉપરમાં ૭૯,૩૬૭ થયો હતો. મજબૂત માર્કેટ બ્રેડથમાં NSEમાં વધેલા ૨૦૮૯ શૅરની સામે ૧૨૪૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૯૯ લાખ કરોડ વધી ૪૬૮.૬૭ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના એકાદ ટકાના સુધારા સામે ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૮ ટકા, નિફ્ટી મીડિયા એક ટકો, નિફ્ટી ડિફેન્સ પોણો ટકો, FMCG ઇન્ડેક્સ સવાબે ટકા, રિયલ્ટી સવાબે ટકા, ટેલિકૉમ ૧.૧ ટકા, ફાઇનૅન્સ ૧.૩ ટકા મજબૂત હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૩ શૅર વધ્યા છે. જના સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક ૧૨.૨ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર છ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક ૬.૧ ટકા, ઉત્કર્ષ બૅન્ક ૪.૧ ટકા, એયુ બૅન્ક સવાચાર ટકા, CSB બૅન્ક ૩ ટકા વધી હતી. તામિલનાડુ બૅન્ક એક ટકો ઘટી ૬૫૭ રહી છે. એયુ બૅન્ક, જેકે બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર નવા બેસ્ટ લેવલે ગઈ છે. હિન્દુસ્તાન યુનિલીવર ૩.૧ ટકા વધી ૨૩૦૫ હતી. નેસ્લે ઇન્ડિયાએ ધારણા કરતાં બહેતર કામગીરી દર્શાવી છે. કંપનીએ સ્ટૅન્ડ અલોન ધોરણે ૨૨.૬ ટકાના વધારામાં ૬૭૪૮ કરોડની આવક ઉપર ૨૬ ટકાના વધારામાં ૧૧૧૪ કરોડ નેટ પ્રૉફિટ મેળવ્યો છે. બજારના વિશ્લેષકોની એકંદર ધારણા ૬૧૮૬ કરોડની આવક તથા ૯૨૬ કરોડના નેટ નફાની હતી. શૅર ૧૩૯૬ની ઑલટાઇમ ટૉપ બનાવી સવાસાત ટકાની તેજીમાં ૧૩૮૦ બંધ રહીને નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. ઓલા ઇલેક્ટ્રિક સારા બજારમાં નીચામાં ૩૭ બતાવી ૪.૫ ટકા ગગડીને ૩૭.૪૬ થઈ છે. દરમ્યાન રાજકોટની મેહુલ ટેલિકૉમનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૨૮ કરોડનો BSE SME ઇશ્યુ આખરી દિવસે રિટેલમાં ત્રીસેક ગણા સહિત કુલ ૩૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને ૩ બોલાય છે.
ADVERTISEMENT
ગ્રો ફેમ બિલિયન બ્રેઇન્સ વૉલ્યુમ સાથે ઑલટાઇમ હાઈ થઈ
પાવર ઇન્ડેક્સ ૭૯૮૪ની ૧૬ માસની ટૉપ બનાવીને ૦.૪ ટકા વધી ૭૯૧૨ હતો. તેના ૧૮માંથી ૧૩ શૅર વધ્યા હતા. જ્યારે યુટિલિટીઝ બેન્ચમાર્ક ૩૪માંથી ૧૬ શૅરના સથવારે ૬૧૪૫ની સવા વર્ષની ટોચે જઈ નજીવો સુધરી ૬૦૭૮ હતો. અત્રે આઇનોક્સ ગ્રીન ૭.૭ ટકા, વાટેક વાબેગ ૪.૩ ટકા, રિલાયન્સ પાવર એક ટકા, એન્વીરો ઇન્ફ્રા એન્જિનિયર્સ સવા ટકો, JSW એનર્જી પોણો ટકો, કેપીગ્રીન સવા ટકો, ટોરન્ટ પાવર એક ટકા વધી છે. અદાણી પાવર ૨૦૭ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૧.૧ ટકા વધી ૨૦૩ થઈ છે. અદાણી એનર્જી સાધારણ વધી હતી. અદાણીની અદાણી પોર્ટ્સ ૧૬૧૧ના નવા શિખરે જઈ ૧.૧ ટકા વધી ૧૫૯૪ થઈ છે. અદાણી ગ્રીન સામાન્ય ઘટાડામાં ૧૧૫૦ રહી છે. સરકારની પીટીસી ઇન્ડિયા ત્રણ ટકાની નરમાઈમાં ૧૮૬ થઈ છે. એનર્જી ઇન્ડેક્સ ૩૩માંથી ૧૯ શૅરના સુધારા વચ્ચે નામપૂરતો સુધર્યો છે. એન્ટેલોપસ સોલાર એનર્જી ઉપરમાં ૬૨૪ થયા બાદ ૩.૫ ટકા ઘટી ૫૮૯ રહી છે. ગલ્ફ ઑઇલ લુબ્રિકન્ટ્સ અઢી ટકા વધીને ૧૦૦૦ હતી. ગેઇલ બે ટકા, ગુજરાત ગૅસ ૧.૯ ટકા, ચેન્નાઈ પેટ્રોલિયમ ૧.૩ ટકા, જીએસપીએલ ૧.૭ ટકા, MRPL અડધો ટકો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ દોઢ ટકા, પેટ્રોનેટ બે ટકા પ્લસ હતી. ઓઇલ ઇન્ડિયા સવા ટકો નરમ તો ONGC નામપૂરતી ઘટાડે બંધ થઈ છે.
ગ્રો ફેમ બિલિયન બ્રેઇન્સ બહેતર પરિણામ છતાં આગલા દિવસે એક ટકો ઘટી ૧૯૬ બંધ થયા પછી ગઈ કાલે પાંચ ગણા કામકાજે ૨૧૭ના બેસ્ટ લેવલે જઈ નવ ટકાના જમ્પમાં ૨૧૪ થઈ છે. જનસ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક ૨૨ ગણા કામકાજમાં ૪૩૯ વટાવી ૧૨.૨ ટકા ઊછળી ૪૨૯ રહી છે. એયુ સ્મૉલ બૅન્ક ૧૦૪૨ ઉપર નવું શિખર દર્શાવી ૪.૩ ટકા ઊચકાઈ ૧૦૪૦ હતી. ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનૅન્સ ૧૧ ગણા વૉલ્યુમે ૭.૪ ટકાની મજબૂતીમાં ૫૦૬ થઈ છે.
બૅન્ક ઑફ મહારાષ્ટ્ર રિઝલ્ટ સાડા પંદર વર્ષના શિખરે ગઈ
વારિ એનર્જીની ૭૫ ટકા માલિકીની સબસિડિયરી કંપની ઇન્ડોસોલાર લિમિટેડે માર્ચ ક્વૉર્ટરમાં ૫૬.૭ ટકાના ગાબડામાં ૮૩ કરોડની આવક ઉપર પાંચેક ટકા વધારામાં ૪૨ કરોડ નેટ નફો મેળવતાં ભાવ પાંચ ટકાની નીચલી સર્કીટમાં ૫૧૩ થઈ ત્યાં જ બંધ રહ્યાં છે. PNB હાઉસીંગ ફાઇનાન્સે સાડા છ ટકા વધારામાં ૨૧૭૨ કરોડની આવક ઉપર ૧૯.૨ ટકાના વૃદ્ધિદરથી ૬૫૬ કરોડ નેટનફો મેળવી શૅરદીઠ ૮ રૂપિયા આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ૩૨ ગણા કામકાજમાં ઉપરમાં ૧૦૦૬ થઈ આઠ ટકા ઊંચકાઈને ૯૭૯ બંધ થયો છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્રની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૮.૮ ટકા વધી ૩૭૦૨ કરોડ તથા નેટ પ્રૉફિટ ૩૪.૯ ટકા વધી ૧૪૯૩ કરોડ આવતાં ભાવ ૮૧ ઉપર આશરે સાડા પંદર વર્ષની ટોચે જઈ છ ટકા વધી ૮૦ બંધ થયો છે. HDFC સિક્યૉરિટીઝે અહીં ૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી લેવાની ભલામણ કરી છે.
એસએમએલ મહિન્દ્રા તરફથી સવાસોળ ટકાના વધારામાં ૮૯૮ કરોડની આવક ઉપર માત્ર સવાબે ટકા વધારામાં ૫૪૨૦ લાખ નેટ નફો દર્શાવાતાં શૅર ૩ ગણા કામકાજે નીચામાં ૩૯૮૬ થઈ સાત ટકા કે ૩૦૯ રૂપિયા બગડી ૪૦૧૬ બંધ થયો છે. તાતા ગ્રુપની નેલ્કો સવાસત્તર ટકાના વધારા સાથે ૭૯૨૦ લાખની આવક ઉપર અગાઉની ૪૦૪ લાખની નેટ લૉસમાંથી ૧૧૦ લાખના નેટ પ્રૉફિટમાં આવી છે. શૅર ૨૯ ગણા વૉલ્યુમે ઉપરમાં ૭૬૭ વટાવી છ ટકાની તેજીમાં ૭૧૫ થયો છે. મુથુટ માઇક્રોફીન તરફથી સારુ બિઝનેસ અપડેટ જારી થયું છે. તેની AUM (એસેટ્સ અંડર મૅનેજમેન્ટ ૧૩ ટકા વધીને ગત વર્ષાન્તે ૧૪,૦૦૬ કરોડ થઈ ગઈ છે. શૅર ૭૧ ગણા કામકાજે ઉપરમાં ૧૯૯ બતાવી૧૩ ટકાના જમ્પમાં ૧૯૪ બંધ આવ્યો છે.
બોનસ માટે બોર્ડ મીટિંગના કરન્ટમાં ટ્રેન્ટ બૅક-ટુ-બૅક ટૉપ ગેઇનર
તાતાની ટ્રેન્ટ પરિણામ અને બોનસ માટેની બોર્ડ મીટિંગની પૂર્વ-સંધ્યાએ ઉપરમાં ૪૪૪૬ બતાવી સાડાત્રણ ટકા વધી ૪૩૯૩ બંધમાં સતત બીજા દિવસે સેન્સેક્સમાં ઝળકી છે. સારાં રિઝલ્ટ છતાં આગલા દિવસે સાંકડી વધઘટે સુસ્ત રહેલી HDFC બૅન્ક ગઈ કાલે બે ટકા વધી ૮૧૨ બંધમાં બજારને ૨૦૯ પૉઇન્ટ તેમ જ ICICI બૅન્ક ૨.૪ ટકા વધી ૧૩૮૮ બંધમાં ૧૯૭ પૉઇન્ટ ફળી છે. ઍક્સિસ બૅન્કનાં પરિણામ ૨૫મીએ છે. શૅર પોણાબે ટકા વધી ૧૩૭૭ થયો છે. બજાર ફાઇનૅન્સનાં રિઝલ્ટ ૨૯મીએ તથા એની મુખ્ય પ્રમોટર્સ બજાજ ફિનસર્વનાં પરિણામ ૩૦મીએ આવવાનાં છે. બજાજ ફાઇનૅન્સ ગઈ કાલે સવાબે ટકા વધી ૯૩૯ તથા બજાજ ફિનસર્વ સવા ટકો વધી ૧૮૫૩ બંધમાં બજારને કુલ ૫૯ પૉઇન્ટ લાભદાયી નીવડી છે.
રિલાયન્સ માથે પરિણામ વચ્ચે સારા બજારમાં ઉપરમાં ૧૩૭૦ નજીક જઈ અંતે ૦.૭ ટકા ઘટી ૧૩૫૩ થઈ છે. નબળાં નેટ પ્રૉફિટમાં આગલા દિવસે નિફ્ટી ખાતે પોણાત્રણ ટકા ગગડી ટૉપ લુઝર બનેલી જીઓ ફાઇનાન્શિયલ ગઈ કાલે પણ સારા વૉલ્યુમે એક ટકો ઘટી ૨૩૪ હતી. ભારત ઇલેક્ટ્રિક્લ ૧.૩ ટકાની નરમાઈમાં ૪૫૧ થઈ છે. નિફ્ટી ખાતે SBI લાઇફ ઇન્સ્યૉરન્સ સાડાત્રણ ટકા ગગડી ૧૯૧૧ બંધમાં ટૉપ લુઝર બની હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકા અને ટાઇટન ૦.૯ ટકા ઘટી છે.
આઇટીમાં HCL ટેક્નૉલૉજીસ પરિણામ પૂર્વે ઉપરમાં ૧૪૫૫ તથા નીચામાં ૧૪૨૨ થઈ એક ટકો વધી ૧૪૪૧ રહી છે. ટેક મહિન્દ્રાનાં રિઝલ્ટ આજે છે. શૅર ગઈ કાલે સામાન્ય ઘટી ૧૫૦૦ હતો. ઇન્ફોસિસ માથે પરિણામ વચ્ચે નજીવા સુધારે ૧૩૧૩ થઈ છે. TCS સવા ટકો પ્લસ હતી. વિપ્રો સવા ટકો સુધરી ૨૦૫ હતી. માસ્ટેકની આવક સ્ટૅન્ડ અલોન ધોરણે ૯૫ ટકા જેવી વધી ૨૪૪ કરોડ તથા નેટ નફો ૩૧ ટકા વધી ૫૭ કરોડ વટાવી જતાં શૅર બમણા કામકાજમાં ઉપરમાં ૧૭૭૮ થઈ ૫.૨ ટકાની મજબૂતીમાં ૧૭૭૨ થયો છે. ૬૩ મૂન્સ વધુ ચાર ટકાની આગેકૂચમાં ૭૨૮ થઈ છે.
મેટલ તેમ જ કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં નવા બેસ્ટ લેવલ
મેટલ ઇન્ડેક્સ ૪૨,૭૯૧ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૨૫ પૉઇન્ટ સુધરી ૪૨,૨૮૧ થયો છે. તેના ૧૩માંથી ૫ શૅર પ્લસ હતા. નિફ્ટી મેટલ બેન્ચમાર્ક પણ ૧૫માંથી ૭ શૅરની હૂંફમાં ૧૨,૯૮૬ની સર્વોચ્ચ સપાટી નોંધાવી પાંચ પૉઇન્ટ સુધરી ૧૨,૮૩૫ હતો. સરકારની ૬૫ ટકા માલિકીની સેઇલ ૧૭૮ની ૧૫ વર્ષની નવી ટોપ બનાવી દોઢ ટકાની આગેકૂચમાં ૧૭૫ થઇ છે. JSW સ્ટીલ ૧૨૯૭ના બેસ્ટ લેવલે જઈ અડધો ટકો વધી ૧૨૮૧ હતી. જિંદલ સ્ટીલ નવા શિખરની હારમાળા ચાલુ રાખતાં ૧૩૦૬ બનાવીને નહિવત ઘટાડામાં ૧૨૮૫ બંધ હતો.
વેદાન્ત ૭૯૫ની વિક્રમી સપાટી હાંસલ કરી અડધો ટકો ઘટી ૭૬૭ રહી છે. હિન્દુસ્તાન ઝિન્ક ૦.૩ ટકા નરમ હતી. હિન્દાલ્કો ૦.૭ ટકા વધી હતી. નાલ્કો એકાદ ટકા નજીક ઘટી ૪૨૩ બંધ થઈ છે. વેલસ્પન કૉર્પ સાડા પાંચ ગણા કામકાજમાં ૧૧૧૧ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ૨.૧ ટકા વધી ૧૧૦૧ રહી છે. ઇન્ડ. મિનરલ્સમાં સઘર્ન મેગ્નેશિયમ ૫.૩ ટકા, આશાપુરા માઇનકેમ ૫.૨ ટકા, ગોવા કાર્બન દોઢ ટકા, ઓરિસ્સા મિનરલ્સ એક ટકા, MOIL અડધા ટકા જેવી પ્લસ હતી.
કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક પણ ૭૭,૫૨૦ની નવી વિક્રમી સપાટી સર કરી ૪૩ પૉઇન્ટના નજીવા ઘટાડે ૭૬,૪૯૦ થયો છે. તેના ૩૪માંથી ૨૧ શૅર પ્લસ હતા. ઝેન ટેકનૉલૉજી ૬.૧ ટકા, ડેટા પેટર્ન્સ ૧.૭ ટકા કે ૫૮ રૂપિયા, સિમેન્સ એનર્જી ૨.૧ ટકા, સીજી પાવર એક ટકા, જ્યોતિ CNC સવાબે ટકા, મઝગાંવ ડોક ૧.૪ ટકા, એબીબી ઇન્ડિયા ૧.૩ ટકા મજબૂત બની છે. ભેલ ઉપરમાં ૩૩૪ની ટૉપ બતાવી ૨.૨ ટકા વધી ૩૩૩ હતી. થર્મેક્સના પરિણામ ૭ મેના રોજ છે. શૅર પાંખા વોલ્યુમે નીચામાં ૪૦૨૦ થઈ પોણો ટકો ઘટી ૪૧૫૦ રહ્યો છે. કોચીન શિપયાર્ડ ઉપરમાં ૧૫૮૪ બતાવી પોણો ટકો વધી ૧૫૫૭ હતી. ગાર્ડન રિચ દોઢ ટકા વધીને ૨૭૦૮ થઈ છે. હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ૪૪૦૨ વટાવી છેવટે અડધો ટકો સુધરી ૪૩૬૦ બંધ આવી છે.
