Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ ૧૦૦ ડૉલર નજીક જતાં વિશ્વની ફાસ્ટેસ્ટ ઇકૉનૉમીના શૅરબજારની હાલત બગડી

ક્રૂડ ૧૦૦ ડૉલર નજીક જતાં વિશ્વની ફાસ્ટેસ્ટ ઇકૉનૉમીના શૅરબજારની હાલત બગડી

Published : 09 September, 2026 09:34 AM | IST | Mumbai
Anil Patel

આજે એકસાથે ૯ IPO આવે છે, એમાંથી ૬ તો મેઇન બોર્ડના

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કસીનો સેશનમાં એક્સપાયરીના ખેલમાં નિફ્ટી માંડ ૧૦ મિનિટમાં જ કુલ ૮૦૦ પૉઇન્ટ ઉપર-નીચે થયો : TBZ લિમિટેડ લાઇફટાઇમ હાઈનો શિરસ્તો આગળ વધારતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં બંધ : ગ્રેમાર્કેટ ખાતે NSEના પ્રીમિયમમાં ઘટાડા વચ્ચે પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સ તેમ જ IFCIમાં ખરાબી : તાજેતરમાં લિસ્ટેડ નાશિકની ESDS સૉફ્ટવેર બૅક-ટુ-બૅક ઉપલી સર્કિટ સાથે ૨૧૫ના ઉછાળે નવા શિખરે : SBI લાઇફ ૧૬ માસની બૉટમ સાથે નિફ્ટીમાં ટૉપ લુઝર 

‘હુતી’ તરફથી ઈરાનના સમર્થનમાં શરૂ થયેલા નવા ઘાતક હુમલાના પગલે બ્રૅન્ટ ક્રૂડ ૧૦૦ ડૉલર નજીક પહોંચી ગયું છે, પરંતુ એશિયા-યુરોપનાં બજારોમાં અેની ખાસ મોટી તાત્કાલિક અસર વરતાઈ નથી. જપાન એક ટકો તો હૉન્ગકૉન્ગ, તાઇવાન અને સાઉથ કોરિયા અડધો ટકો ઘટ્યાં છે. ઇન્ડોનેશિયા એક ટકો તો ચાઇના અને થાઇલૅન્ડ સાધારણ વધ્યાં છે. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસ સાથે લગભગ ફ્લૅટ રહ્યાં છે. બિટકૉઇન પોણો ટકો ઘટી ૭૮,૪૩૪ ડૉલર થયો છે. હાજર સોનું નજીવું તો કૉમેક્સ ગોલ્ડ પોણો ટકો નરમ હતું. ડૉલર સામે રૂપિયો ૯૪.૫૦ના આગલા બંધ સામે ૯૪.૯૦ થઈ ૯૪.૮૨ ચાલતો હતો. શૅરબજાર ઘરઆંગણે વધુ માયૂસ થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૬૩ પૉઇન્ટ નરમ, ૭૫,૯૭૦ ખૂલી ૫૫૫ પૉઇન્ટ કે પોણો ટકો ખરડાઈ ૭૫,૫૭૭ તથા નિફ્ટી ૧૪૪ પૉઇન્ટ કે ૦.૬ ટકાની નબળાઈમાં ૨૩,૬૩૫ બંધ થયો છે. આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહેલા માર્કેટમાં સેન્સેક્સ ઉપરમાં ૭૬,૦૧૨ તથા નીચામાં ૭૫,૫૫૩ થયો હતો. કસીનો સેશન ચાલુ થયું અે પૂર્વે સેન્સેક્સ લગભગ ૭૫,૯૯૫ તથા નિફ્ટી ૨૩,૬૪૦ હતો. મઝાની વાત એ છે કે CAS શરૂ થયું ત્યારે નિફ્ટી ગણતરીની મિનિટમાં જ તૂટી સીધો ૨૩,૩૭૪ થયો હતો અને એટલી જ ઝડપે બાઉન્સ-બૅક થઈ ૨૩,૬૩૫ના લેવલે ગયો હતો. કુલ માંડ ૮-૯ મિનિટમાં નિફ્ટીમાં ૮૦૦ પૉઇન્ટથી વધુની ઊથલપાથલ થઈ ગઈ હતી. આને કસીનો નહીં તો બીજું શું કહેવાય?
રસાકસીની માર્કેટબ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૭૧૦ શૅર સામે ૧૮૩૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪૦,૦૦૦ કરોડ ઘટી ૪૮૬.૨૧ લાખ કરોડ થયું છે. મોટા ભાગનાં સેક્ટોરલ ડાઉન થયાં છે. બૅન્ક નિફ્ટી નરમાઈની હૅટ-ટ્રિકમાં અડધો ટકો કે ૩૧૧ પૉઇન્ટ ઘટી ૫૬,૭૭૭ થઈ ગયો છે.



નિફ્ટી ખાતે SBI લાઇફ ૧૬૯૬ની ૧૬ માસની બૉટમ બનાવી બે ટકા બગડી ત્યાં જ બંધ આપી ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સમાં ICICI બૅન્ક બે ટકા ગગડી ૧૩૯૯ના બંધમાં ટૉપ લૂઝર બની બજારને ૧૭૨ પૉઇન્ટ નડી છે. અત્રે અૅક્સિસ બૅન્ક પોણાબે ટકા, કોટક બૅન્ક સવા ટકો, HDFC બૅન્ક ૧.૧ ટકા ડાઉન હતી. ઘટેલા અન્ય શૅરમાં અલ્ટ્રાટેક સવા ટકો, લાર્સન પોણો ટકો (નિફ્ટીમાં ૧.૩ ટકા), રિલાયન્સ ૧.૨ ટકા, સનફાર્મા એક ટકા, મારુતિ એક ટકા નજીક, ટ્રેન્ટ પોણો ટકો, નિફ્ટી ખાતે સિપ્લા ૦.૮ ટકા, તાતા સ્ટીલ ૦.૮ ટકા ઘટી છે. ભારત ઇલેક્ટ્રિકલ્સ દોઢેક ટકો વધી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. અદાણી પોર્ટ્સ એક ટકો, હિન્દુસ્તાન યુનિલીવર પોણો ટકો, ઇન્ડિગો અડધો ટકો, ONGC એક ટકો, આઇશર એકાદ ટકો પ્લસ હતી.


TBZ લિમિટેડ ઑલટાઇમ હાઈનો સિલસિલો આગળ વધારતાં ૫૪૬ના નવા બેસ્ટ લેવલે જઈ નવી સુધારેલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ત્યાં જ બંધ આવી છે. અન્ય જ્વેલરી શૅરમાં સ્વર્ણ સરિતા ૧૦.૪ ટકા, SRM જ્વેલ્સ સાડાઆઠ ટકા, મનોજ વૈભવ જ્વેલર્સ સવાસાત ટકા, AJC જ્વેલ્સ પાંચ ટકા મજબૂત બની છે. શાંકેશ જ્વેલર્સ સવાસાત ટકા તૂટી ૯૫ નીચે ગઈ છે. રાધિકા જ્વેલ્સ ૬.૩ ટકા, RBZ જ્વેલર્સ ૪ ટકા, પ્રાયોરિટી જ્વેલ્સ પોણાચાર ટકા, મનોજ વૈભવ જેમ્સ ૩ ટકા ઝંખવાઈ હતી. ૨૦૦ કરોડના કરપ્શન કાંડના પગલે આગલા દિવસે ગગડેલી PVR આઇનૉક્સ મૅનેજમેન્ટના સ્પષ્ટીકરણ બાદ ગઈ કાલે ઉપરમાં ૧૨૪૨ વટાવી ૬.૧ ટકા બાઉન્સ થઈ ૧૨૨૮ રહી છે.

‘કલ હો ના હો’ જેવા તાલમાં આજે એકસાથે ૯ ભરણાં મૂડીબજારમાં આવશે


દુનિયામાં જાણે કે ૧૦મીનો સૂરજ ઊગવાનો જ ન હોય એમ કે પછી જ્યોતિષની દૃષ્ટિએ હવે પછી બીજો કોઈ ઉત્તમ દિવસ આવવાનો જ ન હોય અેવા તાલમાં આજે, બુધવારે ૯ IPO એકસાથે ખૂલવાનાં છે. અેમાંથી ૬ ભરણાં મેઇન બોર્ડનાં છે જે તાજેતરના ભૂતકાળનો એક વિક્રમ છે. બેન્ગલોરની રેન્ટોમોજો લિમિટેડ એકના શૅરદીઠ ૪૦૪ની અપરબેન્ડમાં ૧૧૦૬ કરોડની ઑફર ફૉર સહિત કુલ ૧૨૫૬ કરોડનું ભરણું આજે કરશે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપની ગ્રાહકોને ઑનલાઇન ધોરણે ભાડેથી કે સબસ્ક્રીપ્શનથી ઘરવપરાશ માટેનું ફર્નિચર તથા એપ્લાયન્સિસ પૂરાં પાડે છે. કંપનીએ ગયા વર્ષે ૪૫ ટકા વધારામાં ૩૯૪ કરોડની આવક ઉપર ૧૪૨ ટકા વૃદ્ધિદરથી ૧૦૪ કરોડ નફો બતાવ્યો છે. દેવું ૧૮૭ કરોડ છે. બે વર્ષ પૂર્વે આવક ૧૯૬ કરોડ અને નફો માત્ર ૨૨૪૧ લાખ હતો. ગ્રેમાર્કેટમાં ૭૯થી શરૂ થયેલું પ્રીમિયમ ૧૫૫ થઈ હાલ ૧૨૫ છે. બીજી કંપની મુંબઈના દાદર-વેસ્ટ ખાતેની આર્સિલ અર્થાત એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૩૯ની અપરબેન્ડમાં ૭૩૩ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કરવાની છે. ૨૦૦૨માં સ્થપાયેલી આ કંપની બૅન્કો-નાણાસંસ્થાઓ પાસેથી સ્ટ્રેસ્ડ અૅસેટ્સ હસ્તગત કરી લેણાંની મહત્તમ વસૂલાત થાય અે રીતે રીઝોલ્યુશન-સ્ટ્રેટેજી તૈયાર કરી અેમાંથી કમાણી કરે છે. ગત વર્ષે ૨૬ ટકા વધારામાં ૭૮૫ કરોડની આવક ઉપર ૧૫ ટકા વધારામાં ૪૦૮ કરોડ નફો કર્યો છે. દેવું ૧૨૦૫ કરોડ છે જે બે વર્ષ પૂર્વે ૧૫૦ કરોડ હતું. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૨૬થી શરૂ થઈ હાલ ૨૯ છે.

ત્રીજી કંપની મનીપાલ પેમેન્ટ અૅન્ડ આઇડેન્ટિટી સૉલ્યુશન્સ બેના શૅરદીઠ ૩૩૯ની અપરબેન્ડમાં ૪૮૫ કરોડની OFS સહિત કુલ ૮૦૫ કરોડનો ઇશ્યુ લાવી રહી છે. QIB પોર્શન ૭૫ ટકા છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૬ ટકા વધારામાં ૧૩૫૬ કરોડ આવક ઉપર ૧૦ ટકા ઘટાડામાં ૨૫૩ કરોડ નફો કર્યો છે. કંપની ડેટ-ફ્રી છે. પ્રીમિયમ ૨૯થી શરૂ થઈ હાલમાં વધીને ૩૫ ચાલે છે. ગુજરાતના સુરતની સ્ટીમ હાઉસ ઇન્ડિયા બેના શૅરદીઠ ૮૧ની અપરબેન્ડમાં ૬૧ કરોડની OFS સહિત કુલ ૪૧૪ કરોડનું ભરણું કરવાની છે. કંપની પાઇપલાઇન મારફત વિવિધ ઉદ્યોગોને સ્ટીમ તથા નાઇટ્રોજન સપ્લાય કરે છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૨૪ ટકા વધારામાં ૪૯૫ કરોડ આવક ઉપર ૨૪ ટકા વૃદ્ધિદરથી ૩૮૬૪ લાખ નફો કર્યો છે. દેવું ૨૮૨ કરોડ નજીક છે. પ્રીમિયમ શરૂ થયું નથી.

પાંચમી કંપની અમદાવાદની LCE પ્રોજેક્ટ્સ પાંચના શૅરદીઠ ૧૪૬ની અપરબેન્ડમાં ૧૬૯ કરોડની ઑફર ફૉર સેલ સાથે કુલ ૪૨૭ કરોડનો ઇશ્યુ આજે કરશે. ૨૦૧૭માં સ્થપાયેલી આ કંપની ઇરીગેશન તથા વૉટર સપ્લાય સેક્ટરમાં EPC ધોરણે કામકાજ કરે છે. ગત વર્ષે ૨૪ ટકા વધારામાં ૩૬૩૯ કરોડ આવક ઉપર ૨૮ ટકા વધારામાં ૨૮૬ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. દેવું વધતું રહી ૮૬૧ કરોડ નજીક પહોંચ્યું છે. પ્રીમિયમ ૧૭થી શરૂ થઈ અત્યારે ૩૦ ચાલે છે. મુંબઈના અંધેરી-વેસ્ટની કરમતારા એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૨૫૪ની અપરબેન્ડમાં ૨૦૦ કરોડની OFS સહિત કુલ ૮૭૫ કરોડનું ભરણું આજે લાવશે. રિન્યુએબલ એનર્જી તથા ટ્રાન્સમિશન લાઇન્સ માટેની પ્રોડક્ટ્સ બનાવતી ૧૯૯૬માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૩૬ ટકા વધારામાં ૪૩૧૬ કરોડ આવક ઉપર ૬૪ ટકા વૃદ્ધિદર સાથે ૨૨૯ કરોડ નજીક નેટ નફો બતાવ્યો છે. દેવું બેવડાઈ ૧૦૩૦ કરોડ વટાવી ગયું છે. પ્રીમિયમ ૪૦થી શરૂ થઈ હાલ ૬૨ બોલાય છે.

SME સેગમેન્ટમાં પણ ૩ IPO આજે ખૂલશે. નવી દિલ્હીની કેમિકલ કંપની એમટેક એસ્ટર્સ ૧૦ના શૅરદીઠ ૭૫ની અપરબેન્ડમાં ૧૮ કરોડનો BSE SME ઇશ્યુ, અમદાવાદ ખાતેની વિનોદ ટેક્સવર્લ્ડ ૧૦ના શૅરદીઠ ૯૪ના ફિક્સ્ડ રેટથી ૪૩ કરોડનો NSE SME ઇશ્યુ તો રાજકોટની ઇનફ્રેક્સ રીન્યુએબલ ૧૦ના શૅરદીઠ ૧૦૪ની અપરબેન્ડમાં ૭ કરોડની OFS સહિત કુલ ૪૧ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. અત્યારે વિનોદ ટેક્સવર્લ્ડમાં ૮ રૂપિયા, એમટેકમાં ૭ રૂપિયા અને ઇનફ્રેક્સમાં ઝીરો પ્રીમિયમ છે. 

ડિફેન્સ શૅરો લાઇમલાઇટમાં, મિશ્ર ધાતુ નિગમ ૨૬ માસની ટોચે

NSEના મહાકાય IPOની પ્રાઇસ બેન્ડ તેમ જ સાઇઝ હજી નક્કી થઈ નથી, પરંતુ ગ્રેમાર્કેટમાં ૨૮૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઊંચકાઈ ૩૧૦ થયા બાદ ઘટતું રહી ૨૨૧ થઈ ગયું છે. અેની આડઅસર હોય કે પછી પ્રૉફિટ બુકિંગ હોય પણ ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સનો શૅર ગઈ કાલે સવાબે ગણા કામકાજે ૧૯૯ થઈ ૧૧.૨ ટકા તૂટી ૨૦૫ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. NSEના ઇશ્યુના અન્ય લાભાર્થીમાં IFCI પોણાબે ગણા કામકાજે પોણાદસ ટકા ખરડાઈ ૯૩ નીચે અને જનરલ ઇન્શ્યૉરન્સ અડધો ટકો ઘટી ૩૪૮ બંધ હતી. સ્ટેટ બૅન્ક નજીવી પ્લસ તો બૅન્ક ઑફ બરોડા નહીંવત નરમ રહી છે. IDBI બૅન્ક અઢી ગણા વૉલ્યુમે સાડાદસ ટકા તૂટી ૮૧ના બંધમાં સેકન્ડ વર્સ્ટ પર્ફોર્મર ‘એ’ ગ્રુપમાં બની છે. ફાઇઝર ૪૩૦૩ની એપ્રિલ ૨૫ પછીની બૉટમ બનાવી ૬ ટકા કે ૨૮૧ના કડાકામાં ૪૩૧૩ રહી છે.

વિશ્વબજારમાં કૉપર ઑલટાઇમ હાઈ થયું છે. અેના પગલે હિન્દુસ્તાન કૉપર બમણા વૉલ્યુમે ૫૩૭ વટાવી ૪.૭ ટકા વધીને ૫૩૨ વટાવી ગઈ છે. ભાગ્યનગર મેટલ્સ, MSTC અને ઓનિક્સ સોલર પાંચ-પાંચ ટકા મજબૂત હતી. મિશ્ર ધાતુ નિગમ ૪૮૨ની ૨૬ માસની ઊંચી સપાટી નોંધાવી ૭૭ ગણા જંગી વૉલ્યુમે સવાતેર ટકાની તેજીમાં ૪૭૬ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતી. સરકારે ૧.૧૦ લાખ કરોડના લશ્કરી સરંજામની ખરીદીને લીલી ઝંડી આપી છે. અેમાંથી ૯૮ ટકા સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદી થશે. અેની અસરમાં ડિફેન્સ શૅરોમાં સિલેક્ટિવ ઝમક જોવાઈ છે. મિશ્ર ધાતુ નિગમ ઉપરાંત સિયેન્ટ ડીએલએમ ૧૩ ટકા, મિલવર્ક્સ ટેક્નૉલૉજીઝ સાડાનવ ટકા, યુનીમેક સવાનવ ટકા, ડેટા પેટર્ન્સ સાડાસાત ટકા, હિન્દુસ્તાન અૅરોનોટિક્સ સાડાત્રણ ટકા, અૅક્સિસ કેડ્સ ૪.૨ ટકા, JTL ડિફેન્સ પાંચ ટકા, સિગ્મા અૅડ્વાન્સ પાંચ ટકા, રસેલ ટૅક્સિસ સવાછ ટકા, અપોલો માઇક્રો સાડાત્રણ ટકા, એસ્ટ્રા માઇક્રો ૩ ટકા વધી હતી. રેમન્ડ લિમિટેડ ૮૬૯ની નવી ટોચે જઈ ૧૧.૩ ટકાની આગેકૂચમાં ૮૬૦ થઈ છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ખરાબ બજારમાં ૧૯માંથી ૧૮ શૅરના સથવારે અઢી ટકા વધ્યો છે. 

રેઝ ઑફ બિલીફ અને ફ્લાય-હાઈમાં લિસ્ટિંગ લૉસ, દીપા જ્વેલર્સમાં માંડ ૧૦ ટકા રીટર્ન

ગઈ કાલે હૈદરાબાદની દીપા જ્વેલર્સ બેના શૅરદીઠ ૧૭૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૪૭થી શરૂ થઈ ઉપરમાં ૫૫ અને નીચે ૧૮ થયા બાદ ચાલતા ૨૫ના પ્રીમિયમ સામે ૨૨૧ ખૂલી ૧૯૪ બંધ થતાં અેમાં દસેક ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નવી દિલ્હી ખાતેની રેઝ ઑફ બિલીફ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૨૩૯ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૮થી શરૂ થઈ ઉપર ૪૨ થયા બાદ ગગડીને ૧૦ બોલાયા પછી ચાલતા ૧૭ના પ્રીમિયમ સામે ૨૩૯ ખૂલી ૨૨૮ બંધ આવતાં ૪.૬ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. SME સેગમેન્ટમાં અમદાવાદી ફાર્મપીસ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૫૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૨થી શરૂ થયા બાદ ઊછળી ૫૦ થઈ ગયેલા પ્રીમિયમ સામે BSEમાં ૧૧૨ ખૂલી ૧૦૬ બંધ થતાં ૮૦.૫ ટકા લિસ્ટિંગ ગેઇન તેમ જ નવી દિલ્હીની ફ્લાય હાઈ મૅરિટાઇમ ટ્રાવેલ્સ પાંચના શૅરદીઠ ૧૦૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થઈ ઉપર ૨૦ થયા બાદ તૂટી એક રૂપિયે આવી ગયેલા પ્રીમિયમ સામે BSEમાં ૮૨ નીચે ખૂલી ૭૮ નીચે બંધ રહેતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ અેમાં મળી છે. દરમ્યાન આગલા દિવસે સવા ટકા લિસ્ટિંગ લૉસમાં ૫૬૮ બંધ થયેલી પર્પલ સ્ટાઇલ લૅબ્સ ગઈ કાલે નીચામાં ૫૪૦ બતાવી બે ટકા ઘટીને ૫૫૭, ૯ ટકા નજીકના લિસ્ટિંગ ગેઇન સાથે ૫૯ જેવી બંધ રહેલી ફિકેસ ટેક્નૉલૉજીઝ ઉપરમાં ૫૭ દેખાડી નીચલી સર્કિટે પાંચ ટકા ગગડી ૫૬, લગભગ ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૬૫ બંધ રહેલી શાંતિ ઇનઑર્ગેનિક્સ ગઈ કાલે ૧૭૦ની નવી ટૉપ બનાવી ૩.૪ ટકા ઘટી ૧૬૦ નજીક તો ૬૦ ટકા નજીકના લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૭ બંધ રહેલી આશુતોષ ફાઇબર ૧૫૪ ઉપરનું શિખર નોંધાવી ૪.૮ ટકા ઊછળી ત્યાં જ રહી છે. મારફાડ લિસ્ટિંગ ગેઇનના વળતા દિવસે ૨૦ ટકાની તેજીમાં ૧૦૭૫ના શિખરે બંધ થયેલી ESDS સૉફ્ટવેર ગઈ કાલે ૧૨૮૯ ઉપર નવી ટોચ બનાવી ૨૦ ટકા ઊછળી ત્યાં જ રહી છે.

ગઈ કાલે મેઇન બોર્ડમાં ૩ ભરણાં ખૂલ્યાં છે. અેમાં પ્રથમ દિવસે કાનોહર ઇલેક્ટ્રિકલ્સનો બેના શૅરદીઠ ૬૩૨ના ભાવનો ૧૦૫૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં સવાત્રણ ગણા સહિત કુલ ૨.૭ ગણો, મુંબઈની પ્રસોલ કેમિકલ્સનો બેના શૅરદીઠ ૬૭૬ના ભાવનો ૫૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૨ ટકા સહિત કુલ ૪૩ ટકા તથા ગ્લાસવૉલ સિસ્ટમ્સનો બેના શૅરદીઠ ૧૮૨ના ભાવનો ૪૨૮ કરોડનો IPO રીટેલમાં ૩.૭ ગણા સહિત કુલ અઢી ગણો ભરાયો છે. હાલ પ્રસોલમાં ૫૦ રૂપિયાનું, ગ્લાસ વૉલમાં ૫૩નું અને કાનોહરમાં ૨૧૮ પ્રીમિયમ બોલાય છે. મુંબઈની પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો શૅરદીઠ ૧૨૪ના ભાવનો ૩૫૧ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૮.૧ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૪૨ બોલાય છે. SME સેગમેન્ટમાં મુંબઈની ક્વૉલિયન્સ ઇન્ટરનૅશનલનો શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૪૫ કરોડનો ઇશ્યુ ૪૬૦ ગણા પ્રતિસાદમાં પુરો થયો છે. પ્રીમિયમ ૬૫નું છે. અપના લૉજિસ્ટિક્સનો શૅરદીઠ ૬૦ના ભાવનો ૩૪ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૬૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૩થી શરૂ થયા પછી ઊછળીને ૧૦ થયું છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 09:34 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK