હવે ઇન્ટરનેટ ન હોય તો પણ થઈ શકશે ડિજિટલ પેમેન્ટ
ડિજિટલ રૂપિયો
RBIએ ડિજિટલ રૂપિયાની સુવિધાને ગયા અઠવાડિયે મંજૂરી આપી હતી, ૧૫ બૅન્કો દ્વારા ડિજિટલ રૂપિયા માટેનાં વૉલેટ્સ શરૂ કરવામાં આવ્યાં
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં ઑફલાઇન ડિજિટલ રૂપિયો (e `) લૉન્ચ કર્યો છે. ભારતની ડિજિટલ ફાઇનૅન્સ જર્નીમાં આ પગલાને ખૂબ મહત્ત્વનું ગણવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ-2025માં ડિજિટલ રૂપિયાની આ સુવિધાને મંજૂરી આપવામાં આવી હતી. ડિજિટલ રૂપિયાથી લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન ધરાવતા વિસ્તારોમાં પણ ઑનલાઇન ચુકવણી કરી શકશે. રોકડા પૈસે થતી લેવડદેવડની જેમ જ ડિજિટલ રૂપિયાથી થતી લેવડદેવડ પણ તાત્કાલિક પેમેન્ટ કરી આપે છે. અત્યારે ભારતમાં ૧૫ બૅન્કોમાં પ્રાયોગિક ધોરણે પાઇલટ પ્રોજેક્ટરૂપે ડિજિટલ રૂપિયા માટે ડિજિટલ વૉલેટ્સની સુવિધા શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
શું છે ડિજિટલ રૂપિયો? UPIથી એ રૂપિયો કઈ રીતે અલગ છે?
ડિજિટલ રૂપિયો અથવા ડિજિટલ રૂપી કે e`, ભારતની સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC) છે. સાદી ભાષમાં આ આપણા રોકડા રૂપિયાનું ડિજિટલ સ્વરૂપ છે. ડિજિટલ રૂપિયાને પણ RBI દ્વારા જ ઇશ્યુ કરવામાં આવે છે. ડિજિટલ રૂપિયો પણ અમુક બૅન્કો દ્વારા પૂરા પાડવામાં આવેલા ડિજિટલ વૉલેટમાં ભેગો કરી શકાય છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)માં તમામ ટ્રાન્ઝૅક્શન્સ બૅન્ક-ખાતાંઓ વચ્ચે પૈસાની આપ-લે કરે છે, જ્યારે ડિજિટલ રૂપિયો કૅશની જેમ જ કામ કરે છે. યુઝર દરેક ટ્રાન્ઝૅક્શન માટે બૅન્ક-ખાતા વગર તરત જ પૈસા મોકલી અને મેળવી શકે છે કે પેમેન્ટ કરી શકે છે. ડિજિટલ રૂપિયાના વૉલેટ્સથી UPI QR કોડ્સ સ્કૅન કરીને પણ પેમેન્ટ કરી શકાય છે.
કઈ બૅન્કોએ શરૂ કરી આ સુવિધા?
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI), ICICI બૅન્ક, HDFC, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, કોટક મહિન્દ્ર બૅન્ક, કૅનેરા બૅન્ક, ઍક્સિસ બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક સહિતની ૧૫ બૅન્કોએ ડિજિટલ રૂપિયા માટેનાં વૉલેટ્સ શરૂ કરી દીધાં છે, જે ગૂગલ કે ઍપલના પ્લેસ્ટોરમાંથી ડાઉન કરી શકાય છે. આ વૉલેટમાંથી સીધાં કોઈ પણ ટ્રાન્ઝૅક્શન્સ કરી શકાશે. વૉલેટમાં બૅલૅન્સ પર કોઈ ફી કે મિનિમમ બૅલૅન્સ માટેના કોઈ ચાર્જ નથી.

