લાખો ડૉલરની પેનલ્ટી અને ૧૦ અબજ ડૉલરના રોકાણના બદલામાં અમેરિકાએ અદાણીને આરોપમુક્ત કર્યા : સિંગાપોર શૅરબજાર સર્વોચ્ચ સપાટીએ : IT ઇન્ડેક્સ સવાત્રણ ટકા મજબૂત, હેલ્થકૅર ઑલટાઇમ હાઈ: ડૉલર સામે વર્સ્ટ લેવલની હારમાળા ચાલુ રાખતાં રૂપિયો નવા તળિયે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાનના મામલે ટ્રમ્પનાં ત્રાંગાં અને ગતકડાં રાબેતા મુજબ ચાલુ છે. નવેસરથી બૉમ્બવર્ષા શરૂ કરી ઈરાનનો ખાતમો બોલાવી દેવાની ધમકી આપ્યા પછી હવે એનો અમલ ટ્રમ્પે મોકૂફ રાખ્યો છે. એ માટે અખાતી દેશોની અપીલનું બહાનું કાઢ્યું છે. મતલબ કે ટ્રમ્પ હમણાં ઈરાન સામે યુદ્ધ નહીં છેડે. જોકે આ માણસનું કાંઈ કહેવાય નહીં. તે ક્યારે શું બોલશે અને શું કરશે એની તેને ખુદનેય ખબર નથી. બ્રેન્ટ ક્રૂડ દોઢેક ટકો ઘટીને હાલ ૧૧૦ ડૉલર પર ચાલે છે. બિટકૉઇન ૭૭,૦૫૦ ડૉલર આસપાસ છે. ડૉલર સામે રૂપિયો ૯૬.૩૬ના આગલા બંધ સામે ૯૬.૬૨ ઉપર નવી વરવી વર્સ્ટ બૉટમ બનાવી ૯૬.૫૨ જેવો રહ્યો છે. અગ્રણી એશિયન શૅરબજાર મંગળવારે મિશ્ર વલણમાં હતા. ઇન્ડોનેશિયા સાડાત્રણ ટકા, સાઉથ કોરિયા ૩.૪ ટકા, તાઇવાન પોણાબે ટકા તથા જપાન અડધા ટકાની સપાટી નોંધાવી દોઢ ટકા વધીને ત્યાં જ બંધ રહ્યો છે. ચાઇના એક ટકો, હૉન્ગકૉન્ગ અડધો ટકો, થાઇલૅન્ડ નજીવું સુધર્યું છે. યુરોપ રનિંગમાં પોણાથી એક ટકો પ્લસ હતું.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૨૬ પૉઇન્ટ ઉપર, ૭૫,૪૪૧ ખૂલી છેવટે ૧૧૪ પૉઇન્ટ ઘટીને ૭૫,૨૦૧ તથા નિફ્ટી ૩૨ પૉઇન્ટ ઘટીને ૨૩,૬૧૮ બંધ થયો છે. બજારમાં વધ-ઘટની રેન્જ સાંકડી હતી. શૅરઆંક ઉપરમાં ૭૫,૭૪૬ અને નીચામાં ૭૫,૧૧૬ થયો છે. માર્કેટ-બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૧૫૨ શૅરની સામે ૧૧૦૯ કાઉન્ટર ઘટ્યાં છે. IT બેન્ચમાર્ક સવાત્રણ ટકા કે ૮૮૪ પૉઇન્ટ આગળ વધ્યો છે. રિયલ્ટી ૧.૪ ટકા, પાવર, ઑઇલ, ગૅસ, યુટિલિટીઝ, PSU બૅન્ક નિફ્ટી મીડિયા જેવાં સેક્ટોરલ અડધાથી એક ટકો પ્લસ હતાં. હેલ્થકૅર ઇન્ડેક્સ ૪૭,૭૭૩ની ઑલટાઇમ હાઈ બનાવી ૨૬૨ પૉઇન્ટ વધીને ૪૭,૫૬૦ હતો.
ADVERTISEMENT
ઇન્ફોસિસ ૪.૮ ટકાની આગેકૂચમાં ૧૧૯૭ બંધ આપીને બન્ને બજારમાં મોખરે રહીને ૧૬૧ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. HCL ટેક્નૉલૉજીઝ ૨.૭ ટકા, TCS ૧.૯ ટકા, ટેક મહિન્દ્ર અઢી ટકા પ્લસ હતી. વિપ્રો દોઢ ટકા અને લાટિમ ૪.૨ ટકા વધી છે. અન્યમાં એટર્નલ ૨.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૦.૯ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર સવાબે ટકા, HDFC લાઇફ એકાદ ટકો, SBI લાઇફ ૧.૧ ટકા, મૅક્સ હેલ્થકૅર એક ટકો વધી હતી. કોટક મહિન્દ્ર બૅન્ક અઢી ટકાની નરમાઈમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. અલ્ટ્રાટેક પોણાબે ટકા, ટાઇટન ૧.૬ ટકા, ભારતી ઍરટેલ સવા ટકો ઘટી છે. MCX ૩૪૪૭ના શિખરે જઈ બે ટકા વધીને ૩૪૧૫ તથા BSE લિમિટેડ ૪૨૯૯ની નવી વિક્રમી સપાટી હાંસલ કરીને પોણાબે ટકા વધીને ૪૧૯૧ રહી છે.
૬૩મૂન્સ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૨૧૦ ટકાના વધારામાં ૧૫૮ કરોડની આવક પર ૧૦૪ ટકા વૃદ્ધિદરમાં ૨૨૫૦ લાખ જેવો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૭૧૧ થઈ ૨.૩ ટકાની આગેકૂચમાં ૬૯૫ બંધ રહ્યો છે.
રિઝલ્ટના જોરમાં અપોલો માઇક્રો તગડા વૉલ્યુમે નવા શિખરે
એસ્ટ્રલ લિમિટેડે ૧૮.૮ ટકા વધારામાં ૨૧૩ કરોડનો નેટ નફો તથા ૨૪.૨ ટકાના વધારામાં ૨૦૮૯ કરોડની આવક દર્શાવી છે. શૅર ગઈ કાલે સવાછ ટકા ઘટીને ૧૪૪૮ હતો. ડિફેન્સ કંપની અપોલો માઇક્રોસિસ્ટમ્સે ૮૧.૬ ટકાના વધારામાં ૨૯૩ કરોડની આવક પર ૧૬૮ ટકાના વૃદ્ધિદરમાં ૩૭૬૦ લાખ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ૩૫૭ની ટૉપ બતાવી ૯.૫ ટકા વધી ૩૪૦ હતો. યુરેકા ફૉર્બ્સ દ્વારા ૧૧.૬ ટકા વધારામાં ૬૮૪ કરોડની આવક પર ત્રણ ટકા વૃદ્ધિદરથી ૫૧ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ૫૨૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૪૮૦ થઈ સવા ટકો ઘટીને ૪૮૬ હતો.
કોચીન શિપયાર્ડની ત્રિમાસિક આવક ૧૫.૬ ટકા ઘટીને ૧૪૮૪ કરોડ તથા નફો પોણાચાર ટકા ઘટીને ૨૭૬ કરોડ આવતાં શૅર આગલા દિવસની ખરાબી બાદ ગઈ કાલે દોઢ ટકા ઘટીને ૧૪૯૦ હતો. ઇન્ડિયન ઑઇલની આવક ૭ ટકા વધી ૨.૩૭ લાખ કરોડ જેવી થઈ છે. નેટ પ્રૉફિટ ૭૮ ટકા ઊંચકાઈ ૧૪૪૫૮ કરોડ નોંધાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૬ થઈ ૨.૪ ટકા વધી ૧૩૫ હતો. રિયલ્ટી કંપની પૂર્વન્કારા લિમિટેડે ૧૭૭ ટકાના વધારામાં ૧૫૦૨ કરોડની આવક પર અગાઉની ૮૮ કરોડની નેટ લૉસ સામે ૧૧૦ કરોડ નફો કર્યો છે. એમાં શૅર ૩૭ ગણા કામકાજે ૨૪૯ વટાવીને સવાનવ ટકા ઊછળીને ૨૩૩ થયો છે. ત્રિવેણી ટર્બાઇનની આવક ૨૬.૩ ટકા વધીને ૬૭૯ કરોડ વટાવી ગઈ છે. નફો સાડાઆઠ ટકા વધીને ૧૦૨ કરોડ જેવો થયો છે. શૅર નીચામાં ૫૬૧ની અંદર જઈ તગડા બાઉન્સ બૅકમાં ૬૫૫ બનાવી ૭.૩ ટકા વધી ૬૩૮ બંધ થયો છે.
અમેરિકાએ અદાણી સામે કાર્યવાહી પડતી મૂકી, શૅર આંશિક સુધર્યા
અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ તરફથી ગૌતમ અદાણી તથા સાગર અદાણી સામે તમામ ક્રિમિનલ ચાર્જિસ પડતા મુકાયાના અહેવાલ છે. મતલબ કે બહુ ગાજેલો આ હાઈ-પ્રોફાઇલ કેસ હવે બંધ કરી દેવામાં આવ્યો છે. આંશિક ખુશાલી ગઈ કાલે અદાણી ગ્રુપના શૅરોમાં દેખાઈ છે. ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરમાં ૨૭૭૪ને વટાવી સવા ટકો વધી ૨૭૨૨ બંધ થઈ છે. અદાણી પોર્ટ્સ ઉપરમાં ૧૮૦૫ થઈ ૧.૪ ટકા ઘટીને ૧૭૬૨ હતી. અદાણી પાવર ૨૨૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨૧૯ના લેવલે ફ્લૅટ હતી. અદાણી એનર્જી સૉલ્યુશન્સ ઉપરમાં ૧૩૬૨ થઈ અડધો ટકો ઘટી ૧૩૨૦, અદાણી ગ્રીન ઉપરમાં ૧૪૪૩ બતાવી પોણો ટકો સુધરી ૧૩૭૯, અદાણી ટોટલ ઉપરમાં ૬૩૬ થઈ ૨.૧ ટકા વધી ૬૨૨, ACC ઉપરમાં ૧૩૮૨ થઈ નજીવો વધી ૧૩૬૨, અંબુજા સિમેન્ટ્સ ઉપરમાં ૪૩૪ બતાવી અડધો ટકો વધી ૪૩૨, NDTV ૮૨.૮૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૯ ટકા ઊછળીને ૭૭.૪૫, PSP પ્રોજેક્ટ્સ ૭૮૯ થઈ ૧.૪ ટકા વધીને ૭૬૬, સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ૮૯૮ થઈ સવા ટકો ઘટીને ૮૬૮, ઓરિયેન્ટ સિમેન્ટ્સ ૧૩૭ થઈ એક ટકો સુધરી ૧૩૫ બંધ રહી છે.
મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ૧૩૪૪ થઈને એક ટકો ઘટી ૧૩૨૨ હતી. જિયો ફાઇનૅન્સ સામાન્ય સુધારે ૨૩૩ રહી છે. ગ્રુપના અન્ય શૅરમાં નેટવર્ક૧૮ બે ટકા સુધરી ૩૨, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા ૭૪૩ના લેવલે ફ્લૅટ, ડૅન નેટવર્ક ૩.૪ ટકા વધી ૨૬ પર, સ્ટર્લિંગ-વિલ્સન ૧.૪ ટકા વધી ૧૯૮, હેથવે કેબલ્સ ૨.૭ ટકા વધી ૧૦.૩૧ તથા લોટસ ચૉકલેટ નજીવા સુધારામાં ૬૯૩ બંધ રહી છે.
ગોલ્ડલાઇન ફાર્મા તથા RFBL ફ્લેક્સીનું લિસ્ટિંગ સારું ગયું
ગઈ કાલે નાગપુરની ગોલ્ડલાઇન ફાર્મા ૧૦ના શૅરદીઠ ૪૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૮થી શરૂ થઈ ઉપરમાં ૨૫ થયા બાદ છેલ્લે બોલાતા ૧૫ના પ્રીમિયમ સામે BSEમાં ૬૦ ખૂલી ૫૬.૭૭ બંધ રહેતાં એમાં ૩૨ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આશરે ૧૨ કરોડનો આ ઇશ્યુ કુલ ૮૪૧ ગણો છલકાયો હતો. ગુજરાતના હિંમતનગરની RFBL ફ્લેક્સી પૅક ૧૦ના શૅરદીઠ ૫૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં એક જ દિવસ બોલાયેલા ચારના પ્રીમિયમ પછી ઝીરો રેટ સામે ગઈ કાલે NSE ખાતે ૫૨.૫૦ ખૂલી ૫૫ બંધ થતાં ૧૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન એમાં મળ્યો છે. NEP સંપૂર્ણ ફૂડ્સનો ૧૦ના શૅરદીઠ ૫૫ના ભાવનો ૨૫ કરોડનો NSE SME IPO ૨૦મીએ બંધ થવાનો છે. ભરણું અત્યાર સુધીમાં કુલ એક ગણું ભરાયું છે. ટિમટેક ફૉર્મવર્કનો પાંચના શૅરદીઠ આશરે ૫૦ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩૫ ટકા સહિત કુલ ૫૪ ટકા ભરાયો છે. હાલ NEP સંપૂર્ણ ફૂડ્સમાં ૬નું પ્રીમિયમ છે.
અગાઉ પ્રીમિયર ઑટો ઇલેક્ટ્રિક તરીકે ઓળખાતી PAE લિમિટેડ ૧૦નો એક એવા એક શૅરદીઠ ૬ બોનસ શૅરમાં ૨૫મીએ એક્સ-બોનસ થવાની છે. ભાવ ૧૮ મેએ ૩૨.૫૦ના ૧૫ વર્ષના શિખરે બંધ થયો છે. ૭ જાન્યુઆરીએ ભાવ ૬.૯૦ના તળિયે હતો. વરલીની આ ગુજ્જુ કંપનીની ઇક્વિટી માત્ર એક કરોડની છે. ૯૫ ટકા માલ પ્રમોટર્સ પાસે છે. રિઝર્વ ફક્ત ૩૩ લાખ રૂપિયા છે. તો પછી શૅરદીઠ ૬ બોનસ ક્યાંથી આપશે? કંપનીએ ગયા વર્ષે ૨૫૩ લાખની આવક પર ૩૩ લાખ નફો કર્યો છે. કંપની ઑટોમોબાઇલ બૅટરીઝ તેમ જ પાર્ટ્સનું વેચાણ કરે છે. ૨૦૦૯ની ૧ ડિસેમ્બરે શૅર ૫૭ના બેસ્ટ લેવલે ગયો હતો. કંપનીએ ૨૦૨૪-’૨૫ના વર્ષે ઝીરો રેવન્યુ પર ૧૩૪૮ લાખનો નેટ નફો બતાવ્યો હતો. ઑડિટર્સે કંપનીના કામકાજને લઈને પ્રતિકૂળ અભિપ્રાય આપ્યો છે.
સુરતની હરિકાન્તા સહિત આજે બે SME ભરણાં ખૂલશે
મેઇન બોર્ડ ઠંડું છે. SME IPOની સરવાણી ચાલુ છે. આજે બુધવારે બે નવાં ભરણાં ખૂલવાનાં છે. ગુજરાતના સુરતની હરિકાન્તા ઓવરસીઝ ૧૦ના શૅરદીઠ ૯૬ની અપરબૅન્ડમાં ૨૫૬૩ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. QIB પોર્શન ભરણામાં ૨.૧ ટકા તથા રીટેલ પોર્શન ૪૯ ટકા જેવો છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની સિન્થેટિક ટેક્સટાઇલ ફૅબ્રિક્સ બનાવે છે. કંપનીનો અગાઉનો ટ્રૅક-રેકૉર્ડ આપવાનું ટાળવામાં આવ્યું છે. ૨૦૨૪-’૨૫ના વર્ષે ૩૫૫૦ લાખની આવક પર ૪૪૭ લાખ નફો કર્યા પછી કંપનીએ ગયા વર્ષે ૮ મહિનામાં ૨૬૨૮ લાખની આવક પર ૫૦૯ લાખ નફો બતાવી દીધો છે. મર્ચન્ટ બૅન્કરનો ટ્રૅક-રેકૉર્ડ નબળો છે. ૨૦૧૮માં સ્થપાયેલી કંપનીએ ભરણું લાવતી વખતે અગાઉનો ટ્રૅક-રેકૉર્ડ આપવાનું ટાળીને સીધી ૨૦૨૪-’૨૫થી શરૂઆત કરી છે. કારણ કે અગાઉની કામગીરીમાં કશી ભલીવાર નથી. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
બીજી કંપની નવી દિલ્હીની વિગોરામા પંજાબી અંજિઠી લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૭૭ના ભાવે ૩૮૩૮ લાખનો BSE SME ઇશ્યુ આજે કરશે. એમાંથી ૮ કરોડ રૂપિયા OFS પેટે પ્રમોટર્સના ઘરમાં જશે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા અને રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની મુખ્યત્વે પંજાબી સ્ટાઇલનું ફૂડ સર્વ કરે છે. એ હાલમાં દિલ્હી NCR એરિયામાં બે ડાઇનિંગ હૉલ તેમ જ ૧૯ ક્લાઉડ કિચન ચલાવે છે. વર્ષ ૨૦૨૪-’૨૫માં ૫૩.૮ ટકા વધારામાં ૧૦૨ કરોડની આવક પર ૭૭.૨ ટકા વૃદ્ધિદરથી ૮૨૨ લાખ નેટ નફો કર્યા બાદ કંપનીએ ગયા વર્ષે ૯ મહિનામાં ૧૦૫ કરોડની આવક અને ૯૦૪ લાખ નફો બનાવ્યો છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ ઝીરો છે. લીડ મૅનેજરનો ટ્રૅક રેકૉર્ડ નબળો છે. ગ્રેમાર્કેટમાં ૮થી પ્રીમિયમ શરૂ થયું છે એ વધીને ૧૫ થયા બાદ હાલમાં ૧૫ બોલાય છે.
