૨૧૪૦ કરોડ રૂપિયાના ખર્ચે હવે આખા મુંબઈ પર રાખવામાં આવશે બાજનજર
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ ગુનો ઉકેલવા અને ગુનેગારોનું પગેરું મેળવવા CCTV કૅમેરા મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે મુંબઈગરાઓની સુરક્ષા માટે અત્યાધુનિક એવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ CCTV કૅમેરાનો ઉપયોગ કરવામાં આવશે. શહેરની સુરક્ષા માટે ૨૧૪૦ કરોડ રૂપિયાનો સર્વેલન્સ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત ૧૫,૦૦૦ AI-પાવર્ડ CCTV કૅમેરા આખા મુંબઈમાં બેસાડવામાં આવશે.
આ મહિનામાં શરૂ થનારા પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટૉલ થનારા કૅમેરામાં ફેશ્યલ-રેકગ્નિશન, સ્પીડ-ડિટેક્શન, બિહેવિયરલ ઍનૅલિસિસ જેવાં ફીચર્સ હશે જે શહેરની સુરક્ષાવ્યવસ્થાને વધુ મજબૂત કરશે. અત્યાર સુધી મુંબઈ પોલીસ CCTV સર્વેલન્સ પ્રોજેક્ટ હેઠળ ૧૦,૦૦૦ CCTV કૅમેરા બેસાડી ચૂકી છે. જોકે હવે પ્રોજેક્ટના નવા તબક્કામાં AI-પાવર્ડ CCTV કૅમેરા બેસાડવામાં આવશે.
ADVERTISEMENT
ટ્રાફિક-મૉનિટરિંગ, ઇન્સિડન્ટ-રિસ્પૉન્સ માટે બનશે ઉપયોગી
કૅમેરાનું લાઇવ ફીડ કાયદો-વ્યવસ્થા સંભાળતી એજન્સીઓને પહોંચશે જેથી નાગરિકોની સુરક્ષા ઉપરાંત ટ્રાફિક મૉનિટરિંગ-મૅનેજમેન્ટ, ડિઝૅસ્ટર રિસ્પૉન્સ, અર્બન મૉનિટરિંગમાં પણ વધુ સરળતા રહેશે. અકસ્માત જેવી કોઈ ઘટના બને તો તાત્કાલિક મદદ પહોંચાડવામાં પણ અપગ્રેડ થયેલી સિસ્ટમ ઉપયોગી ઠરશે.
