૨૨ જાન્યુઆરીની સવારે વિનીત ઘરેથી નીકળી દાદર સ્ટેશન સુધી ગયા હોવાની માહિતી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજ પરથી પોલીસને મળી છે
ચેમ્બુરમાંથી ગુમ થયેલા ઝવેરી બજારના વેપારી વિનીત જૈન.
ચેમ્બુરમાં રહેતા અને ઝવેરી બજારમાં દાગીનાની દુકાન ધરાવતા ૪૨ વર્ષના વિનીત ઉત્તમકુમાર જૈન (પટવારી) ૨૨ જાન્યુઆરીએ સવારે ઑફિસ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હોવાની ફરિયાદ ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. છેલ્લા ૯ દિવસથી ગુમ થયેલા દાગીનાના વેપારીને શોધવા માટે ચેમ્બુર પોલીસે ત્રણ ટીમની રચના કરી છે. ૨૨ જાન્યુઆરીની સવારે વિનીત ઘરેથી નીકળી દાદર સ્ટેશન સુધી ગયા હોવાની માહિતી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજ પરથી પોલીસને મળી છે. જોકે આગળ કોઈ પત્તો ન લાગતાં પોલીસ વધુ તપાસમાં લાગી છે.
૨૨ જાન્યુઆરીની સવારે દુકાને જાઉં છું એમ કહીને વિનીતભાઈ ઘરેથી નીકળ્યા હતા એમ જણાવતાં વિનીતભાઈના સાળા વિકી મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝવેરી બજારમાં તેમની દાગીનાની દુકાન હતી. રોજ સવારે ૯ વાગ્યાની આસપાસ તેઓ દુકાન માટે ઘરેથી નીકળતા હતા. ૨૨ જાન્યુઆરીની સવારે પણ રોજના ક્રમ અનુસાર તેઓ દુકાન જવા માટે ઘરેથી નીકળ્યા હતા. દરમ્યાન બપોરે ૧૨ વાગ્યાની આસપાસ તેમણે અજાણ્યા નંબરથી ઘરે ફોન કરીને કહ્યું હતું કે તેઓ તેમનો મોબાઇલ ઘરે જ ભૂલી ગયા છે એ ડ્રૉઅરમાં મૂકી દેજો, હું રાતે આવીને લઈશ એટલું કહીને ફોન મૂકી દીધો હતો. ત્યાર બાદ રાતે ૯ વાગ્યા સુધી તેઓ ઘરે પાછા ન ફરતાં તેમની દુકાનના બીજા સ્ટાફને ફોન કરીને વિનીતભાઈ વિશેની જાણકારી લેવાની કોશિશ કરી ત્યારે માલૂમ થયું હતું કે એ દિવસે વિનીતભાઈ દુકાને જ નહોતા ગયા. એટલે અમે તેમના મિત્રોને ફોન કરીને વધુ માહિતી લીધી હતી. જોકે કોઈને વિનીતભાઈ વિશે કોઈ જાણકારી નહોતી એટલે અમે દુકાનની આસપાસના વિસ્તારોમાં તેમની તપાસ કરી હતી. જોકે ૨૩ જાન્યુઆરી સુધી તેમનો કોઈ પત્તો ન લાગતાં અમે ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
અમારી ત્રણ ટીમ ગુમ થયેલા વેપારીની શોધમાં લાગી છે એમ જણાવતાં ચેમ્બુર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર રાજકુમાર સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેમ્બુર, ઘાટકોપર, ઝવેરી બજાર સહિત મુંબઈના વિવિધ વિસ્તારોનાં ધાર્મિક સ્થળો, ફુટપાથ, હૉસ્પિટલ, લૉજ, ગેસ્ટહાઉસ, હોટેલમાં તેમની શોધ કરવામાં આવી રહી છે. ૨૨ જાન્યુઆરીની સવારે વેપારી ઘરેથી નીકળ્યા બાદ દાદર સ્ટેશન પહોંચ્યા હોવાની માહિતી અમને CCTV કૅમેરાનાં ફુટેજમાંથી પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ અમે મુંબઈના દરેક રેલવે-સ્ટેશનના CCTV સ્કૅન કર્યા હતા. એટલું જ નહીં, વેપારીએ છેલ્લા એક મહિનામાં જેની પણ સાથે વાત કરી હતી તે તમામના કૉલલૉગ કાઢીને તેમને સ્ટેટમેન્ટ માટે બોલાવ્યા હતા. જોકે હજી પણ વેપારી વિશે કોઈ ચોક્કસ માહિતી અમને મળી નથી. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’