Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સાર્વત્રિક અને વ્યાપક સુધારા સાથે બજારની આગેકૂચ, રોકડું બાઉન્સબૅક

સાર્વત્રિક અને વ્યાપક સુધારા સાથે બજારની આગેકૂચ, રોકડું બાઉન્સબૅક

Published : 30 January, 2025 07:25 AM | IST | Mumbai
Anil Patel

અદાણી પાવરનો નફો ૧૨ ટકા વધ્યો એમાં શૅર પાંચ ટકા ઊછળ્યો, અંબુજા સિમેન્ટ ૧૬૪ ટકાની નફાવૃદ્ધિ છતાં પોણાચાર ટકા તૂટ્યો : પરિણામ પૂર્વે તાતા મોટર્સ મજબૂત, હોટેલ શૅરોમાં બહુધા સારા સુધારા વચ્ચે આઇટીસી હોટેલ્સનો કમજોર દેખાવ

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


અદાણી પાવરનો નફો ૧૨ ટકા વધ્યો એમાં શૅર પાંચ ટકા ઊછળ્યો, અંબુજા સિમેન્ટ ૧૬૪ ટકાની નફાવૃદ્ધિ છતાં પોણાચાર ટકા તૂટ્યો : પરિણામ પૂર્વે તાતા મોટર્સ મજબૂત, હોટેલ શૅરોમાં બહુધા સારા સુધારા વચ્ચે આઇટીસી હોટેલ્સનો કમજોર દેખાવ : ઝોમાટો તગડા જમ્પ સાથે સેન્સેક્સમાં ઝળક્યો, પરિણામની તેજીમાં અમી ઑર્ગેનિક્સ તથા શર્મા SGSમાં ૨૦-૨૦ ટકાનો ઉછાળો : ડેન્ટા વૉટરમાં ગ્રે માર્કેટની ધારણા કરતાં નબળું લિસ્ટિંગ, ડૉ. અગરવાલ હેલ્થકૅરના ઇશ્યુને પ્રથમ દિવસે મોળો પ્રતિસાદ, પ્રીમિયમ ગગડતું રહી હાલ પાંચ રૂપિયાએ : બંધ બજારે તાતા મોટરનાં નબળાં રિઝલ્ટ આજે બજારને નડવાની આશંકા


બુધવારની મોડી રાત્રે અમેરિકન ફેડની પૉલિસી મીટિંગનું આઉટકમ આવવાનું છે. મને વ્યાજદરમાં ખબર પડે છે એવા ટોણા સાથે રેટ-કટનો દુરાગ્રહ વ્યક્ત કરનાર ટ્રમ્પને ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ સરેન્ડર થાય છે કે કેમ એ જોવું રહ્યું. વિશ્વમાં આજકાલ એક અલગ લેવલના નેતાઓની બોલબાલા છે. તેઓ માને છે કે તેમને કેવળ દુનિયાની જ નહીં, સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણ જાણકારી છે પછી એ ટ્રમ્પ હોય કે નરેન્દ્ર મોદી, આ લોકો કોઈક જુદી જ દુનિયામાં મહાલે છે. ઍની વે, ડીપસીકના ડીપ-પંચ પછી ટેક્નૉલૉજી શૅરોમાં ટેક્નિકલ સુધારો કામે લાગતાં નૅસ્ડૅક ઇન્ડેક્સ મંગળવારની મોડી રાત્રે બે ટકા વધીને બંધ આવ્યો. ૧૭ ટકાના કડાકા સાથે વૉલ સ્ટ્રીટના ઇતિહાસમાં એક જ દિવસમાં આશરે ૫૯૦ અબજ ડૉલરના ધોવાણનો વરવો વિક્રમ અંકે કરનારી એન્વિડિયાનો શૅર આઠેક ટકા બાઉન્સબૅક થયો. સરવાળે દેશ અને દુનિયામાં આઇટી-ટેક્નૉલૉજી શૅરોમાં બગડેલું માનસ હાલપૂરતું થાળે પડ્યું છે. ગઈ કાલે આપણે ત્યાં આઇટી ઇન્ડેક્સ ૧૦૮૫ પૉઇન્ટ કે પોણાત્રણ ટકા નજીક વધ્યો છે. અત્રે ૫૬માંથી ૪૯ શૅર સુધર્યા છે. હેલ્થકૅર ઇન્ડેક્સ પણ સવાબે ટકા બાઉન્સ થયો છે. કૅપિટલ ગુડ્સમાં પોણાત્રણ ટકા કે ૧૬૨૩ પૉઇન્ટની તેજી આવી છે. રેટ-કટની આશા કામે લાગતાં ઑટો, બૅન્કિંગ, ફાઇનૅન્સ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા રેટ સેન્સિટિવ સેક્ટરના બેન્ચમાર્કમાં સુધારો આગળ વધ્યો છે. તાજેતરની ખુવારી બાદ સ્મૉલકૅપમાંય ૧૫૫૮ પૉઇન્ટ કે સવાત્રણ ટકાનો જમ્પ જોવાયો છે. આ બધાના પગલે સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે ઘટેલા ૫૨૮ શૅરની સામે ૨૩૧૧ જાતો પ્લસ થઈ છે. બજારનો સુધારો આગળ વધ્યો છે. ગઈ કાલે સેન્સેક્સ આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહી ૬૩૧ પૉઇન્ટ વધી ૭૬,૫૩૩તથા નિફ્ટી ૨૦૬ પૉઇન્ટની મજબૂતીમાં ૨૩,૧૬૩ બંધ આવ્યો છે. બજારનું માર્કેટકૅપ પોણાઆઠ લાખ કરોડ રૂપિયાના ઉમેરામાં ૪૧૬.૭૬ લાખ કરોડ નજીક પહોંચ્યું છે.



લુનાર નિમિત્તે મોટા ભાગનાં એશિયન બજારો રજામાં હતાં. જૅપનીઝ નિક્કી એક ટકો વધ્યો હતો. થાઇલૅન્ડ નહીંવત્ નરમ હતું. ફ્રાન્સની સાધારણ પીછેહઠ બાદ કરતાં યુરોપનાં બજાર રનિંગમાં સાધારણથી લઈ પોણા ટકા સુધી ઉપર દેખાયાં છે. બિટકૉઇન નજીવા ઘટાડે રનિંગમાં ૧,૦૨,૫૭૮ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર નરમાઈની હૅટ-ટ્રિકમાં રનિંગમાં ૪૪૭ પૉઇન્ટના ઘટાડે ૧,૧૧,૫૮૩ હતું. બ્રેન્ટક્રૂડ એકાદ ટકાની નરમાઈમાં ૭૭ ડૉલરની અંદર જોવાયું છે.


આઇટીસી હોટેલ્સ નબળા લિસ્ટિંગમાં મંદીની સર્કિટમાં ગયો

મારુતિ સુઝુકીએ ૩૫૯૬ કરોડની એકંદર ધારણા સામે ૧૬ ટકાના વધારામાં ૩૭૨૭ કરોડનો ત્રિમાસિક નેટ નફો કર્યો છે. આમ છતાં શૅર પરિણામ બાદ પ્રૉફિટ બુકિંગનો ભોગ બનતાં ભાવ ૧૨,૩૨૨ના ઉપલા મથાળેથી ઘટી ૧૧,૮૯૦ થયા બાદ સવા ટકો ઘટી ૧૧,૯૮૦ બંધ આવ્યો છે. નબળાં રિઝલ્ટમાં આગલા દિવસે સવા ટકા ઘટેલી હ્યુન્દાઇ મોટર ગઈ કાલે ૧૬૧૦ની ઑલટાઇમ બૉટમ બનાવીને પોણાબે ટકો વધી ૧૬૫૦ રહી છે. સારાં રિઝલ્ટની તેજી આગળ ધપાવતાં ટીવીએસ મોટર સવાયા વૉલ્યુમે ઉપરમાં ૨૫૩૭ થઈ ૫.૫ ટકા કે ૧૨૭ રૂપિયાની મજબૂતીમાં ૨૪૬૨ હતી. બજાજ ઑટોનાં પરિણામ અપેક્ષા મુજબનાં આવ્યાં છે જેમાં શૅર ૮૮૦૪ની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી ત્રણ ટકા વધી ૮૬૪૮ રહ્યો છે. તાતા મોટર્સ પરિણામ પૂર્વે સવાત્રણ ટકા વધી ૭૫૨ બંધ હતો. બૉશ નબળાં પરિણામ પાછળ સાડાચાર ગણા કામકાજે નીચામાં ૨૮,૦૬૩ થઈ સાડાપાંચ ટકા કે ૧૬૫૦ રૂપિયા ખરડાઈને ૨૮,૧૪૦ બંધ આવ્યો છે. ઑટો ઇન્ડેક્સ ૧૮માંથી ૧૪ શૅરના સથવારે ૭૪૭ પૉઇન્ટ કે દોઢ ટકા આગળ વધ્યો છે.


દરમ્યાન આઇટીસીના હોટેલ બિઝનેસના ડી-મર્જરથી અસ્તિત્વમાં આવેલી આઇટીસી હોટેલ્સનું લિસ્ટિંગ નબળું નીવડ્યું છે. ઇમ્પ્લાઇડ કે ડીસ્કવર્ડ પ્રાઇસ ૨૬૦ રૂપિયાની હતી એની સામે ભાવ ગઈ કાલે ડિસ્કાઉન્ટમાં ૧૮૮ ખૂલ્યા પછી ઉપરમાં ૧૮૯ થયા બાદ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૭૯ની અંદર જઈ ત્યાં જ બંધ રહ્યો છે, જ્યારે NSE ખાતે ભાવ ૧૮૦ ખૂલી મંદીની સર્કિટમાં ૧૭૨ બતાવી ત્યાં જ બંધ આવ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૨૫૬ લાખ શૅરનું વૉલ્યુમ નોંધાયું હતું. હોટેલ ઉદ્યોગના મોટા ભાગના શૅર બુધવારે સુધારામાં હતા. શેલે હોટેલ્સ, EIH, લેમન ટ્રી, મહિન્દ્ર હૉલિડેઝ, EIH અસોસિએટ્સ, તાજ જીવીકે, મેક ચાર્લ્સ, એશિયન હોટેલ્સ, કામત હોટેલ્સ, સિંકલર્સ હોટેલ્સ, રૉયલ મનોર, ઇન્ડિયન હોટેલ્સ, ગુજરાત હોટેલ્સ, રાસ રિસોર્ટ્સ ઇત્યાદી સાડાત્રણથી સાડાસાત ટકા ઊંચકાયા હતા.

રેક્સપ્રો એન્ટરપ્રાઇઝિસનું ભંગાર લિસ્ટિંગ

સરકારે ઇથેનૉલના ભાવ લીટરદીઠ દોઢેક રૂપિયા વધારી ૫૮ રૂપિયા જેવા કર્યા હોવાના અહેવાલથી શુગર શૅરોમાં મીઠાશ આવી હતી. ઉદ્યોગના ૩૭માંથી ૩૦ શૅર વધ્યા હતા જેમાં ધામપુર શુગર, અવધ શુગર, ગાયત્રી શુગર, દ્વારકેશ શુગર, મવાણા શુગર, બન્નારી શુગર, દાલમિયાં શુગર, શ્રી રેણુકા શુગર, વિશ્વરાજ, મગધ શુગર, પિકાડેલી ઍગ્રો, રાજશ્રી શુગર, ઉત્તમ શુગર, સર શાદીલાલ, ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ, રાણા શુગર, કેસીપી શુગર જેવી જાતો ચારથી સવાસાત ટકા વધી હતી. રાવલગાંવ શુગર પોણાસાત ટકા ગગડી ૧૦૮૨ રહી છે.

દરમ્યાન બજાર બંધ થયા પછી તાતા મોટર્સે નબળાં રિઝલ્ટ જાહેર કર્યાં છે જે બજારને ગમવાના નથી. કંપનીએ બજારની એકંદર ૬૭૪૨ કરોડની અપેક્ષા સામે બાવીસ ટકાના ધબડકામાં ૫૪૫૧ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. ચેન્નઈની ડૉ. અગરવાલ હેલ્થકૅરનો એકના શૅરદીઠ ૪૦૨ની અપર બૅન્ડ સાથે કુલ ૩૦૨૭ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે માત્ર ૭ ટકા જ ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૫૪થી થઈ હતી, રેટ ઘસાતો રહી હાલ ફક્ત પાંચ રૂપિયા બોલાય છે. બૅન્ગલોરની ડેન્ટા વૉટર ઍન્ડ ઇન્ફ્રા સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૨૯૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટ ખાતે ૭૩ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૩૩૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૪૬ બંધ થતાં એમાં શૅરદીઠ બાવન રૂપિયા કે પોણાઅઢાર ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં રેક્સપ્રો એન્ટરપ્રાઇઝિસ ૧૦ના શૅરદીઠ ૧૪૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૦ના પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૧૧૭ ખૂલી ૧૧૧ બંધ થતાં એમાં ૨૩.૩ ટકાનું નેગેટિવ લિસ્ટિંગ રિટર્ન મળ્યું છે. રતલામની માલપાણી પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૨૫૯૨ લાખનો BSE SME IPO પ્રથમ દિવસે લગભગ આઠ ગણા નજીક છલકાયો છે. પ્રીમિયમ સુધરી અત્યારે ૨૭ આસપાસ બોલાય છે. દાદરી ખાતેની CLN એનર્જીનો ૧૦ના શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૭૨૩૦ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ આજે, ગુરુવારે લિસ્ટિંગમાં જશે. ગ્રે માર્કેટમાં પહેલેથી કોઈ કામકાજ નથી. ભરણું કુલ ૫.૪ ગણું ભરાયું હતું.

સારાં પરિણામ છતાં મારુતિ નિફ્ટીમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો

ગઈ કાલે સેન્સેક્સ ખાતે વધેલા ૨૫ શૅરમાં ઝોમાટો પોણાસાત ટકાની તેજીમાં ૨૨૨ બંધ આપી મોખરે હતો. નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ સાડાચાર ટકાની મજબૂતીમાં ૫૫૩ બંધ આપીને ઝળક્યો છે. અન્યમાં તાતા મોટર્સ સવાત્રણ ટકા, ઇન્ફોસિસ પોણાત્રણ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ ૨.૪ ટકા, ટેક મહિન્દ્ર સવાબે ટકા, મહિન્દ્ર ૨.૨ ટકા, ભારત ઇલે. સાડાત્રણ ટકા, વિપ્રો ત્રણેક ટકા, SBI લાઇફ ૨.૯ ટકા, બજાજ ઑટો પોણાત્રણ ટકા, HDFC લાઇફ પોણાત્રણ ટકા, JSW સ્ટીલ સવાબે ટકા, ટ્રેન્ટ અઢી ટકા, કોલ ઇન્ડિયા ૨.૪ ટકા, સનફાર્મા ૧.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ બે ટકા જેવા મજબૂત હતા. સેન્સેક્સમાં આઇટીસી હોટેલ પાંચ ટકાની નીચલી સર્કિટ સાથે વર્સ્ટ પર્ફોર્મર હતી. નિફ્ટીમાં સારાં પરિણામ આપનાર મારુતિ સવા ટકો બગડી ટૉપ લૂઝર બન્યો હતો. ભારતી ઍરટેલ અને એશિયન પેઇન્ટ્સ પોણા ટકા આસપાસ, આઇટીસી તથા બ્રિટાનિયા અડધો ટકો માઇનસ હતા. રિલાયન્સ બેબી સ્ટેપ્સના સુધારામાં ૧૨૩૬ થયો છે. તેની જિયો ફાઇનૅન્સ ત્રણેક ટકા વધી ૨૪૦ વટાવી ગઈ હતી. તાતા સ્ટીલનાં પરિણામ ધારણા મુજબ ઢીલાં આવ્યાં છે. શૅર બે ટકા નજીક વધી ૧૩૧ થયો છે. ઇન્ફોસિસની પોણાત્રણ ટકાની તેજી બજારને સર્વાધિક ૧૫૫ પૉઇન્ટ ફળી છે. ઝોમાટોએ બજારને ૮૨ પૉઇન્ટ પ્રદાન કર્યા છે. ટીસીએસ દોઢ ટકો સુધરી ૪૦૯૮ નજીક સરકી છે.

અદાણી ગ્રુપ ખાતે અદાણી એન્ટર, અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ, અદાણી વિલ્મર, NDTV લગભગ સવા ટકાથી માંડીને પોણાબે ટકા જેવા તો અદાણી પાવર પાંચ ટકાની તેજીમાં બંધ હતો. અંબુજા સિમેન્ટ્સ પોણાચાર ટકા ગગડી છે. એની પાછળ સાંધી ઇન્ડસ્ટ્રીઝ પણ ત્રણ ટકા નજીક ખરડાઈ હતી. આઇટીડી સિમેન્ટેશનમાં અદાણીના ટેકઓવરને ઑથોરિટીની લીલી ઝંડી મળી જતાં આ શૅર બમણા કામકાજે સવાચાર ટકા ઊંચકાઈને ૫૩૫ બંધ આવ્યો છે. ઝોમાટો પાછળ સ્વિગી સાડાચાર ટકા વધી ૪૨૯ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2025 07:25 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK