તુર્ભે પોલીસે અજાણી વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને મહિલાની હત્યા માટે જવાબદાર લોકોને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
ઘરેથી નાની-મોટી ખરીદી કરવા નીકળેલી વૃદ્ધાનો હત્યા કરાયેલો મૃતદેહ ગૂણીમાં ભરેલો મળી આવ્યો હતો.
તુર્ભેની ગીચ વસ્તીમાં આવેલા સ્ટોરની બહાર ૬૬ વર્ષની એક મહિલાની હત્યા કરીને તેના મૃતદેહને એક ગૂણીમાં ભરીને મૂકી દેવામાં આવ્યો હોવાની બાતમી ફેલાતાં સ્થાનિક રહેવાસીઓમાં આઘાત અને ગભરાટ ફેલાયા હતા. મરનાર મહિલા તુર્ભેના કે.કે.આર. રોડ વિસ્તારની રહેવાસી અઝહરુન્નિસા અબ્દુલ વાહિદ ખાન હતી. તુર્ભે પોલીસે અજાણી વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને મહિલાની હત્યા માટે જવાબદાર લોકોને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
અઝહરુન્નિસા સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યે સ્થાનિક બજારમાંથી શાકભાજી ખરીદવા માટે ઘરેથી નીકળી હતી. તે મોડી રાત સુધી ઘરે પાછી ન આવી ત્યારે ચિંતિત પરિવારના સભ્યોએ તુર્ભે પોલીસ-સ્ટેશનમાં તેના મિસિંગની ફરિયાદ નોંધાવતાં પહેલાં નજીકના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પોલીસને ગઈ કાલે સવારે ૩ વાગ્યાની આસપાસ શિવશક્તિનગરમાં ઘર-નંબર ૨૬૫ પાસે એક શંકાસ્પદ ગૂણી પડી હોવાની માહિતી મળી હતી. ગૂણીમાં વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પરિવારના સભ્યોએ બાદમાં એ અઝહરુન્નિસા ખાન જ હતી એ ઓળખી કાઢ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે લાશ તેના ઘરથી માંડ ૧૦૦થી ૧૫૦ મીટર દૂર મળી આવી હતી. આ ઘટનાએ ગંભીર ચિંતા ઊભી કરી છે કારણ કે આ વિસ્તાર ગીચ વસ્તી ધરાવતો છે અને સામાન્ય રીતે સાંજના સમયે લોકોથી ભરેલો હોય છે. પ્રાથમિક તપાસ દરમ્યાન પોલીસે નજીકનાં સ્થળોએથી CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં અને સોમવારે સાંજે ઘરેથી નીકળ્યા પછી મહિલા આ વિસ્તારમાં ફરતી જોવા મળી હતી. જોકે હત્યા પાછળનો હેતુ જાણવા મળ્યો નથી કે આરોપીની ઓળખ થઈ શકી નથી.
