પરિણામ પૂર્વે હિટાચી એનર્જી ૧૦૨૪ના ઉછાળે નવા શિખરે : ફોસેકો ઇન્ડિયાનો નફો ત્રણ કરોડ વધતાં ભાવ નવી ટોચે, માર્કેટકૅપ ૪૪૫ કરોડ રૂપિયા વધ્યું
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પરિણામ પૂર્વે હિટાચી એનર્જી ૧૦૨૪ના ઉછાળે નવા શિખરે : ફોસેકો ઇન્ડિયાનો નફો ત્રણ કરોડ વધતાં ભાવ નવી ટોચે, માર્કેટકૅપ ૪૪૫ કરોડ રૂપિયા વધ્યું : HDB ફાઇનૅન્સ નવા વર્સ્ટ લેવલે જઈ ત્રણ ટકા બાઉન્સબૅક થઈ : આક્રમક વિસ્તરણના ઇરાદાની જાહેરાતમાં ડીમાર્ટ ૨૮૪ રૂપિયા વધી ગઈ : તેજીની ઇનિંગ આગળ ધપાવતાં હિન્દ રેક્ટિફાયર્સ ૨૪૩ના ઉછાળે ઑલટાઇમ હાઈ : ઇવેકોના ટ્રક ડિવિઝનના ટેકઓવરની હિલચાલમાં તાતા મોટર્સ ખરડાયો
એશિયન બજારમાં મિશ્રલ વલણ જળવાઈ રહ્યું છે. બુધવારે હૉન્ગકૉન્ગ દોઢ ટકો તથા ઇન્ડોનેશિયા એક ટકા નજીક ઘટાડે મોખરે હતાં. સામે તાઇવાન એક ટકાથી વધુ અને સાઉથ કોરિયા તેમ જ થાઇલૅન્ડ પોણો ટકો સુધર્યાં છે. યુરોપમાં લંડન ફુત્સી રનિંગમાં સાધારણ ઢીલો હતો, પરંતુ અન્ય માર્કેટ સાધારણથી પોણા ટકા સુધી પ્લસ હતાં. બિટકૉઇને ૧.૧૮ લાખ ડૉલરની આસપાસ રમવાનો શિરસ્તો યથાવત્ રાખ્યો છે. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૫૬ પૉઇન્ટ વધી ૮૧,૫૯૪ ખૂલી છેવટે ૧૪૪ પૉઇન્ટની મામૂલી આગેકૂચમાં ૮૧,૪૮૨ નજીક તથા નિફ્ટી ૩૪ પૉઇન્ટ વધી ૨૪,૮૫૫ બંધ રહ્યો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૧,૧૮૭ અને ઉપરમાં ૮૧,૬૧૯ દેખાયો હતો. સેન્સેક્સ નિફ્ટીના નહીંવત્ સુધારા સામે રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો, આ.ટો બેન્ચમાર્ક અડધો ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૭ ટકા, નિફ્ટી મીડિયા પોણા ટકાથી વધુ કપાયો છે. ટેક્નૉલૉજીઝ, આઇટી, કૅપિટલ ગુડ્સ, FMCG જેવાં સેક્ટોરલ સર્વાધિક, ૦.૩ ટકા આસપાસ સુધર્યાં છે. પૉઝિટિવ બાયસવાળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં ૧૫૦૮ શૅર પ્લસ તો ૧૪૬૫ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ૬૮,૦૦૦ કરોડ વધી ૪૫૨.૧૨ લાખ કરોડ રૂપિયા થયું છે.
ADVERTISEMENT
હિટાચી એનર્જી પરિણામ પૂર્વે ૨૧,૩૫૦ની વિક્રમી સપાટી બનાવી સવાપાંચ ટકા કે ૧૦૨૪ની તેજીમાં ૨૦,૮૨૫ રૂપિયા બંધ થયો છે. ફેસવૅલ્યુ બેની છે. ૨૮ જાન્યુઆરીએ ભાવ ૮૭૩૮ના તળિયે હતો. હ્યુન્દાઇ મોટર્સનો નફો ૮ ટકા ઘટી ૧૩૬૯ કરોડ થયો છે. શૅર પોણો ટકો ઘટીને ૨૦૮૫ બંધ હતો. ખરી અસર આજે જોવા મળશે. પીએનબીનો નફો ૪૮ ટકા ગગડી ૧૬૭૫ કરોડ રહ્યો છે. શૅર એક ટકાની નરમાઈમાં ૧૦૮ હતો. પરિણામ પૂર્વે તાતા સ્ટીલ ૧૬૧ના લેવલે લગભગ ફ્લૅટ હતી. ફોસેકો ઇન્ડિયાની આવક ૨૫.૮ ટકા વધી છે, નફો સવાસોળ ટકા વધી ૨૧૫૦ લાખ થયો છે. નફામાં આ ત્રણેક કરોડના વધારા સામે શૅર ગઈ કાલે ૩૬ ગણા વૉલ્યુમે ૫૬૫૪ની ટૉપ દેખાડી સાડાચૌદ ટકા કે ૬૯૭ રૂપિયાની તેજીમાં ૫૫૪૦ બંધ થતાં માર્કેટકૅપ ૪૪૫ કરોડ રૂપિયા વધી ગયું છે. સામે બ્લુડાર્ટનો નફો સાડાઆઠ ટકા ઘટી ૪૮.૮ કરોડ આવ્યો છે. નફો સાડાચાર કરોડ રૂપિયા જેવો ઘટવાની અસરમાં શૅર ૪.૮ ટકા કે ૩૧૧ રૂપિયા ખરડાઈ ૬૧૭૯ બંધ થયો એમાં ૭૩૮ કરોડનું માર્કેટકૅપ સાફ થઈ ગયું છે.
મુમ્બૈયા GNG ઇલેક્ટ્રૉનિક્સમાં ધારણાથી દમદાર લિસ્ટિંગ
સેકન્ડહેન્ડ લૅપટૉપ, ડેસ્કટૉપ તથા ICT ડિવાઇસિસને નવા બનાવી વેચવાનો ધંધો કરતી ઇલેક્ટ્રૉનિક્સ બાઝાર ડોટકૉમવાળી અંધેરી-ઈસ્ટની GNG ઇલેક્ટ્રૉનિક્સ બેના શૅરદીઠ ૨૩૭ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ચાલતા ૩૬૪ અને નીચામાં ૩૨૫ બતાવી ૩૩૩ બંધ થતાં એમાં ૪૦.૭ ટકા કે શૅરદીઠ ૯૬ રૂપિયાનો માતબર લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે સતત ખોટ કરતી બૅન્ગલોરની ઇન્ડીક્યુબ સ્પેસિસ એકના શૅરદીઠ ૨૩૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૨૧૯ નીચે ખૂલી ઉપરમાં ૨૨૩ અને નીચામાં ૨૦૧ થઈ ૨૧૮ બંધ થતાં એમાં આઠ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. આ કંપનીમાં ગ્રે માર્કેટ ખાતે ફૅન્સી જમાવવા ૪૦થી પ્રીમિયમ શરૂ થયું હતું જે સતત ઘટતું રહી છેલ્લે ઝીરો થઈ ગયું હતું. SME TSC ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૦ના પ્રીમિયમ સામે બિલોપાર, ૬૮ ખૂલી ૬૫ની અંદર ગયા બાદ ઉપરમાં ૭૧ બતાવી ત્યાં જ બંધ રહી છે. એમાં બે ટકાનો લિસ્ટિંગ ગેઇન મળેલ છે. જેના SME ભરણામાં સારી ફૅન્સી હતી પણ ૨૧૦ના પ્રીમિયમ સામે ૧૫૦નો જ લિસ્ટિંગ ગેઇન મળ્યો હતો એ પુણેની મોનાર્ક સર્વેયર્સ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૩૮૦ના વર્સ્ટ લેવલે જઈ ત્યાં જ બંધ થઈ છે. હાઈ પ્રોફાઇલ HDB ફાઇનૅન્સ સર્વિસિસ ૭૪૨ની નીચે ઑલટાઇમ તળિયે જઈ બાઉન્સબૅકમાં ૭૯૮ નજીક જઈ ત્રણ ટકા સુધરી ૭૬૮ રહી છે. બ્રિગેડ હોટેલ્સનું લિસ્ટિંગ આજે છે. ગ્રે માર્કેટમાં ૧૭થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડતું રહી ભરણું પૂરું થયા પછી ઝીરો થઈ ગયું છે. શાંતિ ગોલ્ડ શુક્રવારે લિસ્ટિંગમાં જશે. હાલ ૩૮ આસપાસનું પ્રીમિયમ ચાલે છે.
ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૨૯૦ ગણા વૉલ્યુમે ૧૭.૭ ટકા વધ્યો
સરકારની ૮૫.૪ ટકા માલિકીની ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૮૦ ટકાના વધારામાં ૩૯૧ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ થતાં ભાવ ૨૯૦ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૨૦૭ થઈ ૧૭.૭ ટકાની તેજીમાં ૨૦૪ બંધ થયો છે. આર.ઝેડ. ગ્રુપની સ્ટાર હેલ્થનો નફો ૧૭.૭ ટકા ઘટીને ૨૬૨ કરોડ થયો છે. શૅર નીચામાં ૪૨૨ થઈ બાઉન્સબૅકમાં ૪૫૦ બતાવી ૪.૮ ટકા વધી ૪૪૭ રહ્યો છે. જનરલ ઇન્શ્યૉરન્સ ૭ ગણા કામકાજે ૩૯૦ વટાવી ૨.૮ ટકા ઊંચકાઈ ૩૮૨ હતી. ગ્રિવ્સ કૉટન ૧૬ લાખની નેટ લૉસમાંથી ૨૦૮૫ લાખના નેટ નફામાં આવતાં ભાવ ૧૯૭ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૨૧૫ થઈ સવાછ ટકાની મજબૂતીમાં ૨૧૧ જોવાયો છે.
ડીમાર્ટ ફેમ એવન્યુ સુપર માર્ટ તરફથી ક્વિક કૉમર્સને ટક્કર આપવા બમણા રોકાણથી ઝડપી વિસ્તરણની નીતિ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. એના પગલે શૅર ગઈ કાલે ૧૯ ગણા કામકાજમાં ઉપરમાં ૪૩૨૪ બતાવી ૭.૧ ટકા કે ૨૮૪ રૂપિયાના જમ્પમાં ૪૨૮૫ બંધ આવ્યો છે. જ્યુબિલન્ટ ફાર્મોવાનો ત્રિમાસિક નફો ૪૯ ટકા વધી ૧૦૩ કરોડ થતાં શૅર ઉપરમાં ૧૨૫૦ થઈ ૭ ટકાની આગેકૂચમાં ૧૨૩૬ હતો. ટૉરન્ટ ફાર્મા ૩૭૯૦ના નવા શિખરે જઈ ૦.૯ ટકા ઘટી ૩૭૩૫ રહી છે. ત્રિવેણી એન્જીની આવક ૨૩ ટકા વધી ૧૯૨૫ કરોડને વટાવી ગઈ છે, પણ નેટ નફો ૮૬ ટકા ગગડી ૪૪૦ લાખ થયો છે. શૅર નીચામાં ૩૩૯ થઈ સાડાછ ટકા ગગડી ૩૪૩ હતો. વૉલટેમ્પ ટ્રાન્સફૉર્મર્સની આવક-નફો લગભગ ફ્લૅટ રહ્યા છે, પણ ઑર્ડર બુક સ્ટ્રોન્ગ હોવાના ઊભરામાં શૅર ઉપરમાં ૯૨૫૮ થયા બાદ બગડી નીચામાં ૮૮૪૯ બતાવી ૪.૪ ટકા કે ૪૦૬ રૂપિયા ઘટી ૮૮૯૧ હતો.
હિન્દ રેક્ટિફાયર્સે ૮૩ ટકાના વૃદ્ધિદરમાં ૧૨૮૦ લાખનો નેટ નફો મેળવતાં શૅર આગલા દિવસની ૨૦ ટકાની તેજીની સર્કિટને આગળ વધારતાં ૨૦૦૧ની નવી ટૉપ બનાવી ૧૪.૨ ટકા કે ૨૪૩ રૂપિયા ઊછળી ૧૯૫૫ બંધ થયો છે. ફેસવૅલ્યુ બેની છે. બુકવૅલ્યુ ૮૧ ઉપરની છે. છેલ્લે બોનસ જૂન ૨૦૦૮માં જાહેર થયું હતું. ઝુઆરી ઍગ્રો પરિણામની પૂર્વસંધ્યાએ તેજીની સફર જાળવી રાખતાં ૧૯ ગણા કામકાજે ઉપરમાં ૨૯૭નું બેસ્ટ લેવલ દેખાડી ૧૫.૭ ટકાની આગેકૂચમાં ૨૮૭ થઈ છે. નવ માસ પહેલાં ભાવ ૧૫૨ના તળિયે હતો.
આૅલરાઉન્ડ ક્રેઝમાં શ્રી લોટસ ડેવલપર્સનો આઇપીઓ પ્રથમ દિવસે જોરમાં
હાઈ પ્રોફાઇલ NSDLનો બેના શૅરદીઠ ૮૦૦ની અપર બૅન્ડમાં ૪૦૧૧ કરોડ પ્લસનો આઇપીઓ પ્રથમ દિવસે રીટેલમાં ૮૩ ટકા સહિત કુલ ૭૮ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૧૨૬વાળું પ્રીમિયમ વધી ૧૪૦ થયું છે. આનંદ પંડિતની શ્રી લોટસ ડેવલપર્સનો એકના શૅરદીઠ ૧૫૦ના ભાવનો ૭૯૨ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે પોણાચાર ગણો તથા અમદાવાદી એમઍન્ડબી એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૩૮૫ના ભાવનો ૬૫૦ કરોડનો ઇશ્યુ ૫૧ ટકા ભરાયો છે. હાલ શ્રી લોટસમાં ૪૪ તથા એમઍન્ડબીમાં ૬૦નું પ્રીમિયમ છે. જયપુરની લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સનો પાંચના શૅરદીઠ ૧૫૮ના ભાવનો ૨૫૪ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૮૮ ટકા તથા નવી દિલ્હીની CCTV બનાવતી કંપની આદિત્ય ઇન્ફોટેકનો એકના શૅરદીઠ ૬૭૫ની મારફાડ ઇશ્યુ પ્રાઇસ સાથે ૧૩૦૦ કરોડનો આઇપીઓ કુલ ૭ ગણો ભરાયો છે. અત્યારે આદિત્યમાં ૨૮૫ તથા લક્ષ્મી ઇન્ડિયામાં ૩ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.
SME સેગમેન્ટમાં આજે, ગુરુવારે બે નવા ઇશ્યુ ખૂલશે. આઉટડોર ઍડ્વર્ટાઇઝિંગ બિઝનેસમાં પ્રવૃત ચંડીગઢ ખાતેની કૅશ યૉર ડ્રાઇવ માર્કેટિંગ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૩૦ની અપર બૅન્ડમાં ૬૦૭૯ લાખનો NSE SME ઇશ્યુ કરશે. કંપનીએ ગત વર્ષે ૪૫ ટકાના વધારામાં ૧૪૨ કરોડની આવક તથા ૯૨ ટકાના વધારામાં ૧૭૬૮ લાખ નેટ નફો બતાવ્યો છે. ગ્રે માર્કેટમાં ૨૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૩૧ બોલાય છે. રાજકોટની રેનોલ પૉલિકેમ પણ ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવે ૨૫૭૭ લાખનો SME IPO આજે કરશે. કંપનીએ ગત વર્ષે ૮૫૯ ટકાના વધારામાં ૬૨૫૬ લાખની આવક તથા ૨૨૬ ટકા વૃદ્ધિદરથી પાંચ કરોડ નેટ પ્રૉફિટ દેખાડી દીધો છે. ગ્રે માર્કેટમાં ૯નું પ્રીમિયમ સંભળાય છે. ગઈ કાલે જે ત્રણ SME ઇશ્યુ ખુલ્યા છે એમાંથી બીડી ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૪૫૩૬ લાખનો ઇશ્યુ કુલ એક ગણો, મેહુલ કલર્સનો શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૧૬૬ લાખનો ઇશ્યુ કુલ ૯૫ ટકા તથા ટેક્યોર નેટવર્ક્સનો શૅરદીઠ ૫૪ના ભાવનો ૨૦૪૮ લાખનો ઇશ્યુ કુલ બે ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં બીડી ઇન્ડસ્ટ્રીઝમાં ઝીરો, મેહુલ કલર્સમાં ઝીરો તથા ટેક્યોરમાં ઝીરો પ્રીમિયમ છે.
કિટેક્સ ફૅબ્રિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૮૦ના ભાવનો ૬૯૮૧ લાખનો NSE SME ઇશ્યુ આજે, ગુરુવારે પૂરો થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૨.૭ ગણું ભરાઈ ગયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૪૦ રૂપિયા ચાલે છે. રાજકોટની ઉમિયા મોબાઇલનો શૅરદીઠ ૬૬ના ભાવનો ૨૪૮૮ લાખનો SME ઇશ્યુ આખરી દિવસે કુલ ૨.૬ ગણો અને રિપોનો લિમિટેડનો શૅરદીઠ ૯૬ના ભાવનો ૨૬૬૮ લાખનો ઇશ્યુ ૬૫ ગણો ભરાઈ પૂરો થયો છે. રિપોનોમાં હાલ ૨૩ પ્રીમિયમ છે.
રીરેટિંગમાં લાર્સન ૧૭૦ રૂપિયાની તેજી સાથે બેસ્ટ ગેઇનર
ઇજનેરી જાયન્ટ લાર્સને ત્રીસેક ટકાના વધારામાં ૩૬૧૭ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. એકંદર ધારણા ૩૪૬૯ કરોડના નફાની હતી. શૅરમાં રીરેટિંગ શરૂ થયું છે. જેફરીઝે ૪૨૩૦ની અપવર્ડ ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ કરી છે. શૅર ગઈ કાલે સારા વૉલ્યુમ સાથે ઉપરમાં ૩૬૮૫ બતાવી ૪.૯ ટકા કે ૧૭૦ રૂપિયાની તેજીમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બની ૩૬૬૫ બંધમાં બજારને ૧૬૯ પૉઇન્ટ ફળ્યો છે. અન્યમાં NTPC સવા ટકા, તાતા કન્ઝ્યુમર એક ટકા, મારુતિ સુઝુકી ૧.૨ ટકા, સનફાર્મા ૧.૪ ટકા, ભારતી ઍરટેલ ૦.૯ ટકા, ગ્રાસિમ અડધો ટકો, ટ્રેન્ટ પોણા ટકા જેવી પ્લસ હતી. HDFC બૅન્ક ૨૦૩૬ના નવા શિખરે જઈ નજીવા સુધારે ૨૦૨૫ હતી. ICICI બૅન્ક સામાન્ય ઘટી છે. રિલાયન્સ આગલા દિવસની મજબૂતી બાદ અડધો ટકો ઘટીને ૧૪૧૦ રહી છે. જિયો ફાઇનૅન્સ સાધારણ ઘટાડે ૩૨૦ હતી.
તાતા મોટર્સ બમણા કામકાજે નીચામાં ૬૬૫ થઈ ૩.૫ ટકા બગડી ૬૬૮ના બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. કંપની ઇટાલિયન ઇવેકો ગ્રુપના ટ્રક ડિવિઝનને હસ્તગત કરવા અગ્રિમ તબક્કે વાટાઘાટ ચલાવી રહી હોવાના અહેવાલ છે. આ વાતચીત સફળ થાય તો આશરે સાડાચાર અબજ ડૉલર એટલે કે ૩૮,૭૦૦ કરોડ રૂપિયામાં આ ડીલ થશે એમ કહેવાય છે. બાય ધ વે, તાતા મોટર્સે ૨૦૦૮માં બ્રિટિશ જગુઆર લૅન્ડ રોવરને ટેકઓવર કરી એ ડીલની સાઇઝ ૨૩૦ કરોડ ડૉલરની હતી. ઇવેકોના સોદાથી તાતા મોટર્સને જે લાભ થશે એ ભવિષ્યની વાત છે, પરંતુ એના લીધે કંપનીની બૅલૅન્સશિટ ઉપર તાત્કાલિક તો માઠી અસર થવાની આશંકા છે. તાતા મોટર્સનાં પરિણામ ૮મી ઑગસ્ટે છે. ગઈ કાલે આ ઉપરાંત હીરો મોટોકૉર્પ ૧.૭ ટકા, બજાજ ઑટો એક ટકા, કૉલ ઇન્ડિયા એક ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૦.૯ ટકા, એટર્નલ એક ટકા, પાવરગ્રિડ ૧.૪ ટકા, બજાજ ફીનસર્વ પોણો ટકા, સિપ્લા ૦.૯ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણો ટકો નરમ હતી. સ્વિગી પરિણામની પૂર્વસંધ્યાએ ૨.૮ ટકાની નબળાઈમાં ૪૦૨ થઈ છે. TCS નામકે વાસ્તે ઘટી હતી. ઇન્ફી સામાન્ય વધી છે. વિપ્રો ૦.૭ ટકા નરમ હતી. CDSL ગઈ કાલે ૧.૮ ટકા ઘટી ૧૫૧૩ રહી છે. BSE સવા ટકાની કમજોરીમાં ૨૪૫૭ હતી. માથે રિઝલ્ટ વચ્ચે MCX અડધા ટકાની પીછેહઠમાં ૭૮૦૦ થઈ છે.

